વિદુર નીતિ અધ્યાય - ૧

Submitted by swaminarayanworld on Sat, 16/01/2016 - 10:36pm

વૈશંપાયને કહું :- હે જનમેજય ! પછી મહાબુદ્ધિમાન મહીપતિ ધૃતરાષ્ટ્રે દ્વારપાલને કહ્યું કે હું વિદુરને મળવા ઇચ્છું છું, માટે તેને જલદી અહીં બોલાવી લાવ. એટલે ધૃતરાષ્ટ્રે મોકલેલા તે દૂતે વિદુરજીને કહ્યું કે, હે મહાજ્ઞાની ! સમર્થ ધૃતરાષ્ટ્ર મહારાજા તમારાં દર્શન કરવા ઇચ્છે છે. ૧-૨

દ્વારપાલે કહ્યું :- તેણે આ પ્રમાણે કહ્યું એટલે વિદુરજી રાજમંદિરમાં આવીને દ્વારપાલને કહ્યું કે, હું આવ્યો છું, તે તું ધૃતરાષ્ટ્રને જણાવ. એટલે દ્વારપાલે કહ્યું, હે રાજેન્દ્ર ! આ વિદુર તમારી આજ્ઞાથી આવ્યા છે અને તમારા ચરણના દર્શનની ઇચ્છા રાખે છે. તે સંબંધી મને આજ્ઞા આપો. ૩-૪

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- એ વિદુરનાં દર્શનને માટે કદી પણ અસમર્થ નથી. તું એ દીર્ઘદર્શી અને મહાનબુદ્ધિમાન એવા વિદુરજીને અંદર લઇ આવ.૫

દ્વારપાલે કહ્યું :- હે વિદુર ! તમે બુદ્ધિમાન મહારાજાના અંતઃપુરમાં પ્રવેશ કરો,  કેમ કે તમને મળવા તે પોતે હમેશાં તૈયાર જ છે,  એમ રાજા એમને કહ્યું છે. ૬

પછી વિદુરે ધૃતરાષ્ટ્રના ભવનમાં પ્રવેશ કર્યો અને ચિંતા કરી રહેલા એ મહારાજાને બે હાથ જોડીને કહ્યું કે, હે મહાજ્ઞાની ! હું વિદુર તમારી આજ્ઞાથી તમારી પાસે આવ્યો છું. જો કાંઇ કામ કરવાનું હોય તો મને આજ્ઞા કરો. ૭-૮

ધૃતરાષ્ટ્રે કહ્યું :- હે વિદુર ! સંજય અહીં આવ્યો હતો અને મારી નિંદા કરીને ચાલ્યો ગયો છે, તે કાલે અજાતશત્રુ યુધિષ્ઠિરનો સંદેશો સભામાં કહેશે, એ વીરપુરૂષ એવા યુધિષ્ઠિરનું શું કહેવું છે ? તેની મને હજુ સુધી ખબર નથી, તેથી મારા ગાત્રો બળે છે. અને મારી ઉંઘ હરામ થઇ ગઇ છે.૯-૧૦

હે વિદુર ! હું ઉજાગરાથી બળી રહ્યો છું. તુંજ અમારામાં ધર્મ તથા અર્થમાં કુશળ છે. તો મારે માટે તને જે હિતકારી જણાતું હોય તે તું મને કહે. સંજય પાંડવોની પાસેથી આવ્યો છે ત્યારથી મારા મનને ખરી શાંતિ રહેતી નથી અને સર્વ ઇન્દ્રિયો અસ્વસ્થ થઇ ગઇ છે. કારણ કે કાલે સંજય શું કહેશે? તેની જ મને તીવ્ર ચિંતા થયા કરે છે. ૧૧-૧૨

વિદુર બોલ્યા :- ઉજાગરા તો બળવાન મનુષ્યથી દબાયેલા સાધન રહિત દુર્બળ મનુષ્યને થાય, જેનું ધન હરાઇ ગયું હોય, જે કામી હોય, જે ચોર હોય તેને થાય. હે રાજન્‌ ! આ મહાન દોષો તો તમને સ્પર્શ્યા નથી ને ? અથવા તમે બીજાના ધનમાં દાઢ રાખીને બળતા તો નથી ને ? ૧૩-૧૪

ધૃતરાષ્ટ્રે કહ્યું :- આ રાજર્ષિવંશમાં તું એકલો જ વિદ્વાનોમાં માન્ય છે, માટે હું તારાં ધર્મયુક્ત અને પરમ કલ્યાણકારી વચન સાંભળવા ઇચ્છું છું. ૧૫

પંડિતનાં લક્ષણ :-જે હમેશાં પ્રશંશાપાત્ર કર્મો કરે છે, ક્યારેય નિંદા પાત્ર કર્મો કરતો નથી, જે આસ્તિક છે અને જે શ્રદ્ધાવાન છે તેને પંડિતનાં લક્ષણવાળો જાણવો. ૧૬

