સર્વમંગલ નામાવલિ અર્થસહિત ૩૦૧-૪૦૦

Submitted by swaminarayanworld on Wed, 01/03/2017 - 7:32pm

૩૦૧.   ૐ શ્રી અપ્રમત્તાય નમઃ :- સર્વ સમયમાં, સર્વ ક્રિયામાં સાવધાન રહેનારા.

૩૦૨.   ૐ શ્રી અતિપ્રગલ્ભાય નમઃ :- ઉત્તમ પ્રતિભાયુક્ત બુદ્ધિવાળા.

૩૦૩.   ૐ શ્રી અનલસાય નમઃ :- આળસરહિત.

૩૦૪.   ૐ શ્રી અન્યગુણગ્રહાય નમઃ :- બીજાઓના સદ્‌ગુણોને ગ્રહણ કરનારા.

૩૦૫.   ૐ શ્રી સદાચારપ્રિયાય નમઃ :- હિંસા આદિ દોષરહિત શ્રુતિસ્મૃતિમાં કહેલ સદાચારમાં પ્રીતિવાળા.

૩૦૬.   ૐ શ્રી શુષ્કજ્ઞાનિવાદતમોરવયે નમઃ :- સ્વધર્મ અને ભગવદ્‌ભક્તિરહિત કેવળ બ્રહ્મજ્ઞાનની જ વાતો કરનારા.

૩૦૭.   ૐ શ્રી કૃષ્ણાર્પિતાન્નગંધાદિદેવતાપિતૃયાજકાય નમઃ :- શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરેલ નૈવેદ્ય, ચંદન વગેરે પ્રસાદીરૂપ દ્રવ્યો વડે દેવતાઓ અને પિતૃઓનું પૂજન કરનારા.

૩૦૮.   ૐ શ્રી સદ્યઃ પ્રશ્નસમાધાનવિસ્માપિતમભાજનાય નમઃ :- સભામાં ગમે તેવા ગૂઢ આદ્યાયાત્મિક પ્રશ્નો પુછાયા હોય તે પ્રશ્નોનો તરત જ, સચોટ ઉત્તર આપીને સભાને આશ્ચર્ય પમાડનારા.

૩૦૯.   ૐ શ્રી અજાતશત્રવે નમઃ :- પોતાનું અનિષ્ટ કરનારાઓ પ્રત્યે પણ વૈર નહિ રાખનારા.

૩૧૦.   ૐ શ્રી સમદૃશે નમઃ :- શત્રુ, મિત્ર, ઉદાસી, સર્વ પ્રાણીમાત્રમાં અંતર્યામી ભગવાન રહેલા છે, એમ જાણીને સર્વ ભગવદ્‌-બુદ્ધિથી.

૩૧૧.   ૐ શ્રી ધર્મનિષ્ઠમહાદરાય નમઃ :- સ્વધર્મનિષ્ઠા ધાર્મિક પુરૂષો પ્રત્યે અતિ આદરભાવ રાખનારા.

૩૧૨.   ૐ શ્રી અનસૂયાય નમઃ :- બીજાના સદ્‌ગુણોમાં દોષનું આરોપણ કરવું તેનું નામ અસૂયા. આ અસૂયાદોષથી રહિત.

૩૧૩.   ૐ શ્રી અચલપ્રતિજ્ઞાય નમઃ :- નિશ્ચયાત્મક સ્થિર બુદ્ધિવાળા ક્ષણિક વિચારથી

રહિત.

૩૧૪.   ૐ શ્રી કામશાસ્ત્રવિવર્જનાય નમઃ :- માનસિક વિકૃતિ કરાવનારાં શૃંગારશાસ્ત્રો ક્યારેય નહિ વાંચનાર અને નહિ સાંભળનારા.

૩૧૫.   ૐ શ્રી દીનાલ્પવિકલવત્વેક્ષાજાતતીવ્રવ્યથાકુલાય નમઃ :- દીન, નિરાધાર, દરિદ્ર, ગરીબ, આટલી વ્યક્તિઓનું થોડું પણ દુઃખ જોઇને તરત જ પોતાને દયા આવી જાય અને તેનાં દુઃખે પોતે દુઃખી થાય એવા અને તેનાં દુઃખને ટાળવા માટે પોતાથી બનતી બધી મદદ કરનારા.

