વિદુર નીતિ અધ્યાય - ૨

Submitted by swaminarayanworld on Sat, 16/01/2016 - 10:49pm

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- હે તાત ! મને ઊંઘ આવતી નથી અને હું ચિંતાથી બળી રહ્યો છું તેથી તને જે કાર્ય યોગ્ય લાગતું હોય તે મને કહે. સાચે જ અમારામાં તું ધર્મ તથા અર્થમાં કુશળ છે. હે ઉદારચિત્ત વિદુર ! જે અજાતશત્રુ યુધિષ્ઠિરને હિતકારી તથા કૌરવોને માટે શ્રેયસ્કર હોય તે સર્વ તું મને વિચારપૂર્વક અને સારી રીતે કહે. ૧-૨

મને ભાવી દુઃખની ફાળ રહે છે અને મારા પૂર્વના અપરાધો જોઇને હું ગભરાઇ રહ્યો છું, વ્યાકુળ ચિત્ત હું તને પૂછું છું, તો હે સર્વજ્ઞ ! અજાતશત્રુ યુધિષ્ઠિર શું કરવા ધારે છે તે બધું મને યથાવત્‌ કહે. ૩

વિદુર કહ્યું :- આપણે જેનો પરાભવ ન ઇચ્છતા હોઇએ, તેને તો વગર પૂછ્યે પણ હિતની વાત કહેવી, પછી ભલે તે વાત શુભ હોય કે અશુભ હોય, કે રુચિકર હોય કે અરુચિકર હોય. ૪

હે રાજા ! કૌરવોને હિતકર, કલ્યાણકારી તેમજ ધર્મથી યુક્ત એવું વચન હું તમને કહું છું, તે તમે સાંભળો. ૫

હે ભારત ! જે કર્મો કપટ ભરેલાં હોય અને અયોગ્ય ઉપાયોથી સિદ્ધ થતાં હોય તે કર્મો વિશે તમે મન રાખશો નહિ. વળી ઉપાય વડે સિદ્ધ થાય તેવું કામ ઉપાયપૂર્વક કરતાં પણ સિદ્ધ થાય નહિ, તો બુદ્ધિમાન મનુષ્યે તે માટે મનમાં ખેદ લાવવો નહિ. ૬-૭

પ્રયોજન વાળાં કાર્યોમાં પ્રથમ પ્રયોજનોની અપેક્ષા રાખવી અને તે પ્રયોજનોનો નિશ્ચય કર્યા પછી જ કાર્યનો આરંભ કરવો. પણ આવેશથી સાહસકર્મ કરવું નહિ. કામના પ્રયોજનનો તેમના પરિણામનો અને પોતાના ઉદ્યમનો સારી પેઠે વિચાર કર્યા પછી જ ધીર પુરૂષે તે કામ કરવું કે ન કરવું.૮-૯

જે રાજા પોતાનાં થાણાંઓ, નફો, તોટ, ભંડાર, દેશની સ્થિતિ અને દંડ તેનાં નિશ્ચિત પ્રમાણને જાણતો નથી, તે રાજ્યાસન પર ટકી શકતો નથી. પરંતુ જે રાજા ઉપર જણાવેલી બાબતોમાં શાસ્ત્રોક્ત પ્રમાણોને જાણે છે અને ધર્મ તથા અર્થ જાણવામાં તત્પર રહે છે, તે રાજ્ય ભોગવે છે. ૧૦-૧૧

પોતાને રાજ્ય મળ્યું છે, એટલે કાંઇ ફાવે તેમ વર્તાય નહિ, કેમ કે વૃદ્ધાવસ્થા જેમ ઉત્તમ રૂપનો નાશ કરે છે, તેમ અવિનય લક્ષ્મીનો નાશ કરે છે. ખાવાના ઉત્તમ પદાર્થોથી લપેટેલી આગળ પાછળની આંકડીને માછલું લોભથી ગળી જાય છે, પણ તેને આગળ પાછળનો વિચાર રહેતો નથી.૧૨-૧૩

આથી સુખની ઇચ્છા રાખનારાએ એવું જ ગળવું જોઇએ કે, જે સુખેથી ગળી શકાય એમ હોય, જે ગળ્યા પછી સારી રીતે પચે એમ હોય અને જે પરિણામે હિતકર હોય, જે મનુષ્ય ઝાડનાં કાચાં ફળ તોડી લે છે, તે ફળોમાંથી રસ પામતો નથી, તેમ તે ઝાડનાં બીજનો પણ નાશ થાય છે. ૧૪-૧૫