ક્રોધ, હર્ષ, અન્યની અવજ્ઞા, લજ્જા, અકડતાપણું અને અહંતા એ જેને પુરૂષાર્થથી પણ ભ્રષ્ટતા નથી, તે જ પંડિત કહેવાય છે. ૧૭

જેનાં કરવા ધારેલા કૃત્યને અથવા જેના કરી રાખેલા વિચારને બીજા કોઇ જાણતા નથી પણ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે, તે જ પંડિત છે. ૧૮

જેના કાર્યમાં ટાઢ, તાપ, ભય, પ્રીતિ, સમૃદ્ધિ અને અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતાં નથી, જેની વ્યવહારિક બુદ્ધિ ધર્મ તથા અર્થને અનુસરે છે અને કામથી અર્થને પ્રાપ્ત કરે છે,  તેને પંડિત કહેલા છે. પંડિત બુદ્ધિવાળા પુરૂષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરવાની ઇચ્છા રાખે છે, યથાશક્તિ કામ કરે છે અને તેઓ કોઇનું પણ અપમાન કરતા નથી. વળી તે ઝટ સમજી જાય છે. છતાં તે ઘણીવાર સુધી સામાનું બોલવું ધીરજથી સાંભળે છે, તે સમજણપૂર્વક કામને અળગો રાખીને અર્થને સ્વીકારે છે, અને તે પારકાના કામમાં હાથ નાખતા નથી તેમ ખાલી બડબડાટ પણ કરતા નથી તેને પંડિત કહેલા છે. વળી પંડિત બુદ્ધિવાળા પુરૂષો અપ્રાપ્ય વસ્તુની અભિલાષા કરતા નથી, નાશ પામેલી વસ્તુનો શોક કરતા નથી અને આપત્તિમાં પણ મુંઝાતા નથી, વળી જે નિર્ધારપૂર્વક કાર્ય આરંભે છે, જે કાર્યની વચ્ચે અટકી પડતો નથી, જે  સમયને વ્યર્થ જવા દેતો નથી, અને જે મનને વશ રાખે છે. તે જ પંડિત કહેવાય છે. ૧૯-૨૪

હે ભરતશ્રેષ્ઠ ! પંડિતો સત્પુરૂષોને યોગ્ય એવાં કર્મોમાં પ્રીતિ રાખે છે, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મો કરે છે અને કોઇના હિતનો દ્વેષ કરતા નથી, વળી જે પોતાના સન્માનથી રાજી થતા નથી અને અપમાનથી ઉદ્વેગ કરતા નથી, પણ જે ગંગાધારાની પેઠે ગંભીર રહે છે. તે પંડિત કહેવાય છે. ૨૫-૨૬

જે પ્રાણીમાત્રના તત્ત્વોનો જ્ઞાતા છે, કર્મમાત્રના યોગનો વેત્તા છે, મનુષ્યમાત્રના ઉપાયોનો જાણકાર છે, જેની વાણી અસ્ખલિત વહેનારી છે, લોકકથાનો જાણકાર છે, તર્કશીલ છે, પ્રભાવશક્તિવાળો છે અને જે ગ્રંથને બરાબર સમજાવી શકે છે, તે પંડિત કહેવાય છે. ૨૭-૨૮

શાસ્ત્ર જેની બુદ્ધિને આવકારે છે તથા જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે અને પૂજ્ય પુરૂષોએ બાંધેલી મર્યાદા ઓળંગતો નથી તેને પંડિત કહેલા છે.૨૯

મૂર્ખનાં લક્ષણ :- જે શાસ્ત્રહીન હોવા છતાં મહાઅભિમાની છે,  જે દરિદ્રી હોવા છતાં મોટાં કામોનો સંકલ્પ કરે છે, અને જે હીન કર્મથી ધનસંપત્તિ મેળવવા ઇચ્છે છે, તેને પંડિતો મૂર્ખ કહે છે. ૩૦

જે પોતાનું કામ છોડીને પારકાનું કામ લઇ બેસે છે, અને જે મિત્રને માટે મિથ્યા આચરણ કરે છે તે મૂર્ખ કહેવાય છે. વળી જે પોતાના ઉપર પ્રેમ વગરનાને ચાહે છે અને પ્રેમ રાખનારનો ત્યાગ કરે છે તથા જે બળવાનનો દ્વેષ કરે છે, તેને પંડિતો મૂઢ બુદ્ધિવાળા કહે છે. ૩૧-૩૨

જે શત્રુને પોતાનો મિત્ર કરે છે, જે મિત્રનો દ્વેષ કરે છે તથા તેની હિંસા કરે છે અને જે દુષ્ટકર્મનો આરંભ કરે છે, તેને પંડિતો મૂર્ખબુદ્ધિ કહે છે. વળી હે ભરતશ્રેષ્ઠ ! જે પોતે કરવાનાં કામો સેવક વગેરે પાસે કરાવે છે, જે જ્યાં ત્યાં શંકા કરે છે અને જે તરત કરવાનાં કામમાં વિલંબ કરે છે તે મૂર્ખ છે૩૩-૩૪

