૦૧ પ્રથમોધ્યાય: અર્જુનવિષાદયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 5:52pm

અધ્યાય - ૧


श्रीपरमात्मने नमः
अथ श्रीमद्भगवद्गीता
प्रथमोऽध्यायः

धृतराष्ट्र उवाच
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥१-१॥

ધૃતરાષ્ટ્ર રાજા સંજયને પૂછે છે=
હે સંજય ! ધર્મના ક્ષેત્રભૂત કુરૂક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો તેમજ પાંડવોએ શું કર્યું ? ।।૧-૧।।

संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् ॥१-२॥
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥१-३॥

સંજય કહે છે = તે સમયમાં રાજા દુર્યોધન વ્યૂહ રચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઇને જ આચાર્ય દ્રોણ ગુરૂની પાસે જઇને વચન બોલવા લાગ્યો. હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહરચનાથી ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને આપ જુઓ ! નીહાળો ! ।।૧- ૨-૩ ।।

अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥१-४॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥१-५॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥१-६॥

આ સેનામાં મોટાં મોટાં ધનુષ ધારનારા અને રણ સંગ્રામમાં ભીમ અને અર્જુન જેવા મહારથી યુયુધાન-સાત્યકિ, વિરાટ અને દ્રુપદરાજા અને મહાસામર્થ્યવાન ધૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશિરાજ, તેમજ નરશ્રેષ્ઠ એવો પુરૂજીત્‌, કુન્તિભોજ અને શૈબ્ય નામે પ્રસિદ્ધ રાજા, વળી શૂરવીર યુધામન્યુ, પરાક્રમી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો પ્રતિ વિન્ધ્યાદિક પાંચ, તેમજ બીજા પણ પાંડય રાજા વિગેરે ઘણાક છે. અને આ બધાય મહારથીઓજ છે. ।।૧- ૪-૬ ।।

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम ।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥१-७॥

હે દ્વિજોત્તમ-આચાર્ય ! હવે આપણા સૈન્યમાં જે મુખ્ય મુખ્ય યોદ્ધાઓ છે, તેઓને આપ જાણી લ્યો. અને તે મારી સેનાના નાયકો તમારી જાણને માટે તમોને કહી બતાવું છું. ।।૭।।

भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥१-८॥
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥१-९॥

એક તો આપ-દ્રોણગુરૂ, બીજા ભીષ્મપિતા, તથા કર્ણ અને યુદ્ધમાં જય મેળવનારા આ કૃપાચાર્ય, તથા અશ્વત્થામા, વિકર્ણ, તેમજ સોમદત્તનો પુત્ર જયદ્રથ. અને આ સિવાયના બીજા પણ શલ્ય અને કૃતવર્માદિક શૂરવીરો છે, કે જેઓ મારે માટે પોતાના જીવનનો પણ ત્યાગ કરનારા છે. અને તે સઘળા અનેક શસ્ત્ર અને પ્રહાર કરવાનાં સાધનોવાળા છે, તેમજ તે સઘળા યુદ્ધ કરવામાં અતિ નિપુણતાવાળા છે. ।।૧- ૮-૯।।

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥१-१०॥

ભીષ્મપિતાથી રક્ષા કરાયેલું આપણું સૈન્ય તો અપર્યાપ્ત ઘણુંજ ઓછું લાગેછે. અને ભીમથી રક્ષા કરાયેલું આ એમનું શત્રુઓનું સૈન્ય તો જય મેળવવામાં સમ્પૂર્ણ સમર્થ જણાય છે. ।।૧- ૧૦।।

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥१-११॥

માટે તમે બધાય સર્વ વ્યૂહરચનાઓના પ્રવેશમાર્ગમાં યથાયોગ્ય વિભાગ પ્રમાણે સાવધાન ઉભા રહીને ચોતરફથી એક ભીષ્મ-પિતાનુંજ સર્વ પ્રકારે રક્ષણ કરો. ।।૧- ૧૧।।

तस्य संजनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥१-१२॥

તે સમયમાં મહાપ્રતાપી કુરૂવૃદ્ધ ભીષ્મ-પિતામહે તે દુર્યોધનને હર્ષ ઉપજાવતાં સિંહનાદ જેવી ઉચ્ચ સ્વરથી ભયંકર ગર્જના કરીને પછી પોતાનો શંખ વજાડ્યો. ।।૧- ૧૨।।

ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत् ॥१-१३॥

તે પછી તુરતજ બીજા યોદ્ધાઓએ પોતપોતાના શંખ, ભેરીઓ, મૃદંગ, નગારાં તેમજ રણશીંગાં વિગેરે એકદમ વજાડ્યાં અને તે શબ્દ અતિશય મહાન્‌ ભયંકર થયો. ।।૧- ૧૩।।

ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥१-१४॥

તે પછી શ્વેત અશ્વોથી જોડેલા પોતાના મોટા રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણે અને પાંડુપુત્ર અર્જુને પોતાના દિવ્ય શંખો વજાડ્યા. ।।૧- ૧૪।।

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥१-१५॥
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥१-१६॥

તેમાં હૃષીકેશ-ભગવાને પાંચજન્ય શંખ વજાડ્યો, ધનંજય-અર્જુન દેવદત્ત શંખ વજાડ્યો, ભયંકર કર્મ કરનારા વૃકોદરે પોતાનો પૌંડ્ર નામનો મહાશંખ વજાડ્યો, કુન્તી પુત્ર યુધિષ્ઠિર રાજાએ અનન્તવિજય નામનો શંખ વજાડ્યો અને નકુલ અને સહદેવે પણ સુઘોષ અને મણિપુષ્પક નામના પોતપોતાના શંખ વજાડ્યા. ।।૧- ૧૫-૧૬।।

काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥१-१७॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक् ॥१-१८॥

મોટા ધનુષને ધારનારો કાશીરાજા, મહારથી શિખંડી રાજા, દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ-રાજા, કોઇથી પરાજય ન કરાય એવો સાત્યકિ, હે પૃથિવીપતિ ધૃતરાષ્ટ્ર રાજન્‌ ! દ્રુપદ-રાજા, દ્રૌપદીના પુત્રો પ્રતિવિન્ધ્યાદિક પાંચ અને સુભદ્રાનો પુત્ર મહાબાહુ અભિમન્યું, એ સર્વે ચોતરફથી પોત-પોતાના જુદા જુદા શંખોને વજાડવા લાગ્યા. ।।૧- ૧૭-૧૮।।

स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ॥१-१९॥

એ સર્વ શંખોનો તે મહા ભયંકર શબ્દ ગર્જના આકાશ અને પૃથ્વીને અતિશય ગજાવી મુક્તો ધૃતરાષ્ટ્રના પુત્રોનાં હ્રદયને વિદારી નાખવા લાગ્યો. ।।૧- ૧૯।।

अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥१-२०॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते ।

તે પછી યુદ્ધ કરવા માટે વ્યવસ્થાથી ગોઠવાઇને સજ્જ થયેલા ધૃતરાષ્ટ્રના તમારા પુત્રોને જોઇને પરસ્પર શસ્ત્રસમ્પાત થવા લાગ્યો તે સમયમાં કપિ-હનુમાનજી તેના ધ્વજમાં બેઠેલા છે એવા પાંડુપુત્ર અર્જુન પોતાનું ધનુષ ઉગામીને હે મહીપતિ ધૃતરાષ્ટ્ર ! તે સમયમાં હૃષીકેશ ભગવાનના પ્રત્યે આ પ્રમાણે વાક્ય કહેવા લાગ્યો. ।।૧- ૨૦।।

अर्जुन उवाच
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ॥१-२१॥
यावदेतान्निरिक्षेऽहं योद्‌धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे ॥१-२२॥
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥१-२३॥

અર્જુન કહે છે
હે અચ્યુત ! બન્ને સેનાઓના મધ્યે મારો રથ લઇ જઇને ઉભો રાખો ! કે જ્યાંથી યુદ્ધ કરવાની ઇચ્છાથી સજ્જ થઇને ઉભા રહેલા એ દુર્યોધનાદિકને હું જોઉં-જોઇ શકું. । અને વળી આ રણસંગ્રામમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે, તેવા સઘળા યુદ્ધ કરવા ઇચ્છનારાઓને પણ હું જોઉં, કે જેઓ દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનનું યુદ્ધમાંજ પ્રિય કરવાને ઇચ્છતા થકા અહીં આ રણભૂમિમાં આવેલા છે. ।।૧- ૨૧-૨૩।।

संजय उवाच
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥१-२४॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् ।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥१-२५॥

સંજય કહે છે
હે ભારત ! ભારતકુલોત્પન્ન ધૃતરાષ્ટ્ર ! ગુડાકેશ નિદ્રાને જીતનારા અર્જુને આ પ્રમાણે કહેલા શ્રીકૃષ્ણ ભગવાનને અર્જુનના ઉત્તમ રથને બન્ને સેનાઓના મધ્યે ભીષ્મ-દ્રોણાદિક તેમજ સર્વ રાજાઓની સમક્ષમાં ઉભો રાખીને હે પાર્થ ! યુદ્ધ કરવા ભેગા થયેલા આ કૌરવોને તેમજ તેના પક્ષનાઓને પણ જો ! એમ કહ્યું. ।।૧- ૨૪-૨૫।।

