વિદુર નીતિ અધ્યાય - ૪

Submitted by swaminarayanworld on Sat, 16/01/2016 - 11:08pm

વિદુર બોલ્યા :- હે રાજન્‌ ! આ સંબંધમાં આત્રેય અને સાધ્યદેવોના સંવાદનો એક પુરાતન ઇતિહાસ કહેવામાં આવે છે. એવું અમે સાંભળ્યું છે કે પૂર્વે હંસરૂપે ફરતા ઉત્તમ વ્રતવાળા તથા મહાબુદ્ધિમાન એવા મહર્ષિ આત્રેય (દત્તાત્રેય)ની પાસે જઇને સાધ્યદેવોએ પ્રશ્ન કર્યો હતો. ૧-૨

સાધ્યદેવોનો પ્રશ્ન

હે મહર્ષિ ! અમે સાધ્યદેવો છીએ. તે તમને જોઇને અમો અનુમાન કરી શકતા નથી કે તમે કોણ છો. તમે શાસ્ત્રજ્ઞાન વડે ધીર તથા બુદ્ધિમાન છો, એમ અમે માનીએ છીએ. આથી તમે અમને વિદ્વાનનાં લક્ષણને કહેનારી ઉદાર વાણી કહેવાને યોગ્ય છો. ૩

અવશ્ય કરવા લાયક કર્મ

હંસ બોલ્યા :- હે દેવો ! ધૈર્ય રાખવું, ઇંદ્રિયનો નિગ્રહ કરવો, સત્ય પરમાત્માના સાક્ષાત્કાર માટે ધ્યાન, ધારણા તથા સમાધિ આદિ ધર્મોનું અનુસરણ કરવું, હૃદયની સર્વે ગાંઠોને શિથિલ કરવી, પ્રિય તથા અપ્રિય ને આત્મામાં લય પમાડવાં, એ કરવા યોગ્ય કાર્યો છે, એમ મેં ગુરુના મુખ થકી સાંભળ્યું છે. ૪

ક્ષમાશીલ પુણ્યશાળી થાય છે.

કોઇ ગાળો દે પણ તેને સામી ગાળ દેવી નહિ, આમ જે ગાળને સહન કરે છે, તેનો ક્રોધ જ ગાળ દેનારને બાળી મૂકે છે, તેમ તેના પુણ્યને પ્રાપ્ત થાય છે. ૫

કોઇને ગાળ ભાંડવી નહિ, કોઇનું અપમાન કરવું નહિ, મિત્રોનો દ્રોહ કરવો નહિ, નીચની સેવા કરવી નહિ, અભિમાની થવું નહિ, હીન આચરણ કરવું નહિ અને કઠોર તથા દોષભરી વાણી બોલવી નહિ. આ લોકમાં વાણી મનુષ્યોના મર્મસ્થાનોને, હાડકાંને હૃદયને અને પ્રાણને સુદ્ધાં બાળી મૂકે છે. માટે ધર્મપ્રિય પુરૂષે ઉદ્ધત અને કઠોર વાણીનો નિત્ય ત્યાગ જ કરવો. ૬-૭

જે મનુષ્ય મર્મને ભેદનારી ક્રુર તથા કઠોર વાણીરૂપી કાંટા વડે મનુષ્યોને પીડા કરે છે, તેને મનુષ્યોમાં મહા હત ભાગી સમજવો અને તે પોતાને મોઢે મેલું બાંધીને વહે છે એમ જાણવું. ૮

સજ્જન ક્ષમાશીલ જ હોય

સામો માણસ કોઇ સજ્જનને અગ્નિ તથા સૂર્ય જેવાં અત્યંત તીક્ષ્ણ અને પ્રદીપ્ત વાગ્બાણોથી અતિશય વીંધી નાખે, તો પણ તે વિદ્વાન તો આમ વીંધાયા છતાં અને આમ અતિશય દાહ લાગ્યા છતાં એમ જ જાણે કે આ તો મારા પુણ્યમાં વધારો કરે છે. ૯

જેવો સંગ તેવો રંગ

વસ્ત્ર જેવાં રંગનો સંગ કરે છે તેવા રંગવાળું તે થાય છે, તેમ મનુષ્ય પણ સાધુ, અસાધુ, તપસ્વી તથા ચોર એ પૈકી જેની સંગતિ કરે છે, તેના જેવો થાય છે. ૧૦

દેવતાઓ કોને ચહાય છે ?

