અધ્યાય - ૩ - ભગવાન શ્રીહરિએ રહસ્યનું ઉદ્ઘાટન કરી શ્રીમદ્ભાગવતના માહાત્મ્યનું વર્ણન કર્યું.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:31pm

અધ્યાય - ૩ - ભગવાન શ્રીહરિએ રહસ્યનું ઉદ્ઘાટન કરી શ્રીમદ્ભાગવતના માહાત્મ્યનું વર્ણન કર્યું.

ભગવાન શ્રીહરિએ રહસ્યનું ઉદ્ઘાટન કરી શ્રીમદ્ભાગવતના માહાત્મ્યનું વર્ણન કર્યું.

ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે ઉત્તમ ભૂપતિ ! સર્વ શાસ્ત્રના સારભૂત આ શ્રીમદ્ભાગવત મહાપુરાણને વિષે સાંખ્યસૂત્રમાં, યોગસૂત્રમાં, બ્રહ્મસૂત્રમાં અને ઉપનિષદોમાં વર્ણન કરેલો વેદાંતનો અર્થ એક ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય તે માટે જ વિસ્તારથી વર્ણન કરેલ છે.૧-૨

શ્રીવાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધ આ નામથી પ્રસિદ્ધ ચતુર્વ્યૂહ સ્વરૂપવાળા તેમજ પુરુષાવતારને ધારણ કરનાર શ્રીકૃષ્ણ ભગવાનનું પંચરાત્રશાસ્ત્રમાં જે વર્ણન કરેલું છે. તેનું અહીં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.૩

હે રાજન્ ! શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન અને તેમને વિષે એક નિષ્ઠાવાળી દૃઢ ભક્તિ તેમ જ તેમને જ રાજી કરવા માટે તેમની પૂજા આદિકના લક્ષણવાળું નિષ્કામ કર્મ, શ્રીકૃષ્ણ ભગવાન સિવાય ઇતર વસ્તુમાં વૈરાગ્ય, તેમના જ અવતારોના જન્મ અને કર્મનું દિવ્યજ્ઞાન, તેમના ભક્તોમાં સખાભાવ, તેમજ આત્મસ્વરૂપનું વિજ્ઞાન મનુષ્યોને સારી રીતે થાય તે હેતુથી આ ઉપરોક્ત સર્વે બાબતોનું બહુ પ્રકારે આ શ્રીમદ્ભાગવતને વિષે વ્યાસમુનિએ વિસ્તારથી વર્ણન કર્યું છે.૪-૬

શ્રીમદ્ ભાગવતને વિષે રહેલા ઉપરોક્ત ગુપ્ત રહસ્યના અર્થને સર્વે વક્તાઓ કે શ્રોતાઓ જાણી શકતા નથી. પરંતુ ભગવાનના એકાંતિક ભક્તો જ આ રહસ્યને જાણી શકે છે.૭

તેમાં જે શ્રોતા કે વક્તા પોતપોતાના ધર્મમાં દૃઢ વર્તતા હોય, શબ્દાદિ પાંચ વિષયોમાં વિરક્ત હોય, જે આત્માના સ્વરૂપને જાણનારા હોય અને આત્મનિષ્ઠામાં વર્તતા હોય તેમજ મનુષ્યાકૃતિમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનને અનંત ઐશ્વર્યોથી સુશોભિત જાણી તેમની જ એક નિષ્ઠાવાળી ભક્તિ કરતા હોય અને વળી જે શ્રોતા અને વક્તા એ જ શ્રીકૃષ્ણ ભગવાનના એકાંતિક ભક્તોને વિષે નિર્દંભપણે મિત્રતા કરતા હોય, તે જ શ્રીમદ્ભાગવતના પૂર્વોક્ત ગૂઢ અભિપ્રાયને જાણી શકે છે.૭-૧૦

હે રાજન્ ! આ ધર્મનિષ્ઠા આદિક લક્ષણોવાળા મનુષ્યો ભલેને લૌકિક વ્યવહારમાં નિપુણ ન હોય તેમજ અનેક શાસ્ત્રોનો અભ્યાસ પણ ન કર્યો હોય છતાં પણ તેઓ આ શ્રીમદ્ભાગવતના રહસ્યને શ્રવણમાત્રથી જ જાણી શકે છે.૧૧

