અધ્યાય - ૬ - વજ્રદીન રાજાએ વધુ સમય રોકાવાની કરેલી પ્રાર્થના અને શ્રીહરિએ ઉજવ્યો જનમાષ્ટમીનો ઉત્સવ.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:35am

અધ્યાય - ૬ - વજ્રદીન રાજાએ વધુ સમય રોકાવાની કરેલી પ્રાર્થના અને શ્રીહરિએ ઉજવ્યો જનમાષ્ટમીનો ઉત્સવ.

વજ્રદીન રાજાએ વધુ સમય રોકાવાની કરેલી પ્રાર્થના અને શ્રીહરિએ ઉજવ્યો જનમાષ્ટમીનો ઉત્સવ. શ્રીહરિએ આપ્યું અલૌકિક દિવ્ય દર્શન. હજારો જનોએ શ્રીહરિનો કરેલો આશ્રય.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે માંગરોળપુરમાં આ પ્રમાણે પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડી શ્રીહરિએ હજારો મનુષ્યોને પોતાના આશ્રિત કર્યા. શ્રીહરિએ બીજા પુર પ્રત્યે જવાની ઇચ્છા કરી, ત્યારે વિનયી વજ્રદીન રાજાએ તથા વિનયી પુરવાસી ભક્તજનોએ વધુ સમય રોકાવાની પ્રાર્થના કરી. તેથી શ્રીહરિ તેઓનું પ્રિય કરવા માંગરોળપુરમાં ચાતુર્માસ પર્યંત નિવાસ કરીને રહ્યા.૧-૨

હે રાજન્ ! જોનારા અને સાંભળનારા મનુષ્યોના મનમાં આશ્ચર્ય ઉપજાવે તેવો તથા પૂર્વના વૃદ્ધપુરુષોએ પણ નહિ સાંભળ્યો હોય તેવો શ્રીહરિનો અલૌકિક પ્રતાપ દશે દિશામાં વ્યાપી ગયો.૩

તે સમયે દુર્વાસા મુનિના શાપથી પૃથ્વી પર મનુષ્યયોનિમાં જન્મેલા સર્વે ઋષિમુનિઓએ પણ તીર્થવાસીજનોના મુખે આવા શ્રીહરિના પ્રતાપ વિષે સાંભળ્યું. તેથી તેમના અંતરમાં પ્રત્યક્ષ દર્શન કરવાની ઇચ્છા થઇ.૪

ત્યારપછી ત્રણ વર્ણમાં જન્મેલા તે ઋષિમુનિઓ સંઘમાં ભેળા મળી માંગરોળપુરમાં આવવા લાગ્યા અને ભગવાન શ્રીહરિ પણ આવતા મુનિઓનો યથાયોગ્ય સત્કાર કરી ત્યાં નિવાસ કરાવવા લાગ્યા.૫

હે રાજન્ ! શ્રીહરિના પ્રતાપનું વારંવાર શ્રવણ અને દર્શન કરતા સર્વે ઋષિમુનિઓએ શ્રીહરિને જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન જાણ્યા છતાં કેટલાક ઋષિમુનિઓના મનમાં સંશય રહેતો હતો કે, આ શ્રીહરિ સાક્ષાત્ શ્રીકૃષ્ણ હશે કે નહિ ?૬

ત્યારે ભગવાન શ્રીહરિએ સંવત્ ૧૮૫૯ ના શ્રાવણવદ આઠમના શુભ પવિત્ર દિવસે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવાની ઇચ્છાથી પોતાના સર્વે ભક્તજનોને માંગરોળપુર બોલાવવા સંદેશવાહક દૂતો દ્વારા નિમંત્રણ મોકલાવ્યું.૭

તેથી ગૃહસ્થ ભક્તજનો તથા સાધુ, બ્રહ્મચારી સર્વે ત્યાગીઓ સંઘમાં ભેળા મળી માંગરોળપુર પધાર્યા અને ધર્મનંદન ભગવાન શ્રીહરિએ તે આવેલા સર્વે સંતો ભક્તોનું યથાયોગ્ય સન્માન કર્યું.૮

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ અષ્ટમીના પ્રાતઃકાળે વહેલા જાગ્રત થયા અને પ્રાતઃ સ્નાન -સંધ્યાદિ કર્મનું અનુષ્ઠાન કર્યું. પછી ઉધ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીના જન્મનિમિત્તે મોટો સમારંભ યોજી પૂજન મહોત્સવ ઉજવ્યો.૯