કોઇ મર્યાદા ઓળંગીને વાદ કરે, તો પણ જે તેની સાથે વાદ કરતો નથી, તેમ જ બીજાને વાદ કરવા ઉશ્કેરતો નથી, કોઇ મારી જાય તો પણ જે તેને સામો મારતો નથી તેમ જ બીજા પાસે મરાવતો નથી અને જે પાપીને હણવા ઇચ્છતો નથી, તે સ્વર્ગમાં જાય છે અને દેવો પણ તેને ચહાય છે. ૧૧

ચાર જાતનું બોલવું

બોલવા કરતાં મૌન રાખવું એ શ્રેષ્ઠ કહ્યું છે, મૌન કરતાં સત્ય બોલવું તે શ્રેષ્ઠ કહ્યું છે, તે કરતાં સત્ય તથા પ્રિય બોલવું તે શ્રેષ્ઠ કહ્યું છે અને તે કરતાં ધર્માનુરૂપ બોલવું તે સૌથી શ્રેષ્ઠ છે. ૧૨

પુરૂષ સ્વતંત્ર છે.

પુરૂષ જેવાની સાથે બેસે છે, જેવાની સેવા કરે છે અને જેવો થવા ઇચ્છે છે, તેવો તે થાય છે. ૧૩

વિષયનો ત્યાગ તે જ  દુઃખનો ત્યાગ

પુરૂષ જે જે વિષયથી દૂર થાય છે, તે તે વિષયના દુઃખથી તે મુક્ત થાય છે. એ પ્રકારે સર્વ વિષયથી મુક્ત થતાં તેને લગાર પણ દુઃખ રહેતું નથી. એવા પુરૂષનો કોઇ પરાજય કરતું નથી, કોઇની સાથે એ વેર કરતોનથી, તેમ કોઇનો એ નાશ કરતો નથી, એ નિંદા અને સ્તુતિમાં સમાનભાવ રાખે છે, એ શોક કરતો નથી અને હર્ષ પણ કરતો નથી. ૧૪-૧૫

ઉત્તમ, મધ્યમ અને અધમ પુરૂષનાં લક્ષણો

જે સર્વેનું કલ્યાણ ઇચ્છે છે અને કોઇના અકલ્યાણની કલ્પના સરખી કરતો નથી, જે સત્ય બોલે છે, કોમળ ભાવ રાખે છે અને ઇન્દ્રિયોને વશ રાખે છે તે ઉત્તમ પુરૂષ છે. જે મિથ્યા સાંત્વન કરતો નથી, આપવા કહેલી વસ્તુ આપે છે અને બીજાનાં છિદ્રને જાણે છે, તે મધ્યમ પુરૂષ છે. જેને મહાપરાણે પણ ઉપદેશ લાગતો નથી, જે માર ખાનારો છે, શસ્ત્રોથી ઘવાતાં છતાં જે ક્રોધને લીધે પાછો ફરતો નથી, જે કૃતઘ્ની છે, જે કોઇનો પણ મિત્ર નથી અને જે દુષ્ટ અંતઃકરણવાળો છે, તે પુરૂષ અધમ કહેવાય છે. વળી જે કલ્યાણને માટે શ્રેષ્ઠ પુરૂષો પર શ્રદ્ધા રાખતો નથી, જેને પોતાના પર પણ વિશ્વાસ નથી તથા જે મિત્રોનો પણ અનાદર કરે છે, તે અધમ પુરૂષ છે.૧૬-૧૯

કોનો સંગ કરવો.