જે પિતૃઓનું શ્રાદ્ધ અને દેવોની પૂજા કરતો નથી અને જેને મિત્ર મળતો નથી તેને પંડિતો મૂર્ખબુદ્ધિ કહે છે. જે વણ બોલાવ્યો અંદર આવે છે, વણ પુછ્યે વચ્ચે બોલે છે અને વિશ્વાસપાત્ર નહિ એવા પર વિશ્વાસ રાખે છે. તે અધમ મનુષ્ય મૂઢ બુદ્ધિવાળો છે. વળી બીજાના દોષ જોઇને તેની નિંદા કરે છે, છતાં પોતે જ તેવું દોષમય વર્તન રાખે છે અને જે અસમર્થ છતાં ક્રોધ કરે છે તે પુરૂષ પણ મૂઢબુદ્ધિવાળો હોઇ મૂર્ખનો શીરોમણી છે. ૩૫-૩૭

વળી જે પુરૂષ ધર્મ તથા અર્થથી રહિત એવા પોતાના બળને જાણતો નથી અને માત્ર હાથ પગ જોડી રાખીને અલભ્ય વસ્તુની ઇચ્છા કરે છે, તેને આ લોકમાં મૂઢબુદ્ધિવાળા કહેવામાં આવે છે. ૩૮

હે રાજા ! જે પોતાનો શિષ્ય ન હોય તેને ઉપદેશ આપે છે, જે છાની રીતે રાજરાણીઓને સેવે છે અને જે કંજુસની સેવા કરે છે તેને પંડિતો મૂઢબુદ્ધિવાળો કહે છે. મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઇ રહિત જીવન જીવે છે તે પંડિત કહેવાય છે. ૩૯-૪૦

ક્રુરનાં લક્ષણ :- જે મનુષ્ય પોતાના સેવક આદિ પરિવારને બહાકાત રાખીને પોતે સારૂં ભોજન જમે છે, અને સારાં સારાં વસ્ત્રો પહેરે છે, તેના કરતાં વધારે ઘાતકી બીજો કોણ છે ? કોઇ મનુષ્ય પાપ કરે છે, પણ તેનું ફળ મોટા માણસને ભોગવવાનું આવે છે. ફળ ભોગવનારાઓ તો પાપથી છૂટી જાય છે, પણ કર્તાને પાપનો દોષ ચોંટી જ રહે છે. ૪૧-૪૨

બુદ્ધિની શક્તિ :- ધનુષધારીએ મૂકેલું બાણ કોઇને મારે કે ન પણ મારે પરંતુ બુદ્ધિમાને યોજેલી બુદ્ધિ તો રાજા સાથે રાષ્ટ્રનો પણ નાશ કરી નાખે, એક બુદ્ધિ (બીજું) કાર્ય તથા અકાર્યનો નિશ્ચય કરો, (ત્રણ) મિત્ર, ઉદાસીન તથા શત્રુ, (ચાર) સામ, દામ, દંડ તથા ભેદ થી વશ કરો. (પાંચ) જ્ઞાનેન્દ્રિય ઉપર જય મેળવવો, (છ) સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ તથા આશ્રયને સમજી લો, (સાત) સ્ત્રીસંગ, દ્યુત, મૃગયા, મદ્યપાન, કઠોરવાણી, ક્રુર દંડ, તથા દ્રવ્યના અપવ્યયનો ત્યાગ કરો. આમ કરીને તમે સુખીથાઓ. ૪૩-૪૪

ઝેરનો રસ એકને મારે છે અને શસ્ત્રથી એક જ માર્યો જાય છે, પરંતુ રાજાની મંત્રણામાં કદી ગોટાળો વળે તો તેથી તે પ્રજા અને રાષ્ટ્ર સહિતરાજાનો નાશ થાય છે. ૪૫

એક પદાર્થનું વિવેચન :- એકલાએ સ્વાદિષ્ટ ભોજન જમવું નહિ, એકલાએ કોઇ કાર્યનો વિચાર કરવો નહિ, એકલાએ પંથ કાપવો નહિ અને ઘણાં સૂતા હોય ત્યાં એકલાએ જાગતા બેસવું નહિ, હે રાજન ! તમે જાણતા નથી કે જેમ સમુદ્રને તરવા માટે નૌકા જ એકમાત્ર વાહન છે, તેમ સત્ય ભાષણ એ જ સ્વર્ગની એક અદ્વિતીય સીડી છે અને સત્યબ્રહ્મ જ મોક્ષનું એક અદ્વિતીય સાધન છે. ૪૬-૪૭