પરંતુ જે મનુષ્ય વખતસર વધીને પાકેલાં ફળને લે છે, તે ફળમાંથી રસ મેળવી શકે છે. અને વળી બીજમાંથી ફરી ફળ મેળવે છે, જેમ ભમરો ફુલોનું જતન કરીને તેમાંથી મધ લઇ લે છે, તેમ બુદ્ધિમાને મનુષ્યોને પીડા કર્યા વિના તેમની પાસેથી દ્રવ્ય મેળવવું. ૧૬-૧૭

માળી બાગનાં ઝાડો ઉપરથી ફળ-ફુલ વીણે છે, પણ ઝાડનાં મૂળીયાં કાપતો નથી. આમ રાજાએ માળીની જેમ વર્તવું, પણ કોલસા પાડનારની જેમ ન જ વર્તવું. આ કામ કરવાથી મને શું ફળ મળશે ? અને આ ન કરવાથી મને શું ફળ મળશે ? એ પ્રમાણે કાર્યનો વિચાર કર્યા પછી જ પુરુષે કાર્ય કરવું અથવા ન કરવું. ૧૮-૧૯

કેટલાંક કાર્યો સર્વદા આરંભ કરી શકાય એવાં હોતાં નથી, એટલે તે સંબંધી કરેલો પુરુષાર્થ નિરર્થક જાય છે. આથી તેવાં કાર્યોનો આરંભ જ કરવો નહિ. ૨૦

સ્ત્રીઓ જેમ નપુંસક પતિને ચાહતી નથી, તેમ જે રાજાની કૃપા અને ક્રોધ નિષ્ફળ છે, તે રાજાને પ્રજા ચાહતી નથી. કેટલાંક કામો થોડી મહેનતે મહાફળ આપે છે, ડાહ્યો મનુષ્ય તેવાં કામોનો તત્કાળ આરંભ કરે છે, અને તેમાં અંતરાયો નાખતો નથી. ૨૧-૨૨

જે રાજા સર્વપ્રજા તરફ સરળ અને સ્નેહભરી દૃષ્ટિએ જુવે છે, તે શાંત બેસી રહે તો પણ પ્રજા તેના ઉપર પ્રીતિ રાખે છે. જે ઝાડ ફુલથી ભરેલું હોય છતાં ફળ રહિત હોય અને પાક્યું ન હોય છતાં પાકેલાં જેવું જણાતું હોય, તે ઝાડ કદી નાશ પામતું નથી. ૨૩-૨૪

જે રાજા નેત્ર, મન, વાણી અને કર્મ એ ચાર પ્રકારની પ્રજાને પ્રસન્ન રાખે છે, તેના ઉપર પ્રજા રાજી રહે છે. પારધીથી જેમ મૃગો ત્રાસ પામે છે, તેમ જે રાજાથી સઘળી પ્રજા ત્રાસ પામે છે, તે રાજા સમુદ્ર પર્યંત પૃથ્વીનું રાજ્ય મેળવે તો પણ નાશ પામે છે. ૨૫-૨૬

જે રાજા બાપદાદાના રાજ્યને પામ્યો હોય, છતાં જો તે અન્યાયથી વર્તતો હોય તો વાયું જેમ વાદળોમાં મળી જઇને તેનો નાશ કરે છે. તેમ તે રાજા પોતાના કર્મ વડે તે રાજ્યનો નાશ કરે છે. ૨૭

પ્રથમથી જ જે રાજા સજ્જનોએ આચરેલા ધર્મ પ્રમાણે ચાલે છે, તેના રાજ્યકાળમાં પૃથ્વી ધનથી ભરપુર અને ઐશ્વર્યને વધારનારી થઇને વૃદ્ધિ પામે છે. ૨૮

