મંત્ર (૨૪) ૐ શ્રી યોગકલાપ્રવૃત્તયે નમઃ

Submitted by swaminarayanworld on Sat, 27/02/2016 - 3:47pm

મંત્ર (૨૪) ૐ શ્રી યોગકલાપ્રવૃત્તયે નમઃ

શતાનંદસ્વામી કહે છે - તમે યોગીના ઈશ્વર છો, અને સાથો સાથ યોગકલાને પ્રવર્તાવનારા પણ તમે જ છો. ભગવાન નીલકંઠવર્ણીએ વનમાં ફરતા ફરતા નેપાળ પ્રદેશમાં ઘાટા વનમાં પ્રવેશ કર્યો. ત્યાં વડના વૃક્ષ નીચે એક યોગીને જોયા, તરત યોગી પાસે આવ્યા અને બે હાથ જોડી નમસ્કાર કર્યા. આખા જગતનો માલિક છતાં વિવેક બતાવતાં અને શીખવવા માટે આપણને સાવધાન કરે છે, કે તમને કોઈ સંત, યોગી, યતિ મળે તો નમસ્કાર કરજો. આ યોગીનું નામ શું છે ?

નામ ગોપાળયોગી ઊદાર, તેને પ્રભુએ કર્યા નમસ્કાર ।

ગીતાજીનું પુસ્તક છે હાથ, તેનો પાઠ કરે છે સનાથ ।।

ગોપાળયોગી ગીતાજી વાંચે છે, પ્રભુને જોયા, ચાર આંખ ભેગી થઈ ત્યાં વ્રુતિ મંડી ખચાવા, જેમ લોહચુંબક લોઢાને ખેંચે.

વ્રુતિ ખેંચાવા લાગી છે ત્યાંય, નીલકંઠના સ્વરૂપમાંય ।

જેમ સ્નેહી અરસપરસ મળે અને હૃદયે લગાડી પ્રેમ વ્યકત કરે, તેમ આજે નીલકંઠવર્ણી અને ગોપાળયોગી બાથમાં લઈને ભેટ્યા. ગોપાળયોગી ઓળખી ગયા કે આખી જિંદગી મેં જેનું સ્મરણ કર્યું છે, તે આ પોતે નીલકંઠવર્ણી છે. મારી વ્રુતિ ભગવાન સિવાય કયાંય ખચાય નહિ. પુરુષોત્તમ નારાયણને ઓળખી ગયા. "પ્રભુ ! તમે મારો ઊધ્ધાર કરવા અહીં આવ્યા છો, બાકી આ વનમાં કોઈ આવી શકે નહિ. ભયંકર હિંસક પ્રાણી ફરે છે." પ્રભુ બોલ્યા :-

-: સહેજે ભક્તિથી હૃદય છલકાય :-

કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય, આપો મને રૂડો ઊપદેશ ।

યોગકળા જે અષ્ટાંગ યોગ, તેનો મને કરાવો પ્રયોગ ।।

મને અષ્ટાંગયોગ શીખવાડો. ગુરુ ગોપાળયોગી એકવાર શીખવાડે તરત પ્રભુને યાદ રહી જાય.

અષ્ટાંગયોગ કોને કહેવાય ? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, આ સાત અંગ જયારે સિધ્ધ થાય, ત્યારે આપો આપ સમાધિ થઈ જાય. એ યોગ સમાધિમાં જો સાકાર ઊપાસનાવાળા હોય તો ભગવાનનાં દર્શન થાય, અને જો નિરાકાર માનતા હોય તો ફકત તેજનો પૂંજ દેખાય. પણ ભગવાનનાં દર્શન થાય નહિ, આને કહેવાય અષ્ટાંગ યોગ.

યમ :- અહીંસાવ્રુતિ, હિંસા ન કરવી તે.

નિયમ :- તપ અને ઈંદ્રિયોનું દમન તે.

આસન :- સ્વસ્તિક આસન વાળીને ટટ્ટાર બેસી રહેવું તે.

પ્રાણાયામ :- નાસિકા દ્વારા ધીરે ધીરે શ્વાસ લેવો, મોઢું બંધ રાખી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાર વખત બોલી ધીરે ધીરે શ્વાસને નાભિકમળ સુધી લઈ જવો તે.

પૂરક :- શ્વાસને રોકી રાખવો, સોળ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને શ્વાસ રોકવો, પછી ધીમે ધીમે આઠ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને બહાર કાઢવો એને કહેવાય.

