ગઢડા મઘ્ય ૪૦ : એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:25am

ગઢડા મઘ્ય ૪૦ : એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું

સંવત્ ૧૮૮૦ના આસો વદિ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા. પછી સ્‍નાન કરીને શ્વેત વસ્ત્રનું  ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા, અને પોતાનું દેવાર્ચનાદિક જે  નિત્‍ય કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરતા હવા. તે પ્રતિદિન જેટલા દંડવત્ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત્ પ્રણામ અધિક કર્યો. તેને જોઇને શુકમુનિએ પુછયું જે, ‘હે મહારાજ ! આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો ?’

ત્‍યારે શ્રીમહારાજ બોલ્‍યા જે, “નિત્‍ય પ્રત્‍યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્‍કાર કરીને એમ કહેતા જે, ‘હે મહારાજ ! આ દેહાદિકને વિષે અહંમમત્‍વ હોય તેને તમે ટાળજ્યો.’ અને આજ તો અમને એવો વિચાર થયો જે, ‘ભગવાનના ભક્તનો મને, વચને અને દેહે કરીને જે કાંઇક જાણે અજાણે  દ્રોહ થઇ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુ:ખ થાય છે તેવું બીજે કોઇ પાપે કરીને થતું નથી.’ માટે જાણે અજાણે, મને વચને, દેહે કરીને જે કાંઇ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્‍યો હોય તેનો દોષ નિવારણ કરાવ્‍યા સારૂં એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એેમ જાણ્‍યું છે જે, ‘ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્‍ટ થાય છે તેવું કોઇ પાપે કરીને નથી થતું. અને ભગવાનના ભક્તની મને, વચને, દેહે કરીને જે સેવા બની આવે, ને તેણે કરીને જેવું આ જીવનું રુડું થાય છે ને એ જીવને સુખ થાય છે, તેવું બીજે કોઇ સાધને કરીને નથી થતું.’ અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઇર્ષ્યા અને ક્રોધ એ ચારે કરીને  થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્‍માન થાય છે તે જેમાં એ ચાર વાનાં ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય, ને દેહ મુકયા કેડે પણ પરમ સુખિયા થવું હોય, તેને ભગવાનના ભક્તનો મને,વચને,દેહે કરીને દ્રોહ ન કરવો, અને જો ભગવાનના ભક્તનો કાંઇક દ્રોહ થઇ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને, ને દેહે કરીને તેને દંડવત્ પ્રણામ કરવા, ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો; પણ એકવાર દ્રોહ કરીને દંડવત્ પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવત્ પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહિ. અને આ વાર્તા દાડી સાંભરતી રહે તે સારૂં આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજ્યો જે, ભગવાનની પૂજા કરીને પોતાના નિત્‍ય નિયમના જે દંડવત્ પ્રણામ હોય તે કરવા, ને તે પછી બધા દિવસમાં જે કાંઇ જાણે અજાણે, મને, વચને, દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારૂં એક દંડવત્ પ્રણામ નિત્‍ય કરવો.’ એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાળજો.’ ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૦|| ૧૭૩ ||