પરંતુ જો રાજા ધર્મનો ત્યાગ કરીને અધર્મથી વર્તે તો તે જ પૃથ્વી અગ્નિમાં નાખેલા ચામડાની પેઠે સંકોચાઇ જાય છે. શત્રુના દેશને પાયમાલ કરવા જે પ્રયત્ન કરવામાં આવે છે, તે જ પ્રયત્ન પોતાના દેશના રક્ષણ માટે કરવો. ધર્મથી રાજ્ય મેળવવું અને ધર્મથી તેનું પરિપાલન કરવું, કારણ કે ધર્મથી મેળવેલી લક્ષ્મી જતી નથી તેમ ઓછી પણ થતી નથી. ૨૯-૩૧

જેમ પથ્થરમાંથી સોનું કાઢી લેવામાં આવે છે, તેમ સર્વમાંથી અરે !! ગાંડાના પ્રલાપમાંથી અને બાળકના બડબડાટમાંથી પણ સાર ગ્રહણ કરવો. ઉંછવૃત્તિથી જીવન જીવનારો માણસ જેમ ખેતરમાં પડેલાં ડુંડાં વીણી લે છે, તેમ ધીર મનુષ્યે સુભાષિત, સુક્તિ અને સદાચરણનો જ્યાં ત્યાંથી સંગ્રહ કરવો. ૩૨-૩૩

ગાયો ગંધથી જુએ છે, બ્રાહ્મણો વેદથી જુએ છે, રાજાઓ દૂતો દ્વારા જુએ છે, અને અન્ય મનુષ્યો નેત્રથી જુએ છે. હે રાજન્‌ ! જે ગાય મહાપરાણે દોવા દે તેને માર પડે છે, પરંતુ જે ગાય સારી રીતે દેહવા દે છે, તેને કોઇ આંગળી સરખી પણ અડકાડતું નથી. અને વળી જે તપાવ્યા વિના વળે છે, તેને કોઇ તપાવતું નથી; જે લાકડું પોતે જ વળેલું હોય છે, તેને વાળવા માટેકોઇ તપાવતું નથી. ૩૪-૩૬

આ દૃષ્ટાંત પ્રમાણે ડાહ્યા મનુષ્યે બળવાનને નમીને ચાલવું, કારણ કે જે ભગવાનને નમે છે, તે બળના અધિષ્ઠાતા ઇન્દ્રદેવને જ પ્રણામ કરે છે. પશુઓનો રક્ષક મેઘ છે. રાજાઓના સહાયક મંત્રીઓ છે, સ્ત્રીઓના સહાયક પતિઓ છે અને બ્રાહ્મણના સહાયક વેદ છે. ૩૭-૩૮

સત્યથી ધર્મનું રક્ષણ થાય છે, અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય છે, શરીર ચોળીને નાહ્વાથી રૂપનું રક્ષણ થાય છે અને સારાં વર્તનથી કુળનું રક્ષણ થાય છે. માપવાથી ધાન્યનું રક્ષણ થાય છે, પલોટવાથી ઘોડાનું રક્ષણ થાય છે, દેખભાળથી ગાયોનું રક્ષણ થાય છે અને જાડાં છતાં ઠાવકાં વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે. ૩૯-૪૦

મારૂં માનવું છે કે, સારા કુળમાં જન્મેલો મનુષ્ય પણ દુરાચારી હોય તો તે માન માટે યોગ્ય નથી, પણ નીચ કુળમાં જન્મેલો મનુષ્ય પણ જો સદાચારી હોય તો તે શ્રેષ્ઠ છે. જે મનુષ્ય પારકા ધનની, રૂપની, પરાક્રમની, કુળની, સુખની, સૌભાગ્યની અને સન્માનની ઇર્ષ્યા કરે છે, તેને પાર વિનાની પીડા રહે છે. ૪૧-૪૨

જે મનુષ્ય ન કરવા યોગ્ય કાર્ય કરવાથી ડરે છે, કરવા યોગ્ય કામને છોડી દેવાથી ડરે છે અને જે કસમયે મસલત ફુટી જવાથી ડરે છે, તેણે કેફી પદાર્થોનું સેવન કરવું નહિ. વિદ્યાનો મદ, ધનનો મદ અને ત્રીજો કુટુંબનો મદ આ ત્રણે ગર્વિષ્ઠોને મદરૂપ છે, પણ એજ સજ્જનોને ઇંદ્રિયનિગ્રહરૂપ છે. ૪૩-૪૪