ક્ષમાવાન મનુષ્યમાં એક જ દોષ સંભવે છે, બીજો દોષ તેનામાં ઘટતો નથી, કેમ કે ક્ષમાવાન મનુષ્યને લોકો અશક્ત માને છે, પણ ક્ષમાશીલની ક્ષમાને દોષ ન માનવો જોઇએ, કારણ કે ક્ષમા એ જ મહાન બળ છે, અશક્તોને માટે ક્ષમા ગુણરૂપ છે, તો સમર્થોને માટે ક્ષમા એ આભૂષણરૂપ છે. ૪૮-૪૯

ક્ષમા એ જગતમાં વશીકરણ છે, ક્ષમા વડે શું સાધ્ય થતું નથી ? અરે! જેના હાથમાં શાંતિરૂપી ખડગ છે, તેને દુર્જન શું કરી શકશે ? કેમ કે ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ તો આપમેળે જ ઓલવાઇ જાય છે, ક્ષમાવિનાનો મનુષ્ય પોતાને તેમ જ બીજાને અનેક દોષવાળો કરે છે. ૫૦-૫૧

એક ધર્મ જ પરમ કલ્યાણરૂપ છે, એક ક્ષમા જ ઉત્તમ શાંતિરૂપ છે, એક વિદ્યા જ પરમ તૃપ્તિરૂપ છે અને એક અહિંસા જ સુખને આપનારી છે.૫૨

બે પદાર્થોનું વિવેચન :- સર્પ જેમ દરમાં પડી રહેનારાં પ્રાણીઓને ગળી જાય છે, તેમ પૃથ્વી, શત્રુની સાથે વિરોધ ન કરનારો રાજા અને પ્રવાસન કરનારો બ્રાહ્મણ એ બન્નેને ગળી જાય છે. કઠોર વાણી ન બોલવી અને દુષ્ટની પૂજા ન કરવી, એ બે કર્મ કરનારો મનુષ્ય આલોકમાં વિશેષ શોભે છે. ૫૩-૫૪

હે પુરૂષવ્યાઘ્ર ! એકે પૂજેલાને પૂજનારો લોક, અને એક સ્ત્રીએ કામના કરેલા પુરૂષની કામના કરનારી સ્ત્રીઓ, એ બન્ને પારકાના વિશ્વાસે કામ કરે છે, જે નિર્ધન છતાં અનેક પદાર્થોની કામના કરે છે અને અસમર્થ છતાં જે ક્રોધ કરે છે, એ બન્ને વાત શરીરને શોષી નાખનાર તીક્ષણ કાંટારૂપ છે. ૫૫-૫૬

ગૃહસ્થ હોઇને નિરુદ્યોગી રહેનાર અને સંન્યાસી થઇને કાર્ય કરનાર, એ બન્ને વિપરીત કર્મ કરવાથી શોભતા નથી. હે રાજન્‌ ! સમર્થ હોવા છતાં જે ક્ષમાવાન છે અને દરિદ્રી હોવા છતાં જે દાતા છે એ બન્ને પુરૂષો સ્વર્ગની ઉપર રહે છે. ૫૭-૫૮

ન્યાયથી મેળવેલું દ્રવ્ય અપાત્રને આપવું અને પાત્રને ન આપવું, એ બે તેના દુરુપયોગ જાણવા, ધનવાન હોવા છતાં જે દાતા નથી, અને દરિદ્રી હોવા છતાં જે તપસ્વી નથી, એ બન્નેના ગળે મજબૂત શિલા બાંધીને પાણીમાં ડુબાડી દેવા. હે રાજન્‌ ! યોગ યુક્ત સંન્યાસી અને યુદ્ધમાં સામે મોઢે મૃત્યુને ભેટનારો વીર એ બન્ને સૂર્યમંડળ ભેદીને ઉપર જાય છે. ૫૯-૬૧

ત્રણ પદાર્થોનું વિવેચન :- હે ભરતશ્રેષ્ઠ ! મનુષ્યોને વશ કરવામાં ઉત્તમ સામ, મધ્યમ દામ તથા દંડ અને કનિષ્ઠ ભેદ એ ત્રણે ઉપાયો સંભળાય છે, એમ વેદવેત્તાઓ જાણે છે. હે રાજા ! ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારના પુરૂષો હોય છે, એટલે તેઓની યોગ્યતા પ્રમાણે પૂર્વોક્ત ત્રણ કર્મમાં યોજના કરવી જોઇએ. (ત્યારે તમે કર્ણ જેવાને મંત્રી કરી બેઠા છો.)૬૨-૬૩

હે રાજન્‌ ! સ્ત્રી, દાસ અને પુત્ર એ ત્રણ ધનનાં અધિકારી નથી. કારણ કે તેઓ જે ધન મેળવે છે, તે ધન તો તેઓ જેનાં હોય તેનું છે. પરદ્રવ્યનું હરણ, પરસ્ત્રીની છેડ અને હિતેષીનો પરિત્યાગ કરવો, એ ત્રણ દોષો નાશકારક છે. ૬૪-૬૫

