વંદુ સહજાનંદ રસરૂપ, Vandu Sahajanand Rasroop (૮) ?

Submitted by swaminarayanworld on Fri, 15/07/2011 - 3:13pm

સાધુ પ્રેમાનંદસ્વામી ભગવાનના ઘ્યાનના અંગની ગરબીઓ જે, “વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ” એ ગાવતા હતા. પછી જ્યારે ગાઇ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બહુ સારાં કીર્તન ગાયાં. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, ‘આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.’

રાગ - ગરબી પદ - ૧

વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ;

જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ.૧

સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ;

જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. ૨

જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઇ નવ લહે રે લોલ;

જેને શેષ સહસ્ર મુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ. ૩

વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ;

નખશીખ પ્રેમસખીના નાથ, રહો ઊરમાં રમીરે લોલ. ૪

22 Vandu Sahajanand ( original )

પદ - ૨

આવો મારા મોહન મીઠડા લાલ કે, જોઊં તારી મુરતિ રે લોલ;

જતન કરી રાખું રસિયારાજ, વિસારું નહિ ઊરથી રે લોલ. ૧

મન મારું મોહ્યું મોહનલાલ, પાઘડલીની ભાતમાં રે લોલ;

આવો ઓરા છોગલાં ખોસું છેલ, ખાંતીલા જોઉં ખાંતમાં રે લોલ. ૨

વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તીલક રૂડાં કર્યાં રે લોલ;

વહાલા તારા વામ કરણમાં તિલ, તેણે મનડાં હર્યાં રે લોલ. ૩

વહાલા તારી ભ્રકુટિને બાણે શ્યામ, કાળજ મારાં કોરિયાં રે લોલ;

નેણે તારે પ્રેમસખીના નાથ કે, ચિત મારાં ચોરીયાં રે લોલ. ૪

પદ - ૩

વહાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ તારા વાલમાં રે લોલ;

મન મારું તલપે જોવા કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ. ૧

વહાલા તારી નાસિકા નમણી નાથ, અધર બિંબ લાલ છે રે લોલ;

છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ. ૨

વહાલા તારા દંત દાડમનાં બીજ, ચતુરાઇ ચાવતા રે લોલ;

વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ. ૩

વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ;

મન મારું પ્રેમસખીના નાથ કે, તમ કેડે ભમે રે લોલ. ૪

પદ - ૪

રસિયા જોઇ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ;

વહાલા મારું મનડું મળવા ચ્હાય કે, જાય ચિતડું ચળીરે લોલ. ૧

વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડાં તિલ ચાર છે રે લોલ;

વહાલા તારા કંઠ વચ્ચે તીલ એક, અનુપમ સાર છે રે લોલ. ૨

વહાલા તારા ઊરમાં વિનગુણ હાર, જોઇ નેણાં ઠરે રે લોલ;

વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઇ નિત્ય ધ્યાન ધરે રે લોલ. ૩

રસિયા જોઇ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ;

આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ. ૪

પદ - ૫

વહાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઇને જાઉં વારણે રે લોલ;

કરનાં લટકાં કરતા લાલ, આવોને મારે બારણે રે લોલ. ૧

વહાલા તારી આંગળીઓની રેખા, નખમણી જોઇને રે લોલ;

વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઇને રે લોલ. ૨

વહાલા તારા ઊરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ;

વહાલા મારા હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ. ૩

વહાલા તારું ઊદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ;

આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ. ૪

પદ - ૬

વહાલા તારી મુરતિ અતિ રસરૂપ, રસિક જોઇને જીવે રે લોલ;

વહાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીવે રે લોલ. ૧

વહાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મનભાવતા રે લોલ;

આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા રે લોલ. ૨

વહાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂરતિ મનમાં ગમે રે લોલ;

વહાલા તારું જોબન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રે લોલ. ૩

આવો મારા રસિયા રાજીવ નેણ, મરમ કરી બોલતા રે લોલ;

