મંત્ર (૩૮) ૐ શ્રી સ્વસ્વરૂપાચલસ્થિતયે નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 7:14pm

મંત્ર (૩૮) ૐ શ્રી સ્વસ્વરૂપાચલસ્થિતયે નમઃ

શતાનંદસ્વામી કહે છે, "હે પ્રભુ! તમે સ્વસ્વરૂપમાં અચળ સ્થિતિ વાળા છો. પોતાની સ્થિતિને પ્રભુ કયારેય ભૂલ્યા નથી. પ્રભુ વનમાં ગયા ત્યારે સ્વ સ્વરૂપનું ધ્યાન કરે. ભગવાન કહે છે એવો સાધુ હું છું કે વર્ણ આશ્રમનું માન ન હોય. સાધુપણું પણ કહ્યું અને વર્ણ આશ્રમથી રહિતપણ કહ્યું. પ્રભુ કોઇ વર્ણ કે કોઇ આશ્રમના નથી. પ્રભુ તો વર્ણ આશ્રમના પ્રવર્તક છે. વર્ણ આશ્રમના એ સ્વકર્મી છે, પોતાની સ્થિતિને કયારેય ભૂલ્યા નથી.

પ્રભુ પોતાના સ્વરૂપમાં અચળ નિષ્ઠાવાળા છે. દૃઢ નિષ્ઠાવાળા છે. દૃઢ નિષ્ઠા કોને કહેવાય ? સ્વીકાર કરેલા વ્રત, પ્રતિજ્ઞા અને નિયમનું પૂરેપૂરી તકેદારીથી છેવટ સુધી પાલન કરે તેને દૃઢ નિષ્ઠા કહેવાય. કોઇપણ ભોગે ટેક છોડે નહિ, સમજણપૂર્વક સિદ્ધાંતને અચળ રાખે તેને દૃઢ નિષ્ઠા કહેવાય.

ભગવાન અચળ સ્થિતિવાળા છે. ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય છતાં ભગવાનને જરાય ક્ષોભ નહિ, દુઃખ નહિ, ક્રોધ નહિ, મોહ નહિ, પૂર્ણનિર્મોહી. મન પર કોઇ અસર નહિ, એકધારી સ્થિતિ, કોઇ માન આપે, કોઇ ફૂલના હાર પહેરાવે કોઇ અપમાન કરે છતાં પણ સદાય એક જ સ્થિતિ, જરાય મન ઝાખું થાય નહિ. કોઇ દિવસ પોતાની સ્થિતિમાંથી ફરે નહિ, ડગે નહિ, આવા સ્થિતિપ્રજ્ઞ પરમાત્મા છે. અચલ નિષ્ઠાર્થી છે અને આપણને એક નિષ્ઠા રાખવાનો ઊપદેશ આપે છે.

-: મારા ગુરુના વચનમાં મને દૃઢ વિશ્વાસ છે :-

વચનામૃતમાં શ્રીજીમહારાજે પાર્વતીજીની નિષ્ઠાને વખાણી છે એ કથા બહુ સમજણ માગીલે એવી સરસ છે. પાવર્તીજીએ કઠણ તપ કર્યું તે જાણીએ, મૂર્ત મંત તપશ્ચર્યા. ત્યાં શિવજીએ સપ્ત ઋષિઓને મોકલ્યા કે સતીની પરીક્ષા કરો. એની ટેક કેવી છે તે જોઇ આવો. સાત ઋષિઓ આવ્યા અને કહ્યું "આટલી નાની ઉંમરમાં કઠીન તપ શા માટે કરો છો ?" પાર્વતીજીએ કહ્યું, "પતિ તરીકે સદાશિવ પ્રાપ્ત થાય તેટલા માટે તપ કરું છું." ઋષિઓએ કહ્યું, "તને આવું શીખવ્યું કોણે ?" "મારા ગુરુ નારદજીએ શીખવ્યું છે."

ત્યારે ઋષિઓએ કહ્યું, "નારદના વચન મનાય નહિ, એનાં વચન માને એનાં ઘર વસે નહિ. નારદના વચનમાં વિશ્વાસ ન રખાય." પાર્વતીજીએ કહ્યું "મારા ગુરુમાં મને દૃઢ વિશ્વાસ છે માટે મને ડગાવવાની કોશિશ છોડી દે. કરોડો કરોડો જન્મ ભલે લેવા પડે પણ વરીશ તો એક સદાશિવને."

કોટિ જન્મ લગી રગડ હમારી, વરૂં શંભુ કાં રહું કુંવારી.