કામ, ક્રોધ અને લોભ એ ત્રણે નરકના દ્વાર છે અને પોતાનો વિનાશ લાવનાર છે. માટે એ ત્રણેનો ત્યાગ કરવો. હે ભારત ! વરપ્રદાન, રાજ્ય અને પુત્ર જન્મ આ ત્રણ એક તરફ અને બીજી તરફ શત્રુને કપટમાંથી મુક્તકરવો એ બન્ને સમાન છે. ૬૬-૬૭

જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે હું તમારો છું એ પ્રમાણે બોલે છે એ ત્રણ જો શરણે આવ્યા હોય, તો પોતાની વિષમ સ્થિતિમાં પણ તેમનો ત્યાગ કરવો નહિ. ૬૮

ચાર પદાર્થોનું સેવન :- વિદ્વાનો કહે છે કે મહાબળવાન રાજાએ આ ચારનો ત્યાગ કરવો જોઇએ. અલ્પબુદ્ધિવાળાની સાથે, દીર્ઘસૂત્રીની સાથે, હર્ષવેગમાં આવેલાની સાથે અને ભાટાઇ કરનારાઓની સાથે ગુપ્ત વિચાર કરવો નહિ. ૬૯

હે તાત ! તમારા જેવા ઐશ્વર્ય સંપન્ન ગૃહસ્થાશ્રમીને ઘરમાં વૃદ્ધ સંબંધી, વિપત્તિમાં આવેલો કુલીન, દ્રરીદ્રી મિત્ર, અને સંતાન રહિત બહેન એ ચાર રહેવાં જોઇએ. ૭૦ (કારણ કે વૃદ્ધ કુળધર્મનો ઉપદેશ આપે છે, કુલીન બાળકોને આચાર શીખવે છે, મિત્ર હિતની વાત કહે છે અને બહેન ધનનું રક્ષણ કરે છે.)

હે મહારાજ ! દેવરાજ ઇન્દ્રના પૂછવાથી બૃહસ્પતિએ તત્કાલ ફળ આપનારી ચાર વસ્તુઓ બતાવી છે. દેવતાઓનો સંકલ્પ, બુદ્ધિમાનોનો પ્રભાવ, વિદ્વાનોનો વિનય અને પાપીઓનો નાશ એ ચાર તમે જાણો. અગ્નિહોત્ર, મૌન, વેદાધ્યાન અને યજ્ઞ આ ચાર કર્મો અભય આપનારાં છે. પરંતુ તે જ કર્મો જો દંભથી કર્યાં હોય તો ભય આપનારાં છે. ૭૧-૭૩

પાંચ પદાર્થોનું વિવેચન :- હે ભરતશ્રેષ્ઠ ! પિતા, માતા, અગ્નિ, આત્મા અને ગુરુ એ પાંચ અગ્નિની પેઠે ઉપાસના કરવા યોગ્ય છે, માટે મનુષ્યે તેમની પ્રયત્ન પૂર્વક સેવા કરવી. ૭૪

દેવ, પિતૃ, મનુષ્ય, ભિક્ષુક અને અતિથિ આ પાંચનું પૂજન કરવાથી મનુષ્યને આલોકમાં નિર્મળ યશ મળે છે. મિત્રો, શત્રુઓ, મધ્યસ્થો, ગુરુઓ અને સેવકો આ પાંચ તમે જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં તમારી પાછળ આવશે. પાંચ ઇન્દ્રિય વાળા મનુષ્યની જો એક ઇન્દ્રિય પણ છિદ્રવાળી (વિષયાસક્ત) હોય તો કાંણી પખાલમાંથી ટપકી જતાં પાણીની જેમ તેની બુદ્ધિ પણ એ વિષયભોગ દ્વારા બહાર ટપકી જાય છે. ૭૫-૭૭

છ પદાર્થો :- જગતમાં ઐશ્વર્ય મેળવવાની ઇચ્છાવાળા પુરુષે નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રીપણું આ છ દોષોનો ત્યાગ કરવો જોઇએ. ૭૮

ભાંગેલી નૌકાને જેમ સાગરમાં પડતી મૂકવામાં આવે છે, તેમ ઉપદેશ ન આપનાર આચાર્ય, અધ્યયન રહિત ઋત્વિજ, રક્ષણ ન કરનાર રાજા, અપ્રિય બોલનારી સ્ત્રી, ગામમાં જ રહેવા ઇચ્છતો ગોવાળ અને વનમાં રહેવાની ઇચ્છાવાળો વાળંદ આ છ ને છોડી દેવા. ૭૯-૮૦

સત્ય, દાન, ઉદ્યોગીપણું, ઇર્ષ્યારહિતપણું, ક્ષમા અને ધૈર્ય, આ છ ગુણોને પુરૂષે કદાપી છોડવા નહી. ૮૧

હે રાજન્‌ ! નિત્ય ધનની પ્રાપ્તિ, આરોગ્ય, પોતાને પ્રિય, પ્રિયવાદીની પત્ની, આજ્ઞાધારી પુત્ર અને દ્રવ્ય આપનારી વિદ્યા આ છ આ લોકમાં સુખ આપનાર છે. ૮૨

