૧૦૦. કારિયાણીમાં હુતાશનીનો ઉત્સવ કર્યો, વિચરણ કરતા ગઢડા આવી મંદિર શરૂ કર્યું અંગ્રેજ ગવર્નર સર મ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:35pm

પૂર્વછાયો-

સવેર્જન મળી સાંભળો, કહું ત્યાર પછીની વાત ।

પ્રભુ પધાર્યા ગઢડે, એમ લીળા કરી ગુજરાત ।।૧।।

ઘનશ્યામ ગઢડે આવિયા, સર્વે સંતને લેઇ સાથ ।

જન મળી લળી પાય લાગી, સહુ થયા સનાથ ।।૨।।

નિર્ખિ હરખિ હાથ જોડી, જયારે બેઠા જન મળી ।

ત્યારે સનેહે શ્યામળે, વાલે વાલપ્યે બોલાવ્યા વળી ।।૩।।

છો સહુ જન સુખિયા,એમ હેતેશું કહ્યું હરિ ।

ત્યારે જન કહે સુખિયા છીએ, પ્રભુ તમારે દર્શને કરી ।।૪।।

ચોપાઇ-

એમ કહેતાં સાંભળતાં વાતરે, વીતે આનંદમાં દિન રાત્ય રે ।

નિત્ય નવિ નવિ વાતો કરે રે, સુણી જન અંતરમાં ધરે રે ।।૫।।

એમ વીતિ ગયા ત્રણ માસ રે, ત્યારે એમ બોલ્યા અવિનાશ રે ।

હવે સહુ જાયે વરતાલ રે, વાટ જોતા હશે તે મરાલ રે ।।૬।।

એમ કહી કરી સાબધાઇ રે, ચાલ્યા સંગે સહુ બાઇ ભાઇ રે ।

આવ્યા કારીયાણીએ જીવન રે, નિર્ખિ જન થયા છે મગન રે ।।૭।।

પછી હાથ જોડી બેઠા પાસ રે, ત્યારે બોલ્યા છે અવિનાશ રે ।

કહ્યું સાબદા થાઓ સરવ રે, જાયે વરતાલ કરવા ઉત્સવ રે ।।૮।।

બોલ્યા વસતો રાઘવ ત્યાંઇ રે, પ્રભુ કરોને ઉત્સવ આંઇ રે ।

એમ કહીને રાખ્યા મહારાજ રે, હુતાશનીના ઉત્સવ કાજ રે ।।૯।।

લાવ્યા ગુલાલ ને રંગ ઘણા રે, રમ્યા નાથ રાખી નહિ મણા રે ।

જોઇ રંગના ભરિયા નાથ રે, સહુ જન થયા છે સનાથ રે ।।૧૦।।

એમ કરી ઉત્સવ કારિયાણી રે, પછી ચાલ્યા સારંગપાણિ રે ।

આવ્યા વાલ્યમ વરતાલ માંઇ રે, દન પહોર નોતો ચડ્યો ત્યાંઇ રે ।।૧૧।।

આવ્યા સંત વાલાને સાંભળી રે, કરવા દર્શન આવિયા મળી રે ।

આવ્યા સંઘ લઇ સતસંગી રે, બાલ જોબન વૃધ્ધ ઉમંગી રે ।।૧૨।।

લાવ્યા બહુ પેરે પૂજાવિધિ રે, તેણે પ્રભુજીની પૂજા કીધી રે ।

નાથ નિર્ખિ સુખી થયા સહુ રે, હરિયે હેત દેખાડ્યું છે બહુ રે ।।૧૩।।

પછી નાથ કહે આંણીવાર રે, કરીયે મંડપનો પરથાર રે ।

ત્યારે સર્વે કહે સારૂં બહુ રે, અમે રાજી છીએ સંત સહુ રે ।।૧૪।।

પછી લાવે ઇંટ્યો સહુ સાથ રે, ચાલે પોતે પણ ભેળા નાથ રે ।

થાય ઓટો એમ અહોનિશ રે, દિયે દર્શન હરિ હમેશ રે ।।૧૫।।

મળે સાંજે સહુને દયાળુ રે, દેખી અંગ કામે કચરાળંુ રે ।

એમ પૂરો કર્યો પરથાર રે, પૂરી પૂરણી કર્યો ભંડાર રે ।।૧૬।।

થયો રામનવમીનો સમૈયો રે, કર્યો ઉત્સવ ન જાય કહીયો રે ।

