અધ્યાય - ૨ - શ્રીમદ્ભાગવત મહાપુરાણના કથાશ્રવણ, પુરશ્ચરણ અને દાનનો વિધિ.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:30pm

અધ્યાય - ૨ - શ્રીમદ્ભાગવત મહાપુરાણના કથાશ્રવણ, પુરશ્ચરણ અને દાનનો વિધિ.

શ્રીમદ્ભાગવત મહાપુરાણના કથાશ્રવણ, પુરશ્ચરણ અને દાનનો વિધિ. લઘુ અને મહા, બે પ્રકારનાં પુરાણો. વ્યાસજીનો સંતાપ દૂર કરવા નારદજીના અંતરમાં ભગવાનની પ્રેરણા.

ઉત્તમ રાજા પૂછે છે, હે પ્રભુ ! શ્રીમદ્ભાગવતના કથાશ્રવણનો વિધિ, તેના પુરશ્ચરણનો અને તેના દાનનો વિધિ મને સંભળાવો.૧

કારણ કે મેં જે પૂછયું છે તે સર્વેનું તમે યથાર્થ જ્ઞાન ધરાવો છો. અને તેને સાંભળવાની મારા અંતરમાં ઇચ્છા વર્તે છે તેથી તેનો વિધિ મને સંભળાવો.૨

લઘુ અને મહા, બે પ્રકારનાં પુરાણો :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે જ્યારે ઉત્તમરાજા પુરાણપુરુષ પરમાત્મા ભગવાન શ્રીહરિને પ્રશ્ન કર્યો ત્યારે શ્રીહરિ તેમને શ્રીમદ્ભાગવતના શ્રવણાદિકનો વિધિ કહેવા લાગ્યા.૩

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે રાજન્ ! પોતે ઇચ્છેલા મનોવાંછિત ફળને આપનારા શ્રીમદ્ભાગવત પુરાણના શ્રવણાદિકનો વિધિ તમને હું સારી રીતે કહું છું. તમે આદરપૂર્વક સાંભળો.૪

પુરાણો લઘુ અને મહાન એમ બે પ્રકારનાં છે. તેમાં ઉપપુરાણો છે તે લઘુપુરાણો છે અને પુરાણો છે તે મહાન કહેલાં છે.૫

તેમાં સ્વયં ભગવાન વ્યાસજીએ અઢાર મહાપુરાણોની રચના કરી છે. જ્યારે અન્ય ઋષિઓએ પણ તેટલાં જ ઉપપુરાણોની રચના કરી છે .૬

હે રાજન્ ! તેમાં મહાન પુરાણોનાં નામ આ પ્રમાણે છે, બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, શ્રીમદ્ભાગવત પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિપુરાણ, ભવિષ્યપુરાણ, લિંગપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, વરાહપુરાણ, સ્કંદપુરાણ, વામનપુરાણ, કૂર્મપુરાણ, મત્સ્યપુરાણ, ગરુડપુરાણ અને બ્રહ્માંડ પુરાણ આ અઢાર મહાપુરાણો છે. હે નિષ્પાપ રાજન્ ! હવે ઉપપુરાણોનાં નામ કહું છું.૭-૯

સાનત્કુમાર, નાન્દ, નારસિંહ, કાપિલ, દૌર્વાસસ, નારદીય, શૈવધર્મ, માનવ, બ્રહ્માંડ, ઔશનસ, વારુણ, કાલિક, વાસિષ્ઠલિંગ, વાસિષ્ઠ, માહેશ્વર, પારાશર, સાંબ અને સૌર આ અઢાર ઉપપુરાણો છે. હે રાજન્ ! મારીચ, ભાર્ગવ એ આદિ અન્ય કેટલાંક ઉપપુરાણો પણ રહેલાં છે.૧૦-૧૨

અને જે મહાભારત છે તેને તો મહાપુરુષોએ ઇતિહાસ ગ્રંથ કહેલો છે. જ્યારે રામાયણને કાવ્યગ્રંથ કહ્યો છે.૧૩