જે મનુષ્ય પોતાને વિષે નિત્ય રહેનારા કામ, ક્રોધ, શોક, મોહ, મદ અને માન એ છ ના ઉપર પોતાની સત્તા બેસાડે છે, તે જિતેન્દ્રિય છે અને તે પાપથી ડરતો નથી તેથી તેને અનર્થનો સંબંધ હોય જ ક્યાંથી ?. ૮૩

ચોર લોકો હમેશાં ગાફલ મનુષ્ય પર જીવિકા ચલાવે છે, વૈદ્યો રોગીઓ પર જીવિકા ચલાવે છે, પ્રમદાઓ કામી પુરૂષો પર જીવિકા ચલાવે છે, ગોર યજમાનો પર જીવિકા ચલાવે છે, રાજા ઝગડનારાઓ પર જીવિકા ચલાવે છે, અને પંડિતો મૂર્ખો પર જીવિકા ચલાવે છે, આમ આ છની આગળના છને આધારે આજીવિકા છે. ૮૪-૮૫

ગાયો, ચાકરી, ખેતી, સ્ત્રી, વિદ્યા અને શુદ્રની સંગતી આ છ તરફ જરા પણ બેદરકારી રખાય તો તે વિનાશ પામે છે. ૮૬

ભણી રહેલા શિષ્યો આચાર્યને, પરણેલા પુત્રો માતાપિતાને, કામરહિત થયેલો પુરૂષ સ્ત્રીને, કૃતાર્થ થયેલો પુરૂષ કાર્યપ્રયોજકને, દુસ્તર જળને તરી ગયેલો નૌકાને અને રોગથી મુક્ત થયેલો વૈદ્યને ભૂલી જાય છે.૮૭-૮૮

હે રાજન્‌ ! આરોગ્ય, કરજ વિનાની સ્થિતિ, રઝળપાટ ન હોતાં સ્વસ્થાનમાં નિવાસ, સારા મનુષ્યોની સંગતી, પોતાને અનુકૂળ જીવિકા અને નિર્ભય વાસ આ છ જીવલોકનાં સુખ છે. ઇર્ષ્યાખોર, દયાળુ, અસંતોષી, ક્રોધી, નિત્ય શંકાશીલ અને પારકાના ભાગ્ય પર જીવનાર આ છ નિત્યદુઃખી છે. ૮૯-૯૦

સાત પદાર્થો :- સ્ત્રીસંગ, દ્યુત, મૃગયા, મદ્યપાન, કઠોરવાણી, કઠોરશિક્ષા અને સાતમી પૈસાની ખુવારી આ દુઃખ આપનાર હોવાથી રાજાએ સર્વદા ત્યજવા. કારણ કે બરાબર સ્થિર થયેલા રાજાઓ પણ બહુધા એદોષો વડે વિનાશ પામે છે. ૯૧-૯૨

આઠ પદાર્થો :- જે મનુષ્યોનો વિનાશ નજીક આવ્યો હોય તેનાં આ આઠ પૂર્વચિહ્નો હોય છે. તે પ્રથમ બ્રાહ્મણોનો દ્વેષ કરે, બ્રાહ્મણોની સાથે વિરોધ કરે, બ્રાહ્મણોનું ધન હરણ કરે, બ્રાહ્મણોને મારવાની ઇચ્છા કરે, બ્રાહ્મણોની નિંદાથી ખુશી થાય છે. બ્રાહ્મણોની પ્રશંસાને અભિનંદન આપતો નથી. કાર્યોમાં બ્રાહ્મણોને સંભાળતો નથી. અને બ્રાહ્મણો યાચના કરે ત્યારે તેમના દોષ કાઢે છે. માટે ડાહ્યા પુરૂષોએ આ દોષોને જાણી લેવા અને એનો ત્યાગ કરવો. ૯૩-૯૫

હે ભારત ! મિત્રોનો સમાગમ, મહાન ધનપ્રાપ્તિ, પુત્રનું આલિંગન, મૈથુનમાં સ્ત્રીપુરૂષનો સાથે જ વીર્યસ્રાવ, સમયસર પ્રિય ભાષણ, પોતાની જ્ઞાતિમાં પોતાનો અભ્યુદય, ઇચ્છિત વસ્તુનો લાભ અને જન સમુદાયમાં સન્માન આ આઠ આલોકમાં વર્તમાન જોવામાં આવે છે. દૂધના સારરૂપ માખણ અને સાકરની પેઠે હર્ષના સારરૂપ છે. અને પોતાનાં સુખને માટે કારણભૂત છે. ૯૬-૯૮

બુધ્ધિ, કુલીનતા, ઇન્દ્રિય નિગ્રહ, શાસ્ત્રનું જ્ઞાન, પરાક્રમ, પરિમિત ભાષણ, યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા આ આઠ ગુણો પુરુષોને દીપાવે છે.૯૯