તેમ જ પૂર્વે કહેલા ધર્મનિષ્ઠા આદિક લક્ષણોથી રહિત હોય ને તે પછી વેદાદિ શાસ્ત્રોને ભણેલા હોય તથા લોકવ્યવહારમાં પણ બહુ ચતુર હોય, તેમ જ મનુષ્યોના ગુરુ સ્થાને બેઠા હોય, જીવન પર્યંત પ્રતિદિન આ મહાપુરાણનું અધ્યયન કે શ્રવણ કરતા હોય તે પુરુષો પણ આના રહસ્યને જાણી શકતા નથી. અને તેઓને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રેમરૂપ એકાંતિકી ભક્તિ પણ પ્રાપ્ત થતી નથી.૧૨-૧૩

હે રાજન્ ! જે પુરુષો ઉપરોક્ત શ્રીમદ્ ભાગવતના રહસ્યને ભગવાનના એકાંતિક સંતોના મુખથકી જાણીને તેને અનુસાર વર્તન કરતા નથી, તે પુરુષો વિદ્વાન હોવા છતાં અજ્ઞાની પુરુષો જ કહેલા છે. તેથી ભગવાનને વિષે ગાઢ અનુરાગપૂર્વકની ભક્તિથી જ આ શ્રીમદ્ભાગવતનું સેવન, પઠન, પાઠન, શ્રવણ કરવું.૧૪

આવા મહિમાવાળા આ મહાપુરાણનો જાણે કે અજાણે જે કોઇ મનુષ્યો પાઠ કે શ્રવણ કરે છે.૧૫

તે મનુષ્યો આ પૃથ્વી પર તત્કાળ સમગ્ર પાપથકી મુક્ત થઇ જાય છે. અને જો ફરી પાપ ન કરે તો ભવબંધનમાંથી પણ મુક્ત થઇ જાય છે.૧૬

આ શ્રીમદ્ભાગવત એક અમૃતરૂપ ઔષધિ છે. તે બહુ કાળથી ઉદ્ભવેલા અને તેથી જ જૂનાં થઇ ગયેલાં તેમજ પ્રાયશ્ચિતરૂપી વૈદ્યોએ બતાવેલા ઉપાયોથી પણ નિવૃત્ત ન થવાથી છોડી દીધેલાં મહાપાપરૂપ રોગનું નિવારણ કરે છે.૧૭

ભગવાન વ્યાસજીએ પરમ રહસ્યરૂપ આ મહાપુરાણની રચના કરી મનુષ્યોના કલ્યાણને માટે પોતાના પુત્ર શુકદેવજીને ભણાવ્યું.૧૮

દયાળુ એવા શુકદેવજીએ ગંગાના કાંઠે મહર્ષિઓના સમૂહોએ યુક્ત મહાસભામાં અનશન વ્રત લઇને બેઠેલા પરીક્ષિત રાજાને સંભળાવ્યું.૧૯

ત્યારપછી આ શ્રીમદ્ભાગવત પુરાણની આ પૃથ્વીપર પ્રવૃત્તિ થઇ. આવો આનો મહિમા હોવાથી તે પૃથ્વીપર સર્વ કરતાં શ્રેષ્ઠ કહેલું છે.૨૦

હે રાજન્ ! શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે આ પૃથ્વીપરથી અંતર્ધાન થયા પછી કળિયુગનાં ત્રણસો વર્ષ પસાર થઇ ગયાં પછી, ભાદરવા મહિનાની શુક્લ નવમીએ શુકદેવજીએ પરીક્ષિત આગળ આ કથાનો પ્રારંભ કર્યો હતો.૨૧

આ રીતે શુકદેવજીએ સાત દિવસમાં અર્થે સહિત પ્રથમ સ્કંધથી બારમા સ્કંધ સુધીની સમગ્ર કથા કરી ભાદરવા મહિનાની પૂનમના દિવસે તેમની સમાપ્તિ કરી હતી.૨૨

આ ભાગવતની કથા વેદાદિ સકલ શાસ્ત્રના સારરૂપ છે. તેથી અતિશય ઉત્તમ છે. અને સર્વજનોને સર્વપ્રકારે સેવવા યોગ્ય છે.૨૩

