અધ્યાય - ૫ - શ્રીહરિએ જૈન શ્રાવકોને તીર્થંકરરૂપે દર્શન આપ્યાં.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:34am

અધ્યાય - ૫ - શ્રીહરિએ જૈન શ્રાવકોને તીર્થંકરરૂપે દર્શન આપ્યાં.

શ્રીહરિએ જૈન શ્રાવકોને તીર્થંકરરૃપે દર્શન આપ્યાં. ઊંડા વિચારને અંતે શ્રીહરિએ કરેલી સમાધિપ્રકરણની શુભ શરુઆત. મુસ્લીમો પણ શ્રીહરિના શરણે.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! માંગરોળપુરને વિષે હજારો શ્રાવકો વણિકો ભેળા થઇ શ્રીહરિનો આશ્રય કરવાની ઇચ્છાથી શ્રીહરિની સમીપે આવી પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે વર્ણિરાટ ! અમે શ્રાવક વણિકો અમારા તીર્થંકરોનાં દર્શન કરવા ઇચ્છીએ છીએ, તો તમે અમને તેનાં દર્શન કરાવો. ત્યારબાદ અમે તમારો ચોક્કસ આશરો કરશું. એમાં કોઇ સંશય નથી.૧-૨

હે રાજન્ ! શ્રાવકોનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ તેઓને ધ્યાનમાં બોસાડયા અને કૃપાદૃષ્ટિ કરી, કરાવેલી સમાધિને વિષે ઋષભદેવ આદિ ચોવીસ તીર્થંકરોનાં દર્શન કરાવ્યાં.૩

સમાધિમાં તેઓનાં નાડીપ્રાણલીન થયાં. બહારથી શરીરો કાષ્ઠની માફક નિઃચેષ્ટ થયાં. અને હૃદયને વિષે પોતાના ગ્રંથોમાં વર્ણન કરેલાં લક્ષણોએ સહિત તીર્થંકરોનાં દર્શન તેઓ કરવા લાગ્યા.૪

હે રાજન્ ! આ પ્રમાણે તેઓ સમાધિમાં ત્રણ પ્રહર સુધી બેસી રહ્યા અને ઋષભદેવ આદિ તીર્થંકરોનાં દર્શન કરી મહા આનંદને પામ્યા.૫

હે રાજન્ ! તે સમયે માંગરોળપુરમાં એવો ઉદ્ઘોષ વ્યાપ્યો કે, શ્રીનીલકંઠ વર્ણીનાં દર્શન કરવા ગયેલા બધા જ શ્રાવકો મૃત્યુ પામ્યા છે. તે સાંભળી તેના સંબંધીજનો તત્કાળ શ્રીહરિની સમીપે આવ્યા. તે સમયે સમાધિમાં ગયેલા તેથી મૃત્યુ પામેલાની જેમ નિઃચેષ્ટ થઇ પૃથ્વી પર પડેલા પોતાના સંબંધીઓને જોઇ તે સર્વે શ્રાવકો રડવા લાગ્યા અને શ્રીહરિની પ્રાર્થના કરવા લાગ્યા કે, હે હરિ ! તમે અમારા સંબંધીજનોને ફરી જીવતા કરો.૬-૭

તે સમયે ભગવાન શ્રીહરિએ પોતાની દૃષ્ટિમાત્રથી તે સર્વેને તત્કાળ સમાધિમાંથી જગાડયા અને જાગ્રત થયેલા તેઓ કહેવા લાગ્યા કે, આ ભગવાન શ્રીહરિએ અમને આપણા ચોવીસ તીર્થંકરોનાં દર્શન કરાવેલાં છે. તેથી સર્વે વણિકો નારાયણમુનિને જ પરમેશ્વર જાણી તેમનો દૃઢ આશરો કરી દેહ અને દેહનાં સંબંધીઓમાંથી આસક્તિ છોડી ભાવપૂર્વક ભગવાન શ્રીહરિનું ભજન કરવા લાગ્યા.૮-૯

હે રાજન્ ! તે માંગરોળપુરમાં શ્રીવલ્લભાચાર્યના આશ્રિતો નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય અને રામાનુજાચાર્યના આશ્રિતો પણ રહેતા હતા.૧૦