ચારે વેદોએ સહિત આ સર્વ પુરાણો તથા ઉપપુરાણોની મધ્યે શ્રીમદ્ ભાગવત નામનું જે મહાપુરાણ છે તે સમગ્ર દહીંના સમૂહમાંથી માખણની જેમ સર્વ શાસ્ત્રના સારરૂપ છે. અથવા મણિઓની મધ્યે ચિંતામણિ જેમ સારરૂપ છે, તેમજ ભવરોગને ભગાડનારું મહા ઔષધીરૂપ આ મહાપુરાણ કહેલું છે.૧૪

જેવી રીતે ભારતવર્ષમાં ચંદ્રભાગા આદિ પવિત્ર નદીઓની મધ્યે ગંગાનદી સર્વ શ્રેષ્ઠ છે. વળી સર્વે બ્રહ્માદિક દેવતાઓની મધ્યે વિષ્ણુ ભગવાન શ્રેષ્ઠ છે. વળી સર્વે ભગવાનના એકાંતિક ભક્તોની મધ્યે શંભુ શ્રેષ્ઠ છે, તેવી રીતે સર્વે મહાપુરાણો અને ઉપપુરાણોની મધ્યે આ શ્રીમદ્ભાગવત મહાપુરાણ સર્વશ્રેષ્ઠ છે.૧૫

હે રાજન્ ! ચારેવેદ તથા સર્વે પુરાણો ઉપપુરાણોની મધ્યે આ શ્રીમદ્ ભાગવત મહાપુરાણની જે શ્રેષ્ઠતા છે તેનું કારણ હું તમને કહું છું. જેનું શ્રવણ કર્યા પછી તમને તેમાં વધુ રુચિ થશે.૧૬

સમસ્ત જગતના પિતામહ બ્રહ્માજીએ જ્યારે આ જગતનું સર્જન કર્યું, ત્યારે સર્વજનોના પુરુષાર્થની સિદ્ધિ કરી આપે તેવા વેદની પ્રવૃત્તિ કરી.૧૭

પૂર્વે આદિ સત્યુગની અંદર માત્ર એક વેદ જ હતા. અને તે સમયે કુશાગ્ર બુદ્ધિવાળા પુરુષો એ સમગ્ર વેદનો અર્થ સહિત અભ્યાસ પણ કરતા.૧૮

કાળક્રમે મનુષ્યો અલ્પ બુદ્ધિવાળા થયાં, ત્યારે દ્વાપરયુગના અંત સુધીમાં તો કોઇ પુરુષો પણ વેદનું અધ્યયન કરવા અને તેના અર્થને સમજવા સમર્થ થઇ શક્યા નહિ.૧૯

તે સમયે સાક્ષાત્ નારાયણના અવતાર સ્વરૂપ ભગવાન વેદવ્યાસજી પ્રગટ થયા. તેમણે વેદોના અર્થોનું જ્ઞાન કરાવી જીવાત્માઓના કલ્યાણ કરવાનો પ્રયત્ન કર્યો.૨૦

તેમાં તેણે એક વેદના ચાર વિભાગ કર્યા, તેમજ તે વેદોના અર્થોને સમજવા બ્રહ્મપુરાણ આદિ સત્તર પુરાણોની અને મહાભારત ગ્રંથની રચના કરી.૨૧

તેમાં ચારે વર્ણ અને ચારે આશ્રમ માટેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું તેમણે સ્પષ્ટપણે વર્ણન કર્યું.૨૨

તેમજ વ્યાસજીએ સત્તર પુરાણોમાં અને મહાભારતમાં જીવાત્માઓના આત્યંતિક કલ્યાણને માટે એકાંતિક ધર્મોનું પણ પ્રસંગોચિત ક્યાંક ક્યાંક વર્ણન કર્યું.૨૩

હે રાજન્ ! ત્યારપછી મહામુનિ વ્યાસજીએ પોતાના શિષ્ય પૈલમહર્ષિને ઋગ્વેદના આચાર્ય કર્યા. વૈશંપાયન મહર્ષિને યજુર્વેદના આચાર્ય કર્યા, જૈમિનિ મહર્ષિને સામવેદના આચાર્ય કર્યા, અને સુમંતુ મહર્ષિને અથર્વવેદના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા.૨૪-૨૫