तत्रापश्यत्स्थितान्पार्थः पितॄनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥१-२६॥
श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ।
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान् ॥१-२७॥
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ।

પૃથાના પુત્ર અર્જુને તે રણભૂમિમાં આવીને બન્ને સેનાઓમાં ઉભા રહેલા પિતાઓને કાકાઓને, પિતામહોને=દાદાઓને, આચાર્યોને, મામાઓને, ભાઇઓને, પૌત્રોને, સખાઓને, તેમજ શ્વશુરોને તથા સર્વ સુહ્રદોને પણ જોયા. કુન્તીનો પુત્ર અર્જુન યુદ્ધ માટે તૈયાર થઇને ઉભા રહેલા તે સઘળા સગા સમ્બન્ધીઓને ચોતરફથી જોઇને અતિશય કૃપાથી આવિષ્ટ થઇને ખેદ પામતો પામતો આ પ્રમાણે કહેવા લાગ્યો. ।।૧- ૨૬-૨૭।।

अर्जुन उवाच
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥१-२८॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ॥१-२९॥
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ॥१-३०॥

અર્જુન કહે છે
હે કૃષ્ણ ! યુદ્ધ કરવા ઇચ્છતા આ સમીપમાં ઉભા રહેલા મારા સ્વજનોને જોઇને મારાં ગાત્ર અવયવો શિથિલ થઇ જાય છે. અને મારૂં મુખ પણ સુકાઇ જાય છે. મારા શરીરમાં કમ્પારો થઇ આવે છે. અને રોમહર્ષ-રૂંવાડાં ઉભાં થઇ આવે છે. આ મારૂં ગાંડીવ ધનુષ હાથમાંથી પડી જાય છે અને મારી ચામડી પણ બળું બળું થાય છે. અને હું ઉભો રહેવાને પણ શક્તિમાન નથી અને મારૂં મન તો જાણે ભમતું હોયને શું ? એમ જણાય છે.।।૧- ૨૮-૩૦।।

निमित्तानि च पश्यामि विपरीतानि केशव ।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ॥१-३१॥

હે કેશવ ! શકુનો પણ હું વિપરીત જ દેખું છું અને આ મારા સમ્બન્ધી જનોને યુદ્ધમાં મારી નાખીને પછીથી પણ હું મારૂં શ્રેય નથી જોતો. ।।૧- ૩૧।।

न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च ।
किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥१-३२॥
येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च ।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥१-३३॥

હે કૃષ્ણ ! હું આ યુદ્ધ કરીને વિજય નથી ઇચ્છતો, તેમજ રાજ્ય કે રાજ્યનાં સુખોને પણ નથીજ ઇચ્છતો. હે ગોવિંદ ! અમને રાજ્ય મળે તોય શું ? અથવા ભોગ-વિલાસોથી કે જીવનથી પણ શું ? કારણ કે જેમને માટે અમારે રાજ્ય, રાજ્યના ભોગો તથા રાજ્યનાં સુખો ઇચ્છિત છે, તે આ સઘળા તો પોતાના પ્રાણ અને ધન સર્વસ્વનો ત્યાગ કરીને યુદ્ધમાં સામા આવીને ઉભા છે. ।।૧- ૩૨-૩૩।।

आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः ।
मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबन्धिनस्तथा ॥१-३४॥

આચાર્યો, પિતાઓ, કાકાઓ, પુત્રો, તથા દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્રો, શ્યાલકો તથા બીજા પણ સઘળા સમ્બન્ધીઓ, એ સઘળા ઉભેલા છે. ।।૧- ૩૪।।

एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ।
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते ॥१-३५॥

હે મધુસૂદન ! તેઓ મને મારે તો પણ હું એમને મારવા નથી ઇચ્છતો, ત્રિલોકીના રાજ્ય માટેય નહિ, તો પછી પૃથ્વી માટે તો હું મારૂં જ કેમ ? ।।૧- ૩૫।।

निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ।
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिनः ॥१-३६॥

વળી- ધૃતરાષ્ટ્રના છોકરાઓને મારી નાખીને અમને શું પ્રીતિ થવાની હતી ? માટે હે જનાર્દન ! આતતાયી એવા પણ એ કૌરવોને મારીને અમને કેવળ પાપજ લાગે. ।।૧- ૩૬।।

तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् ।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ॥१-३७॥

માટે અમારા બાન્ધવો એવા ધૃતરાષ્ટ્રના છોકરાઓને કે પક્ષનાઓને પણ મારવાને માટે અમે યોગ્ય નથી, કેમ કે હે માધવ ! સ્વજનોને મારીને અમે કેમ સુખીયા થઇએ ? (ન જ થઇએ.) ।।૧- ૩૭।।

यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः ।
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् ॥१-३८॥
कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् ।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ॥१-३९॥

જો કે લોભથી ભ્રષ્ટચિત્ત થઇ ગયેલા એ કૌરવો કુળના ક્ષયથી થતો દોષ-પાપ, તેમજ મિત્રદ્રોહમાં રહેલું પાપ નથી દેખતા, તો પણ હે જનાર્દન ! કુળક્ષયકૃત દોષને જોનારા અમોએ આ પાપથી નિવૃત્તિ પામવા માટે કેમ ન સમઝવું જોઇએ ? સમઝવું જ જોઇએ. ।।૧- ૩૮-૩૯।।

कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः ।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत ॥१-४०॥

કુળનો ક્ષય થવાથી સનાતન પરમ્પરાગત શાશ્વત ધર્મો નાશ પામી જાય છે. અને ધર્મ નષ્ટ થવાથી સમગ્ર કુળ નાશ પામી જાય છે. અને વળી અધર્મ સર્વ પ્રકારે પરાભવ પમાડે છે. ।।૧- ૪૦।।

अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः ।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः ॥१-४१॥

હે કૃષ્ણ ! અધર્મથી પરાભવ થવાથી કુળવતી સ્ત્રીઓ દૂષિત બની જાય છે. અને હે વૃષ્ણિ કુળનન્દન સ્ત્રીઓ દૂષિત-ભ્રષ્ટ થવાથી પ્રજા વર્ણસંકર થાય છે.।।૧- ૪૧।।

संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च ।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः ॥१-४२॥

વર્ણસંકર પ્રજા કુળનો નાશ કરનારાઓને તેમજ બાકીના સમગ્ર કુળને પણ નરકમાંજ નાખનારી થાય છે. અને એમના મરીને ગયેલા પિતૃઓ પણ પાછળથી પિંડદાન અને તર્પણાદિક ક્રિયાઓ લુપ્ત થવાથી અધોગતિનેજ પામે છે. ।।૧- ૪૨।।

दोषैरेतैः कुलघ्नानां वर्णसंकरकारकैः ।
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ॥१-४३॥

વર્ણસંકરતાને પમાડનારા કુળધાતી પુરૂષોના એ મહાદોષથી શાશ્વત સનાતન જાતિધર્મો અને પરમ્પરાગત-કુળધર્મો પણ સઘળા નાશ કરી નખાય છે. ।।૧- ૪૩।।

उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ।
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम ॥१-४४॥

હે જનાર્દન ! ઉત્સન્ન થઇ ગયા છે કુળધર્મ જેમના એવા મનુષ્યોનો નરકમાં નિયત-અખંડ વાસ થાય છે એમ અમે આચાર્યોના મુખથી સાંભળ્યું છે. ।।૧- ૪૪।।

अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् ।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥१-४५॥

અહો- ખેદની વાત છે, કે- અરેરે અમે આવું મોટું પાપ કરવાના નિશ્ચય ઉપર આવી ગયા, કે જે- રાજ્યસુખના લોભે કરીને સ્વજનોને હણવાને માટે તૈયાર થઇ ગયા. ।।૧- ૪૫।।

यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः ।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥१-४६॥

માટે શસ્ત્ર હાથમાં લઇને તૈયાર થયેલા ધૃતરાષ્ટ્રના છોકરાઓ શસ્ત્રરહિત અને પોતાનો બચાવ પણ નહિ કરતો એવો મને રણમાં જો મારી નાખે, તો તો મારૂં અતિશય કલ્યાણ થાય. ।।૧- ૪૬।।

संजय उवाच
एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् ।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ॥१-४७॥

સંજય કહે છે =
શોકથી અતિ ઉદ્વિગ્ન ચિત્તવાળો અર્જુન યુદ્ધ સમયમાંજ આ પ્રમાણે કહીને બાણ સહિત ધનુષ છોડી દઇને રથના એક ભાગમાં બેસી ગયો. ।।૧- ૪૭।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादेऽर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ॥ १ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અર્જુનવિષાદયોગો નામ પ્રથમોઅધ્યાયઃ ।।૧।।