ગઢડા પ્રથમ – ૭૦ : કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:59pm

ગઢડા પ્રથમ – ૭૦ : કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું

સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર શુદિ ૧૫ પૂર્ણિમાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંઘ્‍યું હતું ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્‍તકમળમાં તુલસીની માળા લઇને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, મોટા મોટા પરમહંસ માંહોમાંહિ પ્રશ્ર્ન ઉત્તર કરો, તથા કોઇ હરિભક્તને પુછવું હોય તો પરમહંસને પુછો. ત્‍યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઇએ નિત્‍યાનંદ સ્‍વામીને પ્રશ્ર્ન પુછયો જે “અંતરની માંહીલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે. તે ના પાડે છે તે કોણ છે, ને હા પાડે છે તે કોણ છે ?” ત્‍યારે નિત્‍યાનંદ સ્‍વામીએ કહ્યું જે ‘ ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે, ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે લ્‍યો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ જે, આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી, તે દિવસથી મા બાપે નિશ્વય કરાવ્‍યો જે ‘ આ તારી મા ને આ તારો બાપ ને આ  તારો કાકો ને આ તારો ભાઇ, ને આ તારો મામો ને આ તારી બોન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંશ ને આ તારી ગાય ને આ તારો ધોડો ને આ તારૂં લુગડું ને આ તારૂં ઘર ને આ તારી મેડી ને આ તારૂં ખેતર ને આ તારાં ધરેણાં” ઇત્‍યાદિક જે કુસંગીના શબ્‍દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે, તે કેવી રીતે રહ્યા છે તો જેમ કોઇક સ્‍ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે, તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્‍દને તેનાં રૂપ તે પંચવિષયે સહિત રહ્યાં છે અને તે જીવને પછી સત્‍સંગ થયો ત્‍યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગતમિથ્‍યાની વાર્તા કરી, તે સંતની વાર્તા ને તે સંતનાં રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યાં છે, તે એ બે લશ્‍કર છે તે સામસામાં ઉભાં છે. ‘જેમ કુરૂક્ષેત્રને વિષે કૌરવ ને પાંડવનાં લશ્‍કર સામસામાં ઉભાં હતાં ને પરસ્‍પર તીર ને બરછી ઇત્‍યાદિક શસ્ત્રની લડાઇ થતી હતી. અને કોઇક તરવારે લડતા હતા ને કોઇક ગદાએ લડતા હતા ને કોઇક બથોબથ લડતા હતા ને તેમાં કોઇનું માથું ઉડી ગયું ને કોઇની સાથળ કપાઇ ગઇ એમ કચ્‍ચરધાણ ઉડતો હતો.’ તેમ આ જીવના અંત:કરણમાં પણ જે કુસંગીનાં રૂપ છે તે પંચવિષયરૂપી શસ્ત્ર બાંધીને ઉભાં છે અને વળી જે આ સંતનાં રૂપ છે તે પણ ‘ ભગવાન સત્‍ય ને જગત મિથ્‍યા ને વિષય ખોટા’ એવા જે શબ્‍દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઉભા છે અને એ બેને પરસ્‍પર શબ્‍દની લડાઇ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે, ત્‍યારે વિષય ભોગવ્‍યાની ઇચ્‍છા થઇ આવે છે ને આ સંતનું બળ થાય છે, ત્‍યારે વિષય ભોગવવાની ઇચ્‍છા નથી થતી. એમ પરસ્‍પર અંત:કરણમાં લડાઇ થાય છે. તે જેમ

“યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ | તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રૂવા નીતિર્મતિર્મમ ||”

એ શ્લોકમાં કહ્યું છે જે ” જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે, ત્‍યાંજ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે” તેમ જેની કોરે આ સંત મંડળ છે, તેનોજ જય થશે. એમ નિશ્વય રાખવો.

ત્‍યારે વળી તે કાકાભાઇએ પ્રશ્ર્ન પુછયો જે ”હે મહારાજ ! એ સંતનું બળ વધે, ને કુસંગીનું બળ ધટે, તેનો શો ઉપાય છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે, માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનોજ સંગ રાખે, તો કુસંગીનું બળ ધટી જાય અને સંતનું બળ વધે એમ છે, એમ શ્રીજીમહારાજે કહ્યું.

ત્‍યારે વળી કાકાભાઇએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! એકને તો કુસંગીની લડાઇ આળશી ગઇ છે ને સંતનું જ બળ છે એક એવો છે. અને એકને તો એમ ને એમ લડાઇ થતી રહે છે, તે એ બેમાં જેને લડાઇ આળશી ગઇ છે તે મરે ત્‍યારે તેને ભગવાનના ધામની પ્રાપ્‍તિ થાય, તેમાં તો કાંઇ સંશય નથી. પણ જેને લડાઇ એમ ને એમ થાય છે, તે મરે તેની શી ગતિ થાય તે કહો?”ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેમ એક લડવા નીસર્યો તેને આગળ વાણીયા કે ગરીબ વર્ણ આવ્‍યા તેને જીતી ગયો તે પણ જીત્‍યોજ તો, અને એક તો લડવા નીસર્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપુત આવ્‍યા તથા કાઠી તથા કોળી આવ્‍યા તેને તો જીતવા કઠણ જ છે, પણ કાંઇ એ વાણીયાની પેઠે તરત જીતાઇ જાય એવા નથી. માટે એતો એમને એમ લડે છે, અને તેમાં જો જીત્‍યો તો જીત્‍યો અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્‍યો તો ન હઠયો, પણ દેહનું આયુષ્ય આવી રહ્યું અને મૃત્‍યુ પામ્‍યો તો પણ જે એનો ધણી છે તે શું નહિ જાણે ? જે ‘એને આગળ આવાં કરડાં માણસ આવ્‍યાં હતાં તે નહિ જીતાય, અને આની આગળ તો વાણિયા આવ્‍યા હતા તે જીતાય એવા હતા.’ એમ એ બેય ધણીની નજરમાં હોય, તેમ એની ભગવાન સહાય કરે જે, “આને આવા સંકલ્‍પ વિકલ્‍પનું બળ છે અને લડાઇ લે છે માટે એને શાબાશ છે, એમ જાણીને ભગવાન એની સહાય કરેછે; માટે બે ફિકર રહેવું, કાંઇ ચિંતા રાખવી નહિ, ભગવાનને એમને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી છેટે રહેવું.” એમ પ્રસન્ન થઇને શ્રીજીમહારાજ બોલતા હવા.

