કારીયાણી ૯ : પાડાખારનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:17am

કારીયાણી ૯ : પાડાખારનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ૫ પાંચમને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે નિત્‍યાનંદ સ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામી પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ”જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મુકે જ નહિ, પાડાની પેઠે રીસ રાખ્‍યાજ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ ?” પછી એ બે બોલ્‍યા જે, ”જે એવો હોય તેને તો સાધુ ન કહેવાય.”

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઇક ભગવદીનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્‍યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેના હૈયામાં ભગવાનની ભકિત હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાયજ નહિ. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્‍યો જે, આ ગોપીઓનાં ચરણરજનાં અધિકારી એવાં જે, વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્‍છ તેને વિષે હું પણ કોઇક થઉ.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટાં ભાગ્‍યવાળાં કહ્યાં છે, અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણભગવાન પાસે એમ વર માગ્‍યો છે જે, ‘હે પ્રભો ! આ જન્‍મને વિષે અથવા પશુ પક્ષીના જન્‍મને વિષે હું જેતે તમારા દાસને વિષે રહીને તમારાં ચરણારવિંદ ને સેવું એવું મારૂં માટું ભાગ્‍ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્‍યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઇ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય. અને પોતાના ઇષ્‍ટદેવ જે પ્રત્‍યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિષે જે કાંઇક અલ્‍પ દોષ હોય તે મહિમાના સમજ-નારાની દૃષ્ટિમાં આવેજ નહિ. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્‍યાં એવાં જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવતુલ્‍ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભકિત કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્‍મરણ કરતા હોય ને તેને દેવતુલ્‍ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું ? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે માહાત્‍મ્‍ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરૂં માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્‍મ્‍ય ન જાણતો હોય ને તે સત્‍સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો, અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પુરો સત્‍સંગી જાણવો.” ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું  ||૯|| ||૧૦૫||