પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:32pm

 

રાગ : સોહની

પદ - ૧

પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે;

સત્યસ્વરૂપ છે સુરનરમુનિના ભૂપ છેરે. પ્રાણી૦ ટેક.

નેતિ નેતિ કહી નિગમ ગાયે, ઉપનિષદનો સાર;

કાળ માયાદિક સહુના પ્રેરક, અક્ષરના આધાર. સત્ય૦ ૧

બ્રહ્મમોહોલના વાસી પ્રભુ, દિવ્ય સ્વરૂપ સાકાર;

કમળા આદિક મુક્ત કોટિ, સેવે કરી અતિ પ્યાર. સત્ય૦ ૨

નિજ ઈચ્છાયે નરતનુ ધારી, પ્રગટ્યા શ્રીમહારાજ;

ભરત ખંડના ભાવિક જનને, ઉદ્ધારવાને કાજ. સત્ય૦ ૩

સત્ય કહું છું સમ ખાઇને, ખોટી નથી લગાર

પ્રેમાનંદ કહે ભજજો ભાઇઓ, થાશો ભવજળપાર. સત્ય૦ ૪

 

પદ -૨

પ્રાણી સ્વામિનારાયણ સમરથ શ્રીભગવાન છે રે

શ્રીભગવાન છે કૃપાના નિધાન છેરે, પ્રાણી૦ ટેક.

અધમ ઉદ્ધારણ દિનના બંધુ, શરણાગત પ્રતિપાળ;

સ્વામિનારાયણ નામ લે તેને, પાસે ન આવે કાળ. શ્રીભ૦૧

પુરુષોત્તમજી પ્રગટ્યા પોતે, અનાથના એ નાથ;

આ અવસર જે નહી માને, તે પછી ઘસશે હાથ. શ્રીભ૦૨

જંત્ર નથી કશો જાદુ નથી, ભાઇ નથી મત ને પંથ;

જાણી જોઇને દયા કરી છે, ઉદ્ધારવાને જંત. શ્રીભ૦૩

ઘોર કળીમાં સત્યુગ સ્થાપ્યો, અનાદિ મોક્ષની રીત;

પ્રેમાનંદ કહે નહી માને તો, પછી થાશે ફજીત. શ્રીભ૦૪

 

પદ - ૩

પ્રાણી શ્વાસ ઉચ્છ્વાસે સ્વામીને સંભારીયે રે;

હો સંભારીયે ઘડીયે ન વિસારીયે રે. પ્રાણી૦ ટેક.

પ્રાણી ખાતાં પીતાં હરતાં ફરતાં, કરતાં ઘરનું કામ;

સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મુખે રટીયે નામ હો. સં૦૧

ધન જોબનને આવરદા એનો, ન કરીયે નિરધાર;

વિજળીના ઝબકારાની પેઠે, જાતાં ન લાગે વાર હો. સં૦૨

સ્વામિનારાયણ ભજતાં પ્રાણી, થશે મોટું સુખ;

લખ ચોર્યાશીના ફેરા મટશે, જમપુરીનાં દુઃખ હો. સં૦૩

પ્રગટ હરિનું ભજન કરીને, ઉતરો ભવજલ પાર;

પ્રેમાનંદ કહે નહિ માનો તો, ખાશો જમનો માર. હો. સં૦૪

 

પદ - ૪

પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઇયેરે;

ગાઇયે દુરિજનથી લેશ ન લજાઇયે રે. પ્રાણી. ટેક

સ્વામિનારાયણ મહા મંત્ર છે પ્રગટ હરિનું નામ;

આ અવસર જે કોઇ લેશે, તેના સરશે કામ, પ્રાણી. ૧

સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઉંચે સાદે ગાય;

સાંભળીને જમદૂત તેને, દૂરથી લાગે પાય. પ્રાણી. ૨

સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ;

અંતકાળે પ્રભુ તેડવા આવે, સ્વામિનારાયણ આપ. પ્રાણી. ૩

સ્વામિનારાયણ સુમરીયે પ્રાણી, તજી લોકની લાજ;

પ્રેમાનંદ કહે રાજી થઇ, તેના ઉરમાં રહે મહારાજ. પ્રાણી ૪

Facebook Comments