લોયા ૬ : સંગ શુદ્ધિનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 12:47am

લોયા ૬ : સંગ શુદ્ધિનું

સંવત્ ૧૮૭૭ના માગસર સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો માથે બાંઘ્‍યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું ને ચોફાળ ઓઢયો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ”સત્‍સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્‍યું છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો. ત્‍યારે શ્રીજીમહારાજે કર્યો જે, ”એકાંતિક પણું એમાં આવે એ અતિશે દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું ? તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્‍ય એ ત્રણે યુક્ત જે ભગવાનની ભકિત કરવી તેને એકાંતિકપણું કહીએ.

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે, જે એક રાખ્‍યે કરીને સર્વે ધર્મ રહે ? અને ભગવાન સંબંધી જે ભજન, સ્‍મરણ, કીર્તન, વાર્તા, એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે, જે આપત્‍કાળ હોય ને સર્વે જાય, ને જો એક રહે તો સર્વે રહે ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્વય રહે તો સર્વે આવે.

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કેવી મતિ એક પ્રકારની રાખ્‍યે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”ભગવાનના નિશ્વયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહિ. ભગવાનનું માહાત્‍મ્‍ય સાંભળીને તેની પુષ્‍ટિ વારંવાર કર્યા કરવી, તો રૂડું થાય ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણ્‍યે જે મતિમાં નિશ્વય કર્યો હોય જે, ‘મારે આમ કરવું છે’ તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે જે, ‘અહીં બેસવું નહિ ને આ કરવું નહિ.’ તો તે ઠેકાણે બેસવું નહિ ને તે કરવું નહિ. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહિ ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કેવી જાતનો સત્‍સંગી અથવા પરમહંસ હોય ને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેની પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”જેને ભગવાનનો નિશ્વય હોય ને ધર્મમાં પણ રહેતો હોય તો પણ જો તેને વ્‍યવહારમાં આસકિત હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે, એવો જે હોય તેનો કોઇ રીતે સંબંધ ન રાખવો અને રાખે તો ભૂંડું થાય.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્વય પણ હોય, તો પણ તેને ભેળે નાવા જવું નહિ, ને પાસે પથારી કરવી નહિ ને તેની વાત પણ ન સાંભળવી ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે, ‘શું એક જન્‍મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે ? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહિ તો અનેક જન્‍મે કરીને કલ્‍યાણ થાય, પણ આજ દેહે કરીને શું કલ્‍યાણ થાય છે ?” એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય, તેના સંગનો સર્વ પ્રકારે ત્‍યાગ કરવો. અને જે એમ કહેતો હોય જે, ”આ ને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ ને કામ, ક્રોધ, મદ, મત્‍સર, માન ઇત્‍યાદિક દોષોનો શો ભાર છે ? ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું.’ એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્‍પર થઇને મંડયો હોય તેનો સંગ સર્વ પ્રકારે કરવો.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્‍યાગ કરવો.” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”જે સંત કેવળ પોતાના પુરૂષાર્થને જ અધિક કહેતો હોય અને પુરૂષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય પણ ભગવાનનું બળ ન રાખે અને એમ ન સમજે જે, ‘આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે’ તો તેનો પણ ત્‍યાગ કરવો.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”વર્તમાન પણ સુધાં સારાં પાળતો હોય, ને નિશ્વય સુધો હોય, ને તે પાસે આપણ રહેતા હોઇએ, ને આપણને ટોકે નહિ ને પંપોળીને રાખે, ને જાપરો રાખે તો તે મુકતાનંદસ્વામી જેવો લોકવ્‍યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો. અને જે સંત પોતાને ટોકયા કરે ને જે સ્‍વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્‍યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહિ ને તે લોકવ્‍યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો.”

