તરંગ - ૨૫ - શ્રીહરિએ પોતાના ઘર ઉપર વૃષ્ટિ બંધ કરાવી

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:52am

 

પૂર્વછાયો- કરે ચરિત્ર નિત્યે નવાં, વાલમ વિશ્વાધાર । પોતાને તો સ્વારથ નથી, કરવા જન ઉદ્ધાર ।।૧।।

જનને પાવન કરવા, હરવા ભૂમિનો ભાર । દયા કરી દીનબંધુએ, ધર્યો છે અવતાર ।।૨।।

અનંતકોટી અંડાધીશ, અક્ષરપર છે અનુપ । પ્રતાપ પોતે ગુપ્ત રાખી, થયા મનુષ્ય સ્વરૂપ ।।૩।।

પ્રેમવતી ધર્મદેવને, આપ્યું તુ પૂર્વે વચન । તે સત્ય કરવા હરિએ,ધર્યું છે કૃપાએ તન ।।૪।।

ચોપાઇ- વર્ષાઋતુના દિવસ આવ્યા, સર્વે જન તણે મન ભાવ્યા । ૨વજ્રી વૃષ્ટિ કરે છે અપાર, વર્ષે વારિદ અસંખ્ય ધાર ।।૫।।

હરિપ્રસાદના ઘરમાંયે, પાણી ભરાણું આવીને ત્યાંયે । અન્નવસ્ત્ર જલમાં ભીંજાણાં, ઘણું ભક્તિમાતા તે મુંઝાણાં ।।૬।।

પ્રેમવતી સુવાસિનીબાઇ, બન્ને પાણી ઉલેચે છે ત્યાંઇ । વૃષદેવ વિચારે છે મન, નથી સુધાર્યું મેં તો સદન ।।૭।।

ઘરમાં પાણી ભરાયું ઘણું, દુઃખ પ્રગટયું ૩પર્જન્ય તણું । વૃષ્ટિ બંધ રહે તોજ સારૂં, નહિ તો પડશે સદન મારૂં ।।૮।।

એવા સમયમાં ઘનશ્યામ, ઉભા ઓથ લઇ એકઠામ । દેખ્યું માતાપિતા કેરું દુઃખ, કર્યો વિચાર ત્યાં સન્મુખ ।।૯।।

કર્યો સંકલ્પ વૃષ્ટિ સંબંધ, મેઘરાજા રેજ્યો હવે બંધ । એવો વિચાર મનમાં થયો, તરત વરસાદ તો બંધ રહ્યો ।।૧૦।।

બાર મેઘ થયા મૂર્તિમાન, આવ્યા જ્યાં ઉભા છે ભગવાન । કરી પ્રારથના શિરનામી, અમને શું આજ્ઞા છે કો સ્વામી ।।૧૧।।

સૃષ્ટિમાં વૃષ્ટિ કરવી બંધ, કે બીજો કોઇ છે પ્રતિબંધ । હરિ કહે સઘળે વૃષ્ટિ કરો, પણ વેણ મારૂં ઉર ધરો ।।૧૨।।

અમારૂં ઘર ચોકને ફળી, તેમાં વૃષ્ટિ ન કરવી વળી । એવું સુણી અદૃશ્ય થયા, સ્વર્ગભુવનમાં તે તો ગયા ।।૧૩।।

બધી સૃષ્ટિમાં વરસ્યો અપાર, પણ ન આવ્યો ધર્મને દ્વાર । ચારે મહિના ચોમાસું જેહ, પાળી આજ્ઞા પ્રભુજીની એહ ।।૧૪।।

પામ્યા આશ્ચર્ય સર્વે તે મન, ઘનશ્યામને કહે ધન્ય ધન્ય । પછે સર્વે સખા લેઇ સંગ, ગયા રમવા માટે શ્રીરંગ ।।૧૫।।

રમતા થકા ત્યાંથી સધાવ્યા, નારાયણસરોવરે આવ્યા । ત્યાંથી ચાલ્યા મહામતિ ધીર, આવ્યા ખંપાસરોવર તીર ।।૧૬।।

ધીમો ધીમો વરસે છે મેહ, એમાં ક્રિડા કરે રમે એહ । પાણી રોકી રોકીને ઉડાડે, રાજી થકા રમે ને રમાડે ।।૧૭।।