પછી પ્રભુજી ગઢડે આવી રે, સર્વે સંત લીધા છે બોલાવી રે ।।૧૭।।

કર્યો અષ્ટમીનોે ઉત્સવ ભારી રે, સહુને સુખ દીધાં સુખકારી રે ।

કરી દશરા પધાર્યા નાથ રે, લઇ સંત સતસંગી સાથ રે ।।૧૮।।

ગયા કરમડ ગામે કેશવ રે, કરવા અન્નકૂટનો ઉત્સવ રે ।

કર્યો ઉત્સવ જમાડ્યા સંત રે, ફેર્યા લાડુ બેસારી પંગત રે ।।૧૯।।

ત્યાંથી અમદાવાદ પધાર્યા રે, જનને મન મોદ વધાર્યા રે ।

આનંદ સ્વામીએ કરાવ્યો સાજ રે, પ્રીત્યે પ્રભુને પૂજવા કાજ રે ।।૨૦।।

સારો સુરવાલ જામો જરી રે, શિર બંધાવી પાઘ સોનેરી રે ।

કંઠે માળા પહેરાવી શોભતી રે, કરી ધૂપ દીપ ને આરતી રે ।।૨૧।।

લાગી પાય પછેડીયો લાવી રે, હાથ સાથે સંતને અલાવી રે ।

એમ કરી ઉત્સવ આનંદ રે, ચાલ્યા પ્રભુ પોતે સુખકંદ રે ।।૨૨।।

આવ્યા અસલાલી ભગવંત રે, આપે જમી જમાડિયા સંત રે ।

ત્યાંથી આવ્યા જેતલપુર નાથ રે, રહી રાત્ય જમ્યા સહુ સાથ રે ।।૨૩।।

કરી ગામડી માંહિ ભોજન રે, આવ્યા મેમદાવાદે જીવન રે ।

રહી રાત્ય વાત કરી વાલે રે, ત્યાંથી આવ્યા પછી વરતાલે રે ।।૨૪।।

કીધો પ્રબોધનીનો સમૈયો રે, થયો ઉત્સવ ન જાય કહીયો રે ।

પોતે રહ્યા તિયાં દોય માસ રે, ઝોળી મગાવી સાધુને પાસ રે ।।૨૫।।

પછી ત્યાં થકી ગઢડે આવી રે, કર્યા સંતને રાજી જમાવી રે ।

તેને મૂક્યા જુનાગઢ માંઇ રે, પણ પોતે તો રહ્યા છે ત્યાંઇ રે ।।૨૬।।

રહી થોડા ઘણા તિયાં દન રે, કર્યું વરતાલે જાવાનું મન રે ।

કારીયાણી ચોકડી ધોલેરે રે, રહ્યા પિપલિયે એહ પેરે રે ।।૨૭।।

જમી કમિયાળે વ્રસડે રહ્યા રે, ત્યાંથી નાથ વરતાલે આવિયા રે ।

રામનવમીનો ઉત્સવ કરી રે, પાછા આવિયા ગઢડે ફરી રે ।।૨૮।।

પછી જયેષ્ઠ અષ્ટમીયે નાથે રે, નાખ્યો ગઢડે મંદિર પાયો હાથે રે ।

સુંદર મંદિર મોટું આદર્યું રે, ખોળી ખાંત્ય ને મુહૂર્ત કર્યું રે ।।૨૯।।

રાખ્યા ચાર માસ સાધુ સંગે રે, પછી અમદાવાદ ગયા ઉમંગે રે ।

કારીયાણિ સારંગપુર રહ્યા રે, ત્યાંથી વાગડ કંથારીએ ગયા રે ।।૩૦।।

રહ્યા રાત્ય શીયાણીએ શ્યામ રે, ત્યાંથી તાવી દેવળીયે ગામ રે ।

ત્યાંથી નળ ઉતરીને નાથ રે, રહ્યા રાત્ય ઘોડે સંત સાથ રે ।।૩૧।।

જમી દદુકે રહ્યા કુંવારે રે, રહ્યા રાત્ય મનિપર ત્યારે રે ।

ત્યાંથી અમદાવાદે આવિયા રે, થોડું રહી અસલાલી ગયા રે ।।૩૨।।

વાળ્યા શંકરે ચરચા કાજ રે, કરી ચરચા જીત્યા મહારાજ રે ।

પછી આવ્યા જેતલપુર ગામ રે, ત્યાંથી વરતાલે પધાર્યા શ્યામ રે ।।૩૩।।

