તરંગ - ૨૪ - શ્રીહરિએ મીનસાગરમાં મચ્છ સજીવન કર્યાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:52am

 

પૂર્વછાયો- ધન્ય છુપૈયાપુરને, જ્યાં પ્રગટયા શ્રીકીરતાર । ધન્ય માનુષ જન્મ પામ્યા, છુપૈયાપુર મોઝાર ।।૧।।

મોક્ષવતીપુરી સાત છે, અયોધ્યા આદિ જેહ । તેથી કોટી ઘણો મહીમા, છુપૈયાપુરનો તેહ ।।૨।।

પૂર્વના પુન્ય હોયે ઘણાં, તો મળે છુપૈયાધામ । જન્મ મરણનાં દુઃખ તે તો, ટળી જાય તમામ ।।૩।।

ચોપાઇ- છુપૈયાનો મહિમા અપાર, કેતાં શેષ પામી જાય હાર । તો હું એક મુખે શું વખાણું, પૂર્ણ મહિમા તે શું હું જાણું ।।૪।।

આતો મારી મતિ અનુસાર, કરું ઇષ્ટના ગુણ વિસ્તાર । ભુલ ચુક તે સુધારી લેજ્યો, સંત આદિ તે આશિષ દેજ્યો ।।૫।।

એક સમયમાં બેઉ ભાઇ, બેઠા ચોતરા ઉપર જાઇ । મોટાભાઇને કહે ઘનશ્યામ, સુણો વડીલ બંધુ અકામ ।।૬।।

અમારે તો થાવું બ્રહ્મચારી, મારા મનમાં જોયું વિચારી । સનકાદિક જેવાને સંગે, રહેવું રાત દિવસ ઉમંગે ।।૭।।

સત્સંગ કરવો નિશદિન, પ્રભુથી ચિત્ત થાય ન ભિન્ન । જુવો ચરિત્ર કરે જીવન, બીજા કોણ હશે ભગવન ।।૮।।

બોલ્યા રામપ્રતાપ પ્રવીણ, બ્રહ્મચારીના ધર્મ કઠીન । તમે છો હજી બાલુડે વેશ, એ તો કામ છે ભારે સુરેશ ।।૯।।

બોલ્યા શ્રીઘનશ્યામ મુખેથી, પાળે તેને કઠણજ નથી । એવી વાત કરીને વિચારે, એમ કરતાં નિશા થઇ ત્યારે ।।૧૦।।

માતાએ કરી આપ્યાં આસન, બેઉ બંધુએ કર્યાં શયન । પોતે રૂચિ કરી મનમાંયે, આવ્યા સનકાદિક તો ત્યાંયે ।।૧૧।।

પંચ વર્ષના બાળ સ્વરૂપ, પધાર્યા હરિ પાસે અનુપ । સામવેદનું કર્યું ગાયન, જગાડયા નિદ્રાથી ભગવન ।।૧૨।।

કરી વંદના બોલ્યા વચન, પ્રેમે સહિત પુલ્કિત મન । અક્ષરના અધિપતિ વિભુ, પુરૂષોત્તમજી મહાપ્રભુ ।।૧૩।।

અમે આજ કૃતારથ થયા, દોષ ભીતરના ટળી ગયા । કહે શ્રીહરિ હે બાળાયોગી, તમે નિર્દોષ ભક્તિના ભોગી ।।૧૪।।

યોગી કહે સુણો ભગવંત, અવતાર તો થયા અનંત । પણ આપે જે આ તનુધારી, છો અવતારના અવતારી ।।૧૫।।

આ બ્રહ્માંડના અર્ધા આયુષ, થયા પ્રગટ પૂર્ણ પુરૂષ । નિજ ભક્તને લાડ લડાવા, વળી કાળ કર્મથી છોડાવા ।।૧૬।।

થયા ભક્તિધર્મ કેરા તન, છુપૈયાપુરમાંહી પાવન । તમારા થયા જે અવતાર, તેની ભક્તિ કરી અમે સાર ।।૧૭।।

હવે આપ થયા અવતારી, તમનેજ ભજીશું મોરારી । એમ કહી કરે છે પૂજન, સામ વેદોક્ત કરે સ્તવન ।।૧૮।।

તે સમે થયો અતિ પ્રકાશ, આવ્યો ચોક સુધીમાં ઉજાસ । તારે જોખન ઝબકી જાગ્યા, ધર્મ સહિત તે જોવા લાગ્યા ।।૧૯।।

