મંત્ર (૩૭) ૐ શ્રી પાષણ્ડોછેદનપટવે નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 7:10pm

મંત્ર (૩૭) ૐ શ્રી પાષણ્ડોછેદનપટવે નમઃ

શતાનંદસ્વામી કહે છે, "હે પ્રભુ ! તમે પાખંડનું છેદન કરનારા છો. ધર્મ પાંખડથી ઢંકાવા લાગ્યો ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે, આવા પાખંડનું છેદન નહિ કરું તો સાચા વૈરાગ્યવાનને પાખંડીઓ હેરાન કરશે."

ખેડૂતને જમીનમાં બીજ વાવવું હોય તો આજુબાજુનું નકામું ઘાસ દૂર કરવું પડે. પહેલાં ધરતીને પલાડે પછી ખડ ઊગ્યું હોય તેને ખેડીને સાફ કરે, પછી બીજ વાવે. વાવેલું હોય તેને સલામત રાખવું હોય તો નકામો કચરો કાઢવો પડે.

ભગવાન સ્વામિનારાયણે નકામો કચરો હતો જે, પાખંડી પાખંડ કરીને છેતરતા હતા તે કચરો કઢાવ્યો, કેટલાય પાખંડીઓ, બાવાના વેશમાં પેટ ભરતા હતા. અભિમાની થઇને બીજાને દબાવીને મનગમતા પૈસા લેતા, ભક્તિનું ફકત નામ હતું, ભક્તિના નામે ભષ્ટાચાર કરતા હતા તે પાખંડનું છેદન કરી સંસ્કૃતિનું રક્ષણ કર્યું.

વાત કરે વૈરાગ્યની અને પોતે પૂરે પૂરા ભોગી જીવન જીવતા હોય, કેટલીક સ્ત્રીઓને પોતા પાસે રાખે, પગ દબાવડાવી અને વાતો કરે નિવાર્સનિક અને પોતે પૂરે પુરો હોય વાસનિક. વાસનાને પોષવા સ્ત્રીઓ પાસે પગ ચંપી કરાવે, છાના પાપ કરે, દેખાવ ધર્મનો કરે અને કરે દંભ અને પાખંડ, આવા પાખંડનું છેદન કર્યું.

કીચક મહાપાપી પાખંડી હતો તેના પાખંડનું છેદન કરી, સંસ્કૃતિનું રક્ષણ કર્યું. આપણો સંપ્રદાય વૈદિક ધર્મ પ્રધાનવાળો છે ભગવાને ખુલ્લી છાતીએ પડકાર કર્યો કે અસત્યને સત્યને માર્ગે વાળી પાખંડીઓનો નાશ કરશે. પાખંડી કોને કહેવાય ખબર છે ?

બોલે એક ને કરે બીજું, વાણી પ્રમાણે વર્તન ન કરે, દેખાવ કરે આસ્તિકનો અને હોય નાસ્તિક આને કહેવાય પાખંડી.

-: દગો કોઇનો સગો નથી :-

એક મહાત્માજી હતા. તે એક શહેરમાં આવ્યા. ત્યાંનો રાજા સાધુ સંતને માનનારો ભાવિક હતો. તેથી તેને પોતાના રાજદરબારમાં આદર સત્કાર કરીને લઇ આવ્યા. મજાના ભોજન જમાડ્યા. ત્યાં એક મહિનો રહ્યા. પછી રાજાને પૂછ્યું, "રાજન્ ! આપ ઊદાસ કેમ દેખાવ છો ?" રાજાએ કહ્યું, "મારે ત્યાં એક દીકરી છે પણ દીકરો નથી, તેથી ચિંતા થાય છે કે વારસદાર વગર આ રાજપાટ કોણ ચલાવશે ?"

મહાત્માએ કહ્યું, "આશીર્વાદ આપું છું, તમારે ઘેર ભગવાન દીકરો દેશે સમય જતાં રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો. રાજા રાજી રાજી થઇ ગયો. હવે તો મહાત્મજીનું માન વધી ગયું. આ મહાત્માજી ભગવાન જેવા છે એવું જાણીને એને રાજમહેલમાં એક સરસ રૂમમાં ઊતારો આપ્યો. રાણી અને રાજકુંવરી દરરોજ જુદા જુદા સ્વાદિષ્ટ મિષ્ટાન્નના થાળ મહાત્માજીને જમાડે અને રાત્રે રાણી તથા રાજકુંવરી મહાત્મજીના પગ ચાંપે.

રાજાનું અન્ન જમવાથી સ્ત્રીનો સંપર્ક થવાથી બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગી, ઇંદ્રિયોની વાસના છલકવા લાગી, ભગવાનનું ધ્યાન છૂટ્યું ને રાજકુંવરીનું ધ્યાન ચાલુ થયું. રાજકુંવરી અઢાર વરસની ભર યુવાન.