ત્યારપછી બાદરાયણ મહામુનિ વ્યાસજીએ સર્વજનોના હિતને માટે રોમહર્ષણને ઇતિહાસ અને પુરાણોના આચાર્ય તરીકે નિયુક્ત કર્યા.૨૬

આટલું કર્યા પછી પણ સરસ્વતી નદીના તીરે પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં બિરાજેલા મહામુનિ વ્યાસજીને પોતાના અંતરમાં શાંતિ પ્રાપ્ત થઇ નહિ.૨૭

તેનું કારણ તમને કહું છું. તેને તમે સાંભળો. આ ભૂતળ ઉપર વ્યાસજીનો જન્મ કેવળ લોકોના આત્યંતિક કલ્યાણ કરવા માટે જ થયો હતો.૨૮

અને લોકોના આત્યંતિક કલ્યાણનો હેતુ તો માત્ર સદ્ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત ભગવાન શ્રીવાસુદેવનારાયણની માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિ કરવી; આ ચાર સાધનમાંજ છે.૨૯

અને વ્યાસજીએ પુરાણો તથા મહાભારતાદિકમાં તેનું પ્રસંગોચિત વર્ણન પણ કર્યું હતું. તે કેવળ શાકમાં મીઠાં જેટલું અલ્પ પ્રમાણમાં હોવાથી તે આત્યંતિક મોક્ષનું સાધન અતિશય વિસ્તારથી વર્ણન કરેલા ધર્મ, અર્થ અને કામની વ્યાખ્યા સાથે મિશ્ર થવાથી યથાર્થ સમજવા જનસમુદાય માટે શક્ય ન હતું.૩૦

હે રાજન્ ! ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિનું સ્થાપન કરનારાં બહુ પ્રકારનાં વાક્યોને મધ્યે મોક્ષનાં વાક્યો ક્યાંય દબાઇ ગયાં તેથી મનુષ્યો સ્વર્ગાદિક ફળની પ્રાપ્તિ કરાવી આપનારા યજ્ઞાયાગાદિ કર્મોમાં જ કેવળ આસક્ત થયાં.૩૧

તેમાં ભગવાનની ભક્તિ કરવાનું તો કોઇને હાથ આવ્યું નહિ. તેના કારણે વ્યાસમુનિએ જે જનોના આત્યંતિક કલ્યાણનો ઉદ્દેશ રાખીને તે પુરાણાદિકની રચના કરી હતી, તે સફળ ન થતાં તે ન રચ્યા જેવાં નિરર્થક થયાં. કારણ કે તેનાથી આત્યંતિક કલ્યાણના હેતુભૂત સદ્ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની લોકમાં પ્રવૃત્તિ થઇ નહિ.૩૨

તે હેતુથી જ એ સમયે અંતર્યામી, સાક્ષાત્ સર્વાવતારી પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીકૃષ્ણે વ્યાસમુનિના અંતરમાં અકૃતાર્થતાની ભાવના પ્રેરી, તેનાથી તે મહાસંતાપને પામ્યા.૩૩

એ સંતાપના શોકમાં દુઃખી થયેલા વ્યાસમુનિનું જ્ઞાન સંકુચિત થયું. તેથી તે કોઇ પ્રકારની શાંતિ પામ્યા નહિ. અને અન્ય કોઇ ગ્રંથ રચવા પણ સમર્થ થયા નહિ.૩૪

વ્યાસજીનો સંતાપ દૂર કરવા નારદજીના અંતરમાં ભગવાનની પ્રેરણા :- હે રાજન્ ! તે સમયે દયાળુ, ઋષિઓના સ્વામી, નરભ્રાતા, ભગવાન શ્રીનારાયણઋષિએ બીજાને બોધ આપવામાં નિપુણ એવા નારદજીના અંતરમાં વ્યાસજીને બોધ આપવાની પ્રેરણા કરી.૩૫

અનેક પ્રકારના વિચાર કરવા છતાં સંતાપનું કારણ નહિ જાણી શકવાથી શોકસાગરમાં ડૂબેલા વ્યાસમુનિ પાસે સર્વ દુઃખનું નિવારણ કરનારા નારદજી પધાર્યા.૩૬