વેણીરામ ત્યાંથી આવ્યા ઘેર, કહી મૂર્તિમાતાને તે પેર । ભક્તિમાતા કે મોટાભાઇને, તેડીલાવો શ્યામને જઇને ।।૧૮।।

એવું સાંભળી તેડવા ગયા, ત્યાં તો પ્રભુજી બીજે રૂપે થયા । માતાજીને કહ્યું પાસે જઇ, દીદી લ્યો ડગલી ભીંજી ગઇ ।।૧૯।।

બીજી કોરી આપો મુને માતા, થાય શરીરમાં સુખસાતા । ભીંજવાયેલી તે કાઢી લીધી, બીજી કોરી ડગલી ત્યાં દીધી ।।૨૦।।

તે પેરીને શ્રીદાદાની પાસ, બેઠા જમવા સારૂં હુલ્લાસ । એટલામાં મોટાભાઇ આવ્યા, ઘનશ્યામને તે તેડી લાવ્યા ।।૨૧।।

સામાં ઉભાં સુવાસિની બાઇ, દેખ્યા બેઉ ઘનશ્યામ ભાઇ । હરિ બેઠા રસોડામાં આપ, આમ ક્યાંથી આવે છે અમાપ ।।૨૨।।

થયો છે એવો મન સંદેહ, જોયું રસોડામાં આવી તેહ । ત્યાંતો કૃષ્ણ જમે વૃષપાસ, એવી લીલા કરે અવિનાશ ।।૨૩।।

એક સ્વરૂપ અદ્રશ કીધું, બીજું રસોડામાં રેવા દીધું । આવાં અદ્ભુત ચરિત્ર જોઇ, નરનારી રહ્યાં મન મોઇ ।।૨૪।।

પછે એ દીવસ સાંજ સમે, માતા પાસે ઘનશ્યામ રમે । તેડીને ગયાં મૂર્તિ બગીચે, નિજ પુત્રને બેસાર્યા નીચે ।।૨૫।।

ભકિત સુવાસિનીબાઇ ભાવે, કાંઇ શાક બગીચામાં વાવે । ઘનશ્યામ કહે લાવો માજી, અમે વાવીએ શાકને ભાજી ।।૨૬।।

અમે વાવીશું તો ઝટ થાશે, સગાં મિત્ર સહુ તે તો ખાશે । એમ કહીને વાવ્યાં તે પોતે, થોડા દિનમાં થયાં જોતે જોતે ।।૨૭।।

એના એ બાગમાં એક વૃક્ષ, હતું ફણસનું ત્યાં પ્રત્યક્ષ । એક રાત્રિએ તસ્કર આવ્યા, લીધાં ફણસનાં ફળ ફાવ્યા ।।૨૮।।

લેઇ ચાલ્યા ધરી મન ધીર, આવ્યા નારાયણસરતીર । ત્યાં છે પીપળાનું એક વૃક્ષ, તેમાં રે છે ભૂતબલિ યક્ષ ।।૨૯।।

આવી તસ્કરને તે વળગ્યાં, કર્યાં અંગ પ્રાણથી અળગાં । ભૂતયક્ષ કહે સુણો ચોર, તમે ચોરી કરી છે નઠોર ।।૩૦।।

આ તો ફળ પ્રભુને ખાવાનાં, નથી તમારે લઇ જાવાનાં । કહે તસ્કર કોણ છો તમે, ગમે ત્યાંથી લાવ્યા છૈયે અમે ।।૩૧।।

અમે છૈયે ભૂત અને યક્ષ, ફેડી નાખીશું તમને પ્રત્યક્ષ । ફળ લઇ જાવા કેમ દેશું, તમારા સર્વેના જીવ લેશું ।।૩૨।।

એવું જાણીને પામ્યા છે ત્રાસ, કરે ચોર લોક નાસાનાસ । ફળ નાખી દીધાં છે ત્યાં છુટાં, નાઠા જાણે આયુષજ ખુટયાં ।।૩૩।।

ભૂત કહેછે હવે ક્યાં જાવો, જ્યાંથી લાવ્યા છો ત્યાં મુકી આવો । નહિ તો તમ કેડે થઇશું, તસ્કર તમને ખાઇ જઇશું ।।૩૪।।

