માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે (૪) ?

Submitted by swaminarayanworld on Tue, 12/04/2016 - 8:55pm

રાગ : રામકલી

પદ-૧

માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે,

ઝુલે રૂપાળો રંગભીનો રાજીવનેણ, માતા૦ ૧

મુખડું નીરખી નીરખી જાયે હરિને વારણે,

બોલે ખમાં ખમાં કહી માતા મધુરાં વેણ... માતા૦ ૨

ઘડિયું વિશ્વકર્માએ પારણિયું બહુ શોભતું,

જડીયા પારણિએ મણિ હીરા રત્ન અપાર; માતા૦ ૩

ઓપે ઓસરીએ નરનારીનાં મન લોભતું,

ઝળકે સૂરજના રથ સરખું બિંબાકાર... માતા૦ ૪

પોઢ્યા પારણીયે હરિકૃષ્ણ ધર્મસુત શ્રી હરિ,

પ્રગટ્યા પુરુષોત્તમજી અધમ ઓધારણ હાર; માતા૦ ૫

માતા હિલો ગાવે ઝુલરાવે પ્રીતે અતિ,

વહેલા મોટા થાઓ હૈડા કેરા હાર... માતા૦ ૬

માતા માખણ સાકર જમાડે જગદીશને,

જમો જીવન મારા પ્રાણ તમે ઘનશ્યામ. માતા૦ ૭

નિરખી હરખે માતા અખિલભુવનપતિ ઈશને,

પ્રેમાનંદના સ્વામી પ્યારા પુરણકામ. માતા૦ ૮

 

પદ-૨

માતા પારણિયે ઝુલાવે શ્રી ઘનશ્યામને,

સુદંર રેશમ કેરી દોરી લઈને હાથ... માતા૦ ૧

માતા હિલો ગાવે લઈ લઈ હરિનાં નામને,

ઝુલો ધર્મકુંવર પ્રભુ સુરનર મુનિના નાથ... માતા૦ ૨

વાજે પારણિયે બહુ ધણણણણણણણ ઘંટડી,

ચરણે ઝણણણણણણણ ઝાંઝરનો ઝણકાર; માતા૦ ૩

ખણણણણણણણ ખણકે ઘુઘરડી હેમે જડી,

ગણણણણણણણ ઝણણે ઘુઘરડાની હાર... માતા૦ ૪

બોલે પાંજરિયે બહુ પક્ષી હરિને આગળે,

મેના પોપટ કુર્કુટ કોયલ મોર ચકોર; માતા૦ ૫

ભીંતે આલેખ્યાં બહુ ચિત્ર મનોહર કાગળે,

તેને જોઈ જોઈ રાજી થાયે ધર્મકિશોર... માતા૦ ૬

આગે અનંત ભાતનાં રમકડલાં આણી ધર્યાં,

ચકરિ ભમરા ઘુઘરા કોયલ આદિ અપાર; માતા૦ ૭

ચૂસે સોના કેરું ચુસણીયું હરખે ભર્યા,

પ્રેમાનંદના સ્વામી સુંદર ધર્મકુમાર... માતા૦ ૮

ચંદુભાઈ રાઠોડ

 

પદ-૩

ઝુલે પારણિયે શ્રી પુરુષોત્તમ કમલાપતિ,

જેનો પાર ન પામે શિવ બ્રહ્મા મુનિશેષ... ઝુલે૦ ૧

એ તો અખિલ ભુવનના કર્તા હર્તા છે અતિ,

શોભે નર નાટક ધરી હરિ બાલુડે વેષ... ઝુલે૦ ૨

જેના એક રોમે કોટિ બ્રહ્માંડ ઊડતાં ફરે,

જેની ભ્રકુટિ જોઈને થર થર કંપે કાળ; ઝુલે૦ ૩

તે પ્રભુ પ્રાકૃત બાળકની પેઠે રુદન કરે,

ઊડે ચકલાં તે જોઈ બીયે દીનદયાળ... ઝુલે૦ ૪

જેની શિવબ્રહ્માસનકાદિક પૂજે ચાખડી,

જેના વારણીયા લઈ વન્દે મુક્ત અનેક, ઝુલે૦ ૫

કંપે કાળમાયા જેની ભૃકુટિ જોઈને વાંકડી,

એવો અનંત શક્તિધર અક્ષરપતિ પ્રભુ એક... ઝુલે૦ ૬

તે પ્રભુ પ્રગટ્યા દ્વિજકુલ નિજજનને સુખ આપવા,

કરવા ઘોર કળિમાં અનેક પતિત ઉદ્ધાર; ઝુલે૦ ૭

આવ્યા અવનિ ઉપર ધર્મ એકાંતિક સ્થાપવા,

એવા પ્રગટ હરિ પર પ્રેમાનંદ બલિહાર... ઝુલે૦ ૮

 

પદ-૪

માતા પ્રેમવતી ઝુલાવે સુત ઘનશ્યામને,

નીરખી રૂપ મનોહર હૈડે હરખ ન માય... માતા૦ ૧

માતા પયનું પાન કરાવે પૂરણકામને,

લીએ વારણીયા અતિ હરખે હિલો ગાય... માતા૦ ૨

માતા આંજણ લેઈ અણિયાળી આંજે આંખડી,

નીરખે પૂરણ ચંદ્ર સરીખું વદન વિશાળ... માતા૦ ૩

 

હરિની આંખલડી કમળ કેરિ પાંખડી,

નાસા નમણી સુંદર દીપે અધર પ્રવાળ... માતા૦ ૪

હરિને કંઠે કૌસ્તુભ હાંસલડી રતને જડી,

કેડે કંદોરામાં કનક ઘુઘરડી ચાર... માતા૦ ૫

માતા આંખલડી આગેથી ન મેલે એક ઘડી,

મુખડું ચુંબી દુઃખડાં લીએ વારંવાર... માતા૦ ૬

હરિને શ્યામ શરીરે અંગરખી અતલસતણી,

માથે કિનખાપની ટોપી રતન જડાવ... માતા૦ ૭

શોભે શોભાસાગર પારણીયે શોભામણી,

જોવા પ્રેમાનંદના ઉરમાં પરમ ઉછાવ... માતા૦ ૮

Facebook Comments