સારંગપુર ૧૬ : નરનારાયણના તપનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:02am

સારંગપુર ૧૬ : નરનારાયણના તપનું

સંવત્ ૧૮૭૭ ના ભાદરવા સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી પરમાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ” શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રી નરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્‍યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.’ ત્‍યારે સર્વે મનુષ્ય કલ્‍યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતાં ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો તે શ્રીમદ્ભાગવતના પંચમ સ્‍કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે પણ અભક્તને અર્થે નથી કરતા.’ કેવી રીતે તો આ ભરતખંડને વિષે અતિશે દુર્લભ એવું જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભકિત કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્‍વિના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિષે નિરંતર અધિક પણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ઉપશમ, ઐશ્વર્ય આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્‍યાં સુધી બદરીકાશ્રમને વિષે રહ્યા છે અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશે અલ્‍પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશે વૃદ્ધિને પામે છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઇચ્‍છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે, એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્‍ન કલ્‍યાણ થાય છે પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્‍યાણ થતું નથી, એવી રીતે એ પ્રશ્ર્નનો ઉત્તર છે.” ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૧૬|| ||૯૪||