જુઓ જુઓને હાં હાં રે, જુઓ જુઓને સાહેલીઓ આજ રસિયો રાસ રમે (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:26pm

રાગ - ગરબી

 

જુઓ જુઓને હાં હાં રે,

જુઓ જુઓને સાહેલીઓ આજ રસિયો રાસ રમે;

પંચાળામાં હાંરે પંચાળામાં શ્રીજીમહારાજ. રસિયો. ટેક.

નિર્મળ રજની છે અંજવાળી, નિર્મળ વેલી વન રે;

નિર્મળ મનના નિજ સખામાં, નિર્મળ પ્રાણજીવન. રસિયો૦ ૧

દીવાની માંડવડી વચ્ચે, જાણે દીપક ઝાડ રે;

ફરફર જનમાં ફેરા ફરતા, કરતા રસની રાડ. રસિયો૦ ૨

તાળી પાડે શ્રીવનમાળી, મુનિ સાથે મુનિનાથ રે;

ઈન્દ્રાદિક જોવાને આવ્યા, શિવ બ્રહ્મા સંગાથ. રસિયો૦ ૩

શ્યામ વર્ણના નિજ શરીરે, સોનેરી શણગાર રે;

ગગનવિષે જેમ વિજળી ઝબકે, શોભા એમ અપાર. રસિયો૦ ૪

પાઘ વિષે છોગાં છેલાને, કમર કસી કરી જોર રે;

ઉલટ સુલટ નટવર નાચે છે, શ્રીહરિ ધર્મકિશોર. રસિયો૦ ૫

ઊંચા સ્વરથી  તાન ઊપાડે, જન સંગ જીવનપ્રાણ રે;

સારો સ્વર કોઈ સુણી સખાનો, વહાલો કરે વખાણ. રસિયો૦ ૬

ધીમધીમ ધીમધીમ દુકડવાગે,  તનન  તનન સતાર રે;

ઝાંઝ વગાડે ઝણણણ ઝણણણ, ભેરીનો ભણકાર. રસિયો૦ ૭

ધન્ય ધન્ય પંચાળાની ધરણી, ધન્ય ધન્ય ઝીણાભાઈ રે;

ધન્ય ધન્ય ધન્ય છે ધર્મકુંવરને, રાસ રમ્યા સુખદાઈ. રસિયો૦ ૮

પંચાળામાં એવા જનને, આપ્યાં સુખ અપાર રે;

વિશ્વવિહારીલાલજી કેરો, ધન્ય ધન્ય આ અવતાર. રસિયો૦ ૯

Facebook Comments