લોયા ૭ : ઈંદ્રિયો, અંત:કરણ અને અનુભવ પહોંચ્યાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 12:48am

લોયા ૭ : ઈંદ્રિયો, અંત:કરણ અને અનુભવ પહોંચ્યાનું

સંવત્ ૧૮૭૭ના માગશર સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાઘનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને તે સમયમાં વચનામૃતનું પુસ્‍તક નિત્‍યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપયું. પછી તે પુસ્‍તકને જોઇને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ”આજ તો ભારેભારે પ્રશ્ર્ન પુછો તો વાત કરીએ.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રુતિમાં એમ કહ્યું છે જે, “ઋતે જ્ઞાનાન્ન મુકિત:” “તમેવ વિદિત્‍વાતિમૃત્‍યુમેતિ નાન્‍ય: પન્‍થા વિદ્યતેડયનાય ||” એ શ્રુતિમાં એમ કહ્યું છે જે ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્‍યારે જીવનું કલ્‍યાણ થાય છે,’ ત્‍યારે શાસ્ત્રમાં જે બીજાં સાધન કલ્‍યાણને અર્થે બતાવ્‍યાં છે તેનું શું પ્રયોજન છે ? કેમ જે કલ્‍યાણ તો જ્ઞાને કરીને  થાય છે” એવા પ્રશ્ર્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જ્ઞાન તે જાણવાનું નામ છે” ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ આશંકા કરી જે, ”જાણવું એજ જ્ઞાન હોય તો શાસ્‍ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્‍યાણ થતું નથી.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”શાસ્‍ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્‍યા તેણે કરીને જેમ કલ્‍યાણ નથી, તેમ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્‍યારે   તેમને સર્વે મનુષ્યે પ્રત્‍યક્ષ દીઠા હતા તો તેણે કરીને પણ શું કલ્‍યાણ થયું છે ?” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, ”જેણે ભગવાનને પ્રત્‍યક્ષ દીઠા હોય તેનું તો જન્‍માંતરે કલ્‍યાણ થાય છે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેણે શાસ્‍ત્રે કરીને ભગવાનને જાણ્‍યા તેણે કરીને પણ જન્‍માંતરે કલ્‍યાણ થાય છે, કાં જે જેને શાસ્‍ત્રે કરીને જાણ્‍યા તેને જ નેત્રે કરીને દેખે છે, અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્‍ત્રે કરીને જાણેછે, માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્‍માંતરે કલ્‍યાણ પણ બરોબર છે, કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્‍યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્‍યાજ કહેવાય. અને ત્‍વચાએ કરીને સ્‍પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સ્‍પર્શ કર્યોજ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયાજ કહેવાય. અને નાસિકાએ કરીને સુંઘ્‍યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સુંઘ્‍યાજ કહેવાય. અને જીહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યાજ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્‍દ્રિયોએ કરીને જે જ્ઞાન છે તથા અંત:કરણે કરીને જે જ્ઞાન છે અને અંત:કરણ ઇન્‍દ્રિયો પર જે જીવસત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્‍પત્તિને અર્થે અનિરૂદ્ધ એવું સ્‍વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્‍થાવર જંગમરૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે, અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પદ્યુમ્‍નરૂપે કરીને જગતની સ્‍થ્‍િાતિ કરે છે, તથા મત્‍સ્‍ય, કચ્‍છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્‍યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઇ કાર્ય તો એવું છે જે, જેમાં અંત:કરણ ઇન્‍દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્‍યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્‍વરૂપનું ધારણ કરે છે. અને કોઇ કાર્ય એવું છે જે ઇન્‍દ્રિયો અંત:કરણે કરીને જાણ્‍યામાં આવે છે. ત્‍યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાનપણ તેવાજ થાય છે’ માટે તમે કયા ભગવાનના સ્‍વરૂપને જ્ઞાને કરીને કલ્‍યાણ થાય એમ પુછો છો ?” ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ કહ્યું જે, જે ”ભગવાનના સ્‍વરૂપને વિષે ઇન્‍દ્રિયો, અંત:કરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્‍વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે તે તો પોતે પોતાને એમ કહે છે જે-