ત્‍યારે ગામ જસકાવાળા જીવાભાઇએ નિત્‍યાનંદ સ્‍વામીને પ્રશ્ર્ન પુછયો જે,”ભગવાનનો અડગ નિશ્વય કેમ થાય?” ત્‍યારે નિત્‍યાનંદસ્‍વામી બોલ્‍યા જે, કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશે રાખીએ, તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્વય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્વય ન થાય. ત્‍યારે વળી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, લ્‍યો અમે એનો ઉત્તર કરીએ જે, ભગવાનનો નિશ્વય કરવો તે એકલો પોતાના જીવના કલ્‍યાણનેજ અર્થે કરવો, પણ કોઇક પદાર્થની ઇચ્‍છાએ કરીને ન કરવો, જે ‘હું સત્‍સંગ કરૂં તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થઉ, કે ગામ ગરાસ ગયો છે તે સત્‍સંગ કરીએ તો પાછો આવે,’ એવી જાતની જે પદાર્થની ઇચ્‍છા તે રાખીને સત્‍સંગ ન કરવો, અને જો એવી જાતની ઇચ્‍છા રાખીને સત્‍સંગ કરે. અને એ પદાર્થની ઇચ્‍છા પુરી થાય, તો અતિશે પાકો સત્‍સંગી થઇ જાય અને જો ઇચ્‍છા પુરી ન થાય તો નિશ્વય ધટી જાય, માટે સત્‍સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્‍યાણને જ અર્થે કરવો, પણ કોઇ પદાર્થની ઇચ્‍છા તો રાખવી જ નહિ, કાં જે ઘરમાં દશ માણસ હોય અને તે દશેનું મૃત્‍યુ આવ્‍યું હોય તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે ? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવામળે તો શું થોડા છે ? સર્વે જનારૂં હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે, એમ માનવું. એમ અતિશે દુ:ખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરૂં, પણ એ જીવને એમ સમજાતું નથી અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્‍યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા, તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો તેને માર્ગને વિષે પગમાં કાંટો વાગ્‍યો તે પગમાં સોંસરો નીકળ્‍યો, તેણે કરીને પગ સુંણ્‍યો તે ચોરીએ ન જવાણું અને બીજા ચોર તો ચોરી કરવા ગયા તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણુંક ધન લઇ આવ્‍યા. અને સૌએ માંહો માંહી વહેંચી લીધું તે પૈસા બહુ આવ્‍યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્‍યો હતો તેનાં માબાપ, સ્‍ત્રી અને સગાં સર્વે વઢવા લાગ્‍યાં જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું, ને તે ચોર ચોરી કરીને લાવ્‍યા તો કેટલાય પૈસા એમને આવ્‍યા.’ એમ વાર્તા કરે છે ત્‍યાં રાજાનું લશ્‍કર આવ્‍યું તે ‘તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દેવા સારૂં લઇ ગયા. ત્‍યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાખ્‍ય પુરી જે, આ તો ચોરી કરવા નોતો ગયો, એને તો કાંટો વાગ્‍યો હતો,’ ત્‍યારે તે ઉગર્યો. એમ સત્‍સંગ કરે છે તેને શૂળી જેટલું દુ:ખ હોય તે કાંટે મટે છે, કાંજે અમે રામાનંદ સ્‍વામી પાસે માગી લીધું છે જે,  ‘તમારા સત્‍સંગી હોય તેને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તે મને એક  એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુ:ખ થાઓ, પણ તમારા સત્‍સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્‍સંગીને પ્રારબ્‍ધમાં રામપત્તર લખ્‍યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્‍સંગી અન્ન વસ્‍ત્રે કરીને દુ:ખી ન થાય, એ બે વર મને આપો.’ એમ મેં રામાનંદ સ્‍વામી પાસે માગ્‍યું ત્‍યારે મને રામાનંદસ્‍વામીએ રાજી થઇને એ વર આપયો છે, માટે જે કોઇ સત્‍સંગ કરે છે તેને વ્‍યવહારે દુ:ખ થાવાનું લખ્‍યું હોય તે થાય નહિ, તો પણ પદાર્થ નાશવંત છે માટે એ પદાર્થની ઇચ્‍છાએ સત્‍સંગ કરે તો એને નિશ્વયમાં સંશય થયા વિના રહે જ નહિ, માટે સત્‍સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્‍યાણનેજ અર્થે કરવો. તો અડગ નિશ્વય થાય, ઇત્‍યાદિક ઘણીક વાર્તા તો કરી છે, પણ આ તો દિશમાત્ર લખી છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૦||