જેવી રીતે દૂધમાં રહેલા ઘીનો અલગથી સ્વાદ માણવો મનુષ્યને માટે શક્ય નથી. પરંતુ એ ઘીને જ્યારે દૂધમાંથી જુદૂં કરવામાં આવે છે ત્યારે કર્પૂરની જેમ રમણીય દિવ્ય ભાવને પામી દેવતાઓના સ્વાદરસમાં વૃદ્ધિ કરનારું થાય છે. તો પછી મનુષ્યોની તો શું વાત કરવી ?૨૪

વળી તેવી જ રીતે શેરડીના સાંઠામાં આદિ, મધ્યે અને અંતે સર્વત્ર વ્યાપીને સાકર રહેલી છે. પરંતુ જ્યારે તે સાંઠાથી અલગ થાય છે, ત્યારે જ અતિશય મીઠાશને ધારણ કરે છે. તેવીજ રીતે આ શ્રીમદ્ભાગવતની કથારૂપ અલગ થયેલો વેદાદિ સત્શાસ્ત્રનો સાર સર્વોત્તમ છે.૨૫

હે રાજન્ ! આ શ્રીમદ્ભાગવતશાસ્ત્ર છે તે કાળરૂપી મહાઅજગરના મુખમાં પડેલા મનુષ્યોના ત્રાસનો વિનાશ કરવામાં હેતુભૂત છે. તેથી આ કળિયુગને વિષે શુકદેવજીએ તેનું ગાન કર્યું છે.૨૬

મનની શુદ્ધિને માટે આ શ્રીમદ્ભાગવતશાસ્ત્ર સમાન બીજું કોઇ શાસ્ત્ર જ નથી. જન્મોજન્માંતરથી ભેળાં થયેલાં પુણ્યના પ્રતાપથી જ આ શ્રીમદ્ભાગવતની કથાશ્રવણ કરવાની ઇચ્છા જન્મે છે.૨૭

હે રાજન્ ! બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, આદિક અઠયાશીહજાર મહર્ષિઓની સભામાં જ્યારે શુકદેવજી પરીક્ષિતરાજાને કથા કહેવા લાગ્યા, ત્યારે અમૃતનો કળશ લઇ દેવતાઓ ત્યાં આવ્યા.૨૮

પોતાના સ્વાર્થનું કાર્ય કરવામાં કુશળ સર્વે દેવતાઓ શુકદેવજીને પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે મુનિ ! તમે અમારી પાસેથી આ અમૃતકુંભનો સ્વીકાર કરો અને અમને કથારૂપી અમૃતનું દાન કરો.૨૯

આવા પ્રકારનો વિનિમય કરવાથી અમે આપેલા અમૃતનું પાન પરીક્ષિત રાજા કરશે અને અમે શ્રીમદ્ભાગવતામૃતનું પાન કરીશું.૩૦

હે રાજન્ ! દેવતાઓનું આવા પ્રકારનું વચન સાંભળી આલોકમાં ક્યાં કાચનો કટકો અને ક્યાં ચિંતામણિ જેવો મહામણિ ? તેવી જ રીતે ક્યાં સુધામૃત અને ક્યાં શ્રીમદ્ ભાગવતનું કથામૃત ? આ બેની તુલના કેમ કરી શકાય ? આવા પ્રકારનો વિચાર કરીને બ્રહ્મરાત શુકદેવજી દેવતાઓના મુખ સામે જોઇ તેની હાંસી કરવા લાગ્યા, ને દેવતાઓને વિષયાસક્ત ચિત્તવાળા જોઇ કથામૃત પાનને અયોગ્ય જાણી તેણે કથામૃત કરવા આપ્યું નહિ. આ રીતે આ શ્રીમદ્ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ છે.૩૧-૩૨

હે રાજન્ ! પછી પરીક્ષિત રાજાનો શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવાથી મોક્ષ થયેલો જોઇને સ્વયં બ્રહ્માજી પણ દેવતાઓએ સહિત અતિશય આશ્ચર્ય પામ્યા ને સત્યલોકમાં તુલા બાંધીને સર્વે શાસ્ત્રના સમૂહને તોલવામાં આવ્યો.૩૩

તે સમયે અન્ય શાસ્ત્રો વજનમાં અતિશય થોડા વજનવાળાં થયાં અને શ્રીમદ્ભાગવતશાસ્ત્ર તો બહુ ભારે વજનવાળું સાબિત થયું. તે જોઇ બ્રહ્મલોક નિવાસી સર્વે મુનિઓ પણ અતિશય વિસ્મય પામ્યા.૩૪