મહાત્માજીની દાનત બગડી. આ રાજકુંવરી મારી પત્ની થાય તો કેવી મજા આવે ! પણ માંગણી કેમ કરાય ? તેથી યુકિત શોધી કાઢી રાજાને એકાંતમાં કહ્યું, "આ તારી રાજકુંવરી તારા પુત્રની ઘાતક છે હવે એને રાજમહેલમાં રખાય નહિ. રાખીશ તો તારા પુત્રનું મોત થશે." રાજાએ કહ્યું, "બે દિવસમાં મૂરતીયો ગોતીને પરણાવી દઇશ. કલ્યાણ પણ થાય."

મહાત્માજીને થયું તો તો મારી બાજી બગડી જાય. મને કુંવરી મળે નહિં તેથી પાખંડીએ કહ્યું, "પરણાવે તો તો તારે ઘરે મળવા આવે. એવું ન ચાલે. કયારેય તારા રાજમાં પણ ન આવે એવું કરવું પડશે." રાજાએ કહ્યું," તો શું કરું ગુરુજી ! પાખંડીએ કહ્યું, "પેટીમાં પૂરી દરિયામાં તરતી મૂકી દે. જેવા એના કિસ્મત. જલ્દી કર નહિતર તારો પુત્ર ગુમાવી બેસીશ."

દીકરો મળ્યો તેથી રાજા મહાત્માજીને ભગવાન જેવા માને છે પણ એને ખબર નથી કે કર્તા હર્તા ભગવાન છે. ભગવાનનું જ કર્યું થાય છે. રાજાએ દીવાનને વાત કરી, "હવે આપણે શું કરીશું ?" દીવાન ચતુર હતો. એ બધી વાત જાણી ગયો કે, આ મહાત્માજીના ધંધા લાગે છે. પાપીની દાનત બગડી છે. તેથી દીવાનજીએ રાજકુંવરીને એક રૂમમાં બેસાડી દીધી અને પેટીમાં છીદ્ર પડાવી અંદર એક રછ પૂરી દીધો અને પેટીને નાખી દરિયામાં. પાખંડીને થયું હવે બરાબર લાગ આવ્યો.

પાખંડીએ કહ્યું, "રાજન્, મને કામ છે તેથી મારા આશ્રમ તરફ જવું છે." આવ્યા આશ્રમે. શિષ્યોને કહ્યું, "પેટી લઇ આવો અને ઊપલે માળે રાખજો." શિષ્યોએ પેટી લઇને ઊપર રાખી, પાખંડીએ કહ્યું, "હવે કોઇ ઊપલે માળે આવજો નહિ, પણ જોર-શોરથી નોબતું ને શરણાઇ વગાડજો કેમકે, આજે મને ભગવાનનાં દર્શન થવાનાં છે." આ પાખંડીને એમ કે, રાજકુંવરીને દબાવીશ અને એ રાડા રાડ કરશે. આ બધા સાંભળશે તો દરવાજો ખોલીને અંદર આવશે તો મારી વાસના પુરી નહિ થાય. તેથી કહ્યું, બેન્ડવાજા જોરથી વગાડજો, બધા મંડ્યા વગાડવા.

પાપીએ અંદર જઇ દરવાજો બંધ કર્યો. રાજકુંવરી બહાર ન નીકળી જાય તેથી સાંકળ દઇ દીધી. જયાં પેટી ખોલી ત્યાં ચાર-પાંચ દિવસનું રિંછ ભૂખ્યુ હતું. તેણે મહાત્માને ચીરી નાખ્યો. મહાત્મા મંડ્યો રાડો પાડવા, "મને બચાવો, મને બચાવો, મરી જાઉં છું."

"દગો કોઇનો સગો નથી." રછડાએ મહાત્માને મારી નાખ્યો. ઘણીવાર થવાથી શિષ્યોએ દરવાજો ધબધબાવ્યો. પણ ખોલે કોણ ? પછી દરવાજો ખોલીને જોયું તો રછડું મૃત શરીરને ચૂંથે છે. રછડાને પકડીને જંગલમાં નાખી આવ્યા.

રાજા જોવા આવ્યા તો ગુરુજી મરેલા પડ્યા છે, રાજા મંડ્યા રડવા ત્યારે દીવાનજીએ કહ્યું, "રડવા જેવું નથી, આ મહાત્મા કપટી અને પાખંડી હતો. તમને ઉંધું ચિત્તું સમજાવીને કુંવરી સાથે દુર્વ્યવહાર કરવો હતો તેથી મેં આ યુકિત કરી છે." રાજાએ કહ્યું, "તો રાજકુંવરી કયાં ?" દીવાનજીએ કહ્યું, "એને મારા ઘરમાં એક રૂમમાં રાખી આવ્યો છું." રાજા દીવાનજીની બુદ્ધિ જોઇને રાજી થયા અને કહ્યું કે તમે મારી દીકરીને જીવતી રાખી તેથી તમને ઇનામ આપું છું.

શતાનંદસ્વામી કહે છે, પાખંડીના પાખંડને ભગવાને ઊઘાડા કર્યા છે. પાખંડને દૂર કરી શ્રીજીએ સંસ્કૃતિને જાગૃત કરી છે. એવા પાખંડીઓનો સંગ ન કરવો.