ગઢડા પ્રથમ – ૧૯. આત્‍મનિષ્‍ઠા આદિક ગુણની અપેક્ષાનું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 12:55pm

ગઢડા પ્રથમ – ૧૯. આત્‍મનિષ્‍ઠા આદિક ગુણની અપેક્ષાનું

સંવત્ ૧૮૭૬ ના પોષ સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ સંઘ્‍યા સમે શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “આ સત્‍સંગને વિષે પોતાના આત્‍યંતિક કલ્‍યાણને ઇચ્‍છતો એવો જે ભકતજન તેને એકલી આત્‍મનિષ્‍ઠાએ કરીને જ પોતાનું આત્‍યંતિક કલ્‍યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભકિત કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્‍ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્‍વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્‍મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્‍મનિષ્‍ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઇ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્‍ય એવું મોટું ઐશ્વર્ય જે “માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય” તેને એ ભકત નથી પામતો અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્‍મનિષ્‍ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી, અને શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્‍મનિષ્‍ઠા એ બેય હોય પણ જો દઢ વૈરાગ્‍ય ન હોય તો માયિક પંચ વિષયને વિષે આસકિતએ કરીને તે પ્રીતિ અને આત્‍મનિષ્‍ઠા તેની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ્‍ય તો હોય પણ જો પ્રીતિ અને આત્‍મનિષ્‍ઠા ન હોય તો શ્રીહરિના સ્‍વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્‍તિ થતી નથી અને સ્‍વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્‍મનિષ્‍ઠા અને વૈરાગ્‍ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક, ભુવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્‍વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી, કેતાં બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્‍તિ થતી નથી, અને આત્‍મનિષ્‍ઠા, પ્રીતિ અને વૈરાગ્‍ય એ ત્રણ હોય તો પણ જો સ્‍વધર્મ ન હોય તો એ ત્રણની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્‍મનિષ્‍ઠા આદિક જે ચાર ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે, તે માટે ભગવાનના એકાંતિક ભકતનો સમાગમ કરીને જે ભકતને એ ચારે ગુણ અતિશય દઢપણે વર્તે છે તે ભકતને સર્વે સાધન સંપૂર્ણ થયાં અને એને જ એકાંતિક ભકત જાણવો; તે માટે જે ભકતને ચારે ગુણમાંથી જે ગુણની ન્‍યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભકતની સેવા સમાગમે કરીને તે ન્‍યૂનતાને ટાળવી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૧૯||

તા-૧૮/૧૨/૧૮૧૯ શનિવાર