કહે અનંત શાનો પ્રકાશ, કોણ પૂજા કરે ભાઇ પાસ । ધર્મ કહે સુણોને કુમાર, આવ્યા છે સનકાદિક ચાર ।।૨૦।।

ધર્મને પુછે છે અહિપાલ, કેમ વસ્ત્રરહિત છે બાળ । વૃષ કે એતો મુળથી એવા, નૈષ્ઠિકવ્રતધારી છે તેવા ।।૨૧।।

આજ પ્રત્યક્ષ મળ્યા શ્રીહરિ, સત્સંગમાં આવશે ફરી । તારે થાશે અવસ્થા કીશોર, રેશે અક્ષરમાં તેહ વોર ।।૨૨।।

પછે ભાઇએ કર્યો નમસ્કાર, સમજી ગયા સર્વે તે સાર । તેણે પૂજાની સમાપ્તી કરી, બોલે છે શ્રીહરિ પ્રત્યે ફરી ।।૨૩।।

આજ્ઞા શું આપો છોજી અમને, પ્રભુ કે સુણો કહું તમને । અમે સત્સંગમાં જૈયે જ્યારે, તમે આવજ્યો ત્યાં ભાઇ ચ્યારે ।।૨૪।।

તમને દીક્ષા આપીશું ત્યાંયે, રાખીશું અક્ષરમુક્તમાંયે । વાત પ્રગટ કેરી કરજો, મમ આજ્ઞાને અનુસરજો ।।૨૫।।

એવું સુણી કર્યો નમસ્કાર, ગયા નિજસ્થાનક મોઝાર । પામ્યા છે આશ્ચર્ય મોટાભાઇ, વખાણે છે વાલાની વડાઇ ।।૨૬।।

સનકાદિકે પૂજા કરી જ્યાંયે, એક ઓટો કરેલો છે ત્યાંયે । ભાવે કરશે તેનાં દર્શન, તે પર હરિ થાશે પ્રસન્ન ।।૨૭।।

હવે સુણો સહુ થઇ મગ્ન, અહિપતિનું લીધું છે લગ્ન । મોટાભાઇના શ્વસુર જેહ, બળદેવપ્રસાદજી તેહ ।।૨૮।।

તરગામથી લગ્ન મોકલ્યું, શુભ મુહૂર્ત જોઇને ભલું । હર્ખેથી લગ્ન વધાવી લીધું, વેદ વિધિ વડે કામ કીધું ।।૨૯।।

પીઠી ચોળી પોશાગ પેરાવ્યા, અલંકાર અનેક ધરાવ્યા । ફુલેકું ફેરવ્યું પુરમાંહે, જાન તૈયાર કરી છે ત્યાંયે ।।૩૦।।

ઘનશ્યામને તૈયાર કીધા, વસ્ત્ર ઘરેણાં તે પેરી લીધાં । હાથી ઘોડા સુખપાળ સાર, મેના આદિ લીધાં છે અપાર ।।૩૧।।

સગાં સ્નેહી કુટુંબ સમગ્ર, ચાલ્યાં જાને જાવા થઇ અગ્ર । જાણે મેઘપતિ ચડી આવ્યો, એવો જાનનો ઠાઠ મચાવ્યો ।।૩૨।।

બેઠા હસ્તિ ઉપર ઘનશ્યામ, વેણી માધવ પ્રયાગ તે કામ । જોઇ જાનની શોભા સુંદર, જોઇ લોભ્યાં સહુ નારી નર ।।૩૩।।

એમ મારગમાં ચાલ્યા જાય, તેની શોભાનો પાર ન થાય । આવે મારગમાં ગામ જેહ, જુવે જાનતણી શોભા જેહ ।।૩૪।।

ઘનશ્યામનું જુવેછે રૂપ, કોટી બ્રહ્માંડના જે છે ભૂપ । કોઇ દેખે ચતુર્ભુજધારી, કોઇ વિષ્ણુરૂપે અવિકારી ।।૩૫।।

એમ દર્શન દેતા ત્યાં જાયે, આવ્યા તરગામ હદમાંયે । જાણી બળદેવજીએ જાન, આવ્યા સામૈયું લઇ ભાગ્યવાન ।।૩૬।।

યોગ્યરીતે કર્યો સત્કાર, જોઇ શોભાને હરખ્યા અપાર । સર્વેને ગામમાં લઇ ગયા, ઉતારો આપીને રાજી થયા ।।૩૭।।

ખાનપાન આપ્યાં રુડીરીતે, રમાડયા જમાડયા બહુ પ્રીતે । વર કન્યાને પરણાવી દીધાં, શુભકામ સહુ કરી લીધાં ।।૩૮।।

