Add new comment

પછી સવારમાં વહેલા થાળ જમીને સંતો તથા બ્રહ્મચારીઓ, પાર્ષદો તથા હરિભક્તો સર્વેએ સહિત ગાજતે વાજતે મંદિરમાં આવ્યા. મૂર્તિઓને બાથમાં લઇને શ્રીજી મહારાજ મળ્યા. પછી સુંદર દિવ્ય સિંહાસન ઉપર તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી. તે સમયે બ્રાહ્મણો ઊંચે સ્વરે વેદના ધ્વની કરવા લાગ્યા.અને અનંત પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. આકાશમાં અનંત ધામના મુક્તો વિમાનોમાં બેસીને ચંદન અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. અને ગંધર્વો નાના પ્રકારે ગાન કરવા લાગ્યા અને દેવો પણ પોતપોતાનાં વિમાનોમાં બેસીને આકાશ માર્ગે જય જય શબ્દ કરવા લાગ્યા. તેણે કરીને આકાશ પણ નહોતો દેખાતો. હરિભક્તો નાના પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો તથા પૂજાની સામગ્રીઓ લાવ્યા. પછી તે મૂર્તિઓને નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણથી શણગારીને તેમનું અત્તરચંદનાદિકે કરીને પૂજન કર્યું. પછી મહારાજે તે મૂર્તિઓ ઉપર હાથ ફેરવ્યો. ત્યારે તેમાંથી તેજની કિરણો છૂટી તેણે કરીને આખા મંદિરમાં તેજ તેજ થઇ ગયું અને આખું મંદિર તેજથી ભરાઇ ગયું અને અનંત જનોના નાડી પ્રાણ ખેંચાઇને દરેકને સમાધિ થઇ ગઇ.

પછી મહારાજે સર્વને છડી વડે જગાડ્યા અને હરિભક્તોએ હજારો સોનામહોરો આદિકની ઠાકોરજીને ભેટ આપી. પછી મહારાજે કહ્યું જે, હવે કળશ કોણ ચડાવશે ? પછી ભગો અને મૂળો-બન્ને ભાઇએ કહ્યું જે, અમે ચડાવશું. અને રૂપિયા ભેટના હજાર આપશું. એમ કહીને તેમણે કળશ ચઢાવ્યા. અને બોટાદના દેહોખાચર કહે હે મહારાજ ! હું ધજા ચડાવું છું અને ઠાકોરજીને સાતસો રૂપિયા ભેટના આપું છું. એમ કહીને તેણે પણ ધજા ચડાવી. એમ બહુ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા થઇ રહ્યા પછી બ્રહ્મચારીએ થાળ કરીને મહારાજને જમાડ્યા. મહારાજે સંતોને પંક્તિમાં લાડુ, જલેબી, ફૂલવડી, દૂધપાક નાના પ્રકારનાં શાક, અથાણાં, રાયતાં આદિથી સારી રીતે જમાડીને તૃપ્ત કર્યા. એમ અનંત લીલા કરીને પછી નરનારાયણદેવનાં દર્શન કરીને ગાજતે-વાજતે કાંકરીએ પધાર્યા અને ત્યાં મંચ ઉપર બિરાજમાન થયા. અને સર્વે સંત મંડળ મહારાજનાં દર્શન કરીને બેઠાં. ત્યારે મહારાજે કહ્યું જે, બાઇઓ હરિભક્તોને આજ્ઞા કરો જે, વેલું, ગાડાં, રથ વિગેરે જોડાવીને નરનારાયણ દેવનાં દર્શન કરવા જાય. અને હરિભક્તો દર્શન કરી આવ્યા પછી બાઇઓએ દર્શન કરવા જવું. પછી ગવૈયા સંતો મહારાજ પાસે ગાવણું કરવા લાગ્યા. અને હરિભક્તો બાઇભાઇ સર્વે શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ દર્શન કરીને આવ્યાં.

પછી મહારાજ, સંતો, પાર્ષદો અને ઘોડેસવાર કાઠીઓ ગાજતે-વાજતે મંદિરમાં આવ્યા. અને ઘોડી ઉપરથી ઉતરીને નરનારાયણદેવનાં દર્શન કરીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા, ત્યાં મોટા મોટા સંતો તથા દાદોખાચર, સુરોખાચર આદિ મોટા મોટા હરિભક્તો સર્વે કહેવા લાગ્યા જે, હવે નરનારાયણદેવની પ્રતિષ્ઠા થઇ રહી છે તે હવે ચોરાશી પણ કરવી જોઇએ ત્યારે શહેરના હરિભક્તો તથા સંતો સર્વે બોલ્યા જે, હે મહારાજ તો તો બહું સારું થાય, ત્યારે મહારાજે કહ્યું જે, નથુભાઇ આદિ બ્રાહ્મણો છે ? ત્યારે તે કહે જે, હા મહારાજ ! જે આજ્ઞા હોય તે કહો કરવા તૈયાર છીએ. ત્યારે મહારાજે કહ્યું જે, બ્રાહ્મણની નાતમાં જે મોટા મોટા હોય તેને કાલ સવારમાં અત્રે બોલાવી લાવજો. એમ કહીને ઘોડે સવાર થઇને કાંકરીએ પધાર્યા અને પોષાક ઉતારીને શૌચવિધિ આદિ ક્રિયા કરીને પછીથી સ્નાન કર્યું.

પછી બ્રહ્મચારી દૂધ-સાકર લાવ્યા તે મહારાજે પાન કર્યું પછી મહારાજ પોઢી ગયા. પછી બીજે દિવસ પ્રભાતમાં જાગ્યા અને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેરીને કાઠી સ્વારોએ સહિત મહારાજ મંદિરમાં આવ્યા અને ઘોડી ઉપરથી ઉતરીને નરનારાયણદેવનાં દર્શન કરીને ગાદી તકીયાએ યુક્ત જે ઢોલિયો તે ઉપર બિરાજમાન થયા. અને સંતમંડળ તથા હરિભક્તો પણ સન્મુખ બેઠા...

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.