૪૪. પિપલાણામાં વર્ણી અને રામાનંદસ્વામીનો મેળાપ.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 8:47pm

પૂર્વછાયો-

પછી યોગ શીખવતાં, કરતાં તે તપ અભ્યાસ ।

અહોનિશ એમ કરતાં, વહી ગયો વૈશાખ માસ ।।૧।।

ત્યારે ર્વિણએ વિચારિયું, આજ કાલ આવે અવિનાશ ।

એમ કરતાં વહિ ગયો, અરધો તે જયેષ્ઠ માસ ।।૨।।

વળતાં વર્ણી વ્યાકુળ થઇ, જુવે વાટ વારમવાર ।

એક તપ ને ચિંતા બીજી, તેણે કૃશ થયા છે અપાર ।।૩।।

આતુરતા મન અતિઘણી, થઇ સ્વામીને મળવા માટ ।

સ્વામી પણ પછી ત્યાં થકી, ઇચ્છ્યા દેખવા ર્વિણરાટ ।।૪।।

ચોપાઇ-

થયા ઉતાવળા તતકાળ, ભુજનગરમાંથી દયાળ ।

સુવર્ણ સરીખો આણ્યો છે રથ, બેઠા તે ઉપરે સમરથ ।।૫।।

ચલાવ્યો રથ શહેર બજાર, આવ્યાં દર્શને બહુ નરનાર ।

તેને જોતા જોતા જગદાધાર, આવ્યા શહેરથકી પોતે બાર ।।૬।।

સંગે આવ્યા છે વળાવા જન, નથી વળતા કરે છે રુદન ।

તેને આપે છે મહારાજ ધીર, કહે છે મ ભરો નયણે નીર ।।૭।।

આ સમો નથી રોયાનો જન, કરી લીયો કહું છું દર્શન ।

ત્યારે જન લુઇ નીર નયણે, બોલ્યા છે અતિ દીનતા વયણે ।।૮।।

કહે વહેલા આવજયો દયાળ, લેજયો નાથ અમારી સંભાળ ।

એમ કહીને જોડિયા હાથ, ત્યારે તે પ્રત્યે કહે છે નાથ ।।૯।।

જન સર્વે રહેજયો સાવચેત, રાખજયો હરિજનશું હેત ।

અમે આવશું હમણાં વળી, પણ પ્રાકૃત નહિ શકે કળી ।।૧૦।।

એમ કહીને ચાલિયા નાથ, સંત બે ચારને લઇ સાથ ।

સાંજે સાંજે કરતા મુકામ, આવ્યા સ્વામી પિપલાણે ગામ ।।૧૧।।

કરી મહારાજે મોટી મેર, આવ્યા મહેતા નૃસિંહને ઘેર ।

પછી વિપર કુરજી નામે, તેને મોકલીયો લોજ ગામે ।।૧૨।।

કહ્યું તેડી લાવો સંતજન, મર આવી કરે દરશન ।

ચાલ્યો બ્રાહ્મણ લાગીને પાય, આવ્યો ઉતાવળો લોજમાંય ।।૧૩।।

આપી સંતને જઇ વધામણી, સ્વામી પધારિયા તેહતણી ।

કહ્યું સ્વામીએ મોકલ્યું કાવી, કરો દર્શન સંત સહુ આવી ।।૧૪।।

એવાં અમૃતવચન સાંભળી, પામ્યા આનંદ સંતમંડળી ।

કહે નીલકંઠ બ્રહ્મચારી, ચાલો હમણાં કરી તૈયારી ।।૧૫।।

ત્યારે સંત કહે સુણો નાથ, ઇંદુ ઉગ્યે સહુ ચાલશું સાથ ।

પછી ચાલિયા ઉગતે ચંદ, નીલકંઠજી ને મુક્તાનંદ ।।૧૬।।

દેવાનંદ ને પરવતભાઇ, ચાલ્યા જેઠાભક્ત આદિ દઇ ।

દર્શન કરવાની ઇચ્છા છે ઘણી, બાંધી દૃષ્ટિ સહુ સ્વામીભણી ।।૧૭।।

વર્ણી તને કૃશ છે વળી, ન ચલાણું પડ્યા ભોમે ઢળી ।

પછી સર્વે બેઠા પાસે આવી, ચાંપે હાથ પગ હેત લાવી ।।૧૮।।