“યસ્‍માત્‍ક્ષરમતીતોડહમક્ષરાદપિ ચોત્તમ: | અતોડસ્‍મિ લોકે વેદે ચ પ્રથિત: પુરુષોત્તમ: ||”

“વિષ્‍ટભ્‍યાહમિદં કૃસ્‍ત્‍નમેકાંશેન સ્‍થ્‍િાતો જગત્ |”

“મત્ત: પરતરં નાન્‍યત્કિંચિદસ્‍ત્‍િા ધનંજય! | મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઈવ ||”

“પશ્‍ય મે પાર્થ ! રુપાણિ શતશોડથ સહસ્ત્રશ: | નાનાવિધાનિ દિવ્‍યાનિ નાનાવર્ણાકૃતાનિ ચ ||”

ઇત્‍યાદિ વચને કરીને પોતે પોતાને ઇન્‍દ્રિયો અંત:કરણથકી અગોચર કહે છે. માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્‍દ્રિયો, અંત:કરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્‍યક્ષ ભગવાનને જાણે ત્‍યારે પૂરો જ્ઞાની કહેવાય. અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્‍યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્‍મ મૃત્‍યુને પણ ન તરે અને ૮કોઇક સાધને કરીને બ્રહ્મસ્‍વરૂપને પામ્‍યો હોય તે પણ જો પ્રત્‍યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે-   “નૈષ્કર્મમપયચ્‍યુતભાવવર્જીતં ન શોભતે જ્ઞાનમલં નિરંજનમ્ |”

તથા ગીતામાં કહ્યું છે જે-

“કર્મણો હ્યપિ બોદ્ધવ્‍યં બોદ્ધવ્‍યં ચ વિકર્મણ:  અકર્મણશ્વ બોદ્ધવ્‍યં ગહના કર્મણો ગતિ: ”

અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું, તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરૂષોત્તમ તે જાણવા રહ્યા છે. અને જે બ્રહ્મરૂપ થયો તેનેજ પુરૂષોત્તમની ભકિતનો અધિકાર છે. તે ભકિત તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદનપુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્‍યક્ષ ભગવાનની ભકિત ચંદન, પુષ્પ, શ્રવણ, મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે :-

“બ્રહ્મભૂત: પ્રસન્નાત્‍મા ન શોચતિ ન કાંક્ષતિ | સમ: સર્વેષુ ભૂતેષુ મદ્ભકિંત લભતે પરામ્ ||”

માટે બ્રહ્મરૂપ થઇને જે પરબ્રહ્મની ભકિત ન કરે તો તે પણ આત્‍યંતિક કલ્‍યાણને ન પામ્‍યો કહેવાય. અને

“ભૂમિરાપોડનલો વાયુ: ખં મનો બુદ્ધિરેવ ચ | અહંકાર ઈતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્‍ટધા ||”

એ વ્‍યાપય એવી જડ પ્રકૃતિ છે અને

“અપરેયમિતસ્‍ત્‍વન્‍યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ | જીવભૂતાં મહાબાહો ! યયેદં ધાર્યતે જગત્ ||”