સપ્ત ઋષિઓ બોલ્યા, "ધન્ય છે ગિરીજા તને ધન્ય છે. તારી અચલ ટેક જોઇને સદાશિવ જરૂર તારો સ્વીકાર કરશે." આવી અચળ ટેક આપણે ભગવાનમાં રાખવી. વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે, એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો પોતાની દીકરી સરસ્વતીને દેખીને મોહ પામ્યા. એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પરણ્યાનું મન થયું. સ્થિતિમાં સ્થિરતા રહી નહિ.

જેને પરમપદની યાત્રા કરવી હોય, મોક્ષધામનાં સુખ પામવાં હોય તેને સદાય અચળ ટેક રાખીને સત્સંગ કરવો. ગમે તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થાય છતાં પણ ભક્તિમાં મોળા પડવું નહિ.

પૂર્વે કર્યો છે સત્સંગ જેને, સદાય રાખી અચળ ટેક તેને;

પ્રહલાદને દુઃખ અપાર દીધું, સત્સંગ માટે સહુ સાંખી લીધું.

પ્રહલાદજીએ અચળ ટેક રાખી સકંટ સહન કર્યાં તો ભગવાન એની મદદે દોડી આવ્યા અને રક્ષણ કર્યું. નાના બાળ ભકત છતાં પણ હમત રાખીને હરિ ભજન ચાલુ રાખ્યું, તો એનું કામ થઇ ગયું.

વિભીષણે જો સત્સંગ કીધો, તે ભ્રાત બીકે નહિ તજી દીધો;

તેથી પણ દુઃખ વિશેષ થાય, તથાપિ સત્સંગ નહિ તજાય.

રાવણે લાત મારીને વિભીષણને રાજયમાંથી કાઢી મૂકયા, છતાં પણ ભાઇની બીકથી સત્સંગ છોડી દીધો નહિ, પોતાની સ્થિતિમાંથી ડગ્યા નહિ.

-: વાત બરાબર સમજાઇ ગઇ :-

સ્વામી દયાનંદજીને આજે ઓચિંતાની મધરાતે ઉંઘ ઊડી ગઇ. તરત બેઠા થઇ થોડીવાર ભગવાનનું ધ્યાન કર્યુ, પછી આશ્રમમાં ફરવા લાગ્યા. હાથમાં માળા અને મુખમાં હરિનું નામ, આજુબાજુ શાંત વાતાવરણ છે, આકાશમાં બીજનો ચંદ્ર બહુ જ થોડો પ્રકાશ આપી રહ્યો છે. ત્યાં એક માણસ આશ્રમથી બહાર જઇ રહ્યો છે, તરત સ્વામી દયાનંદજી તેની પાસે ગયા.

"કોણ છો ભાઇ ?" "હું આપનો શિષ્ય ધનુરદાસ છું. ગુરુદેવ ! અત્યારે આપ આશ્રમમાં કેમ ફરો છો ? શરીરે સારું નથી ?" સ્વામીએ કહ્યું "શરીરે સારું છે, પણ તું અત્યારે આશ્રમ બહાર કેમ જાય છે ?" શિષ્ય ચૂપ થઇ ગયો "કેમ ધનુર ચૂપ થઇ ગયો ?" ગુરુએ પૂછ્યું "આ થેલામાં શું છે ?" "ગુરુદેવ! થેલામાં મારી પૂજા અને વસ્ત્ર છે." "પૂજા લઇને કેમ અત્યારે જવાનું થયું ? આશ્રમ બહાર જવાનું શું પ્રયોજન છે?"

ધનુરને થયું ગુરુદેવ પાસે છૂપાવવા જેવું નથી એટલે નમ્રતાથી કહ્યું "ગુરુદેવ ! હું આશ્રમ છોડી રહ્યો છું." ગુરુદેવને ખૂબ આશ્ચર્ય થયું. "બેટા ધનુર ! મને જાણ ન કરી અને સીધો આશ્રમ છોડી દે છે ?"

"ગુરુદેવ! જાણ કરવાની ઘણી ઇચ્છા હતી, પણ સંકોચને લીધે બોલી નથી શકાતું." ગુરુ દયાનંદજીએ ભીની આંખે કહ્યું, "બેટા ધનુર! તને શું દુઃખ છે" ધનુરે કહ્યું "ગુરુદેવ ! કાંઇ દુઃખ નથી" ગુરુએ કહ્યું, "તો આશ્રમ કેમ છોડે છે ? કોઇ તારા ગુરુભાઇ થકી કાંઇ મુશ્કેલી છે ?"

"ના ગુરુદેવ, એ તો બધા બરાબર છે, પણ મારું મન અસ્થિર બની ગયું છે, તેથી હું આ આશ્રમના નિયમ પાળી શકું તેમ નથી" એમ કહી રડી પડ્યો.