અને શ્રીહરિએ રંગબેરંગી વસ્ત્રો, પુષ્પોની માળાઓ તથા કેળના સ્તંભોથી સુશોભીત સુંદર મનોહર મંડપની રચના કરી.૧૦

તે મંડપમાં મધ્યરાત્રીએ ભગવાનનાં ગીતો અને દુંદુભી આદિ વાજિંત્રોના મધુર ધ્વનિની સાથે શાસ્ત્રવિધિ પ્રમાણે મોટા ઉપચારોથી ભગવાન શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કર્યું.૧૧

હે રાજન્ ! તે સમયે સંતો મૃદંગ, ઝાંઝ આદિ વિવિધ વાજિંત્રો વગાડી અનેક પ્રકારનાં સંસ્કૃત, પ્રાકૃત પદોનાં ગાન સાથે ભગવાન શ્રીકૃષ્ણનું સંકીર્તન કરી રહ્યા હતા અને સ્વયં શ્રીહરિ બાલમુકુંદ ભગવાનને પારણીયામાં પધરાવી ઝુલાવી રહ્યા હતા. આ રીતે પોતાના સંતો ભક્તોની સાથે ભગવદ્કથા કીર્તન કરી શ્રીહરિ જાગરણ કર્યું.૧૨-૧૩

હે રાજન્ ! પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિ રાત્રીના ત્રીજા પ્રહરને અંતે ભક્તજનોની સભાને વચ્ચે ઊંચા પાટ ઉપર આવીને વિરાજમાન થયા.૧૪

તે સમયે સંતો, ગૃહસ્થો અને આવેલા અન્ય મુનિજનો તથા સર્વે સ્ત્રીઓ સ્થિરદૃષ્ટિ કરી અતિ ભાવથી શ્રીહરિના મુખકમળને નિહાળી રહ્યાં હતાં. તે સમયે સર્વેશ્વર ભગવાન શ્રીહરિએ ઇચ્છા કરી કે, આ મારા સર્વે આશ્રિતજનોને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે શ્રીહરિના સંકલ્પ માત્રથી સર્વેને અતિ આશ્ચર્યકારી દર્શન થયું.૧૫-૧૬

શ્રીહરિએ આપ્યું અલૌકિક દિવ્ય દર્શન - હે રાજન્ ! ભગવાન શ્રીહરિનું દિવ્ય સ્વરૂપ એક એક અંગમાંથી નીકળતા કરોડો સૂર્યના તેજની સમાન તેજસ્વી હતું. મેઘની સમાન શ્યામ સુંદર વર્ણમાં શોભી રહ્યા હતા. પીળાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં. મયૂરપીંછનો મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો હતો.૧૭

કંઠમાં કૌસ્તુભમણિ ઝળકી રહ્યો હતો. કંઠમાં વૈજયંતિમાળા ધારણ કરી હતી. કેડમાં ઉત્તમ રત્નજડીત સુવર્ણની મેખલા ધારણ કરી હતી. કાનમાં મકરાકાર કુંડળ શોભી રહ્યાં હતાં,૧૮

ચરણોમાં ઝાંઝર શોભી રહ્યાં હતાં. બાંયે બાજુબંધ અને હાથમાં કડાં શોભતાં હતાં. ભક્તજનોએ દિવ્ય મંગલમૂર્તિનું ચંદન અને પુષ્પોથી પૂજન કર્યું હતું. સોળવર્ષની કિશોર અવસ્થામાં કાળમાયાના નિયંતા પ્રભુ શોભી રહ્યા હતા.૧૯

બે હાથે અધરોષ્ઠ ઉપર ધારણ કરેલી વેણુને વગાડતા હતા. નટવરની સમાન વેષ હતો. આવા પ્રકારની શોભાને ધારણ કરતા ભગવાન શ્રીહરિને શ્રીકૃષ્ણના રૂપમાં નિહાળીને તે સર્વે સંતો ભક્તો, મુનિઓ અને સર્વે સ્ત્રીઓ ખૂબજ આનંદ પામ્યા.૨૦

હે રાજન્ ! તેમાંથી કેટલાક ભક્તજનોની દૃષ્ટિ ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં નિર્નિમેષ સ્થિર થતાં તે સમાધિને પામ્યા, અને કેટલાક નેત્રો મીંચ્યા પછી હૃદયકમળમાં શ્રીહરિના સ્વરૂપને જોતાં સમાધિ દશા પામ્યા. આ પ્રમાણે સમાધિસ્થ જનોને બે ઘડી પર્યંત દિવ્યાનુભવ થયો. ૨૧