આવો વહાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ. ૪

પદ - ૭

વાલા તારું રૂપ અનુપમ નાથ, ઊદર શોભા ઘણી રે લોલ;

ત્રિવળી જોવું સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ. ૧

વાલા તારી નાભિ નૌતમ રૂપ, ઊંડી અતિ ગોળ છે રે લોલ;

કટિલંક જોઇને જાદવરાય, કે મન રંગ ચોળ છે રે લોલ. ર

વાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઇ રહું રે લોલ;

વાલા નિત્ય નીરખું પીંડીને પાની, કોઇને નવ કહું રે લોલ. ૩

વાલા તારા ચરણ કમલનું ધ્યાન, ધરું અતિ હેતમાં રે લોલ;

આવો વહાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ. ૪

પદ - ૮

વાલા તારાં જુગલ ચરણ રસરૂપ, વખાણું વહાલમાં રે લોલ;

વાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ. ૧

વાલા તારે જમણે અંગુઠે તિલ, કે નખમાં ચિહ્ન છે રે લોલ;

વાલા છેલી આંગળીયે તિલ એક, જોવાને મન દીન છે રે લોલ. ૨

વાલા તારા નખની અરુણતા જોઇ, શશીકળા ક્ષીણ છે રે લોલ;

વાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવિણ છે રે લોલ. ૩

વાલા તારી ઊર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ;

માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ. ૪

 

 Pad - 1

 

Vandu Sahajanand Rasroop, Anuoam Saarne Re Lol;
Jene Bhajta Choote Fand, Kare Bhav Paarne Re Lol ...1

Samru Pragat Roop Sukhdham, Anupam Naam Ne Re Lol;
Jene Bhav Brahmadik Dev, Bhaje Taji Kaamne Re Lol ... 2

Je Hari Aksharbrahm, Aadhar, Paar Koi Nav Lahe Re Lol;
Jene Shesh Sahastra Mukh Gaye, Nigam Neti Kahe Re Lol ... 3

Varnavu Sundar Roop Anupam, Jugal Charne Nami Re Lol;
Nakhshikh Premsakhina Nath, Raho Oorma Rami Re Lol ...4

Pad - 2

Aawo Mara Mohan Mithda Lal Ke, Jou Tari Murti Re Lol;
Jatan Kari Raakhu Rasiya Raj, Visaru Nahi Oorthi Re Lol ...1

Maan Maru Mohyu Mohanlal, Paghaldini Bhatma Re Lol;
Aawo Ora Chogala Khosu Chel, Khantila Jaau Khantma Re Lol ... 2

Vahala Taaru Zalke Sundar Bhal, Tilak Ruda Karya Re Lol;
Vahala Taara Vaam Karanma Til, Tene Manda Harya Re Lol ...3

Vahala Tari Bhrakuti Ne Baane Shyam, Kaaraj Maara Koriya Re Lol;
Nene Taare Premsakhina Nath Ke, Chit Maara Choriya Re Lol ... 4

Pad - 3

Vahala Mane Vash Kidhi Vraj Raj, Vaalap Taara Vaalma Re Lol;
Maan Maru Talpe Jovaa Kaaj, Tibakdi Che Gaalma Re Lol ... 1

Vahala Taari Naasika Namni Naathi, Adharbimb Lal Che Re Lol;
Chhela Maara Pran Karu Kurban, Joya Jevi Chal Che Re Lol... 2

Vahala Taara Dant Daadamna Bij, Chaturai Chhavta Re Lol;
Vahala Maara Pran Haro Cho Nath, Mithu Mithu Gaavta Re Lol ... 3

Vahala Taare Haswe Haranu, Chhita, Biju Hawe Nav Gamae Re Lol;
Maan Maru Premsakhina Nath Ke, Tam Kede Bhame Re Lol ... 4

Pad - 4

Rasiya Joi Rupari Kot, Rudi Rekhavari Re Lol;
Vahala Maaru Mandu Malwa Chahay, Ke Jaay Chitdu Chhali Re Lol ... 1