૩૧૬.   ૐ શ્રી સ્વધર્માદિગુણોપેતહાર્યભક્તજનારુચયે નમઃ :- સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, વગેરે સદ્‌ગુણયુક્ત હોય, પણ જો તે વ્યક્તિ ભગવાનની ભક્તિરહિત હોય. તે ભગવદ્‌ભક્ત ન હોય તો તે પ્રત્યે જરાય સ્નેહ નહિ રાખનારા.

૩૧૭.   ૐ શ્રી સન્મંડલાવાસરુચયે નમઃ :- સંત સમાજમાં જ રહેવાની રૂચિવાળા.

૩૧૮.   ૐ શ્રી સન્મંડલપરાયણાય નમઃ :- સંત સમાજને ઉત્તમ આશ્રયસ્થાનરૂપ.

૩૧૯.   ૐ શ્રી સચ્છાસ્ત્રનિંદિતત્યાગિને નમઃ :- સત્શાસ્ત્રોમાં નિષેધ કરેલા પદાર્થોનો કયારેય પણ ઉપયોગ નહિ કરનારા.

૩૨૦.   ૐ શ્રી પ્રશસ્તાર્થનિષેવિકાય નમઃ :- સત્શાસ્ત્રોમાં જેને ઉત્તમ ગણેલા હોય તેવા પદાર્થોનો ઉપયોગ કરનારા.

૩૨૧.   ૐ શ્રી સંપદાપત્સમાય નમઃ :- અનુકૂળ પરિસ્થિતિમાં અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એકસરખા સ્વસ્થ ચિત્તવાળા.

૩૨૨.   ૐ શ્રી મોક્ષધિષણાય નમઃ :- જીવાત્માઓ સંસારનાં દુઃખોમાંથી મુક્તિ મેળવે તેવી બુદ્ધિ જ્ઞાનનો પ્રચાર કરનારા.

૩૨૩.   ૐ શ્રી પ્રતિભાનતવે નમઃ :- નવી-નવી યુક્તિઓ-સહ પ્રત્યુત્તર દેવામાં હોશિયાર.

૩૨૪.   ૐ શ્રી સુચિરશ્રુતસચ્છાસ્ત્રાય નમઃ :- હમેશાં નિયમિત, ઘણા સમય સુધી સત્શાસ્ત્રોની કથા સાંભળનારા.

૩૨૪.   ૐ શ્રી સુચિરશ્રુતસચ્છાસ્ત્રાય નમઃ :- સાધુઓનું અપમાન ક્યારેય નહિ કરનારા સંતોનું સન્માન કરનારા.

૩૨૬.   ૐ શ્રી વાક્યાર્થક્ષિપ્રવિદે નમઃ :- વાંચીને, સાંભળીને શાસ્ત્રીય ગૂઢ વાક્યોના અર્થોને તરત જ જાણનારા.

૩૨૭.   ૐ શ્રી શત્રુમિત્રદત્તસમોત્તરાય નમઃ :- શત્રુ પ્રશ્ન પૂછે કે મિત્ર પૂછે તો પણ બન્નેને નિષ્પક્ષપાતપણે એકસરખો જ યથાર્થ ઉત્તર આપનારા.

૩૨૮.   ૐ શ્રી અગ્રાહ્યવસ્ત્વનાકાંક્ષિણે  નમઃ :- બ્રહ્મચારી, સાધુઓને પહેરવાઓઢવા યોગ્ય નહિ તેવાં કિંમતી વસ્ત્રો, ઘરેણાં ઇચ્છા નહિ રાખનારા.

૩૨૯.   ૐ શ્રી નષ્ટવસ્તુશુચોજિતાય નમઃ :- પોતાના અથવા પોતાના સ્નેહીજનોનાં વસ્ત્ર, પાત્ર કે કંઇ વસ્તુ નાશ પામે તો તેનો શોક નહિ કરનારા.

૩૩૦.   ૐ શ્રી યથોચિતસમારંભાય નમઃ :- પોતાના અધિકાર અને યોગ્યતાને અનુસારે જ સર્વક્રિયાનો આરંભ કરનારા.