સજ્જનોએ કોઇ કાર્યમાં કદાચ અસજ્જનનોની સહાય માગી હોય, એટલે તે સજ્જનો તેમનું કાર્ય કર્યા વિના જ અને પોતે દુર્જન તરીકે પ્રસિદ્ધ છતાં, પોતાને સજ્જન માની લે છે. જ્ઞાનીઓનો આધાર સંતો છે, સંતોનો આધાર વિદ્વાનો અથવા સત્પુરુષો છે, તેમ અસત્પુરુષોનો આધાર પણ સંત છે, પરંતુ સત્પુરુષોનો આધાર અસત્પુરુષ કદી હોતો નથી. ૪૫-૪૬

સારાં વસ્ત્રવાળો સભા જીતે છે, ગાયોવાળો મિષ્ટ ભોજનની આશાસિદ્ધ કરે છે. વાહનવાળો માર્ગ જીતે છે અને શીલવાન મનુષ્ય સર્વને જીતે છે. પુરૂષમાં શીલ (ચારીત્ર્ય) જ મુખ્ય છે, જેનું શીલ નાશ પામે છે. તેને જીવન, ધન અને બંધુઓનું શું પ્રયોજન છે ? ૪૭-૪૮

હે ભરતશ્રેષ્ઠ ! શ્રીમંતોના ભોજનમાં માંસ મુખ્ય હોય છે, મધ્યમોના ભોજનમાં ગોરસ મુખ્ય છે અને દરિદ્રોના ભોજનમાં તેલ મુખ્ય હોય છે, પરંતુ દરિદ્રીઓ જ સર્વદા અતિમધુર અન્ન ખાય છે. કારણ ભૂખ ભોજનમાં અમી લાવે છે અને તે ભૂખ શ્રીમંતોને બહુ દુર્લભ હોય છે. ૪૯-૫૦

હે મહીપતિ ! સામાન્ય રીતે જગતમાં શ્રીમંતોમાં ખાવાની શક્તિહોતી નથી અને દરિદ્રીઓને તો લાકડાં પણ પચી જાય છે. અધમોને પેટ ભરવાનો ભય રહે છે, મધ્યમોને મરણનો ભય હોય છે અને ઉત્તમ મનુષ્યોને અપમાનનો જ મોટો ભય હોય છે. ૫૧-૫૨

મદ્યપાન વગેરે જે મદો છે, તે સર્વ કરતાં ઐશ્વર્યનો મદ મહાનિંદિત છે, કારણ કે ઐશ્વર્યના મદથી છકી ગયેલો મનુષ્ય છેક પડ્યા વિના જાગ્રત થતો નથી. ૫૩

સૂર્યાદિ ગ્રહો જેમ નક્ષત્રોને તાપ આપે છે, તેમ વિષયોમાં પ્રવર્તતી નિગ્રહ વિનાની ઇન્દ્રિયો આલોકને તાપ આપે છે. જે મનુષ્ય આત્માને ખેંચી જનારા પાંચ ઇંદ્રિય વર્ગથી સહજ રીતે જીતાઇ જાય છે, તેની આપત્તિઓ શુક્લપક્ષના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે છે. ૫૪-૫૫

જે રાજા પોતાના મનને વશ કર્યા વિના પોતાના અમાત્યોને વશ કરવા ઇચ્છે છે અને અમાત્યોને વશ કર્યા વિના શત્રુઓને જીતવાને ઇચ્છે છે, તે નિરુપાયે નાશ જ પામે છે, માટે જે રાજા પ્રથમ પોતાના મનને જ શત્રુરૂપ માનીને જીતે છે અને પછી અમાત્યોને અને શત્રુઓને જીતવા ઇચ્છે છે, તેની વિજયેચ્છા વ્યર્થ જતી નથી. ૫૬-૫૭

જીતેન્દ્રિય, મનોનિગ્રહી, અપરાધીને જ દંડ આપનારો અને વિચાર પૂર્વક કામ કરનારો જે ધીર પુરુષ છે, તેને લક્ષ્મી સારી પેઠે સેવે છે. હે રાજન્‌ ! પુરુષનું શરીર રથ છે, આત્મા સારથી છે અને ઇંદ્રિયો ઘોડા છે, જેમ કેળવેલા સારા ઘોડાઓવાળા રથમાં બેસીને રથી સુખેથી પ્રયાણ કરે છે, તેમ સાવધાન ધીર પુરૂષ ઇન્દ્રિરૂપી ઘોડાઓને વશ રાખી સુખેથી આયુષ્ય પસાર કરે છે.૫૮-૫૯

