ગઢડા પ્રથમ – ૧૫. ઘ્‍યાન કરવામાં કાયર ન થવાનું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 12:49pm

ગઢડા પ્રથમ – ૧૫. ઘ્‍યાન કરવામાં કાયર ન થવાનું

સંવત્ ૧૮૭૬ ના માગશર વદી ૩ ત્રીજને  દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે “જેના હઇયામાં ભગવાનની ભકિત હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જેજે વચન કહેશે તેમજ મારે કરવું છે,” એમ તેના હઇયામાં હિંમત રહે અને “આટલું વચન મારાથી મનાશે અને આટલું નહિ મનાય” એવું વચન તો ભૂલ્‍યે પણ ન કહે, અને વળી ભગવાનની મૂર્તિને હઇયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્‍ય નવી શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટસંકલ્‍પ થાય અને તે હઠાવ્‍યા હઠે નહિ તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્‍પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્‍વરૂપને હઇયામાં ધારતો રહે, તે ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ થાય અથવા પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઇને ભગવાનના સ્‍વરૂપને ધારવું તે મુકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, “અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ” તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય, તેને એકાંતિક ભકત કહીએ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૧૫||