જે મનુષ્યને પોતાની ચડતીની ઇચ્છા હોય, તેણે ઉત્તમ પુરૂષોની જ મૈત્રી કરવી, સંજોગવશાત્‌ મધ્યમોની સંગતિ કરવી, પણ ક્યારેય અધમ પુરૂષની સંગતિ તો કરવી જ નહિ. ૨૦

કોનો અપયશ થાય છે ?

મનુષ્યને નિંદિત બળ વડે, નિત્ય ઉદ્યોગ વડે, બુદ્ધિની યુક્તિ વડે તથા પુરૂષાર્થ વડે ધન મળે છે ખરું, પરંતુ તેથી તે સારી પ્રશંસા પામતો નથી, તેમ જ મહાકુલીનોના આચારને પ્રાપ્ત થતો નથી. ૨૧

કુળવાનનાં લક્ષણ

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- બહુશ્રુત તથા ધર્મ અને અર્થમાં નિષ્ઠાવાળા દેવો પણ મહાકુળોની સ્પૃહા કરે છે, માટે હે વિદુર ! હું તને પૂછું છું કે, મહાકુળ કોને કહેવાય ? ૨૨

વિદુર બોલ્યા :- તપ, ઇન્દ્રિય ઉપર વિજય, વેદનું અધ્યયન, અધ્યાપન, યજ્ઞકર્મો, પવિત્ર વિવાહ, હમેશાં અન્નદાન તથા સદાચાર આસાત ગુણો જે કુળમાં હોય છે, તે મહાકુળો જાણવાં. જેમનું સદાચરણ ચલિત થતું નથી, જેમનું આચરણ માતાપિતાને દુઃખી કરતું નથી, જેઓ પ્રસન્નચિત્તથી ધર્માચરણ કરે છે, કુળની કીર્તિ વધારવા ઇચ્છે છે અને અસત્યનોત્યાગ કરે છે, તેઓને મહાકુલીન જાણવા. ૨૩-૨૪

યજ્ઞયાગ ન કરવાથી, અયોગ્ય વિવાહ કરવાથી, વેદનું અધ્યયન ન કરવાથી અને ધર્મનું ઉલ્લંઘ કરવાથી, સારાં કુળો પણ દુષ્ટ કુળો થઇ જાય છે. દેવદ્રવ્યના વિનાશથી, બ્રાહ્મણોનું દ્રવ્ય હરણ કરવાથી અને બ્રાહ્મણનું અપમાન કરવાથી મહાકુળો પણ નીચ કુળ થઇ જાય છે. ૨૫-૨૬

હે ભારત ! બ્રાહ્મણોનો તિરસ્કાર કરવાથી, તેમની નિંદા કરવાથી તેમજ થાપણ ઓળવવાથી સારાં કુળો પણ હલકાં થઇ જાય છે. જે કુળ પુરૂષો, ઢોરઢાંખર તથા ધનથી સંપન્ન હોય, છતાં જો સદાચારથી રહિત હોય, તો તે કુળ ઉચ્ચ કુળની ગણનામાં રહેતાં નથી. ૨૭-૨૮

પરંતુ જે કુળો અલ્પ ધનવાળાં હોવા છતાં સદાચારથી સંપન્ન છે, તે ઉચ્ચ કુળની ગણનામાં ગણાય છે. અને મોટો યશ પામે છે. આથી સદાચારનું યત્નથી સદૈવ સંરક્ષણ કરવું. ધન તો આવે છે અને જાય છે. ધનથી ક્ષીણ થયેલો મનુષ્ય ક્ષીણ થયેલો ગણાતો નથી, પણ સદ્વર્તનથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય તો સદાનો મૂઓ જ પડ્યો છે. ૨૯-૩૦