અને કેટલાક રામાનંદી વૈષ્ણવો પણ રહેતા હતા. કેટલાક શંકરાચાર્યના અનુયાયી હતા. કેટલાક સૂર્યના ઉપાસકો, કેટલાક શક્તિના ઉપાસકો, કેટલાક ગણપતિના ઉપાસકો અને કેટલાક શિવના ઉપાસકો પણ હતા. આ રીતે ત્રણે વર્ણના મનુષ્યો તથા શૂદ્રવર્ણના જનો, સ્ત્રીઓ, સંન્યાસીઓ, વર્ણિઓ, વૈરાગીઓ, અતીતો આદિ હજારો હજાર જનો પુરમાં નિવાસ કરીને રહેતા હતા. તે સર્વે યૂથે યૂથ મળીને ભગવાન શ્રીનીલકંઠવર્ણી પાસે આવવા લાગ્યા.૧૧-૧૨

ઊંડા વિચારને અંતે શ્રીહરિએ કરેલી સમાધિપ્રકરણની શુભ શરુઆત - હે રાજન્ ! તે સર્વે મતવાદિજનો ભગવાન વર્ણીરાજ શ્રીહરિની અમાનુષી ક્રિયા જોઇને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે, તમે અમને અમારા ઇષ્ટદેવનાં દર્શન કરાવો.૧૩

તે સમયે ધર્મની સ્થાપના કરવામાં તત્પર શ્રીસહજાનંદ સ્વામી મંદમંદ હસવા લાગ્યા અને આવેલા જનોના મનોરથો પૂર્ણ કરવા આ પ્રમાણે વિચારવા લાગ્યા કે, જો હું મારા યોગઐશ્વર્યના પ્રભાવથી આ આવેલા જનોના હૃદયમાં તેઓના ઇષ્ટદેવોનાં દર્શન કરાવીશ તો, તેઓ મને અત્યારે પરમેશ્વર જાણશે, અને તેઓના ઇષ્ટદેવોનો પણ નિયામક સર્વાત્મા જાણી મારો આશ્રય કરશે. જેથી તેઓ બાહ્ય ધર્માભાસનો ત્યાગ કરી ઇચ્છિત ફળને આપનારી મારી ભક્તિ કરશે.૧૪-૧૬

હે રાજન્ ! આ પ્રમાણે વિચાર કરી ભગવાન શ્રીહરિએ આવેલા તે સર્વે જનોને સમાધિમાં બેસાડયા અને પોતાના સામર્થ્યથી તત્કાળ તેઓને સમાધિ કરાવી. ત્યારે શ્રીહરિની દૃષ્ટિમાત્રથી સર્વેનાં નાડીપ્રાણ લીન થયાં. તેથી પોત પોતાના અંતરમાં પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરવા લાગ્યા.૧૭-૧૮

સમાધિમાં ગયેલા જનોમાં જે વલ્લભાચાર્ય, નિમ્બાર્કાચાર્ય અને મધ્વાચાર્ય આ ત્રણના અનુયાયી હતા તેઓએ ગોપીઓના ગણોથી વીંટાયેલા અને મનોહર બાળલીલાને કરતા વૃંદાવનવિહારી શ્રી બાલકૃષ્ણનાં દર્શન કર્યાં.૧૯

તેમજ તે રામાનુજાચાર્યના અનુયાયીઓ હતા તેઓએ નંદ, સુનંદ, ગરુડ અને વિશ્વક્સેન આદિક અનંત પાર્ષદોની સાથે શોભતા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનાં દર્શન કર્યાં.૨૦

તથા જે રામાનંદી જનો હતા તેઓએ સીતા, લક્ષ્મણ અને હનુમાનજીએ સહિત દિવ્ય સિંહાસનમાં બિરાજતા શ્રીરામચંદ્રજીનાં દર્શન કર્યાં.૨૧

હે રાજન્ ! તેમાં જે શંકરાચાર્યના અનુયાયીઓ હતા તેણે માત્ર બ્રહ્મજ્યોતિનાં દર્શન કર્યાં. શૈવભક્તો હતા તેણે પાર્વતી અને પ્રમથ આદિ ગણોએ યુક્ત ભગવાન શ્રી શંકરનાં દર્શન કર્યાં.૨૨

સૂર્યના ભક્તો હતા તેઓએ પોતાના હૃદયકમળમાં પ્રકાશિત સૂર્યમંડળમાં વિરાજીત પ્રત્યક્ષ હિરણ્યમય પુરુષનાં દર્શન કર્યાં, ગણપતિના ભક્તો હતા તેણે હૃદયમાં મહા ગણપતિનાં દર્શન કર્યાં અને શક્તિના ભક્તો હતા તેઓએ પોતાના હૃદયમાં પોતાની ઇષ્ટદેવતા દેવીઓનાં દર્શન કર્યાં. હે રાજન્ ! આ પ્રમાણે સર્વે જનો ભગવાન શ્રીહરિના પ્રતાપથી પોતપોતાના ઇષ્ટદેવોનાં દર્શન કરવા લાગ્યા.૨૩-૨૪