૩૩૧.   ૐ શ્રી સફલારબ્ધસત્ક્રિયાય નમઃ :- સ્વધર્મને અનુરૂપ સત્ક્રિયાનો આરંભ કરીને તેનું સફળ પરિણામ આવે ત્યાં સુધી તે ક્રિયા ચાલુ રાખનારા, અધર્મકારક ક્રિયા નહિ કરનારા.

૩૩૨.   ૐ શ્રી સચ્છાસ્ત્રનુગતપ્રજ્ઞાય નમઃ :- સત્શાસ્ત્રોને અનુરૂપ બુદ્ધિવાળા, સત્શાસ્ત્રને અનુરૂ બૌદ્ધિક નિર્ણય લેનારા.

૩૩૩.   ૐ શ્રી દૈવપિત્ર્યસ્વકર્મકૃતે નમઃ :- દેવતાપૂજન તથા પિતૃતર્પણ વગેરે પોતાનું નિત્યકર્મ હમેશાં નિયમપૂર્વક કરનારા.

૩૩૪.   ૐ શ્રી અપૈશુન્યકૃતે નમઃ :- કોઇની ચાડી નહિ ખાનારા. બીજાના દોષ દેખાડીને વાત કરવી તે પિશુનતા તેનાથી દૂર રહેનારા.

૩૩૫.   ૐ શ્રી અદ્યુતાય નમઃ :- જુગાર નહિ રમનારા.

૩૩૬.   ૐ શ્રી પાપિસંસર્ગ્યનાદરાય નમઃ :- પાપી માણસની મિત્રતા રાખનારા સાથે, અનાદર કરનારા.

૩૩૭.   ૐ શ્રી બ્રહ્મનિંદાશ્રવઃખેદાય નમઃ :- વેદ, બ્રાહ્મણ અને ભગવાન – આ સર્વની નિંદા કોઇ કરે અને તે સાંભળાય તો હૃદયમાં બહુ જ દુઃખ પામનારા.

૩૩૮.   ૐ શ્રી સ્ત્રીપ્રસંગભૃશારુચયે નમઃ :- સ્ત્રીઓને દર્શન આપવાં, ઉપદેશ દેવો એવા કોઇપણ પ્રકારના સ્ત્રીઓના પ્રસંગથી અત્યંત ઉદાસ રહેનાર.

૩૩૯.   ૐ શ્રી અકાર્યાચરણહીતાય નમઃ :- જે ક્રિયા કરવાની શસ્ત્રોમાં ના લખી છે, તેવી અયોગ્ય ક્રિયા નહિ જ કરનારા.

૩૪૦.   ૐ શ્રી સમયોચિતભાષણાય નમઃ :- સમયને અનુરૂપ બોલનારા.

૩૪૧.   ૐ શ્રી નિર્લજ્જાનતસદ્વિપ્રગુરુદેવપદામ્બુજાય નમઃ :- સંતો, બ્રાહ્મણો, ગુરુઓ અને ભગવાનનાં ચરણમાં સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવામાં લોકલાજ નહિ માનનારા.

૩૪૨.   ૐ શ્રી મુક્તાનંદાનુગાય નમઃ :- રામાનંદસ્વામીની આજ્ઞાથી મુક્તાનંદસ્વામીની આજ્ઞામાં રહેનારા.

૩૪૩.   ૐ શ્રી તુષ્ટાય નમઃ :- જે સમયે જે મળે તેમાં સંતોષ માનનારા.

૩૪૪.   ૐ શ્રી ગુણાબ્ધયે નમઃ :- જ્ઞાન, વૈરાગ્યદિ સદિ્‌ગણના સાગર.

૩૪૫.   ૐ શ્રી સન્મનોહરાય નમઃ :- સાધુઓને અનુકૂળ રીતે તેમની સેવા કરીને તેઓના મનને આકર્ષનારા.

૩૪૬.   ૐ શ્રી ગુરુદત્તજનસ્વામ્યાય નમઃ :- ગુરુ રામાનંદસ્વામીએ પોતાની શિષ્યોના ગુરુ તરીકે પોતાના સ્થાને નિયુક્ત કરેલા.

૩૪૭.   ૐ શ્રી સુરમ્યવિષયારુચયે નમઃ :- શિષ્યોએ સમર્પિત કીમતી અને સુંદર પદાર્થોનો પોતાને માટે ઉપયોગ કરવામાં જરા પણ ઇચ્છા નહિ રાખનારા, પરંતુ તે વસ્તુઓ બ્રાહ્મણ, દરિદ્ર ભગવદ્‌ભક્તોને દાનમાં આપનારા.