Vahala Taari Jamani Bhujane Paas, Ruda Til Char Che Re Lol;
Vahala Taara Kanth Vachhe Til Ek, Anupam Saar Che Re Lol ... 2

Vahala Taara Oorma Vingun Haar, Joi Nena Thare Re Lol;
Vahala Te Tao Jaane Premijan, Joi Nitya Dhyan Dhare Re Lol ... 3

Rasiya Joi Tamaru Roop, Rasik Jan Ghelda Re Lol;
Aawo Vahala Premsakhina Nath, Sundar Var Chhelda Re Lol ... 4

Pad - 5

Vahala Taari Bhuja Jugal Jagdish, Joine Jaau Varane Re Lol;
Karna Latka Karta Lal, Aawo Ne Maare Baarne Re Lol ... 1

Vahal Taari Angaliyoni Rekha, Nakhmani Joine Re Lol;
Vahala Maara Chhitma Raakhu Chori, Kahu Nahi Koine Re Lol ... 2

Vahala Taara Oorma Anupam Chhap, Jovane Jeevakaro Re Lol;
Vahala Maara Hayeede Harakh Na Maay, Jaanu Jehmana Re Lol ... 3

Vahala Taaru Udar Ati Rasroop, Shital Sada Nathji Re Lol;
Aawo Ora Premsakhina Pran, Malu Bhari Baathji Re Lol ... 4

Pad - 6

Vahala Taari Murti Ati Rasroop, Rasik Joine Jivae Re Lol;
Vahala Ae Rasna Chakhanhaar, Chaas Te Nav Piwe Re Lol... 1

Vahala Maare Sukh Sampat Tamae Shyam, Mohan Maan Bhawta Re Lol;
Aawo Mare Mandir Jeevan Pran, Hasine Bolavta Re Lol ... 2

Vahala Taaru Roop Anupam Gaur, Murti Maanma Gamae Re,Lol;
Vahala Taaru Joban Jowa Kaj, Ke Chhit Charne Namae Re Lol ... 3

Aawo Maara Rasiya Rajiv Nen, Maram Kari Bolta Re Lol;
Aawo Vahala Premsakhina Sen, Mandir Maare Dolta Re Lol ... 4

Pad - 7

Vahala Taaru Roop Anupam Nath, Udar Shobha Ghani Re Lol;
Trivari Jowu Sundar Chel, Aawone Oraa Am Bhani Re Lol ... 1

Vahala Taari Naabhi Nautam Roop, Undi Ati Gor Che Re Lol;
Katilank Joine Sahajanand, Ke Maan rang Chor Che Re Lol ... 2

Vahala Taari Jangha Jugalni Shobha, Maanma Joi Rahu Re Lol;
Vahala Nitya Nirkhu Pindine Paani, Koine Nav Kahu Re Lol ... 3

Vahala Taara Charan Kamalnu Dhyan, Karu Ati Hetma Re Lol;
Aawo Vahala Premsakhina Nath, Raakhu Maara Chhitma Re Lol ... 4

Pad - 8

Vahala Taara Jugal Charan Rasroop, Vakhanu Vahaalma Re Lol;
Vahala Ati Komar Arun Rasar, Chore Chhit Chhalma Re Lol ... 1

Vahala Taare Jamane Anghuthe Til, Ke Nakhma Chinha Che Re Lol;
Vahala Chheli Aangarea Til Ek, Jowane Maan Din Che Re Lol ... 2

Vahala Taari Nakhni Arunta Joine, Shashikara Shin Che Re Lol;
Vahala Raschor Chakor Je Bhakt, Jowane Pravin Che Re Lol ... 3

Vahala Taari Urdhvarekhama Chhitt, Raho Kari Vaasne Re Lol;
Maange Premsakhi Kar Jodi, Dejo Daan Daasne Re Lol ... 4

 

Facebook Comments

વંદુ સહજાનંદ રસ રૂપ 18:36 વાળું Download નથી થતું.

http://www.swaminarayanvadtalgadi.org/wp-content/uploads/2014/12/04-Vandu-Sahjanand.mp3