હે રાજન્ ! આ પ્રમાણે સર્વે જનોએ પોતપોતાના સામર્થ્યે યુક્ત પોતાના ઇષ્ટદેવોનાં દર્શન કરી પરમ આનંદને પામ્યા અને આ રીતે તેઓના સર્વે મનોરથો પૂર્ણ થયા.૨૫

પછી ભગવાન શ્રીસહજાનંદ સ્વામીએ મૃત્યુ પામેલાની પેઠે પૃથ્વી પર પડેલા અને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરતા સર્વે મનુષ્યોને પોતાની દૃષ્ટિમાત્રથી તત્ક્ષણ ફરી જગાડયા.૨૬

પોતાના ઇષ્ટદેવોનાં દર્શન કરી અતિશય વિસ્મય પામેલા સર્વેજનો પોતાના હૃદયમાં અનુભવેલા આશ્ચર્યની પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમાં તેઓ કહેતા હતા કે, આ શ્રીસહજાનંદ સ્વામીએ જ પોતાના ઐશ્વર્યથી આપણા ઇષ્ટદેવનું રૂપ ધરી આપણને દર્શન કરાવ્યું છે.૨૭

ત્યારપછી તે સર્વેજનો ભગવાન શ્રીનારાયણમુનિનેજ પ્રત્યક્ષ પરમેશ્વર જાણી પોતાનો મત અને ગુરુઓનો ત્યાગ કરી ભગવાન શ્રીનારાયણમુનિનો આશ્રય કર્યો.૨૮

હે રાજન્ ! ઉધ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીના શિષ્યો અને શ્રીહરિના ગુરુભાઇઓ શ્રીમુકુન્દાનંદ બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામી આદિ સર્વે અદ્ભૂત ઐશ્વર્યો નિહાળીને શ્રીહરિ છે એ જ આપણા ઇષ્ટદેવ સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ છે. એમ માનવા લાગ્યા.૨૯

હે નરાધિપ ! ત્યારપછી તે સર્વે પરમ આનંદને પામી તે ભગવાન શ્રીહરિકૃષ્ણની જ પ્રેમપૂર્વક નવધા ભક્તિ કરવા લાગ્યા. અને અખંડ તેમની આજ્ઞામાં વર્તી તે કહે તેમજ કરવા લાગ્યા.૩૦

મુસ્લીમો પણ શ્રીહરિના શરણે - હે રાજન્ ! તે માંગરોળપુરમાં વજ્રદીન નામે મુસ્લીમ રાજા રાજ્ય કરતા હતા. તેનો કાજી નામે એક સાળો હતો. તેમણે પણ ઉપરોક્ત શ્રીહરિનું સહજ સમાધિ કરાવવા રૂપ ઐશ્વર્યને સાંભળ્યું.૩૧

તેથી બહેનના પતિ વજ્રદીન રાજાની આજ્ઞા લઇ કેટલાક યવનોને સાથે લઇ તે કાજી શ્રીસહજાનંદ સ્વામીની સમીપે આવ્યો. શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે, હે વર્ણિરાજ ! તમે મનુષ્યોને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવો છો. એથી અમને પણ અમારા મહંમદ આદિ પયગંબરોનાં દર્શન કરાવો તો અમે પણ તમારા અનુયાયી થશું.૩૨-૩૩

ત્યારે શ્રીસહજાનંદ સ્વામીએ તેમને પણ સમાધિમાં બેસાર્યા અને કહ્યું, મારી સામે જુઓ, જે ક્ષણે તેણે ભગવાન શ્રીહરિની સામે દૃષ્ટિ કરી તે જ સમયે તેમનાં નાડીપ્રાણ લીન થયાં.૩૪

ત્યારપછી ચેષ્ટા રહિત થયેલા કાજીએ કુરાનમાંથી સાંભળેલા હતા એવા જ પોતાના ઇષ્ટ મહંમદાદિ પયગંબરોનાં પોતાના હૃદયમાં સાક્ષાત્ દર્શન કર્યાં અને ખૂબ જ હર્ષને પામ્યા.૩૫

પછી શ્રીસહજાનંદ સ્વામીએ તેમની સામે દૃષ્ટિ કરી તેથી તે સમાધિમાંથી જાગ્રત થયો અને અતિશય વિસ્મય પામી પોતે જે સમાધિમાં અનુભવ્યું હતું. તે સર્વે વૃત્તાંત ત્યાં સાથે આવેલા પોતાના સર્વે જનોને કહેવા લાગ્યો.૩૬