જે કુળો સદ્વર્તનથી હીન થઇ ગયાં છે, તે કુળો ફરી વિદ્યાઓથી, પશુઓથી, અથવા સારી સમૃદ્ધિ યુક્ત ખેતીથી પણ ચઢતીમાં આવતાં નથી. અમારા કુળમાં કોઇ વેર કરનાર ન થાઓ, પરદ્રવ્યને હરણ કરનારો રાજા અથવા અમાત્ય ન થાઓ, મિત્રદ્રોહી ન થાઓ, કપટી ન થાઓ, ખોટું બોલનારો ન થાઓ અને પિતૃ, દેવતા તથા અતિથિને ભાગ આપ્યા પહેલાં જમનારો કોઇ ન થાઓ. ૩૧-૩૨

અમારામાંથી જે કોઇ બ્રાહ્મણોની હિંસા કરનારો હોય, બ્રાહ્મણોનો દ્વેષ કરનારો હોય અથવા જે ખેતી કરનારો હોય, તે અમારી સભામાં ન આવો, અતિથિને બેસવા માટે ઘાસની ચટાઇ, ઉતારા માટે જમીન, પીવા માટે પાણી અને સત્ય મધુર વાણી. આ વસ્તુઓ સજ્જનોના ઘરોમાંથી કદી ઉચ્છેદ પામતી નથી. હે મહાજ્ઞાની રાજા ! ધર્મિષ્ઠ તથા પુણ્યકર્મવાળાં મનુષ્યોને ત્યાં સત્કાર કરવાની એ વસ્તુઓ પરમ શ્રદ્ધા વડે પ્રાપ્ત થાય છે.૩૩-૩૫

હે રાજા ! આ સ્યંદન નામનું ઝાડ નાનું છે, છતાં ભાર ઉપાડવામાં સમર્થ છે, તેમ બીજાં ઝાડો ભાર ઉપાડી શકતાં નથી, તે જ પ્રમાણે મહાકુલીન પુરુષો આવનાર પરોણાઓનો ભાર સારી રીતે ઉઠાવી લે છે, બીજા મનુષ્યો તે પ્રમાણે કરી શકતા નથી. ૩૬

મિત્રામિત્રનો વિચાર

જે મિત્રના કોપની બીક લાગે છે તથા જે મિત્રની સાથે શંકાપૂર્વક વર્તવું પડે છે, તે મિત્ર કહેવાતો નથી, પણ જે મિત્ર સાથે પિતાની જેમ વિશ્વાસથી વર્તી શકાય છે તે જ મિત્ર છે, બીજા તો માત્ર સંબંધવાળા છે. જે કોઇ આપણી સાથે સંબંધ વિના મિત્રભાવથી વર્તે છે, તે જ બંધુ છે, તે જ મિત્ર છે, તે જ આધાર છે અને તે  જ ગતિરૂપ છે. ૩૭-૩૮

જે પુરૂષનું ચિત્ત ચંચળ છે, જે વૃદ્ધોની સેવા કરતો નથી અને જેની બુદ્ધિ ઝોલાં ખાતી હોય છે, તે પુરુષના મિત્રો નિત્ય અસ્થિર હોય છે, હંસો જેમ સુકાયેલાં સરોવરને છોડી જાય છે, તેમ લક્ષ્મી ચંચળ ચિત્તવાળા, મૂર્ખ તથા ઇન્દ્રિયોના દાસ થયેલા પુરુષને છોડી જાય છે. ૩૯-૪૦

દુર્જનોનો આ સ્વભાવ વાદળાં જેવો ચંચળ છે, તેઓ વિના કારણે કોપી ઉઠે છે. અને વિના કારણે રીઝી ઉઠે છે. મિત્રોએ પોતાનો સત્કાર કર્યો હોય તથા કામ કરી આપ્યાં હોય છતાં તેઓ તે મિત્રોનું હિત કરતા નથી, તેઓ કૃતઘ્ની છે. તેઓ જ્યારે મરી જાય છે ત્યારે માંસભક્ષક પ્રાણીઓ પણ તેમનાં શબને ખાતાં નથી. ૪૧-૪૨