પછી સર્વે ઋષિમુનિઓ શ્રીમદ્ભાગવત શાસ્ત્રને ભગવાન શ્રીહરિનું મૂર્તિમાન અપર સ્વરૂપ માનવા લાગ્યા. તેમ જ તેમના અધ્યયનથી તથા કથાશ્રવણથી તત્કાળ વૈકુંઠલોકની પ્રાપ્તિરૂપ ફળને આપનારું માનવા લાગ્યા.૩૫

સત્યલોકમાં બ્રહ્માજીએ સર્વ શાસ્ત્રની કરેલી તુલનાનું વૃત્તાંત સાંભળીને પોતાનું કલ્યાણ ઇચ્છતા ત્રિલોકવાસી સર્વે જનો એક શ્રીમદ્ભાગવતને જ આદર આપવા લાગ્યા.૩૬

નિવૃત્તિમાર્ગના આચાર્યો કપિલદેવજી તથા સનકાદિકો પણ પરમ હર્ષથી આ શ્રીમદ્ભાગવતનો જ આદર કરવા લાગ્યા.૩૭ તેમજ પ્રવૃત્તિ માર્ગના આચાર્યો મરિચ્યાદિ સર્વે મુનિઓ પણ શુભ કાર્યમાં આદરપૂર્વક નિત્ય સ્વીકાર કરવા લાગ્યા.૩૮

હે રાજન્ ! શ્વેતદ્વિપધામ નિવાસી નિરન્નમુક્તો તથા બદરિકાશ્રમવાસી ઋષિમુનિઓ પણ આ જ શ્રીમદ્ભાગવત મહાપુરાણનું જ પ્રધાનપણે અધ્યયન તથા શ્રવણ કરી સેવન કરવા લાગ્યા.૩૯

તેના કારણે નિરાધાર થયેલાં શ્રુતિ, સ્મૃતિ, પુરાણો, રામાયણ, પંચરાત્ર આદિ શાસ્ત્રો શોકથી કૃશ થયાં, અને બ્રહ્માજીને શરણે જઇ કહેવા લાગ્યાં કે હે દેવોના દેવ ! હે જગતના વિધાતા ! તમે જ એક અમારા અધીશ્વર છો. તેથી અમારું મહાદુઃખ તમે સાંભળો.૪૦-૪૧

હે દેવ ! સર્વ શાસ્ત્રો કરતાં શ્રીમદ્ભાગવત શાસ્ત્રની શ્રેષ્ઠતા સિદ્ધ થતાં ત્રિલોકીને વિષે સર્વ પ્રકારના શુભકર્મોમાં હવે તેમની જ પ્રવૃત્તિ થાય છે.૪૨

હે પ્રભુ ! અમારી સામે કોઇ પણ મનુષ્યો દૃષ્ટિ માંડીને આદરથી જોતાં પણ નથી. તેથી લોકમાં અમારા નામનું અસ્તિત્ત્વ પણ નહિ રહે, આવો અમારા મનમાં મોટો ભય ઉત્પન્ન થયો છે.૪૩

હે ધાતા ! તેથી અમે જીવવાની આશા છોડી તમારે શરણે આવ્યાં છીએ. અમારું રક્ષણ કરો, કારણ કે, તમે લોકપાલક પિતા છો.૪૪

હે રાજન્ ! સર્વે શાસ્ત્રોનાં વચન સાંભળી બ્રહ્માજીએ તેઓને આશ્વાસન આપ્યું અને શ્રીમદ્ ભાગવતશાસ્ત્ર પ્રત્યે કહેવા લાગ્યા કે, હે નિષ્પાપ ! તમારે આ તમારા જ્ઞાતિજનોની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ.૪૫

હે તાત ! તમારે આ પોતાના આત્મીયજનોનો ત્યાગ કરી એકલા ક્યાંય જવું નહિ. આટલું મારું વચન તમે પાલન કરો. તે સમયે પોતાનો મહિમા વધારનાર પિતામહ બ્રહ્માજી પ્રત્યે પ્રણામ કરી શ્રીમદ્ ભાગવતે કહ્યું કે, હે બ્રહ્મન્ ! આજ દિવસથી આરંભીને હું પુરાણોના મંડલ મધ્યે જ નિવાસ કરીને રહીશ.૪૬-૪૭

