ગઢડા પ્રથમ – ૭૬ : ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટીને માનીનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:05pm

ગઢડા પ્રથમ – ૭૬ : ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટીને માનીનું

સંવત્ ૧૮૭૬ના  પ્રથમ જ્યેષ્‍ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા.

તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી જે, ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારનાં જે મનુષ્ય તે હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહિ અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આસરે રહે છે, અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે ‘એ સત્‍સંગી છે’ અને કામી તો સત્‍સંગમાં હોય તોય વિમુખ જેવો છે અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, તોપણ કોઈ રીતે દેહ પયર્ંત મુઝાય નહિ, એવો હોય તે પાકો સત્‍સંગી છે, અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે, અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઈએ તોય પણ હેત થાય નહિ. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભકિત હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૬||