નવ પદાર્થો :- આ શરીરરૂપી ઘરને નવ દ્વાર છે. અવિદ્યા, કામ અને કર્મ એ સ્થંભ છે, શબ્દાદિક પાંચ વિષયો એના સાક્ષી છે અને જીવ એમાં ઘરના માલિક તરીકે નિવાસ કરે છે. જે વિદ્વાન આ ઘરને યથાર્થ રીતે જાણેછે, તે સર્વોત્તમ બ્રહ્મવેત્તા છે. ૧૦૦

દશ પદાર્થો :- હે ધૃતરાષ્ટ્ર ! સાંભળો, દશ જણા ધર્મને જાણતા નથી, મદ્ય વગેરેથી ગાંડો થયેલો, બીજા વિષયમાં આસક્ત થવાથી અસાવધ, ધાતુદોષથી વિકળ થયેલો, થાકી ગયેલો, ક્રોધે ભરાયેલો, ભૂખ્યો, ઉતાવળો, લોભિયો, બીકણ અને કામી. તેથી પંડિતે એમાનાં કોઇની પણ સંગતી કરવીનહિ. ૧૦૧-૧૦૨

સુધન્વાએ પુત્રોને આપેલો ઉપદેશ

આ વિષયમાં અસુરરાજ સુધન્વાએ પોતાના પુત્રને જે પ્રાચીન ઇતિહાસ કહ્યો છે, જે રાજા કામ તથા ક્રોધનો ત્યાગ કરે છે, સુપાત્રને ધન આપે છે, તારતમ્યતા જાણે છે, શાસ્ત્રોને જાણે છે અને ઝટ વિચારેલું કામ કરે છે. તેને સર્વલોક પ્રમાણરૂપ માને છે. ૧૦૩-૧૦૪

જે રાજા મનુષ્યોને વિશ્વાસમાં લેવાનું જાણે છે, જેનો અપરાધ જાણવામાં આવ્યો હોય તેમને દંડ આપે છે. અને જે અપરાધ પ્રમાણે શિક્ષાતથા ક્ષમા કરવાનું જાણે છે, તે રાજાને સમગ્ર લક્ષ્મી સેવે છે. જે રાજા કોઇ અતિ દુર્બળનું પણ અપમાન કરતો નથી, જે શત્રુનાં છિદ્ર જાણવા માટે બુદ્ધિપૂર્વક તથા સાવધાનીથી વર્તે છે, જે બળવાનોની સાથે યુદ્ધ કરવાને ઇચ્છતો નથી અને સમય આવતાં પરાક્રમ કરે છે, તેને ધીર સમજવો. ૧૦૫-૧૦૬

જે રાજા આપત્તિ આવતાં કદી ગભરાતો નથી, જે સાવધાન રહીને નિત્ય ઉદ્યોગ ઇચ્છે છે અને આવી પડેલાં દુઃખને સહન કરે છે, તે ધુરંધર મહાત્મા છે. અને તેના શત્રુઓ જીતાયેલા જ છે. ૧૦૭

જે ઘર છોડીને ફોગટ પ્રવાસ કરતો નથી, પાપીઓ સાથે મિત્રતા કરતો નથી, પરસ્ત્રીનું સેવન કરતો નથી, અને જે રાજા દંભ, ચોરી,ચાડિયાપણું તથા મદ્યપાન કરતો નથી, તે સદૈવ સુખી રહે છે. જે મનુષ્ય ક્રોધ કરીને ધર્મ, અર્થ તથા કામનો આરંભ કરતો નથી, જે કોઇના પૂછવાથી સાચું જ કહે છે, જે મિત્રને માટે નાહક ઝઘડો વિવાદ કરવા ઇચ્છતો નથી અને જે પોતાનો સત્કાર ન થાય તો પણ ગુસ્સે થતો નથી. તે જ વિદ્વાન છે. ૧૦૮-૧૦૯

જે ઇર્ષ્યા કરતો નથી, દયા રાખે છે, દુર્બળ ન હોવા છતાં બીજાની સાથે વિરોધ કરતો નથી, મર્યાદા છોડી કદી બોલતો નથી અને બીજા કોઇ ઉલટું બોલે તો તેને સહન કરે છે, તે પુરૂષ પ્રશંસા પામે છે. જે કદી ખરાબ વેશ ધારતો નથી, પોતાનાં પરાક્રમને આગળ કરીને બીજાની નિંદા કરતો નથી અને જે પોતે ખિજાયો હોય છતાં બીજાને જરા પણ કડવાં વચન કહેતો નથી, તે પુરૂષ સદૈવ પ્રિય છે. ૧૧૦-૧૧૧