તિયાં રહ્યા કાંઇક ઘનશ્યામ રે, પછી આવિયા ગઢડે ગામ રે ।

આવી કરવા માંડ્યું મંદિર રે, અતિ ઉતાવળું નહિ ધીર રે ।।૩૪।।

દીયે અખંડ તે દર્શન રે, જન ઉપર છે પરસન્ન રે ।

કર્યો ફુલદોલ તિયાં વાલે રે, પછી પધારિયા વરતાલે રે ।।૩૫।।

કારીયાણિમાંહિ રાત્ય રહ્યા રે, ત્યાંથી નાવડે ધોલેરે ગયા રે ।

પીપળીથી વરસડે ગામ રે, ત્યાંથી આવિયા વરતાલ ધામ રે ।।૩૬।।

કરી રામનવમી રૂડી તિયાં રે, આવ્યાં જન દર્શન થીયાં રે ।

કરી બહુ જીવનાં ત્યાં કાજ રે, પાછા ગઢડે આવ્યા મહારાજ રે ।।૩૭।।

માંડ્યું મંદિરનું કામ લેવા રે, અતિ ઉતાવળું કરી દેવા રે ।

અષ્ટમી લીલા કરી લાલ રે, વળી ચાલ્યા પોતે વરતાલ રે ।।૩૮।।

સારંગપુર સુંદરિયાણે શ્યામ રે, આવ્યા ધંધુકે ખસતે ગામ રે ।

જમી કમીયાણે બોરૂ રહ્યા રે, ત્યાંથી સીંજીવાડે ગામ ગયા રે ।।૩૯।।

ત્યાંથી આવ્યા વરતાલે જીવન રે, નિજજનને દેવા દરશન રે ।

તિયાં આવ્યા સતસંગી સંત રે, ભાવે નિરખીયા ભગવંત રે ।।૪૦।।

આપે સાધુને રસોયો સારી રે, હરિ પીરસે હેત વધારી રે ।

ગોળ લાડુ જલેબી મોતૈયા રે, આપે નાથ હાથે કરી દયા રે ।।૪૧।।

લીયો લાડુ સંતો કરી પ્યાર રે, એમ કહી કરે મનુવાર્ય રે ।

રહ્યા થોડા ઘણા તિયાં દન રે, પછી ચાલ્યા ગઢડે જીવન રે ।।૪૨।।

પીપલાવ્ય વટામણ રહ્યા રે, ત્યાંથી કમીયાળે વાલો આવિયા રે ।

રહી પ્રબડીયે રાત્ય શ્યામ રે, આવ્યા ત્યાંથી કારિયાણી ગામ રે ।।૪૩।।

પછી ગઢડે આવીને રહ્યા રે, તિયાં થોડા ઘણા દન થયા રે ।

ત્યાંતો તેડાવ્યા સાહેબ મોટે રે, બેસી ગાડી ગયા રાજકોટે રે ।।૪૪।।

તિયાં સાહેબે કર્યું સનમાન રે, આવ્યો સામો ને આપ્યું આસન રે ।

પછી પ્રીત્યે બેઠો પ્રભુ પાસે રે, હેતે પુછવા લાગ્યો હુલાશે રે ।।૪૫।।

પુછ્યા પ્રીત્યે શું પ્રશ્ન તે ઘણા રે, આપ્યા ઉત્તર નાથે તે તણા રે ।

સુણી સાહેબ તેહ શ્રવણે રે, પછી બોલ્યો છે દીનતા વેણે રે ।।૪૬।।

જેવા મોટા સાંભળ્યાતા અમે રે, તેવા સ્વામિનારાયણ છો તમે રે ।

કરજયો ગુના મારા બકશિશ રે, એમ કહીને નામિયું શિશ રે ।।૪૭।।

ત્યારે એમ બોલ્યા મહારાજ રે, અતિ સારૂં તમારૂં છે રાજ રે ।

સવેર્લોક તે પામ્યા છે સુખ રે, નથી ભય વિગ્રહ કાંઇ દુઃખ રે ।।૪૮।।

પણ એમ કહે છે લોકમાંય રે, દુઃખ પામે છે બ્રાહ્મણ ગાય રે ।

ત્યારે સાહેબ બોલ્યો સાંભળી રે, કરશું તપાસ સહુ અમે મળી રે ।।૪૯।।

પણ તમારા તીરથમાંય રે, નથી દેતો હું મારવા ગાય રે ।