૩૪૮.   ૐ શ્રી ગુરુયાચિતભક્તાન્તદુઃખસ્વપ્રાપ્તિસદ્વરાય નમઃ :- (કઠિન પ્રારબ્ધને કારણે) શરીર મૂકવા સમયે અમારા ભક્તને જો અસહ્ય દુઃખ થવાનું હોય તો તે દુઃખ મને મળે અને અમારા ભક્તો દુઃખરહિત બને.

૩૪૯.   ૐ શ્રી અતિમાનુષત્કર્મણે નમઃ :- સાધારણ માનવ ન કરી શકે તેવાં શાસ્ત્રીય સત્કર્મો કરનારા.

૩૫૦.   ૐ શ્રી સુખસેવ્યાય નમઃ :- આનંદપૂર્વક સેવાપૂજા કરીને પ્રસન્ન કરી શકાય તેવા સરળ.

૩૫૧.   ૐ શ્રી અખિલેષ્ટદાય નમઃ :- સેવકોના સર્વમનોરથ પૂરા કરનારા.

૩૫૨.   ૐ શ્રી પ્રપન્નાભયદાય નમઃ :- પોતાના શરણે આવેલાઓને અભયદાન આપનારા.

૩૫૩.   ૐ શ્રી શ્રીમતે નમઃ :- ગુરુપદે રહેલા વ્યક્તિમાં જે સદ્‌ગુણો હોવા જોઇએ તેવા સદ્‌ગુણથી યુક્ત. આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રભાવપૂર્ણ હોવાથી શ્રીમાન.

૩૫૪.   ૐ શ્રી ઉત્તમોત્તમાય નમઃ :- થોડાઘણા સદ્‌ગુણોવાળા ગુરુઓ તે સારા ગુરુ કહેવાય. પરંતુ ગુરુમાં જેટલા સદ્‌ગુણો હોવા જોઇએ તે સર્વે સદ્‌ગુણોથી યુક્ત શ્રીહરિ હતા, માટે સર્વે સદ્‌ગુરુઓમાં પણ ઉત્તમ સદ્‌ગુણોમાં પણ ઉત્તમ સદ્‌ગુરુ.

ૐ શ્રી આત્મવતે નમઃ :- પરમાત્મા શ્રીકૃષ્ણ નારાયણની જ ઉપાસ્યદેવ તરીકે ઉપાસના કરનારા.

૩૫૬.   ૐ શ્રી તાપત્રિતયહૃદ્વાર્તાય નમઃ :- ત્રણ તાપનો નાશ કરે તેવી કથા-વાર્તા કરનારા.

૩૫૭.   ૐ શ્રી સદ્‌સદ્‌વ્યક્તિવિત્તમાય નમઃ :- સત્‌ અને અસત્‌ આ બે પ્રકારની વ્યક્તિને યથાર્થ જાણીને સભામાં બન્નેનો ભેદ સ્પષ્ટ રીતે આશ્રિતોને સમજાવનારા.

૩૫૮.   ૐ શ્રી સત્પતયે  નમઃ :- સંતોનું સર્વ રીતે સર્વત્ર રક્ષણ કરનારા.

૩૫૯.   ૐ શ્રી સર્વહિતકૃતે નમઃ :- શત્રુ, મિત્ર, સર્વ કોઇનું સર્વ રીતે હિત કરનારા.

૩૬૦.   ૐ શ્રીજ્ઞાનદાય નમઃ :- આત્મા-પરમાત્મા સંબંધી જ્ઞાન શિષ્યોને આપનારા.

૩૬૧.   ૐ શ્રી ભવમોચકાય નમઃ :- જ્ઞાનોપદેશથી આશ્રિતોને ભવબંધનમાંથી છોડાવનારા.

૩૬૨.   ૐ શ્રી ભૂરિપ્રતાપાય નમઃ :- ઘણા પ્રભાવશાળી.

૩૬૩.   ૐ શ્રી નિર્મોહાય નમઃ :- કોઇપણ પદાર્થમાં મોહ નહિ પામનારા.