સર્વ શાસ્ત્ર કરતાં અધિક શ્રેષ્ઠપણું મને પણ સ્વાભાવિક રીતે પ્રિય લાગતું નથી, એમ તમે નક્કી માનો. પરંતુ તમે જ તુલા કરીને મને સર્વ શાસ્ત્ર કરતાં શ્રેષ્ઠ જાહેર કર્યું છે. અને વ્યાસજી પણ મારી રચના કરી શાંતિને પામ્યા હોવાથી મારો અધિક મહિમા જાહેર થયો છે.૪૮

છતાં હે પ્રભુ ! અત્યારે તમારી જેવી આજ્ઞા છે, તે પ્રમાણે જ હું વર્તન કરીશ. હે રાજન્ ! આવી રીતનું શ્રીમદ્ભાગવતનું વચન સાંભળી બ્રહ્માજી અતિશય પ્રસન્ન થયા.૪૯

ત્યારપછી બ્રહ્માજીએ શ્રીમદ્ ભાગવતપુરાણને અન્ય પુરાણોની મધ્યે અનુક્રમે શ્રવણ, દાન, પૂજન અને પુરશ્ચરણાદિકની બાબતમાં પાંચમા પુરાણ તરીકેની સ્થાપના કરી.૫૦

તે દિવસથી આરંભીને સર્વે શ્રુતિ, સ્મૃતિ અને પુરાણો તે શ્રીમદ્ ભાગવતનો આશ્રય કરી પોષણ પામવા લાગ્યાં ને અખંડ તેમનું અનુસરણ કરવા લાગ્યાં. (આ રીતે શ્રીમદ્ ભાગવતના સમગ્ર અર્થને જાણવા ઇચ્છતા વિદ્વાનોએ વેદ, ઇતિહાસ અને અન્ય પુરાણોનું પણ અવલોકન અવશ્ય કરવું જોઇએ એવો ભાવ અહીં પ્રગટ થાય છે).૫૧

હે રાજન્ ! આવા પ્રકારના અતિશય પ્રભાવશાળી શ્રીમદ્ ભાગવતનો આશ્રય કરવા માત્રથી સમસ્ત ભૂમંડળમાં પાંચની સંખ્યા પ્રસિદ્ધને પામીને એ સંખ્યા સો આદિકની સંખ્યા કરતાં પણ અતિશય શ્રેષ્ઠ મનાવા લાગી, ને લોકોમાં કહેવત પડી કે પાંચ ત્યાં પરમેશ્વર.૫૨

હે રાજન્ ! પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને માન્ય કરેલાં આ શ્રીમદ્ ભાગવતપુરાણનું આ લોકમાં ભાગ્યશાળી પુરુષો જ સેવન કરી શકે છે.૫૩

પ્રેતપીડાનો વિનાશ કરનારી શ્રીમદ્ ભાગવતની કથાને ધન્ય છે. તેમજ શ્રીકૃષ્ણ ભગવાનના ગોલોકધામની પ્રાપ્તિરૂપ ફળને આપનારી આની સપ્તાહ-પારાયણને પણ ધન્ય છે.૫૪

હે રાજન્ ! માનવને સાત દિવસ પર્યંત આ શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવાનો જ્યારે અવસર પ્રાપ્ત થાય છે ત્યારે તેનાં સર્વે પાપો અત્યંત ખેદ પામી રુદન કરે છે, કે હા ! ! ! હા ! ! ! આ કથા આપણો પ્રલય કરી નાખશે.૫૫

અગ્નિ જેવી રીતે કાષ્ઠને બાળે છે, તેમજ આ શ્રીમદ્ ભાગવતની કથાનું શ્રવણ જાણે અજાણે કાયા, મન, વાણીથી થયેલાં નાનાં મોટાં પાપના સમૂહને બાળી નાખે છે.૫૬

આ ભારત દેશમાં જન્મ મળ્યા પછી શ્રીમદ્ ભાગવતકથાનું શ્રવણ નહિ કરનારા મનુષ્યોના જન્મને દેવતાઓની સભામાં નારદાદિ મુનિઓએ નિષ્ફળ કહ્યો છે.૫૭