વ્યાસજીએ અર્ઘ્યાદિકથી નારદજીનું પૂજન કર્યું. ત્યારપછી પોતાના અસંતોષનું કારણ પૂછયું ત્યારે સર્વજ્ઞા તેમજ ભગવાનને વહાલા નારદમુનિ વ્યાસજી પ્રત્યે કહેવા લાગ્યા.૩૭

નારદજી કહે છે, હે વ્યાસમુનિ ! જીવોને આત્યંતિક કલ્યાણનો બોધ કરાવવા માટે તમારો આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ થયો છે. જેને માટે તમે પ્રગટ થયા છો. તે કામ તમે સારી રીતે કર્યું નથી. તેથી તમારા અંતરમાં અપૂર્ણતાનો સંતાપ થઇ રહ્યો છે.૩૮

હે નિષ્પાપ મહર્ષિ ! તમે જીવાત્માઓના કેવળ આત્યંતિક કલ્યાણને માટે સમસ્ત ગ્રંથોના સારભૂત અને કેવળ ભગવદ્ રસપરાયણ પુરાણની રચના કરો.૩૯

તે પુરાણમાં કેવળ શ્રીવાસુદેવ ભગવાન અને તેમના ભક્તોના યશનું જ તત્ત્વપૂર્વક યથાર્થ નિરૂપણ કરો. તો તમારા અંતરમાં શાંતિ થશે.૪૦

હે મહામુનિ ! તમે અત્યારે જ શ્રીમદ્ભાગવત નામના મહાપુરાણની રચના કરો. તેનાથી જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ થશે. જે તમારા સંતોષનું કારણ સિદ્ધ થશે.૪૧

આવી બદરિપતિ ભગવાન શ્રીનારાયણની આજ્ઞા છે. હે ઉત્તમ નૃપતિ ! આ પ્રમાણેનો વ્યાસજીને ઉપદેશ આપી નારદજી ત્યાંથી વિદાય થયા. ત્યારપછી વ્યાસજીએ સમાધિદ્વારા શ્રીમદ્ભાગવત મહાપુરાણ રચવાની ઇચ્છા કરી.૪૨

સૌ પ્રથમ વ્યાસજીએ ચાર વેદ, સર્વે સ્મૃતિઓ, મહાભારત આદિક ઇતિહાસો, સમગ્ર પુરાણો, શારીરિક બ્રહ્મસૂત્રો, તેમજ રામાયણાદિ મહાકાવ્યોનું પોતાની બુદ્ધિથી વારંવાર મંથન કરીને તેના સારરૂપ અર્થનું તારણ બહાર કાઢયું.૪૩

ત્યારપછી મહાયોગી વ્યાસજીએ પોતાની અનુભૂતિના જ્ઞાનની સાથે વેદાદિના સારરૂપ તારણ કરેલા જ્ઞાનને સાથે મેળવીને બ્રહ્મભાવને પામેલા ભગવાનના એકાંતિક મુક્તોને સદાય ઇચ્છવા યોગ્ય અને સેવન કરવા યોગ્ય શ્રીમદ્ ભાગવત નામના મહાપુરાણની રચના કરી.૪૪

જેવી રીતે ભગવાન વિષ્ણુએ મંદ્રાચળના રવૈયાથી મંથન કરી અગાધ સમુદ્રમાંથી સર્વે ઔષધીઓ સહિત અમૃતનું પણ સંપાદન કર્યું હતું. તેવી જ રીતે મહામુનિ વ્યાસજીએ સર્વશાસ્ત્રોરૂપ સમુદ્રમાંથી શ્રીમદ્ભાગવતરૂપ સારનું સંપાદન કર્યું.૪૫

હે રાજન્ ! શ્રીવાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાન આ પૃથ્વી પરથી જ્યારથી અંતર્ધાન થયા ત્યાર પછીથી મનુષ્યોમાં પોતાના વંશે સહિત ધર્મ નિરાધાર થયો હતો. તે ધર્મને આ શ્રીમદ્ભાગવતની રચના થતાં આશરો પ્રાપ્ત થયો. અત્યારે ધર્મ આ પુરાણને આશરે રહેલો છે.૪૬

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીમદ્ભાગવત મહાપુરાણની ઉત્પત્તિના કારણનું નિરૂપણ કર્યું, એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો. --૨--