ત્યારે સત્તા આવી છે શરીરે, પછી ઉઠી ચાલ્યા ધીરે ધીરે ।

ત્યારે સર્વે મળી કહે જન, આમ કેમ થાશે દર્શન ।।૧૯।।

કરો યોગધારણા દયાળ, તો પોંચિએ સહુ તતકાળ ।

ત્યારે તેમ કરી ચાલ્યા નાથ, તૈયે કેણે ન પહોંચાણું સાથ ।।૨૦।।

જેમ છુટ્યો કમાનથી તીર, તેમ પહોંચ્યા ઓઝતે અચિર ।

વહે પ્રચંડ પુરે તે નદી, પડે જે તે ન નિસરે કદી ।।૨૧।।

પડ્યા એવા પુરમાંહિ પોત્યે, શરસમ ઉતર્યા સહુ જોતે ।

બીજા ઉતર્યા ત્રાપેશું પાર, પછી સહુ આવ્યા ગામ મોઝાર ।।૨૨।।

જયેષ્ઠ વદી બારશને દન, કયુર્ં સહુએ સ્વામીનું દર્શન ।

અતિગૌર ને પુષ્ટ છે તન, અંગે પહેર્યાં છે શ્વેત વસન ।।૨૩।।

સુંદર મુખ ને કમળનેણ, મંદહાસે મુખ સુખદેણ ।

ઉર વિશાળ અજાનકર, કંજસમ ચરણ સુંદર ।।૨૪।।

ભક્તે પૂજયા છે પુષ્પચંદને, બેઠા દિઠા સભામાંહિ જને ।

પરમ હિતકારી બહુનામી, દિઠા સિંહાસન પર સ્વામી ।।૨૫।।

તેને દેખીને પામ્યા આનંદ, ત્યારે ઉઠ્યા સ્વામી રામાનંદ ।

કર્યાં નીલકંઠે દંડવત, તેને ઉઠાડ્યા સ્વામીએ તરત ।।૨૬।।

પ્રેમે મળીને બેસાર્યા પાસ, કરી બીજાની બહુ આશવાસ ।

જેવા કહ્યા તા સાધુએ મળી, તેવા દીઠા છે વર્ણીએ વળી ।।૨૭।।

પામ્યા પરમાનંદ સુખભારી, આવ્યાં હર્ષનાં નયણે વારી ।

થયા બ્રહ્મચારી રોમાંચિતે, જોઇ રહ્યા સામું બહુપ્રીત્યે ।।૨૮।।

તેમ જોઇ રહ્યા સ્વામી હેતે, એક મીટે મટકાં રહિતે ।

પછી પુછે છે એમ મહારાજ, ક્યાંથી આવ્યા તમે ર્વિણરાજ ।।૨૯।।

કહ્યું મુક્તાનંદે વરતંત, સુણી રાજી થયા ભગવંત ।

પછી સ્વામીજીએ ઘણાં ઘણાં, કર્યાં વખાણ વરણિતણાં ।।૩૦।।

પછી ગદ્ગદ્ કંઠે ગિરા, બોલ્યા બ્રહ્મચારી રહી ધીરા ।

મારો મનોરથ મહારાજ, થયો સફળ સર્વે આજ ।।૩૧।।

તમે સાક્ષાત કૃષ્ણની ભક્તિ, પ્રવર્તાવી આ યુગમાં અતિ ।

એવા જનહિતકારી તમે, મળ્યે જન્મ સફળ માન્યો અમે ।।૩૨।।

ત્યારે સ્વામી કહે સત્ય વાત, તેમજ અમે છું રળિયાત ।

આવ્યા ક્યાંથી ચાલી તમે આજ, હશો ભૂખ્યા તમે મહારાજ ।।૩૩।।

પછી સ્વાદુ ફળ મંગાવિયાં, સુંદર ફરાળ કરાવિયાં ।

પછી ર્વિણરાજ મુનિઇંદ, બેઠા દેખી સહુ પામ્યા આનંદ ।।૩૪।।

એમ કરતાં થયો સાયંકાળ, ઉઠ્યા પૂજા કરવા દયાળ ।

પૂજા સામગ્રી લઇ બહુવિધિ, સેવા શ્રીકૃષ્ણદેવની કીધી ।।૩૫।।

તેદિ હતી રહેવા એકાદશી, કયુર્ં જાગરણ સહુ મળી નિશી ।

કરતાં કથા કીરતન ગાન, બોલ્યા ર્વિણપ્રત્યે ભગવાન ।।૩૬।।

કોણ દેશ કોણ જન્મ જાગ્ય, કોણ કુળભૂષણ બડભાગ્ય ।