હે રાજન્ ! જે શરીરથી શુકદેવજીએ કહેલી શ્રીમદ્ ભાગવતની કથાનું શ્રવણ ન થાય તો ખાનપાનાદિકથી પુષ્ટ કરેલા અને તેથી જ અતિશય બળવાન થયેલા તેમ જ વિનાશી સ્વભાવવાળા અને મોહથી લાલન-પાલન કરાતા આ માનવ શરીરનું શું પ્રયોજન છે ? કોઇ નહિ.૫૮

આ શરીર અસ્થિ સ્થંભવાળું સ્નાયુથી બંધાયેલું તેમ જ માંસ અને રુધિરથી ભરેલું, ઉપરથી ચામડાથી મઢેલું, દુર્ગંધ મારતું, અંદર મળ અને મૂત્રથી ભરપૂર છે.૫૯

જરા, શોક અને સતત પરિણામ પામવાના સ્વભાવથી પીડા પામનારું છે. રોગોનું તો મોટું ઘર છે. અંદર નિરંતર અન્ન જળાદિક નાખવા છતાં ભરાતું નથી. કૃતઘ્ની છે. કફ, વાત અને પિત્ત આ ત્રણ દોષોથી યુક્ત છે, ક્ષણભંગુર છે.૬૦

અવસાન સમયે તે કીડા, વિષ્ટા, અને ભસ્મ આ ત્રણમાંથી કોઇ એક નામમાં પરિવર્તિત થનારૂં છે. આવા પ્રકારે શાસ્ત્રથી કે સ્વાનુભવથી આ શરીરનું વર્ણન કરી શકાય છે. આવા નાશવંત શરીરથી જે મનુષ્યો પોતાના આત્મકલ્યાણરૂપ પ્રયોજનને સિદ્ધ કરે એને જ શાસ્ત્રોમાં બુદ્ધિમાન અને પંડિત કહેલા છે.૬૧

હે રાજન્ ! જે અન્ન પ્રાતઃકાળે રાંધ્યું હોય તે સાયંકાળે વિનાસ પામે છે, તે ખાવા લાયક ન રહે તેવું વિકારી થઈ જાય છે. આવા અન્નરસથી જેનું પોષણ થતું હોય તેવા શરીરમાં શાશ્વત શું હોઈ શકે ?૬ર

તેથી કથાનું શ્રવણ નહીં કરતા મનુષ્યો પાણીમાં થતા પરપોટા જેવા અને જંતુઓમાં મચ્છર જેવા છે કે જે જન્મવા ખાતર માત્ર જન્મે છે ને માત્ર વ્યર્થ મૃત્યુ પામી જાય છે.૬૩

હે રાજન્ ! આ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નિર્દોષ છે. ભગવાનના એકાંતિક ભક્તોને અતિશય પ્રિય છે. જેમાં આત્મ સાક્ષાત્કાર પામેલા પરમહંસોને પણ પ્રાપ્ત કરવા યોગ્ય અનુપમ, વિશુદ્ધ અને પરમ ઉત્કૃષ્ટ એવું પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાનનું વ્યાસમુનિએ પ્રતિપાદન કરેલું છે. વળી જેમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સહિત નિષ્કામ કર્મયોગનું સારી રીતે વર્ણન કરેલું છે. આવા મહિમાવાળા શ્રીમદ્ ભાગવત શાસ્ત્રનું ભક્તિભાવ પૂર્વક શ્રવણ, પાઠ કે ચિંતવન કરનાર મનુષ્ય સંસૃતિના બંધનમાંથી મુક્ત થઇ જાય છે.૬૪

હે રાજન્ ! આ પ્રમાણે મેં તમને ભાગવતનું માહાત્મ્ય કહ્યું, તે માહાત્મ્ય સદાયને માટે ધર્મે સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરનારા મનુષ્યોને જ મહાફળ આપનારૂં થાય છે. જેવી રીતે પથ્ય પાળનારા રોગીઓને જ ઔષધિ અસર કરે છે. તેમ ધર્મ પાળીને ભક્તિ કરે તો જ ફળદાયી થાય છે.૬૫

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે શ્રીહરિએ શ્રીમદ્ભાગવત શ્રવણનું વિશેષ માહાત્મ્ય કહ્યું એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો. --૩--