સ્વામી દયાનંદજી બોલ્યા, "બસ ! આટલી જ વાત છે ને ? આવી બાબતમાં શું આશ્રમ છોડી દેવાય ?"

શિષ્યે કહ્યું, "મને એમ થાય છે કે, નાહકના દંભ કરી આશ્રમમાં રહેવું, ભજનમાં મન સ્થિર ન થાય તો ચાલ્યા જવામાં શું વાંધો છે ? ચાલ્યું જવું એ જ હું ઊત્તમ માનું છું".

બેટા ધનુર ! તારો વિચાર ઊત્તમ છે, પરંતુ તને તારી નબળાઇ ડંખે છે, તેનું તને દુઃખ છે. નબળાઇથી તું ત્રાસી ગયો છે ને ? હા ગુરુદેવ ! ખૂબ ત્રાસી ગયો છું." ત્યારે ગુરુએ કહ્યું, "તારે હવે મનને મજબૂત કરવાની જરૂર છે" ગુરુદેવ કહે છેઃ-

સ્નેહે પ્રભુને ભજી લે વખત વહી જાશે વાતમાં, ઉંઘને આળસ તજી દે વખત વહી જાશે વાતમાં.

કંટક પણ આવશેને કાંકર પણ આવશે, મનને મજબૂત કરી લે ..... વખત વહી૦

કસોટી ખરા ખોટાની થાય છે. સધુમાંથી મોતી વીણી લે ... વખત વહી૦

માયા મમતાનું જોર જબર છે. પ્રભુનું શરણ ગ્રહી લે .... વખતવહી૦

જન્મ સુફળ કરી લે .... વખતવહી૦

ગુરુદેવે ખૂબ ઊપદેશ આપ્યો અને કહ્યું, "તું અહિથી કયાં જવાનો છે ?"

"મેં કાંઇ નક્કી નથી કર્યું." ગુરુએ કહ્યું, "તું જયાં જઇશ ત્યાં તારું મન તારી સાથે હશે કે નહિ ?" "ગુરુદેવ મન તો સાથે જ હોય ને !"

"બેટા તું મનરૂપી જગ્યાને સાફ કરવાને બદલે એના ઊપર ધૂળ નાંખે છે. તું તારી મનની નબળાઇને દૂર કરવાને બદલે તું આશ્રમને છોડી રહ્યો છે. અચળ ટેક રાખવાને બદલે હતાશ થઇ રહ્યો છે. આવો સત્સંગ તને કયાંય નહિ મળે, માટે મનને મજબૂત કરી લે." ગુરુએ કહ્યું, "બેટા ધનુર! આ યોગ્ય ઊકેલ નથી. ભૂલ કે નબળાઇ સમજાઇ જાય તેને દૂર કરવા પ્રયત્નશીલ બનવાને બદલે તું કંટાળીને સત્સંગ છોડીને જતો રહે છે ! બેટા, એનાથી અસ્થિર મન સ્થિર નહિ થાય. બેટા, એ બધા ખોટા વિચારને મૂકીને ભૂલ દૂર કરવાનો પુરુષાર્થ કર, તારી શુભ નિષ્ઠા જ તને ઊગરશે." આટલું બોલી ગુરુદેવ ગળગળા થઇ ગયા.

શિષ્યને વાત બરાબર સમજાઇ ગઇ. ગુરુને પગે લાગીને આશ્રમમાં પાછો વળી ગયો, પોતે પોતાના મન ઊપર કાબૂ રાખીને ભજન શરૂ કર્યું, ધીમે ધીમે મન સ્થિર થયું, મનની નબળાઇ દૂર થઇ અને સાચી જાગૃતિ આવી ગઇ.

શતાનંદસ્વામી કહે છે પ્રભુ! તમે અચળ સ્થિતિવાળા છો અને ભકતજનોને અચળ સ્થિતિમાં રહેવાનો ઊપદેશ આપો છો.

આ જનમંગલની કથામાં અજબ શકિત છે, ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના નામ ગુણ વિભૂતિ અને ઐશ્વર્યથી ભરપુર છે. જયાં ઇષ્ટદેવના નામની કથા થાય ત્યાં સ્વાભાવિક શાંતિહોય જ એકેએક મંત્ર હૃદયની અંદર અને બહાર શાંતિ પથરાઇ જાય એવા તથ્યથી ભરેલો છે. ૧૦૮ મંત્રો છે તેને જપવાથી શાંતિ થાય છે, ચલો શાંતિમાં પ્રવેશ કરીએ.