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભકિત-જ્ઞાનાદિક હોય, પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ ન કરીએ ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”જેને આળસ બહુ હોય ને નિદ્રા બહુ હોય ને સ્‍નાન ઘ્‍યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઇક કહે તો કહે, ‘હમણાં કરીશું, શી ઉતાવળ છે ? ધીરે ધીરે થશે,’ એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”સુધી સારી વાત કરતો હોય, પણ તેની વાત ન સાંભળીએ, એવો એની વાણીમાં શો દોષ જાણવો ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”વાત કરવામાં પોતાને વિષે જે ભકિત, જ્ઞાન, વૈરાગ્‍ય, ધર્મ તેનીજ અહંકારે કરીને પોતે સરસાઇ દેખાડે ને બીજા સંતમાં જે જ્ઞાન, ભકિત આદિ ગુણ તેની કાંઇક ન્‍યૂનતા દેખાડે, એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”જેની વાણીમાંતો કુત્‍સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ, એવી તે કઇ વાણી છે ?” પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો જે, ”જે સંત વાત કરે ત્‍યારે પોતે પોતાનાં સંબંધી મા-બાપ, બેન, ભાઇ તથા પોતાની જાતિ તેની કુત્‍સિત શબ્‍દે કરીને તેની નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી, શા સારૂં જે તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે જે, ‘આ સંતને તો કોઇ રીતે પોતાના દેહસંબંધી આદિકમાં હેત નથી. માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન ન રાખવું ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ભગવાનનો દૃઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તો પણ તે આગળ માન ન રાખવું, અને જેને સત્‍સંગ થકી કાંઇક પાછો પગ પડી ગયો હોય, તેને આગળ તો માન રાખવું. પણ તેથી દબાઇ જવું નહિ ને પ્રશ્ર્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કયે ઠેકાણે હેત રાખવું અને કયે ઠેકાણે ન રાખવું ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઇએ જે, ‘બુરાનપુર તથા કાશીએ કોણ જશે ? ત્‍યારે કોઇ બોલે નહિ ત્‍યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું જે, ‘કહો તો હે મહારાજ ! હું જાઉ” એમ કહીને અમારી આજ્ઞા લઇને ત્‍યાં જવું. એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારાં દર્શનાદિકનું હેત પણ ન રાખવું. અને અમે તથા સંત તે જેને કચવાણા હોઇએ ને વઢીને તિરસ્‍કાર કરીને બહાર કાઢી મુકયો હોય, ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઇ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્‍યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે અને એમ કહે જે, ‘હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્‍યાણના કરતલ છે.’એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણાવે.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહિ અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું એવું તે શું છે ?” પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”અમે કોઇક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિષે ચિરકારી થવું, કહેતાં તેમાં ઘણીક વાર લગાડવી પણ તુરત માનવું નહિ. જેમ શ્રીકૃષ્ણ ભગવાને અજર્ુનને કહ્યું જે, ‘અશ્વત્‍થામાનું માથું કાપી નાખો.’ પછી તે વચન અજર્ુને ન માન્‍યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઇએ તો પણ ન માનવું, તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે, તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું, અને એ બે વચન ન માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા પણ, તેમાં રાજી ન કરવા.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનનું ઘ્‍યાન કરતે થકે મનને વિષે અનેક પ્રકારના ભૂંડા ઘાટના તરંગ ઉઠવા માંડે, જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે, ત્‍યારે તે ઘાટને કેમ ટાળવા ?” પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્‍યારે ઘ્‍યાનને પડતું મુકીને જીભે કરીને ઉચ્‍ચસ્‍વરે નિર્લજ્જ થઇને તાળી વજાડીને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ ભજન કરવું. અને હે દીનબંધુ ! હે દયાસિંધો ! એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી. તથા ભગવાનના સંત જે મુકતાનંદ સ્વામી જેવા મોટા હોય તેનાં નામ લઇને તેની પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાંત થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્‍યાનો ઉપાય નથી.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”આ સત્‍સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય, ને તે ગુણનાં સર્વે વખાણ કરતા હોય તો પણ તે ત્‍યાગ કરવા યોગ્‍ય હોય એવો કયો ગુણ છે ? અને દોષ હોય ને તે ગ્રહણ કરવા યોગ્‍ય હોય એવો કયો દોષ છે ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”મુકતાનંદ સ્વામી જેવા હોય તે સર્વેથી સરસ વર્તમાન પાળતા હોય, ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે એમની બરોબર વર્તાય નહિ. તે સારૂં એ ગુણ યદ્યપિ મોટો છે તો પણ તેનો ત્‍યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું. અને બરોબર વર્તવારૂપ દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”આ સંતમાં એવો કયો એક દોષ છે જે, જેનો ત્‍યાગ કરે ત્‍યારે સર્વે દોષ માત્રનો ત્‍યાગ થઇ જાય અને એવો કયો એક ગુણ છે જે, એક આવ્‍યે સર્વે ગુણ આવે ?” ત્‍યારે એનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્‍યાગ કરે તો સર્વે દોષનો ત્‍યાગ થઇ જાય છે. અને હું તો દેહથી નોખો જે આત્‍મા તે છું’ એવો જે આત્‍મનિષ્‍ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે.’

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કેવા પંચવિષયને સેવવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને કેવા પંચ વિષયને સેવવે કરીને બુદ્ધિમાં અંધકાર થઇ જાય છે ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”ભગવાન સંબંધી જે પંચવિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને જગત સંબંધી પંચવિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઇ જાયછે.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કેવો દેશ, કેવો કાળ, કેવો સંગ, કેવી ક્રિયા, જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો ?” ત્‍યારે એનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”જે દેશમાં રહ્યે થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠયાનો યોગ થતો હોય, તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું. અને અમારાં દર્શન થતાં હોય, ને તે ભેળે સ્‍ત્રીઓનાં દર્શન થતાં હોય, એવો સંગ તથા ક્રિયા હોય ત્‍યાં અમે બેસારીએ અને કહીએ જે, ‘અમારાં દર્શન કરો.’ તો પણ તે ઠેકાણે બેસવું નહિ ને કોઇક મિષ લઇને ઉઠી જવું. અને જે કાળમાં વિષમપણું વર્તતું હોય ને મારકુટ થતી હોય ને જો ભગવાનની આજ્ઞા હોય, તો પણ ત્‍યાંથી ચાલી નીકળવું પણ તેજ ઠેકાણે રહીને માર ન ખાવો.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”કયાં શાસ્‍ત્રોને સાંભળવાં ને ભણવાં અને કયાં શાસ્‍ત્રોને ન સાંભળવાં ને ન ભણવાં ? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય, તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, અને જે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિમાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઇ દિવસ ભણવા નહિ ને સાંભળવા પણ નહિ. અને જો રણછોડ ભક્તના જેવાં કીર્તનજ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવાં ને સાંભળવાં તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા.” ઇતિ વચનામૃતમ્ લોયાનું  ||૬|| ૧૧૪ ||