કોણ માત તાત ગોત્ર લહીએ, કોણ પ્રવર શાખા વેદ કહીએ ।।૩૭।।

કોણ રીત્યે ઉપન્યો વૈરાગ્ય, કેમ કર્યો સ્વજનનો ત્યાગ ।

કોણ ઇષ્ટદેવ છે ઉપાસ, કેમ કર્યો તમે વનવાસ ।।૩૮।।

કહો તપમાં ભેદની વિધિ, યોગસાધના કૈપેર કિધિ ।

તીર્થયાત્રા તીર્થના રહેનાર, તેને જીત્યા તે કોણ પ્રકાર ।।૩૯।।

એટલી વાત પુછી સ્વામી જયારે, કહી અનુક્રમે કરી ત્યારે ।

સુણી વિસ્તારે વારતા સહુ, સ્વામી આનંદ પામિયા બહુ ।।૪૦।।

પછી બોલ્યા સ્વામી સુખકારી, તમે સાંભળો હે બ્રહ્મચારી ।

ધર્મ વિપ્ર જે તાત તમારા, તે તો શિષ્ય થયાતા અમારા ।।૪૧।।

ભક્તિધર્મ દોય જે દંપતિ, તે મુંથી પામ્યા દીક્ષા ભાગવતી ।

તેના સુત તમે બ્રહ્મચાર, તેતો અમારા છો નિરધાર ।।૪૨।।

તમારાં માત તાત જે બેહુ, મળ્યાંતાં મને પ્રયાગમાં તેહુ ।

એતો રહેતાંતાં કોશલ દેશ, કરતાં મુમુક્ષુને ઉપદેશ ।।૪૩।।

અહિંસાદિ રખાવતાં નિયમે, કૃષ્ણભક્તિ કરાવતાં પ્રેમે ।

તમે તેથી અધિક અત્યંત,ગુણ લક્ષણે છો બુદ્ધિવંત ।।૪૪।।

તમને દેખતાં એવા જે મૃત્ય, તેને જણાઓ છોજ અમૃત ।

એવી સુંદર સારી જે વાત, કહેતાં સુણતાં ગઇ અર્ધરાત ।।૪૫।।

ત્યારે દીઠું છે આશ્ચર્ય એક, જાણ્યું ઉગિયા અર્ક અનેક ।

શ્રીસ્વામીના રોમરોમપ્રતિ, દીઠા તેજના સમૂહ અતિ ।।૪૬।।

તેહ તેજ દશે દિશમાંઇ, રહ્યું ઘરબાર પ્રત્યે છાઇ ।

પછી હતું રાત્યે તમ કાળું, તે ટળીને થયું અજવાળું ।।૪૭।।

રહ્યું એવા એવું પહોરવાર, જોઇ વિસ્મય પામ્યાં નરનાર ।

પછી સર્વે તેજ સંકેલાઇ, મળ્યું સ્વામીની મૂરતિમાંઇ ।।૪૮।।

જેમ ચોમાસામાં અભ્ર થાય, શરદ ઋતુમાં શૂન્યે સમાય ।

ત્યારે વર્ણી બોલ્યા શિશ નામી, ગુણે કૃષ્ણ સમાન છે સ્વામી ।।૪૯।।

એમાં કૃષ્ણ નિરંતર રહે છે, આ સ્વામીને વશ શ્રીકૃષ્ણ છે ।

એમાં અસત્ય નથી જો કાંઇ, એવું નિશ્ચય કર્યું મનમાંઇ ।।૫૦।।

પછી ગુરૂએ માન્યા થકા ત્યાંઇ, રહ્યા સ્વામીને સંગે સદાઇ ।

બેઉ મૂરતિને જોઇ જન, પામ્યા આનંદ અતિશે મન ।।૫૧।।

સ્વામી પણ ર્વિણગુણ જોઇ, કૃષ્ણ સમાન માને છે સોઇ ।

જાણ્યું ધર્મની રક્ષાને કાજ, પ્રગટ્યા છે શ્રીકૃષ્ણ મહારાજ ।।૫૨।।

એમ પરસ્પર અતિપ્રીત્યે, કરે વાત અલૌકિક નિત્યે ।

સુણી જન પામે છે આનંદ, કહે ધન્ય ધન્ય સુખકંદ ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને નીલકંઠવર્ણી મળ્યા એ નામે ચુંમાલીસમું પ્રકરણમ્ ।।૪૪।।