ત્રણ્ય દિવસ રાખી છે જાન, સંબંધીનું કર્યું સન્માન । આપ્યાં પોશાગને પહેરામણી, કરી સંભાવના ઘણી ઘણી ।।૩૯।।

રજા માગીને ત્યાંથી સધાવ્યા, જાન લઇ છુપૈયામાં આવ્યા । મોટા મોટા મહોત્સવ થાય, નિત્ય આનંદમાં દિન જાય ।।૪૦।।

છુપૈયાપુર સુંદર સ્થાન, તેમાં લીલા કરે ભગવાન । એક સમય શ્રીઘનશ્યામ, વેણીપ્રયાગ માધવરામ ।।૪૧।।

એ આદિ સર્વે તૈયાર થયા, મીન સાગર ઉપર ગયા । શ્રીહરિને કરવું છે સ્નાન, વસ્ત્ર ઉતાર્યાં સુંદર સ્થાન ।।૪૨।।

તેવે ટાણે ત્યાં ઢીમર વર્ણ, આવી કરે છે દુષ્ટ આચર્ણ, ૧પ્રથુરોમા મારી કર્યો પુંજ । કંપારો થયો હરિને જુજ ।।૪૩।।

દયા સાગર ધર્મકુમાર, કરી રોમાવળી ઉર્ધ્વાકાર । કર્યો સંકલ્પ મનમાં એવો, મરેલાં માછલાં સહુ જીવો ।।૪૪।।

મનમાં એવું ધારતાં પેલાં, જીવતાં થયાં મચ્છ મરેલાં । ઉછળીને પડયાં તે જળમાં, પ્રભુએ જીવાડયાં એ પળમાં ।।૪૫।।

એવું દેખીને ઢીમર પાપી, તેઓને મતિ વિપ્રીત વ્યાપી । જળમાંથી તે નીકળ્યા બાર, મારવાને કરીને વિચાર ।।૪૬।।

ધાર્યું મહારાજે શિક્ષા કરું, દુષ્ટનું અભિમાનજ હરું । યમરાજા તણે રૂપે થયા, ઓલ્યા ઢીમર તો જોઇ રહ્યા ।।૪૭।।

ભયાનક મહાવિકરાળ, આવી ઉભો જાણે સામે કાળ । ડાઢયો મોટી અષ્ટાદશ ભુજા, સર્વે ઢીમર દેખીને ધ્રુજ્યા ।।૪૮।।

પ્રભુજીએ માયા વળગાળી, દુષ્ટને યમપુરી દેખાડી । યમનાદૂત મારે છે માર, ત્યાંના કષ્ટતણો નહીં પાર ।।૪૯।।

એવી દેખાડી મોહને માયા, તેથી પાપીઓની ધ્રુજી કાયા । હરિ ઇચ્છા મહાબળવાન, પાછા આવ્યા છે પાપી અજ્ઞાન ।।૫૦।।

હતા વાલિડો પ્રથમ જેવા, દેખ્યા ઢીમરે આવીને તેવા । યમપુરીનું જોયું જે દુઃખ, રહે હૃદયમાં તે સન્મુખ ।।૫૧।।

નથી વિસરતું તે વિસાર્યું, વણસંભાર્યે રે છે સંભાર્યું । અપરાધ તણી માફી માગી, દુષ્ટબુદ્ધિઓ સર્વેએ ત્યાગી ।।૫૨।।

કરે વખાણ ઢીમર લોક, છુપૈયાપુરમાંહી અશોક । સખા સહિત આવ્યા અવાસ, માતાએ જમાડયા અવિનાશ ।।૫૩।।

જમીને ચાલ્યા શ્રીઘનશ્યામ, આવ્યા બહિરી કુવે તે ઠામ । સુખનંદન વણિક બોલાવ્યો, બીજા સર્વે સખા સાથે આવ્યો ।।૫૪।।

૧બાણ કરાવી ત્યાં નટવર, સખા સંગે રમે મુદભર । પછે માતાએ પ્રેમે બોલાવ્યા, સાંજ પડી તોયે ઘેર નાવ્યા ।।૫૫।।

સખાને મોકલ્યા નિજધામ, પોતે આવ્યા પોતાનેરે ઠામ । એવી લીલા કરે છે અપાર, દયાળુ છે શ્રી ધર્મકુમાર ।।૫૬।।

ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ મીનસાગરમાં મચ્છ સજીવન કર્યાં એે નામે ચોવીસમો તરંગઃ ।। ૨૪ ।।