૩૬૪.   ૐ શ્રી મહારાજાય નમઃ :- અતિશય શોભાયમાન. ધાર્મિક સદ્‌ગુણો અને આધ્યાત્મિક સિદ્ધિસંપન્ન હોવાથી અજાણ્યા પ્રદેશમાં જ્યાં જાય ત્યાં મહારાજા સમાન પૂજાતા.

૩૬૫.   ૐ શ્રી નૃપાર્ચિતાય નમઃ :- રાજાઓએ પૂજેલા.

૩૬૬.   ૐ શ્રી અધૃષ્યાય નમઃ :- કોઇથી પરાભવ નહિ પામનારા.

૩૬૭.   ૐ શ્રી અવિકૃતાય નમઃ :- વિકૃતિરહિત. દર્શન કરનારની આંખોને તથા મનને ગમી જાય તેવી સૌમ્ય આકૃતિવાળા.

૩૬૮.   ૐ શ્રી અજવ્યાય નમઃ :- કોઇથી જીતી ન શકાય તેવા.

૩૬૯.   ૐ શ્રી શરણ્યાય નમઃ :- પોતાના આશ્રયે આવેલાનું સર્વ પ્રકારે રક્ષણ કરનારા.

૩૭૦.   ૐ શ્રી ભક્તવત્સલાય નમઃ :- પોતાના અનન્ય ભક્તો પ્રત્યે અતિશય સ્નેહ રાખનારા.

૩૭૧.   ૐ શ્રી અતર્ક્યાય નમઃ :- માણસની તર્કબુદ્ધિથી ઓળખી ન શકાય તેવા.

૩૭૨.   ૐ શ્રી અનુપમાય નમઃ :- કોઇની સાથે સરખાવી ન શકાય તેવા, અનુપમ.

૩૭૩.   ૐ શ્રી અપારાય નમઃ :- માપ ન કરી શકાય તેવા.

૩૭૪.   ૐ શ્રી અપ્રમાદાય નમઃ :- સ્વધર્મ પાળવામાં જરા પણ આળસ નહિ કરનારા.

૩૭૫.   ૐ શ્રી અવ્યયાય નમઃ :- અનુકૂળ સમયમાં અથવા વિપરીત સમયમાં એકસરખું અખંડ સ્વકર્તવ્ય બજાવનારા.

૩૭૬.   ૐ શ્રી ઉજ્જવલાય નમઃ :- અતિ તેજપૂર્ણ સ્વરૂપવાળા.

૩૭૭.   ૐ શ્રી ધર્મશંસિને નમઃ :- ધર્મનું પ્રતિપાદન કરનારા. વર્ણધર્મ, આશ્રમધર્મ, સાધારણધર્મો, વિશેષધર્મો-આ સર્વનું સભામાં સ્પષ્ટ પ્રતિપાદન કરનારા.

૩૭૮.   ૐ શ્રી ધર્મહેતવે નમઃ :- ધર્મ પ્રવૃત્તિના કારણે ગુણોનું પ્રતિપાદન કરનારા.

૩૭૯.   ૐ શ્રી વેદગૂઢાર્થબોધકાય નમઃ :- વેદોના રહસ્યાર્થને સ્પષ્ટ રીતે સમજાવનારા.

૩૮૦.   ૐ શ્રી કાલામાયાભયત્રાત્રે નમઃ :- કાળ અને માયાના ભયથી રક્ષણ કરનારા.

૩૮૧.   ૐ શ્રી ભક્તવર્મણે નમઃ :- અસ્ત્ર અને શસ્ત્રના પ્રહારોથી બચવા માટે ખાસ પ્રકારનાં વસ્ત્રો પહેરનારને અસ્ત્રશસ્ત્રોના પ્રહારથી ઇજા થતી નથી. તે રીતે સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞાપરાયણ જીવન જીવનાર ભગવદ્‌ભક્તોનું ભગવાન સર્વસ્થળે, સર્વદા, સર્વ રીતે રક્ષણ કરે છે તેથી ભગવાનને ભક્તવર્મ કહ્યા છે.

૩૮૨.   ૐ શ્રી સુમંગલાય નમઃ :- અતિશય મંગળકારી.