તે સર્વેને પૂર્વની માફક વર્ણીવેષે વિરાજમાન મસ્તક ઉપર અલ્પ કેશવાળા, શ્યામસુંદર શરીરવાળા, શ્વેતવસ્ત્રોધારી, મૃગચર્મને ધરી રહેલા, શાંત સ્વરૂપે શોભતા, જમણાહાથમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળાને ધારી રહેલા ભગવાન શ્રીનારાયણ મુનિનાં દર્શન કરી સર્વે સંતો ભક્તો દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૨૨-૨૩

હજારો જનોએ શ્રીહરિનો કરેલો આશ્રય - હે રાજન્ ! ઉપરોક્ત આશ્ચર્ય નિહાળી કેટલાક ઉત્સાહી જનો પરસ્પર વાર્તાલાપ કરતા કહેતા હતા કે, આ નારાયણમુનિ છે એ જ સ્વયં સાક્ષાત્ પરમેશ્વર શ્રીકૃષ્ણ છે.૨૪

તેમજ સભામાં બેઠેલા ઉધ્ધવસંપ્રદાયના સર્વે અનુયાયી નરનારીઓ દેશાંતરોમાંથી આવેલા ઋષિમુનિઓ, પુરવાસીજનો તથા અન્ય સર્વે જનોએ શ્રીહરિનો આશ્રય કર્યો અને બન્ને હાથજોડી તેઓ શ્રીહરિને કહેવા લાગ્યા કે, અમે સર્વે તમારા છીએ, તમારા સિવાય બીજો અમારે કોઇ આશરો નથી, તેવામાં સુંદર પ્રભાત થયું તેથી શ્રીસહજાનંદ સ્વામીએ સ્નાન કરી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કર્યું અને હજારો સાધુ બ્રાહ્મણોને સુંદર ભોજન જમાડી તૃપ્ત કર્યા. પછી સ્વયં શ્રીહરિએ પારણાં કર્યાં અને પછી બીજાં સર્વે જનોએ પણ પારણાં કર્યાં.૨૫-૨૭

હે રાજન્ ! ત્યારપછી દેશાંતરમાંથી પધારેલા સર્વે ઋષિમુનિઓ આ શ્રીહરિ અક્ષરધામાધિપતિ સ્વયં પુરુષોત્તમનારાયણ ભગવાન છે. આવો દૃઢ નિશ્ચય કરી સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત નવધા ભક્તિથી પ્રગટ ભગવાન શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. હે રાજન્ ! તે ઋષિઓના મધ્યે કેટલાક બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા હતા અને કેટલાક ઋષિઓ ત્યાગીભક્ત સાધુઓ હતા.૨૮-૨૯

હે રાજન્ ! સત્પુરુષોના સ્વામી ભગવાન શ્રીહરિએ બપોરપછી મોટી સભાનું આયોજન કર્યું. તેમાં સૌ નરનારીઓ પોતાની મર્યાદામાં રહી યથા સ્થાને તે સભામાં બેઠાં.૩૦

તે સભામાં ભગવાન શ્રીહરિ પણ ગાદી તકીયો બિછાવેલી મોટી પાટ ઉપર આવીને વિરાજમાન થયા અને તારા મંડળની મધ્યે જેમ શરદપૂર્ણિમાનો ચંદ્રમા શોભે તેમ શોભવા લાગ્યા.૩૧

હે રાજન્ ! તે સમયે અનન્ય ભાવથી ભરપૂર એવા સમસ્ત ભક્તજનોએ ચંદન, ઉત્તમ પુષ્પોની માળા, વિવિધ આભૂષણો, વસ્ત્રો અને ધનથી શ્રીહરિનું પૂજન કર્યું. અને પ્રેમથી પ્રણામ કર્યા. ૩૨

પછી તે સર્વે ભક્તજનોને ભગવાન શ્રીહરિના મુખથકી પોતાના વિશુદ્ધ ધર્મમાર્ગનું શ્રવણ કરવાની ઇચ્છા હતી તેથી શ્રીહરિની સન્મુખ રહી મુખકમળની શોભાને નિરખતા અને વિનયથી પોતાના ખભા આગળ નમાવી સભામાં વિરાજમાન થયા.૩૩

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં માંગરોળપુરે શ્રીહરિએ જન્માષ્ટમીના ઉત્સવમાં પોતાનું શ્રીકૃષ્ણસ્વરુપનું દર્શન કરાવ્યું એ નામે છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો. --૬--