પોતાની પાસે ધન હોય અથવા ન હોય, તો પણ ઉદાર મનુષ્ય મિત્રનો સત્કાર કરે છે, પણ તેનો સાર મેળવવારૂપ ભેદ જાણવાની ઇચ્છા કરતો નથી. ૪૩

સંતાપનાં ફળ

સંતાપથી રૂપ, બળ અને જ્ઞાન નાશ પામે છે અને સંતાપથી વ્યાધી થાય છે. ૪૪

સુખનો માર્ગ

શોકથી ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી, શરીરે બળતરા ઉઠે છે અને શત્રુઓ અતિશય ખુશી થાય છે, માટે તમે શોકમાં મન લગાડશો નહિ. ૪૫

મનુષ્ય મરે છે અને ફરી જન્મે છે, મનુષ્ય હીન થાય છે અને ફરી વૃદ્ધિ પામે છે. યાચના કરે છે અને ફરી બીજા તેની પાસે યાચના કરે છે અને વળી મનુષ્ય બીજાનો શોક કરે છે તથા બીજાઓને પોતાનો શોક કરાવે છે. સુખ - દુઃખ, ચડતી - પડતી, લાભ - હાની અને જન્મ - મરણ, આ જોડકાંઓ અનુક્રમે સર્વને પ્રાપ્ત થાય જ છે. માટે ધીર મનુષ્યે તે સંબંધી ન તો હર્ષ માનવો કે ન તો શોક કરવો. ૪૬-૪૭

પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન એ છ ઇન્દ્રિયો ચંચળ છે. તેમાંથી જે જે ઇન્દ્રિય જેમ જેમ વિષયોમાં આસક્ત થાય છે, તેમ તેમ તે તે ઇન્દ્રિયો દ્વારા પુરુષની બુદ્ધિ નિત્ય પાણી ભરેલા કાણા ઘડામાંથી પાણીની પેઠે ઝરી જાય છે. ૪૮

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- લાકડામાં રૂંધાયેલા અગ્નિની પેઠે સૂક્ષ્મ ધર્મથી રૂંધાયેલા યુધિષ્ઠિર રાજા સાથે મેં કપટથી વર્તન કર્યું છે, તેથી તે યુદ્ધ કરીને મારા મૂર્ખ પુત્રોનો અંત આણશે. જેમ આ સર્વ જગત ઉદ્વેગ ભર્યું લાગે છે, તેમ મારું મન પણ નિત્ય ઉદ્વેગમાં રહે છે, માટે હે મહામતિ ! જે વાક્યોથી મારૂં મન પ્રસન્ન થાય તેવું તું મને કહે. ૪૯-૫૦

શાન્તિનો માર્ગ

વિદુર બોલ્યા :- હે નિષ્પાપ ! જ્ઞાન વિના તપ વિના ઇન્દ્રિયોના નિગ્રહ વિના તેમજ લોભના ત્યાગ વિના તમને શાન્તિ મળે તેમ હું જોતો નથી. બુદ્ધિથી પુરૂષ સંસારના ભયને દૂર કરે છે, તપથી તેને મહત્તા મળે છે, ગુરુસેવાથી તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ચિત્તવૃત્તિના નિરોધરૂપી યોગથી તેને શાન્તિ મળે છે. ૫૧-૫૨

આમ શાન્તિ મળે છે, એટલે મોક્ષાધિકારી પુરુષો દાનના તથા વેદાધ્યયનના પુણ્યની કામના રાખતા નથી અને રાગ તથા દ્વેષથી રહિત થઇને પૃથ્વી પર વિચરે છે. સારા અધ્યયનની, સારા યુદ્ધની, સારાં કર્મની તથા સારા તપના અંતે મનુષ્યને સુખ મળે છે. ૫૩-૫૪