હે રાજન્ ! તે કાજી શ્રીસહજાનંદ સ્વામીને સર્વેશ્વર જાણી તેમનો દૃઢ આશ્રય કર્યો અને શ્રીહરિની આજ્ઞામાં જ નિરંતર વર્તવા લાગ્યો.૩૭

વજ્રદીન રાજા પણ પોતાના સાળાના મુખેથી શ્રીહરિનાં ઐશ્વર્યને સાંભળી શ્રીહરિની સમીપે આવ્યા ને દૃઢ આશ્રયકરી અનન્ય ભક્તિથી શ્રીહરિનું નિરંતર ભજન કરવા લાગ્યા.૩૮

હે રાજન્ ! આ પ્રમાણે માંગરોળપુરમાં જે જે મનુષ્ય શ્રીહરિનું અલૌકિક ઐશ્વર્ય સાંભળી શ્રીહરિની સમીપે આવતા તે તેમને સાક્ષાત્ પરમેશ્વર જાણી વિસ્મયપૂર્વક શ્રીહરિનો આશ્રય કરતા.૩૯

આ રીતે સર્વે મનુષ્યો પોતપોતાના સંપ્રદાયમાં રહેલા મદ્ય, માંસ, પરસ્ત્રીગમન વગેરે કેવળ અધર્મ છે એમ જાણી શ્રીહરિના પ્રતાપથી તે સર્વેનો ત્યાગ કરી દેતા.૪૦

હે રાજન્ ! મદ્યનું પાન કરવું, માંસનું ભક્ષણ કરવું, પરસ્ત્રીનો સંગ કરવો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરદ્રવ્યનું હરણ કરવું, પોતાની કે પારકાની ઘાત કરવી. અગ્રાહ્ય અન્નાદિકનું ગ્રહણ કરી જાતિ થકી ભ્રષ્ટ થવું, કોઇના ઉપર મિથ્યાપવાદનું આરોપણ કરવું, ઇત્યાદિ ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યા પછી તે જનો છોડી દેતા હતા.૪૧

હે રાજન્ ! શ્રીહરિને આશ્રયે આવેલા ગૃહસ્થ સિવાયના બ્રહ્મચારી આદિજનો અષ્ટપ્રકારના બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરવા લાગ્યા. અને જે ગૃહસ્થો હતા તે પણ પોતાના સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો પણ સ્પર્શ કરતા નહિ. તથા વિધવા સ્ત્રીઓ પણ જે શ્રીહરિને આશરે આવેલી હતી તે પણ પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ કરતી નહિ.૪૨

શ્રીહરિની આશ્રિત સુવાસિની નારીઓ પતિવ્રતાના ધર્મનું યથાર્થ પાલન કરતી તથા વિધવા સ્ત્રીઓ પણ ત્યાગીની જેમ પુરુષમાત્રના ત્યાગનું અષ્ટપ્રકારનું બ્રહ્મચર્યવ્રત પાલન કરતી.૪૩

હે રાજન્ ! આ પ્રમાણે સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિના પ્રતાપથી સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાને સહિત ભગવાનની એકાંતિકી ભક્તિથી સંપન્ન થઇ જીવન જીવવા લાગ્યા. જેમ શ્વેતદ્વિપધામ પૃથ્વીપર હોવા છતાં પણ આલોકથી વિલક્ષણ છે. તેમ ભગવાન શ્રીનારાયણમુનિના શિષ્યો આલોકમાં જ રહેવા છતાં લોકવિલક્ષણ જણાવા લાગ્યા.૪૪-૪૫

હે રાજન્ ! આ રીતે દેવ, મનુષ્ય, દૈત્ય, બ્રહ્મા અને શંકર આદિ દેવતાઓ પોતાના મનથી પણ જેમના મહિમાના પારને પામી શકતા નથી એવા અલૌકિક પ્રતાપને આ પૃથ્વીપર મનુષ્યોના કલ્યાણને અર્થે વારંવાર બહુપ્રકારે વિસ્તાર કરતા તથા મનુષ્ય શરીર ધારણ કરી દિવ્યલીલા કરવામાં અત્યંત કુશળ એવા વર્ણિરાટ્ ભગવાન શ્રીહરિએ અસુરગુરુઓમાં નિવાસ કરીને રહેલા પાપરૂપ અધર્મસર્ગનો વિનાશ કર્યો.૪૬

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અતિ આશ્ચર્યકારી સમાધિલીલા પ્રકરણનું નિરૂપણ કર્યું એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો. --૫--