એમ કહી ગુના બકશાવ્યા રે, પછી પ્રીત્યે પહેરામણી લાવ્યા રે ।।૫૦।।

કરી પહેરામણી પૂજયા હાથ રે, માગીશિખ ચાલ્યા પછી નાથ રે ।

બેસી ગાડિયે ગઢડે પધારી રે, દીધાં દર્શન હેત વધારી રે ।।૫૧।।

સંત પોતાને વહાલા છે ઘણા રે, આપ્યાં સુખ રાખી નહી મણા રે ।

પછી દ્વિજ દન સારો જોઇ રે, આપી બાળક બેને જનોઇ રે ।।૫૨।।

પછી મંદિર પાસનો કૂપ રે, પાસે બેસી કરાવ્યો અનૂપ રે ।

ત્યાંતો આવ્યો રામનવમી દન રે, આવ્યા ઉત્સવ પર સહુ જન રે ।।૫૩।।

તેને દયાળે દર્શન દીધાં રે, કહિ વાતું ને સુખિયાં કિધાં રે ।

કરી દર્શન જન ઘેર ગયા રે, પોતે જેમ હતા તેમ રહ્યા રે ।।૫૪।।

પણ પોતાને વહાલા છે સંત રે, તેને આપિયાં સુખ અત્યંત રે ।

બીજાં કિધાં બહુ મોટાં કામ રે, નિજસાર્મિથ દેખાડી શ્યામ રે ।।૫૫।।

જ્ઞાન ધ્યાનનાં નગારાં ગડે રે, એવી રીત્યે રહ્યા છે ગઢડે રે ।

રહ્યા તિયાં એમ અવિનાશ રે, ત્યાંતો પુછે છે પોતાના દાસ રે ।।૫૬।।

તેને પોત પોતાના જે ધર્મ રે, તેનો કહી સમજાવે છે મર્મ રે ।

ત્યાંતો જુનાગઢનું મંદિર રે, થયું પુરૂં પધાર્યા મહાધીર રે ।।૫૭।।

ચાલ્યા પછી પોતે સુખધામ રે, આવી રહ્યા છે વાંકિયે ગામ રે ।

ત્યાંથી સરતાનપુરે ગયા રે, પછી જુનાગઢમાં આવિયા રે ।।૫૮।।

આવ્યા મહેર કરી મહારાજ રે, મૂર્તિયો પધરાવવા કાજ રે ।

રણછોડજી ત્રિકમજી જેહ રે, રાધારમણ સિધ્ધેશ્વર તેહ રે ।।૫૯।।

તેની મૂરતિયો પધરાવી રે, કર્યો ઉત્સવ મોટો ત્યાં આવી રે ।

પછી સહુ સંતને મળ્યા શ્યામ રે, પાછા આવિયા ગઢડે ગામ રે ।।૬૦।।

પછી તિયાં રહ્યા અવિનાશ રે, દિયે સુખ લિયે સહુ દાસ રે ।

ત્યાંતો મંદિર થયું તૈયાર રે, જોઇ મુહૂર્ત સુંદર સાર રે ।।૬૧।।

પધરાવ્યા પોતે ગોપીનાથ રે, કહ્યું આમાં રહેશું સુણો ગાથ રે ।

કર્યો ઉત્સવ મોટો એ દન રે, વળતા તિયાંજ રહ્યા જીવન રે ।।૬૨।।

પછી તીવ્ર વૈરાગ્ય છે જેહ રે, તેને પામીને થયા નિઃસ્પૃહ રે ।

જડભરત વર્તતા જેમ રે, પોતે પણ આદર્યું છે તેમ રે ।।૬૩।।

જમે ન જમે ક્યારેક અન્ન રે, ક્યારે ફળ ફુલ પિયે પવન રે ।

ક્યારે કંદ મૂળ પાન વારિ રે, મેલી દેહ મમત વિસારી રે ।।૬૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે ઉતાવળું મંદિર કરવા માંડ્યું ને જન્માષ્ટમી નો ઉત્સવ કરીને જુનાગઢ મૂર્તિયો પધરાવવા પધાર્યા ને ત્યાં પ્રતિષ્ઠા કરીને ગઢડે પધાર્યા ને ત્યાં ગોપીનાથજીની પ્રતિષ્ઠા કરી એ નામે સોમું પ્રકરણમ્ ।।૧૦૦।।