૩૮૩.   ૐ શ્રી ઉપાસનારીતિવક્ત્રે નમઃ :- ઉપાસના-પદ્ધતિ કહેનારા.

૩૮૪.   ૐ શ્રી બ્રહ્મધામદર્શકાય નમઃ :- કેવળ કૃપા કરીને જીવાત્માઓને સમાધિ કરાવીને તે સમાધિમાં અક્ષરબ્રહ્મધામ દેખાડનારા.

૩૮૫.   ૐ શ્રી બ્રહ્મભૂતપરબ્રહ્મોપાસનાસ્થાપકાય નમઃ :- બ્રહ્મરૂપ થયા હોય તેમણે પણ પરબ્રહ્મની ઉપાસના અવશ્ય કરવી જ, આ સિદ્ધાંતનું સ્પષ્ટ રીતે સ્થાપન કરનારા અને તેનો પ્રચાર કરનારા.

૩૮૬.   ૐ શ્રી અક્ષરાય નમઃ :- અખંડ, અવિનાશી.

૩૮૭.   ૐ શ્રી કંદર્પદર્પદલનાય નમઃ :- કામદેવના ગર્વનું ખંડન કરનારા.

૩૮૮.   ૐ શ્રી નૈષ્ઠિકવ્રતપોષકાય નમઃ :- નૈષ્ઠિક વ્રતનું પોષણ કરનારા.

૩૮૯.   ૐ શ્રી અદીનદિવ્યચરિતાય નમઃ :- દરેક ક્રિયા, અપ્રાકૃત અલૌકિક દિવ્યતાપૂર્વક ઉદારભાવનાથી કરનારા.

૩૯૦.   ૐ શ્રી મનોનિગ્રહયુક્તિદાય નમઃ :- મનને વશ રાખવાની યુક્તિઓ જાણનારા અને શિખવાડનારા.

૩૯૧.   ૐ શ્રી વરણીયાય નમઃ :- પસંદ કરવા લાયક.

૩૯૨.   ૐ શ્રી અન્યદુઃખજ્ઞાય નમઃ :- અન્યજનોનાં દુઃખો જાણનારા તથા તેમનાં દુઃખો ટાળવામાં મદદ કરનારા.

૩૯૩.   ૐ શ્રી સંસારાર્ણવનાવિકાય નમઃ :- સંસારસાગરના નાવિક.

૩૯૪.   ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ :- સર્વે આશ્વર્યોથી પૂર્ણ, સર્વના અંતર્યામી પુરૂષોત્તમ નારાયણ.

૩૯૫.   ૐ શ્રી વાક્યસુધાતર્પિતસત્સભાય નમઃ :- શાસ્ત્રાનુસારી વાક્યોરૂપી અમૃત વડે સંત સભાને તૃપ્ત કરનારા.

૩૯૬.   ૐ શ્રી વિધવાસ્પર્શદોષાતિપ્રખ્યાત્રે નમઃ :- વિધવા સ્ત્રીના સ્પર્શથી, તેની સાથેના સંબંધથી મહાદોષ થાય છે તેમ શાસ્ત્રીય પ્રમાણોથી સભામાં કહેનારા.

૩૯૭.   ૐ શ્રી ઉપશમસ્થિતયે નમઃ :- ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા.

૩૯૮.   ૐ શ્રી પ્રતિબિમ્બાંશવાદાદિમતતૂલદવાનલાય નમઃ :- રૂ ભરેલા આંકડાના ખાંકોલિયાને બાળવામાં વનના અગ્નિને જરા પણ મુશ્કેલી હોતી નથી, તેમ વિદ્વત્સભામાં પ્રતિબિંબવાદ, અંશવાદ વગેરે વાદોનું અનાયાસે ખંડન કરનારા.

૩૯૯.   ૐ શ્રી સભક્તિધર્મધર્માઢ્યભક્તિયોગપ્રવર્તકાય નમઃ :- ભક્તિએ સહિત ધર્મયોગ અને ધર્મે સહિત ભક્તિયોગ તેનો પ્રચાર કરનારા.

૪૦૦.   ૐ શ્રી પ્રોક્તાસદ્દશકાલાદિદોષાય નમઃ :- અસત્‌ દેશ, કાળ, આદિના સેવનથી થતા દોષોનું સ્પષ્ટ વિવેચન સભામાં કરનારા.