ગઢડા પ્રથમ – ૧ અખંડ વૃત્તિનું

Submitted by swaminarayanworld on Thu, 09/09/2010 - 11:52am

- શ્રીગઢડા પ્રથમ પ્રકરણમ્ -

નિજૈર્વચોડમૃતૈર્લોકેઅતર્પયદ્યો નિજાશ્રિતાન્ | 
પ્રીતો નઃ સર્વદા સોડસ્તુ શ્રીહરિર્ધર્મનન્દનઃ ||

ગઢડા પ્રથમ – ૧: અખંડ વૃત્તિનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થિને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન પુછયો જે “સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ?” ત્‍યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્‍થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “લ્‍યો અમે ઉત્તર કરીએ જે, ભગવાના સ્‍વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખવી તેથી કોઇ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્‍વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્‍તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્‍ય છે, જેમ ચિંતામણી કોઇક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્‍ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડવૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્‍વરૂપને જો જોવાને ઇચ્‍છે, તો તત્‍કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઇ કઠણ સાધન પણ નથી અને તેથી કોઇ મોટી પ્રાપ્‍તિ પણ નથી.

ત્‍યાર પછી હરિભકત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ભગવાનો ભકત હોય તેને ભગવાનની મૂર્તિનું ઘ્‍યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે “ભગવાનનો ભકત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્‍યારે તે કેવા દેહને પામે છે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે “ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભકત છે તે ભગવાનની ઇચ્‍છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મુકીને ભગવાનના ધામ પ્રત્‍યે જાય છે ત્‍યારે કોઇક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઇક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઇક વિમાન ઉપર બેસીને જાય છે, એવી રીતે ભગવાનના ભકત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્‍યક્ષ દેખે છે.”

પછી વળી હરિભકત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પુછયું જે ” કેટલાક તો ઘણા દિવસ સુધી સત્‍સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે, તેવી સત્‍સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી તેનું શું કારણ છે?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “એને ભગવાનનું માહાત્‍મ્‍ય પરિપૂર્ણ જાણ્‍યામાં આવ્‍યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્‍મ્‍ય પરિપૂર્ણ જાણ્‍યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્‍વભાવ ઉપર વાત કરે છે ત્‍યારે તે સ્‍વભાવને મુકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્‍સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી, કાં જે ‘અન્‍ય સ્‍થળને વિષે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઇ સાધને કરીને ટળતાં નથી, તે શાસ્ત્રમાં કહ્યું છે જે
અન્‍યક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનષ્યતિ |
તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ ||

તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્‍સંગમાં દ્રઢ પ્રીતિ થાય.

ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ||૧||

તા-૨૦/૧૧/૧૮૧૯  શનિવાર