જે મનુષ્ય શાંત થયેલા વૈરને ફરી જગાડતો નથી, ચઢતી થતાં ગર્વ કરતો નથી, અને પડતી થવાથી ઓલવાઇ જતો નથી અને હું દુર્બળ સ્થિતિમાં છું, એમ માનીને અયોગ્ય કામ કરતો નથી તેને આર્યપુરૂષો ઉત્તમ શીલવાન કહેલો છે. જે મનુષ્ય પોતાના સુખમાં હર્ષઘેલો થતો નથી, બીજાના દુઃખમાં રાજી થતો નથી, અને જે કોઇને કાંઇ આપ્યા પછી પશ્ચાતાપ કરતો નથી તે મનુષ્ય લોકમાં આર્યશીલ સત્પુરૂષો કહેવાય છે.૧૧૨-૧૧૩

જે પુરૂષ જુદા જુદા દેશના આચાર, જુદી જુદી ભાષાના ભેદો, જાતિનાધર્મો, ઉત્તમ અને અધમના વિવેકને જાણે છે, તે ઐશ્વર્ય મેળવવાની ઇચ્છાથી જ્યાં જાય ત્યાં સમાજનો પ્રધાન થાય છે. ૧૧૪

દંભ, મોહ, મત્સર, પાપકૃત્ય, રાજાને અપ્રિય હોય તે, ચાડી, સમુદાય સાથે વેર, મત્ત, ઉન્મત્ત તથા દુર્જન સાથે વિવાદ, આટલાંનો જે ત્યાગ કરે છે,તે શ્રેષ્ઠ બુદ્ધિમાન ગણાય છે. ૧૧૫

દાન, હોમ, દેવકર્મ, મંગલકર્મ, પ્રાયશ્ચિત્તો અને વિવિધ ભાષણો એટલું જે નિત્ય કરે છે, તેનો દેવતાઓ અભ્યુદય કરે છે. જે મનુષ્ય વિવાહ, મિત્રતા, વ્યવહાર અને વાતચીત પોતાના સમાનની સાથે કરે છે પણ હલકાની સાથે કરતો નથી, અને જે પોતાના કરતાં અધિક ગુણવાળાનો સત્કાર કરે છે, તે વિદ્વાનની નીતિ ઉત્તમ પ્રકારે સિધ્ધિ પામે છે. ૧૧૬-૧૧૭

જે મનુષ્ય આશ્રિતજનોને વહેંચી આપ્યા પછી પોતે માપસર ભોજન કરે છે. જે અમાપ કાર્ય કરીને માપની ઉંઘ લે છે અને શત્રુઓ યાચના કરે તોપણ તેને આપે છે. તે વશ ચિત્તવાળા મનુષ્યને અનર્થો ત્યજી જાય છે. ૧૧૮

જે મનુષ્યના કરવા ધારેલાં કામને તથા આરંભેલા કામને બીજા લોકો જરા પણ જાણતા નથી અને જે મંત્રણાને ગુપ્ત રાખીને સારી રીતે કાર્યને પાર પાડે છે, તેનું કાર્ય જરા સરખું પણ બગડતું નથી. જે સર્વ પ્રાણીને શાંતિ મળે એ હેતુથી યત્ન કરે છે, સાચો છે, કોમળ છે, માન આપનારો અને શુદ્ધ ભાવવાળો છે, તે પોતાની જ્ઞાતિમાં અત્યંત પ્રસિદ્ધ થાય છે. જેવી રીતે ખાણમાંથી ઉત્પન્ન થયેલો મહામણી હોય. ૧૧૯-૧૨૦

જે પોતાનું દુષ્કર્મ બીજા કોઇએ જાણ્યું ન હોય, છતાં પોતે પોતાની મેળે જ અત્યંત લજ્વાય (પસ્તાય) છે, તે નિર્મળ મનવાળો સાવધાન પુરૂષ સર્વ લોકોનો ગુરુ થાય છે, અને પોતાના તેજ વડે અનંત તેજસ્વી સૂર્યની પેઠે પ્રકાશે છે. ૧૨૧

હે અંબિકાનંદન ! શાપથી બળી ગયેલા પાંડુરાજાના પાંચ ઇન્દ્રના જેવા પાંચ પુત્રો વનમાં ઉત્પન્ન થયા છે. એ બાળકો તમારે હાથે જ ઉછરીને મોટા થયા છે, તેમજ શિક્ષિત થયા છે. તેઓ તમારી આજ્ઞાનું પાલન કરે છે. તો હે તાત ! તમે તેમને યોગ્ય રાજ્યભાગ આપો અને પુત્રોની સાથે આનંદ પામી સુખી થાઓ. હે નરેન્દ્ર ! દેવોમાંથી અને મનુષ્યોમાંથી કોઇ પણ તમારા ઉપર શંકા લાવશે નહિ. ૧૨૨-૧૨૩

ઇતિ શ્રીમહાભારતે ઉદ્યોગપર્વ અંતર્ગત પ્રજાગરપર્વમાંવિદુરનીતિવાક્યનો પ્રથમો અધ્યાયઃ ।।૧।।