પ્રત્યાહાર :- એટલે ઈંદ્રિયોને પોતપોતાના વિષયમાંથી પાછી વાળવી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ બાહ્ય વિષયમાં આસકત રહેતી ઈંદ્રિયોને ભગવાન તરફ વાળવી. જેમ કે શબ્દ ઈંદ્રિય કાન તેને ભગવાનના ગુણગાનમાં આસકત રાખવા પણ જગત સંબંધી શબ્દમાં નહિ. તેવી જ રીતે સ્પર્શ વિષય ચામડી તેને ભગવાનના ચરણ સ્પર્શથી તૃપ્તિ કરાવવી પણ ભોગ વિષયથી નહિ. ત્યાર પછી રૂપ ઈંદ્રિય આંખ તેને પણ ભગવાનનાં અને ભગવાનના એકાંતિક ભકતોનાં દર્શનથી જ આનંદિત રાખવી, પણ આધુનિક એવા ટી.વી. સીનેમા દ્વારા આંખની તૃપ્તિ માનવી નહિ. રસ ઈંદ્રિય જીહ્વા, તેને પણ ભગવાનનાં કીર્તનાદિકે કરીને અને ભગવાનની પ્રસાદીરૂપ અન્ન દ્વારા પૂર્ણકામ થવું. ગંધ ઈંદ્રિય નાસિકા તેને ભગવાનને ચડાવ્યાં એવાં જે પુષ્પો, અત્તર, ધૂપ ઈત્યાદિક પદાર્થો ભગવાનના પ્રસાદીરૂપ કરાવીને નાસિકાને આહાર આપવો પણ બાહ્ય ગંધથી નહિ. તેને કહેવાય પ્રત્યાહાર.

અષ્ટાંગયોગનું છઠ્ઠુ અંગ છે ધ્યાન, પ્રભુનાં અંગે અંગનું નખથી શિખા સુધી ધ્યાન કરવું. સાતમું અંગ છે ધારણા, જે ધ્યાન કર્યું છે તેને ધારી રાખવું, ધારણા કરવી. આવા પ્રભુનાં ચરણ છે, આવા પ્રભુના ગાલ છે, એવી રીતે સારી પેઠે ધારણા.

આઠમું અંગ છે સમાધિ, આવી યોગકળાને પ્રભુ પ્રવર્તાવનારા છે. યોગકળાના નિધિ છે. ગોપાલયોગીને નીલકંઠવર્ણીએ સામેથી યોગ શીખવાડ્યો કે તમે ફકત તેજનાં દર્શન કરો છો, તેજની સાથે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરો, સાકાર સ્વરૂપનું ધ્યાન કરો.

ધ્યાન કરતાં કરતાં ગોપાળયોગીની વ્રુતિ ભગવાનમાં ચાટી ગઈ, દેહની સ્મૃતિ ભૂલ્યા, અને સમાધિમાં સાક્ષાત્ ભગવાનનાં દિવ્ય સ્વરૂપે દર્શન થયાં. આનંદ મગ્ન થઈ દેહમાંથી વ્રુતિ તોડી ભગવાનના ધામમાં સિધાવ્યા. ભગવાને ગોપાલ-યોગીની ઊત્તરક્રિયા કરી એવી રીતે ભગવાન નીલકંઠવર્ણી ગોપાળયોગી પાસે બાર મહિના રહ્યા.

આવી યોગકળા ભગવાન સ્વામિનારાયણે લોજમાં પણ પ્રવર્તાવેલી, પચાસ સંતોને યોગકળા શીખવે અને પ્રભુમાં જે પ્રકારે વ્રુતિ જોડાય તેવો બ્રહ્મયોગ, પ્રેમયોગ, પ્રવર્તાવ્યો. યોગીઓ યોગ શા માટે સિધ્ધ કરે ? પોતાની વ્રુતિને ભગવાનના સ્વરૂપમાં લય કરવી છે, યોગીઓને પણ એજ કામ છે.

વ્રુતિ ભગવાનમાં જોડવી, પ્રેમીભકતોનું પણ એજ કામ છે.

આપણા માટે પ્રેમયોગ બરાબર છે, હઠયોગ બહુ અઘરો છે. અને પ્રેમયોગ સહેજે સહેજે થાય તેવો છે. તેથી પ્રેમથી સ્નેહથી ભગવાનમાં જોડાવું તે યોગ અને જોડાઈ ગયા તે યોગી.

ગોપીઓએ યોગ પ્રાપ્ત નહોતો કર્યો, પણ પ્રેમ ભાવથી મનનીવ્રુતિ પ્રભુમાં ચોંટી ગઈ, ને પ્રભુ મેળવી લીધા. એના મુખમાંથી વેદની ઋચાઓ ઝરતી, ઊધ્ધવજી જેવાને ભક્તિના રંગે રંગી દીધા. જીવુબાએ લાડુદાનજીને ભક્તિના રંગે રંગી દીધા,

શતાનંદસ્વામી કહે છે, પ્રભુ ! તમે યોગકળાને પ્રવર્તાવનારા છો. ત્યાર પછીનો મંત્ર જીવનમાં ઊતારી લેવા જેવો છે.