પછે ત્યાંથી ફળ લેવરાવ્યાં, આવી ધર્મને ઘેર નખાવ્યાં । તારે તસ્કરને જાવા દીધા, જેવા ઘટે તેવા દંડ દીધા ।।૩૫।।

પોઢી રહ્યાતા શ્રીઅવિનાશ, ઉઠીને આવ્યા ભૂતની પાસ । ભૂતાદિકે કર્યા છે પ્રણામ, ઉભા કર જોડી તેહ ઠામ ।।૩૬।।

પ્રભુ બોલ્યા થઇને પ્રસન્ન, સુણો ભૂત સર્વે ધરી મન । હતી વાસનાયો બળવાન, પંચવિષયને અભિમાન ।।૩૭।।

તેથી પામ્યા તમો અધોગતિ, થઇ ગઇ વિપરીત મતિ । તમે કર્યું છે અમારું કાજ, માટે થયો છું પ્રસન્ન આજ ।।૩૮।।

અમે વનવિચરીએ જ્યારે, જાજ્યો બદ્રીકાશ્રમમાં ત્યારે । છુટી જાશો માયાથી તમામ, પછી પામશો અક્ષરધામ ।।૩૯।।

એવી રીતનું વરદાન પામી, ગયાં ભૂત સર્વે શિરનામી । આ પીપળાની પૂજા કરશે, એની પ્રદક્ષિણા જે ફરશે ।।૪૦।।

તેનાથી ભૂત દૂર પલાશે, સેજે અક્ષરધામમાં જાશે । ગાય શિખે સુણે નરનાર્ય,પામશે તે ભવજળ પાર્ય ।।૪૧।।

થયો સૂરજ ઉદય જ્યારે, સુવાસિનીબાઇ આવ્યાં બારે । દેખી ફનસનાં ફળ કેછે, ભક્તિમાતાજી ધ્યાનમાં લેછે ।।૪૨।।

કોણે ફનસ આ તોડી નાખ્યાં, કોણે પુંજ કરી આંહિ રાખ્યાં । એવું સુણીને શ્રીભગવંત, આવીને કહ્યું છે વરતંત ।।૪૩।।

બી કહું છું એક ચરિત્ર, સુણે તે જન થાય પવિત્ર । લોહગંજરી પ્રખ્યાત ગામ, સંધ્યાગીરી બાવો રે તે ઠામ ।।૪૪।।

ધર્મદેવ તણો એ છે મિત્ર, અતિ પાવન પુણ્ય પવિત્ર । ધર્મદેવને પોતાને ગામ, તેડી ગયો રેવા આપ્યો ઠામ ।।૪૫।।

સુખેથી રહો મિત્ર આ ઠાર, લેઇ કુટુંબને પરિવાર । ધર્મ રહ્યા છે ત્યાં સુખરૂપ, સંધ્યાગીરીજીને ત્યાં અનુપ ।।૪૬।।

શિવાલય એનાં ઘરપાસ, જંગલીનાથ શિવપ્રકાશ । તે દેવળ ફરતો છે બાગ, તેમાં રેતા મણીધર નાગ ।।૪૭।।

તે બીકે બાગમાં ન જવાય, કોઇથી સેવા પૂજા ન થાય । જાણ્યું અંતરજામીએ ત્યાંયે, નડે છે નાગ સર્વેને આંયે ।।૪૮।।

પછે ખગેશને ત્યાં બોલાવ્યા, સર્વે ચક્રિને ત્રાસ ધરાવ્યા । દેખી ગરૂડજીને તે વ્યાળ, ત્યાંથી નાશી ગયા તતકાળ ।।૪૯।।

સંધ્યાગીરી બાવે જોયું નજરે, ધન્ય મારો જન્મ તો મજરે । સર્વે નાગને આજ વળાવ્યા, ઘનશ્યામ ભલે આંહીં આવ્યા ।।૫૦।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રી સહજાનંદસ્વામી શિષ્ય ભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ પોતાના ઘર ઉપર વૃષ્ટિ બંધ કરાવી એ નામે પચીશમો તરંગઃ ।। ૨૫ ।।