એ વ્‍યાપય એવી ચેતન પ્રકૃતિ છે. અને જે પ્રત્‍યક્ષ ભગવાન છે તે કેવા છે તો એ અષ્‍ટ પ્રકારની જે વ્‍યાપય પ્રકૃતિ અને તેને વિષે વ્‍યાપક એવી જે ચૈતન્‍ય પ્રકૃતિ તે બેયના આધાર છે, જેમ આકાશ છે તે પૃથ્‍વ્‍યાદિક ચાર તત્‍વનો આધાર છે. અને પૃથ્‍વીની જ્યારે સંકોચ અવસ્‍થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે, ને પૃથ્‍વીની વિકાસ અવસ્‍થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્‍થા છેતથા જળ, તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્‍થા ભેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્‍થા છે. અને પૃથ્‍વ્‍યાદિ તત્‍વની સંકોચ વિકાસ અવસ્‍થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્‍થા ભેળી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્‍થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્‍થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્‍મા છે, ત્‍યાં શ્રુતિયો છે- ‘અન્‍ત:પ્રવિષ્‍ટ: શાસ્‍તા જનાનાં સર્વાત્‍મા |’ ‘યસ્‍યાક્ષરં શરીરં… એષ સર્વભૂતાન્‍તરાત્‍માડપહતપાપમા દિવ્‍યો દેવ એકો નારાયણ: |’ ‘યસ્‍યાત્‍મા શરીરં ય આત્‍માનમન્‍તરો યમયતિ સ ત આત્‍માન્‍તર્યામ્‍યમૃત: |’ ‘યસ્‍ય પૃથિવી શરીરં ય: પૃથિવીમન્‍તરો યમયતિ સ ત આત્‍માન્‍તર્યામ્‍યમૃત: |’ ઇત્‍યાદિક શ્રુતિઓ છે, તથા અન્નમય બ્રહ્મ કહ્યો છે, મનોમય બ્રહ્મ કહ્યો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યો છે. આનંદમય બ્રહ્મ કહ્યો છે. ઇત્‍યાદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે. તેનું શું તાત્‍પર્ય છે જે, ભગવાન સર્વના કારણ છે, ને સર્વના આધાર છે. માટે એ સર્વને બ્રહ્મ કહ્યા છે, પણ એ સર્વે શરીર છે, અને એ સર્વેના શરીરી તે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્‍યક્ષ પુરૂષોત્તમ છે. તે ભગવાનને વિષે એ જડ ચેતનરૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ વિકાસ અવસ્‍થાએ કરીને પોતાના કાર્ય સહિત સુખે કરીને રહીછે, અને એ સર્વેને વિષે ભગવાન જે તે અંતર્યામીરૂપે કારણપણે કરીને રહ્યા છે, અને તેજ ભગવાન આ પ્રત્‍યક્ષ પ્રમાણ છે. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ.”

ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પુછયું જે, ”એવી રીતે દેખાતું તો ન હોય ને અંત:કરણમાં તો એવી રીતની દૃઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહિ ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”જેમ અંધારૂં ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે, તો પણ યથાર્થ દેખ્‍યા ન કહેવાય, તેમ પુરૂષોત્તમ ભગવાનને વિષે જડ ચિત્ પ્રકૃતિ રહીછે, ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે, તેને અનુમાને કરીને જાણે છે પણ જો દેખ્‍યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. ૯અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઇક એને અલૌકિકપણું જણાયું જોઇએ, નહિ તો જણાશે. અને નિ:સંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ એ સમજે જે, ‘એ ભગવાનને વિષે તો સર્વ છે પણ મને દેખાડતા નથી, એવીજ એની ઇચ્‍છા છે.’ એમ સમજીને તે ભગવાનની ભકિત કરતો થકો પોતાને કૃતાર્થ માને છે, તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્‍દ્રિયો, અંત:કરણ અને અનુભવ એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્‍ઠપણે કહ્યો છે-

“આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ! | તેષાં જ્ઞાની નિત્‍યયુકત એકભકિતર્વિશિષ્યતે ||”

એવો જે જ્ઞાની તે તો સદા સાકારમૂર્તિ એવા જે પ્રત્‍યક્ષ ભગવાન તેને પ્રકૃતિપુરૂષ, અક્ષર તેથકી પર ને સર્વના કારણ, સર્વના આધાર, જાણીને અનન્‍યપણે સેવે છે, એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. અને એ જ્ઞાને કરીને આત્‍યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતો ને કેવળ શાસ્‍ત્રે કરીને ‘અહં બ્રહ્માસ્‍મિ’ થઇ બેસે છે ને કહે છે જે, ‘રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે’ એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતિ તે તો અતિદુષ્‍ટ છે, ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે, તે કોઇ દિવસ એનો છુટકો થતો નથી.” ઇતિ વચનામૃતમ્ લોયાનું  ||૭|| ૧૧૫ ||