કારીયાણી ૮ : સગુણ-નિર્ગુણ સ્વરૂપનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:16am

કારીયાણી ૮ : સગુણ-નિર્ગુણ સ્વરૂપનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક સુદિ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીકારિયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિષે ભગવાનનું સગુણ સ્‍વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્‍વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે પુરૂષોત્તમ તેનું નિર્ગુણ સ્‍વરૂપ કેવી રીતે સમજવું, અને સગુણ સ્‍વરૂપ કેવી રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્‍વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે, અને તે ભગવાનનું સગુણસ્‍વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ભગવાનનું નિર્ગુણ સ્‍વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્‍વી આદિક જે સર્વે તત્ત્વ તેનું આત્‍મા છે, અને તે થકી પર જે પ્રધાનપુરૂષ તેનું આત્‍મા છે, અને તે પ્રધાનપુરૂષ થકી પર જે શુદ્ધ પુરૂષ ને પ્રકૃતિ તેનું આત્‍મા છે, અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્‍મા છે, અને એ સર્વે ભગવાનનું શરીર છે, અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને ધણો પ્રકાશમાન છે તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશે નિલર્પ છે અને અતિ પ્રકાશે યુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્‍વી આદિક ચાર ભૂતમાં વ્‍યાપક છે, ને પૃથ્‍વી આદિક ચાર ભૂત થકી અસંગી છે, અને એ ચાર ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી, આકાશ તો અતિશે નિલર્પ થકો એ ચાર ભૂતને વિષે રહ્યો છે, તેમ પુરૂષોત્તમ ભગવાન સર્વના આત્‍મારૂપે કરીને સર્વને વિષે રહ્યા છે તો પણ અતિશય નિર્વિકાર છે ને અસંગી છે ને પોતેપોતાને સ્‍વભાવે યુક્ત છે, અને તે સરખો થવાને કોઇ સમર્થ નથી થતો. જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે પણ ચાર ભૂત આકાશ જેવા નિલર્પ તથા અસંગી થવાને સમર્થ નથી થતાં, તેમજ પુરૂષોત્તમ ભગવાન સર્વના આત્‍મા છે તો પણ અક્ષર પર્યંત કોઇ પણ પુરૂષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશે સૂક્ષ્મપણું અને અતિશે નિલર્પપણું અને અતિશે શુદ્ધપણું અને અતિ અસંગીપણું અને અતિશે પ્રકાશે યુક્તપણું અને અતિશે ઐશ્વર્યેયુક્તપણું તે એ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર છે તેને લોકાલોક પર્વતની પાસે મુકીએ ત્‍યારે તે અતિશે નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કાંઇ નાનો થયો નથી, એતો લોકાલોકની અતિશે મોટાઇ આગળ નાનો જણાય છે, તેમ પુરૂષોત્તમ ભગવાનની મોટાઇ આગળ અષ્‍ટ આવરણે યુક્ત જે અનંતકોટિ બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે પણ તે બ્રહ્માંડ કાંઇ નાનાં થઇ ગયાં નથી, એ તો ભગવાનની મોટપ આગળ નાનાં જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિષે જે અતિશે મોટાઇ તે ભગવાનનું સગુણપણું છે.

ત્‍યારે કોઇકને એમ આશંકા થાય જે, ‘ભગવાન નિર્ગુણરૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે અને સગુણરૂપે તો અતિ સ્‍થૂલ કરતાં પણ સ્‍થૂલ છે, ત્‍યારે એ બેય રૂપનું ધરનારૂં જે ભગવાનનું મૂળ સ્‍વરૂપ તે કેવું છે ? તો એનો ઉત્તર એ છે જે, પ્રકટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે. એજ ભગવાનનું સદાય મૂળસ્‍વરૂપ છે, અને નિર્ગુણપણું અને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઇક અલૌકિક ઐશ્વર્ય છે, જેમ શ્રીકૃષ્ણભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારૂં અર્જુન સહિત રથે બેસીને ચાલ્‍યા તે લોકાલોક પર્વતને ઉલ્લંધીને માયાનું તમ આવ્‍યું તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા જે ભૂમાપુરૂષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઇ આવ્‍યા, ત્‍યારે તે રથ ને ધોડા તે માયિક હતા ને સ્‍થૂલભાવે યુક્ત હતા, પણ તે શ્રીકૃષ્ણ ભગવાનને યોગે કરીને અતિ સૂક્ષ્મ ને ચૈતન્‍યરૂપે થઇને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્‍યા; એવી રીતે જે સ્‍થૂલ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રીકૃષ્ણભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે અને એજ શ્રીકૃષ્ણ ભગવાન તેણે પોતાની માતા જે યશોદાજી તેને પોતાના મુખને વિષે અષ્‍ટાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડયું. અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિષે વિશ્વરૂપ દેખાડયું, અને અર્જુન વિના જે બીજા હતા તે તો સાડાત્રણ હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જ્યારે ભગવાને વામન અવતાર ધર્યો ત્‍યારે પ્રથમ તો વામનરૂપે દર્શન આપયું અને ત્રણ પગલાં ધરતી બળી પાસે શ્રીકૃષ્ણાર્પણ કરાવ્‍યા પછી એવું પોતાના સ્‍વરૂપને વધાર્યું જે સાત પાતાળનું તો એક પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધેય માઇ રહ્યું અને બીજું પગલું ઉચું મેલ્‍યું તેણે સાત સ્‍વર્ગને વેંધીને અંડકટાહ ફોડયું, એવું જે ભગવાનનું મોટું સ્‍વરૂપ થયું તેને બળી રાજાએ દીઠું, અને બળી વિના જે બીજા હતા તેણે તો જેવું વામન સ્‍વરૂપ ભગવાને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠું. એવી રીતે જે ભગવાનને વિષે જે અતિશે મોટાઇ થકી જે મોટાઇ દેખાય એ ભગવાનની મૂર્તિને વિષે સગુણપણું જાણવું. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાળે વાદળાંએ રહિત હોય, અને જ્યારે વર્ષાઋતુ આવે ત્‍યારે અસંખ્‍ય વાદળાંની ધટાએ કરીને ભરાઇ જાય છે, તે કાળે કરીને આકાશમાં વાદળાં ઉપજે છે ને પાછાં લીન થઇ જાય છે, તેમ ભગવાન પોતાની ઇચ્‍છાએ કરીને પોતામાંથી નિર્ગુણ અને સગુણરૂપ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરીને પાછું પોતાને વિષે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો પાર કોઇ પામતો નથી.’ અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ થતાં નથી અને તેને આઠે પહોર અંતરમાં આશ્વર્ય રહ્યા કરે છે.” ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું  ||૮|| ||૧૦૪||