પણ સ્વાધીન ન રહેનારા ઉદ્ધત ઘોડાઓ જેમ સારથિનો માર્ગમાં નાશ કરે છે, તેમ વશ ન રાખેલી એ ઇંદ્રિયો આત્માનો પણ નાશ કરે છે. શુભમાં અશુભ અને અશુભમાં શુભ જોનારો મૂર્ખ મનુષ્ય પોતાની અવશ ઇંદ્રિયોને લીધે મહાદુઃખને પણ સુખ માની બેસે છે. ૬૦-૬૧

જે મનુષ્ય ધર્મ અર્થનો ત્યાગ કરીને ઇંદ્રિયોને આધીન થાય છે, તે થોડા સમયમાં જ લક્ષ્મી, પ્રાણ, ધન તથા સ્ત્રીથી રહિત થાય છે. ધનનો ધણી હોવા છતાં જે ઇંદ્રિયોનો નાથ નથી, તે ઇંદ્રિયોની અવસ્થાને લીધે ઐશ્વર્યથી ભ્રષ્ટ થાય છે. મનુષ્યે મન, બુદ્ધિ અને ઇંદ્રિયોને નિયમમાં રાખીને બુદ્ધિ આત્માને ઓળખવો; કારણ કે બુદ્ધિ જ આત્માનો બંધુ છે અને બુદ્ધિ જ આત્માનો રિપુ છે. ૬૨-૬૪

જે બુદ્ધિવડે આત્મા જીતાય છે, ઓળખાય છે તે બુદ્ધિ જ આત્માનો બંધું છે, આ રીતે બુદ્ધિ જ જીવનો નિશ્ચિત બંધુ છે. અને બુદ્ધિ જ તેનો રિપુ છે. હે રાજન્‌ ! બારીક છિદ્રવાળી જાળમાં પકડાયેલાં બે મોટાં માછલાંઓ જેમ જાળને કાપી નાખે છે, તેમ જ કામ અને ક્રોધ એ બન્ને બુદ્ધિમાં રહીને બુદ્ધિનો નાશ કરે છે. ૬૫-૬૬

જે મનુષ્ય ધર્મ તથા અર્થને અનુસરીને જયનાં સાધનો એકઠાં કરે છે, તે સાધનસંપન્ન મનુષ્ય નિત્ય સુખ ભોગવે છે. જે રાજા ઇંદ્રિયોરૂપી માનસિક પાંચ અંતઃશત્રુઓને જીત્યા વિના બીજા બહારના શત્રુઓને જીતવાની ઇચ્છા રાખે છે, તેને શત્રુઓ પરાભવ પમાડે છે. ૬૭-૬૮

મોટા મોટા રાજાઓ ઐશ્વર્ય વિલાસના યોગથી ઇન્દ્રિયોને વશ રાખવા સમર્થ થઇને, અયોગ્ય કર્મો કરીને બંધનમાં પડેલા જણાય છે. સૂકાં લાકડાંની સાથે રહીને જેમ લીલું લાકડું પણ બળી જાય છે, તેમ પાપ કરનારાની સંગતીથી નિષ્પાપ મનુષ્યને પણ પાપીના જેટલી શિક્ષા થાય છે. આથી પાપીઓનો સંગ કરવો નહિ. જે મનુષ્ય શબ્દાદિક પાંચ વિષયોમાં આડે રસ્તે કૂદી પડનાર પાંચ ઇંદ્રિયોરૂપી પોતાના શત્રુઓને મોહને લીધે વશ રાખતો નથી, તે મનુષ્ય આપત્તિમાં ગળકી જાય છે. ૬૯-૭૧

મત્સર રહિતપણું સરળતા, શુદ્ધતા, સંતોષ, પ્રિયભાષણ, ઇન્દ્રિયનિગ્રહ,  સત્ય અને શાંતિ, એ ગુણો દુરાત્માઓમાં હોતા નથી. ૭૨

હે ભારત ! આત્મજ્ઞાન, શાંતિ, સહનશક્તિ, ધર્મનિષ્ઠા, વાણીનોસંયમ અને દાન એ ગુણો નીચ પુરૂષોમાં હોતા નથી. ૭૩

