ગઢડા મઘ્ય ૩૯ : સ્વાભાવિક ગુણ વર્ત્યાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:25am

ગઢડા મઘ્ય ૩૯ : સ્વાભાવિક ગુણ વર્ત્યાનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્‍યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિ ભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહિ એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો ?” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે, પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહે કરીને સુઝે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય, તથા સ્‍વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સુઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઇએ પણ જ્યારે અંતર્દષ્‍ટિ કરીને પોતાના આત્‍મા સામું જોઇએ, તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઇને આત્‍મસ્‍વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્‍યરૂપને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રીકૃષ્ણવાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે પણ નિરાકારથકી તો કાંઇ થતું નથી. એવી રીતે સાકારની દૃઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્‍યા ને સાંભળ્‍યા તોપણ એ પ્રતીતિ ટળી નહિ. અને ચોથો એમ જે જે કોઇ બાઇ ભાઇ હોય ને તેની કોરનું એમ મારે જાણ્‍યામાં આવે જે, ‘આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભકિત કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી.’ તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય. ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ થાય. એ ચાર ગુણ અમારે વિષે સ્વાભાવિકપણે રહ્યા છે તે કહ્યા. અને હવે તમે સર્વે કહો.” પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડયો.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે મોટેરો હોય તેને વિષે નિષ્કામરૂપ ધર્મ છે, તે અવશ્‍ય જોઇએ; ને બીજી વાતમાં તો કાંઇક કાચપ હોય તો ચાલે પણ એની તો દૃઢતા અતિશે જોઇએ. કેમ જે, એ મોટેરો છે, તેની સારપે સર્વની સારપ કહેવાય.”

એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંઘ્‍યા આરતી, નારાયણધુન્‍ય, સ્‍તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઇ. પછી શ્રીજીમહારાજે મોટેરા મોટેરા પરમહંસને પુછયું જે, “અમે પંચમસ્‍કંધ તથા દશમસ્‍કંધનું અતિશે પ્રતિપાદન કર્યું છે. માટે એ બે ગ્રંથનું જે રહસ્‍ય તે જેમ તમને સમજ્યામાં આવ્‍યું હોય તે કહો ?” ત્‍યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડયું. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો હવે અમે એ બે ગ્રંથનું રહસ્‍ય કહીએ જે, રહસ્‍ય તેશું ?” તો ગમે એવો શાસ્‍ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય, તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્વય સત્‍ય માને ને હા પાડે, પણ તેને કોઇ રીતે સંશય ન રહે, જે ‘એ વાર્તા એમ નહિ હોય’ એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્‍ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમસ્‍કંધનું તો એ રહસ્‍ય છે જે, ઉપનિષદ્, વેદાંત ને શ્રુતિસ્‍મૃતિ, તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિ:સ્‍વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે, અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વ કારણ, પરબ્રહ્મ, પુરૂષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ, એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે, તે તે આ પ્રત્‍યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્‍તુતિભાગ છે ત્‍યાં ત્‍યાં એવા એવા સ્‍તુતિના શબ્‍દને લઇને પ્રત્‍યક્ષ શ્રીકૃષ્ણભગવાનને જ  કહ્યા છે, પણ શ્રીકૃષ્ણભગવાનથી અધિક કાંઇ નથી કહ્યું. તથા સર્વ જગતની ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણભગવાન જ છે એેમ કહ્યું છે. અને પંચમસ્‍કંધને વિષે તો એ શ્રીકૃષ્ણભગવાનનું માહાત્‍મ્‍ય કહ્યું છે, તથા એ શ્રીકૃષ્ણભગવાન જે તે આ જગતની સ્‍થ્‍િાતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડખંડ પ્રત્‍યે રહ્યા છે. એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશે મોટપને પામે, ને જે ન રહે તે મોટો હોય તોપણ પોતાની સ્‍થ્‍િાતિ થકી પડી જાય. અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેની અધોગતિ થાય છે એમ કહ્યું છે, અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વસુદેવ દેવકીને પ્રત્‍યક્ષ ચતુભર્ુજરૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવરૂપ છે. અને એ શ્રીકૃષ્ણભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે; તે ધર્મ, અર્થ, કામ સારૂં જે જે ભગવાને ચરિત્ર કર્યાં તેનું જે ગાન કરે અથવા જે શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઇ ને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્‍મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્‍યસ્‍વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વેોપરી છે. એવી રીતે એ બે ગ્રંથનું રહસ્‍ય છે, અને જે શુકજી જેવા બ્રહ્મસ્‍થ્‍િાતિને પામ્‍યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના ભકિત કરવી, ને દશમમાં કહ્યાં જે શ્રીકૃષ્ણભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવાં ને સાંભળવાં. તે શુકજીએ જ કહ્યું છે જે :-

“પરિનિષ્‍ઠિતોડપિ નૈર્ગુણ્‍યે ઉત્તમશ્લોકલીલયા | ગૃહીતચેતા રાજર્ષે આખ્‍યાનં યદધીતવાન્ ||”

અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિષે પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઇક પાપ કરશે તોપણ એનો ઉદ્ધાર થશે. કેમ જે, પાપ કરે તેનું તો પ્રાયશ્વિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે, એ તો પંચ મહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઇ પ્રાયશ્વિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્‍ઠા રાખી હોય, ને કદાચિત્ તેથી કાંઇક પાપ થઇ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે, માટે ભગવાનના આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખીને એની દૃઢ ઉપાસના કરવી. એમ તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દૃઢ કરીને રાખજ્યો.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાનાં વચન કહીને ભોજન કરવા સારૂં પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૩૯|| ૧૭૨ ||