ગઢડા પ્રથમ – ૪૫ : સાકાર-નિરાકારનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:09am

ગઢડા પ્રથમ – ૪૫ : સાકાર-નિરાકારનું

સંવત્ ૧૮૭૬ ના માઘ સુદી ૧૦ દશમીને દિવસ સાંજને સમે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતાં અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી ગોપાળાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! કેટલાક વેદાંતિ એમ કહે છે જે ‘ભગવાનને આકાર નથી.’ અને તેવાજ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે. અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ભગવાન પુરૂષોત્તમ છે તે તો સદા સાકારજ છે અને મહા તેજોમય મૂર્તિ છે. અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્‍ચિદાનંદ બ્રહ્મ છે, તે તો મૂર્તિમાન એવા જે પુરૂષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે ‘તે ભગવાન માયા સામું જોતા હવા’ અને જ્યારે જુવે ત્‍યારે તેને શું એકલી આંખ જ હોય ? હાથ પગ પણ હોય. માટે સાકારરૂપનું પ્રતિપાદન થયું, અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરૂણ તે પોતાના લોકને વિષે સાકાર છે. ને જળ નિરાકાર કહેવાય છે. અને જેમ અગ્‍નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે. અને તેના દેવતા જે અગ્‍નિ, તે અગ્‍નિલોકને વિષે સાકાર છે, અને જેમ સમગ્ર તડકો છે તે નિરાકાર કહેવાય છે, ને સૂર્યના મંડળને વિષે જે સૂર્ય દેવ છે તે સાકાર છે, તેમ સચ્‍ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે, અને પુરૂષોત્તમ જે ભગવાન તે સાકાર છે. અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્‍ચિદાનંદ બ્રહ્મ તે પુરૂષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઇ એમ કહેશે જે, શ્રુતિમાં એમ કહ્યું છે જે ‘પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે’ તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કર ચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્‍ય છે, પણ માયિક નથી. અને જેમ સૂર્યનું તેજ છે તેને આગળ દર્પણ ધરીએ, ત્‍યારે તે કીરણનું જે રૂપ તે સૂર્યના જેવું જ ભાસે છે. તેમ પુરૂષોત્તમ ભગવાન મૂર્તિમાન છે, તેની કિરણરૂપ જે સર્વત્ર વ્‍યાપક સચ્‍ચિદાનંદ બ્રહ્મ તેનું રૂપ પણ દર્પણ જેવું જેનું નિર્મળ અંત:કરણ થયું હોય, તેને પુરૂષોત્તમ ભગવાનના જેવું સાકારજ ભાસે છે. તે માટે ભગવાન પુરૂષોત્તમ તો સદા સાકારજ છે પણ નિરાકાર નથી, અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૫||