મૂર્ખ લોકો કઠોર ભાષણ અને નિંદા કરીને પંડિતોને દુઃખ આપે છે, પરંતુ પંડિત ક્ષમા આપે છે, તેથી તે પાપથી મુક્ત રહે છે અને પાપ વક્તાને જ વળગે છે અને જ્ઞાતા પોતે પાપથી મુક્ત થાય છે. દુર્જનોનું બળ હિંસા છે, રાજાઓનું બળ દંડવિધાન છે, સ્ત્રીઓનું બળ સેવા છે, અને ગુણવાનોનું બળ ક્ષમા છે. ૭૪-૭૫

હે મહારાજ ! વાણીને નિયમમાં રાખવી એ અત્યંત કઠિન મનાય છે. તેમ ચમત્કારવાળું અને પ્રયોજનવાળું ઘણું બોલવું એ પણ શક્ય નથી.૭૬

વાણી જ  સુખ અને દુઃખ કર્તા છે.

હે રાજન્‌ ! વાણી સારી રીતે બોલાઇ હોય, તો તે અનેક કલ્યાણ આપે છે, પરંતુ તે જ જો ભૂંડી રીતે બોલાઇ હોય તો અનર્થ ઉપજાવે છે, બાણોથી વીંધાયેલું અથવા કુહાડીથી કપાયેલું વન ફરીથી ઊગે છે, પરંતુ નિંદાભર્યાં ભૂંડાં વચનથી વીંધાયેલું મન કદી પ્રસન્ન થતું નથી. કર્ણિ, નાલિક, નારાચ વિગેરે બાણોને શરીરમાંથી કાઢી શકાય છે, પણ વાણીરૂપ બાણને બહાર કાઢી શકાતું નથી, કારણ કે તે હૃદયમાં ખુંપી બેસે છે. ૭૭-૭૯

વાણીરૂપી બાણો મુખમાંથી નીકળે છે અને સચોટ સામાના મર્મમાં જ પેસી જાય છે. અને તેનાથી ઘવાયેલો મનુષ્ય રાત્રિ દિવસ શોક કરે છે, આથી ડાહ્યા મનુષ્યો એવાં વાગ્બાણ બીજા પર ન જ વાપરે. ૮૦

દેવો જે પુરૂષનો પરાભવ કરવા ઇચ્છે, તેની બુદ્ધિને તેઓ હરે છે, એટલે તેને સર્વ કાંઇ વિપરીત જ સુઝે છે, જ્યારે વિનાશ થવાનો હોય છે ત્યારે કલુષિત થયેલી બુદ્ધિમાં અન્યાય પણ ન્યાય જેવો ભાસે છે અને તે હૃદયમાંથી ખસતો નથી. ૮૧-૮૨

હે ભરતશ્રેષ્ઠ ! ઉપર જણાવ્યા પ્રમાણે તમારા પુત્રોની બુદ્ધિ વિપરીત થઇ ગઇ છે અને પાંડવોના વિરોધને લીધે તમે પણ તેમને ઓળખતા નથી. હે ધૃતરાષ્ટ્ર ! તમારી આજ્ઞા પ્રમાણે વર્તનારા યુધિષ્ઠિર ત્રણે લોકના રાજા થાય તેવાં લક્ષણોવાળા છે, માટે તે જ રાજા થાઓ. ૮૩-૮૪

ભાગ્યને લીધે તે તમારા સર્વ પુત્રો કરતાં શ્રેષ્ઠ છે, તેજ તથા બુદ્ધિથી તે યુક્ત છે અને ધર્મ તથા અર્થનાં રહસ્યને જાણે છે. હે રાજેન્દ્ર ! એ ધાર્મિકશ્રેષ્ઠ યુધિષ્ઠિર દયાળુપણાથી, કોમળતાથી તથા તમારે વિશેના વડીલપણાની બુદ્ધિથી બહુ કલેશો સહન કરે છે. ૮૫-૮૬

ઇતિ શ્રીમહાભારતે ઉદ્યોગપર્વ અંતર્ગત પ્રજાગરપર્વમાંવિદુરનીતિવાક્યનો દ્વિતીયો અધ્યાયઃ ।।૨।।