જ્ઞાતી સાથે વેર કરનારની દશા

હે રાજન્‌ ! ભેદદૃષ્ટિવાળાં અને જ્ઞાતિનાં મનુષ્યો સાથે દ્વેષબુદ્ધિ રાખનારા પુરુષો સુંદર બિછાવેલાં શયનોમાં આળોટતાં પણ કદી નિદ્રા પામતા નથી, સ્ત્રીઓના સમાગમમાં પણ પ્રીતિ અનુભવતા નથી અને ચારણોની સ્તુતિઓથી પણ પ્રસન્નતા મેળવતા નથી. એ ભેદદૃષ્ટિવાળાઓ કદી ધર્માચરણ કરતા નથી. આ જગતમાં સુખ પામતા નથી, ગૌરવ પામતા નથી અને શાન્તિ મેળવી શકતા નથી. ૫૫-૫૬

 વળી હે રાજન્‌ ! એ ભેદદૃષ્ટિવાળાઓને હિતકારક કહેલું રુચતું નથી, તેમનું યોગક્ષેમ ચાલતું નથી અને અંતે વિનાશ વિના તેમનો બીજે કોઇ આરો નથી. ગાયોમાં દૂધ વગેરે ગોરસની સંભાવના રખાય, બ્રાહ્મણમાં તપની સંભાવના રખાય, સ્ત્રીઓમાં ચપળતાની સંભાવના રખાય અને જ્ઞાતિથી ભયની સંભાવના રખાય. ૫૭-૫૮

નાના નાના ઘણા તથા સરખા તાંતણાઓ એકઠા થવાથી તે મજબૂત થઇને મોટા પ્રયાસને સહન કરે છે. સજ્જનોના સંબંધમાં આ ઉદાહરણ છે. હે ધૃતરાષ્ટ્ર ! બળતાં લાકડાં છૂટાં પડવાથી ધુમાય છે અને એકઠાં થવાથી બળે છે. હે ભરતશ્રેષ્ઠ ! એજ વાત જ્ઞાતિને લાગુ પડે છે. ૫૯-૬૦

જુલમીને મળતું ફળ

હે ધૃતરાષ્ટ્ર ! જેઓ બ્રાહ્મણો, સ્ત્રીઓ, જ્ઞાતિ અને ગાય ઉપર શૂરાતન બતાવે છે, તેઓ ડીંટાંમાંથી ખરી પડતા પાકા ફળની જેમ નીચે ખરી પડે છે.૬૧

એકલવાઇ સ્થિતિ

વૃક્ષ ભલે મોટું હોય, બળવાન હોય તથા ઊંડા મૂળવાળું હોય, તો પણ જો તે એકલું ઊગ્યું હોય, તો વાયુ તેને ડાળીઓ સાથે પળવારમાં ઉખેડી નાખી શકે છે. પરંતુ જે વૃક્ષ એક બીજાને નજીક હોય છે અને જથ્થાબંધ રીતે ઊંડાં મૂળ ઘાલીને ઊગ્યાં હોય છે. તેઓ એક બીજાના આશ્રયને લીધે પ્રચંડ પવનની પણ ટક્કર ઝીલે છે. એ જ પ્રમાણે મનુષ્ય ભલે ગુણોથી સંપન્ન હોય, છતાં તે જો એકલો હોય, તો વાયુ જેમ એકલાં ઉગેલાં વૃક્ષને ઉખેડી શકે છે, તેમ શત્રુઓ પણ તેને ઉખાડી નાખવાનું શક્ય માને છે. ૬૨-૬૪

જ્ઞાતિઓ તો એક બીજાના જોરથી તથા આશ્રયથી સરોવરમાં રહેલા કમળોની પેઠે વૃદ્ધિ પામે છે. બ્રાહ્મણ, ગાય, જ્ઞાતિ, બાળક, સ્ત્રી, જેમનું અન્ન પોતે ખાતા હોઇએ તે અને જેઓ શરણે આવ્યા હોય તે, આટલા અવધ્યગણાય છે. ૬૫-૬૬

