વાલા રમઝમ કરતા કા’ન, મારે ઘેર આવો રે (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:32pm

રાગ ગરબી

પદ - ૧

વાલા રમઝમ કરતા કા’ન, મારે ઘેર આવો રે;

મારા પુરા કરવા કોડ, હસીને બોલાવો રે. ૧

મારે તમ સંગ લાગી  પ્રીત, શ્યામ સોહાગી રે;

મેં તો તમ સંગ રમવા કાજ, લજજા ત્યાગી રે. ૨

વાલા અબળા ઊપર મહેર, કરજો મોરારી રે;

હું  તો જન્મોજન્મની નાથ, દાસી  તમારી રે. ૩

મારા પ્રાણ  તણા આધાર,  પ્રીતમ પ્યારા રે;

પળ રહો માં નટવર નાવ, મુજથી ન્યારા રે. ૪

આવો છોગાં મેલીને શ્યામ, ધડકમ ધારો રે;

મેં તો ફુલડે સમારી સેજ, શ્યામ સુધારો રે. ૫

વાલા નયણાં તણું ફળ આજ, મુજને આપો રે;

મુક્તાનંદ કહે મહારાજ, દુઃખડાં કાપો રે. ૬

 

પદ - ૨

હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે ;

તમે ગુણસાગર ગોપાળ, દેવ મોરારી રે. ૧

મુને કરી પોતાની કહાન, દોષ ન જોયા રે ;

તમે ગુણગ્રાહક ગોપાળ, મુજપર મોહ્યા રે. ૨

તમે શ્યામસુંદર સુખરૂપ, કુંજ વિહારી રે ;

મારે મંદિર આવો માવ,  તમપર વારી રે. ૩

મુને કરી કૃતારથ કહાન, શ્યામ સોહાગી રે ;

મારે ભવની ભાવટ આજ, સર્વે ભાગી રે. ૪

મારે અમૃત વર્ષ્યા મેહ, થઈ અનુરાગી રે ;

મારી  તમ સંગ ત્રિભુવનરાય, લગની લાગી રે. ૫

મારા પુણ્યતણો નહિ પાર,  તમ સંગ મળતા રે ;

મુક્તાનંદ કહે મહારાજ, અંતર ટળતા રે. ૬

 

પદ - ૩

મારું મનગમતું કરી માવ, સુખડું દીધું રે;

મારું મંદિરીયું મહારાજ, વૈકુંઠ કીધું રે. ૧

હવે રહો રસિયા દિનરાત, કરી મન હેઠું રે;

મુને મળી ચિંતામણી શ્યામ, દુઃખ નહીં વેઠું રે. ૨

મને સરવે સૈયરમાં શ્યામ, કીધી સમોતી રે;

મારા હૈડા કેરી હામ, સર્વે પોતી રે. ૩

વાલા મુજ નગણી પર નાથ, અઢળક ઢળીયા રે;

તમે એકાંતે અલબેલ, આવીને મળીયા રે. ૪

મુને મુખથી દીધો તંબોળ, હસિને બોલાવી રે;

મારા મનની ઈચ્છા આજ, સઘળી ફાવી રે. ૫

તમ રસિયાજી રસરીત, શું સુખ આપ્યું રે;

મુક્તાનંદ કહે મહારાજ, દુઃખડું કાપ્યું રે. ૬

 

પદ - ૪

મારા મંદિરીયાંમાં માવ, મોજું માણો રે;

મને શું કરશે સંસાર, ધડકમ આણો રે. ૧

હું તો તરણા તુલ્ય સંસાર, સઘળો જાણું રે ;

વાલા એક  તમારી બીક, ઊરમાં આણું રે. ૨

તમે ભૂપ તણા છો ભૂપ, મહા સુખકારી રે;

વાલા તન મન ધન પરિવાર, તમપર વારી રે. ૩

તોય અધર અમૃતથી નાથ, હું ન ધરાઉં રે;

વાલા નિત્ય નૌતમ શણગાર, સજી સુખ આપું રે. ૪

તમે રસિયા રંગની રેલ, વાલમ વાળી રે ;

હુંતો મગન થઈ મર્સ્તાન, મુખડું ભાળી રે. ૫

મને આપ્યો અંખડ સુહાગ, કુંજવિહારી રે ;

મુક્તાનંદ કહે મહારાજ, જાઉં બલિહારી રે. ૬

Facebook Comments