મનુષ્યના મૂખ્ય બે ગુણ

હે રાજન્‌ ! તમારૂં મંગળ થાઓ. મનુષ્યમાં ધનવાનપણું અને નિરોગીતા એ બે વિના બીજા કોઇ ગુણ નથી, કારણ કે રોગીઓ તો મૂઆ જેવા જ છે. ૬૭

ક્રોધનું સ્વરૂપ

હે મહારાજ ! વગર વ્યાધિએ અરુચી કરનાર, માથામાં વેદના કરનાર, પાપી સાથે સંબંધ રાખનાર, કઠોર, તીક્ષ્ણ, ઉષ્ણ, સજ્જનોએ પીવા યોગ્ય અને દૂર્જનો જેને પીતા નથી એવા ક્રોધને તમે પી જાઓ અને સારી પેઠે શાન્ત થાઓ. ૬૮

રોગીની અવસ્થા

રોગથી પીડાએલાઓ પુત્ર ફળ વગેરેનો અનાદર કરતા નથી અને વિષયોમાં ઇષ્ટ અનિષ્ટનો વિવેક જાણતા નથી. દુઃખી થયેલા તે રોગીઓ નિત્ય ધનનો ઉપયોગ કરી જાણતા નથી, તેમજ તેનું સુખ પણ મેળવી શકતા નથી. હે રાજન્‌ ! પૂર્વે દ્યૃતમાં દ્રૌપદીને જીતેલી જોઇને મેં તમને કહ્યું હતું કે, પંડિતો દ્યુતક્રીડાનો ત્યાગ કરે છે, માટે તમે દુર્યોધનને જુગારની રમતમાંથી વારો, પરંતુ તમે મારૂં કહેવું નહોતું માન્યું. ૬૯-૭૦

સત્ય વસ્તુનો વિચાર

સહિષ્ણુઓની સાથે જે વિરોધ કરે, તે કંઇ બળ કહેવાય નહિ. ધર્મ સૂક્ષ્મ છે અને તે આગ્રહપૂર્વક સેવવો જોઇએ. ક્રૂરના હાથમાં ગયેલી લક્ષ્મી નાશ પામે છે, પણ સરલ પુરૂષના હાથમાં ગયેલી તે જ લક્ષ્મી વૃદ્ધિ પામે છે અને દીકરાના દીકરા સુધી પહોંચે છે. હે રાજન્‌ ! તમારા પુત્રો પાંડવોનું પાલન કરો, અને પાંડવો તમારા પુત્રોનું રક્ષણ કરો, બન્નેમાંથી એકના પણ જે શત્રુ તથા મિત્ર હોય, તે બીજાના પણ શત્રુ તથા મિત્ર ગણાઓ. બન્નેનાં કાર્યો પણ એક સરખા જ થાઓ. આમ સર્વ કુરુવંશીઓ સમૃદ્ધિવાળા થઇ સુખેથી જીવો, હે અજમીઢવંશી ! તમે આજે કૌરવોના નેતા છો, આ કૌરવકુળ તમારે આધીન છે. આથી હે તાત ! વનવાસથી અત્યંત દુઃખી થયેલા બાળક પાંડવોનું તમે પાલન કરો અને તમારા પોતાના યશનું રક્ષણ કરો. ૭૧-૭૩

હે કૌરવરાજ ! તમે પાંડવોની સાથે સંધિ કરો. શત્રુઓ તમારી વચ્ચે ભેદની ઇચ્છા ન કરો. હે નરદેવ ! સર્વ પાંડવો સત્યનું અવલંબન કરીને રહેલા છે. આથી હે નરેન્દ્ર ! તમે દુર્યોધનને યુદ્ધથી અટકાવો. ૭૪

ઇતિ શ્રીમહાભારતે ઉદ્યોગપર્વ અંતર્ગત પ્રજાગરપર્વમાં વિદુરનીતિવાક્યનો ચતુર્થ અધ્યાયઃ ।।૪।।