૫ શ્રીકૃષ્ણના જન્મથી નંદજીએ કરેલો મહોત્સવ

Submitted by swaminarayanworld on Thu, 22/12/2011 - 9:38pm

અધ્યાય ૫

શ્રીકૃષ્ણના જન્મથી નંદજીએ કરેલો મહોત્સવ.

શુકદેવજી કહે છે- પુત્રનો જન્મ થવાથી આનંદ પામેલા ઉદાર મનના  નંદરાયે તો સ્નાન કરી, પવિત્ર થઇ, શણગાર ધરી, ભવિષ્યવેત્તા બ્રાહ્મણોને બોલાવી પુત્રનું સ્વસ્તિવાચન કરાવીને જાતકર્મ સંસ્કાર કરાવ્યો, અને પિતૃ તથા દેવતાઓનું પૂજન કરાવ્યું. ૧-૨  બ્રાહ્મણોને શણગારેલી બે લાખ ગાયો અને રત્ન સમૂહ તથા સોનેરી વસ્ત્રોથી વીંટેલા સાત તિલપર્વતો આપ્યા. ૩  ‘‘પૃથ્વી આદિ પદાર્થ કાળથી પવિત્ર થાય છે, દેહાદિક સ્નાનથી, બીજી કેટલીક વસ્તુ કેવળ ધોવાથી પવિત્ર થાય છે, ગર્ભાદિક સંસ્કારોથી પવિત્ર થાય છે. ઇંદ્રિયાદિક તપથી, બ્રાહ્મણાદિક યજન કરવાથી, ધન દાનથી, મન સંતોષથી અને આત્મા બ્રહ્મવિદ્યાથી પવિત્ર થાય છે.’’૪  બ્રાહ્મણો, સૂત, માગધ અને બંદિજનો આશીર્વાદનાં વચન બોલવા લાગ્યા. વ્રજમાં દ્વાર, આંગણાં અને ઘરોના અંદરના ભાગો સ્વચ્છ કરવામાં આવ્યા અને જળ છાંટી દીધાં. વિચિત્ર ધજા અને પતાકાઓની હારો લગાવવામાં આવી. વસ્ત્રો અને પાંદડાંનાં તોરણોની શોભા અતિશય વધારવામાં આવી. ૬  ગાયો, બળદો તથા નાનાં વાછરડાંઓને તેલ હળદર ચોપડી જુદા જુદા પ્રકારના ધાતુ, પુષ્પની માળા, વસ્ત્ર તથા સુવર્ણના અલંકારોથી શણગારેલા હતા. ૭ ઘણા મૂલ્યવાળાં વસ્ત્ર, આભૂષણ, કંચુક તથા પાઘડીઓથી શોભતા ગોવાળિયા તરેહ તરેહની ભેટ લઇને નંદરાયને ઘેર આવ્યા. ૮ યશોદાને પુત્ર આવ્યો સાંભળી રાજી થયેલી ગોપીઓ વસ્ત્ર, આભૂષણ અને અંજન આદિથી પોતાનાં શરીરને શણગારવા લાગી. ૯  નવીન કેશર લાગવાથી શોભતાં મુખવાળી, મોટા નિતંબવાળી અને હાલતા સ્તનવાળી ગોપીઓ ભેટો લઇને ઉતાવળથી નંદરાયને ઘેર જવા લાગી. ૧૦  જે ગોપીઓએ કાનમાં સ્વચ્છ રત્ન જડીત કુંડળ પહેર્યાં હતાં, કંઠમાં હાર ધારણ કર્યા હતા, હાથમાં કંકણ પહેર્યાં હતાં, શરીરમાં વિચિત્ર વસ્ત્ર પહેર્યાં હતાં અને જેઓના ચોટલામાંથી માર્ગમાં ફૂલપાંખડીઓની વૃષ્ટિ થતી હતી, તેઓ નંદરાયને ઘેર જતી સમયે હાલતાં કુંડળ અને સ્તન અને હારની શોભાથી બહુ જ દીપતી હતી. ૧૧  ‘‘ઘણા કાળ સુધી રક્ષા કરો’’ એમ બાળકને આશીર્વાદ આપતી અને હળદરનાં ચૂર્ણ તથા તેલવાળાં પાણીથી લોકોને ભીંજાવતી તે ગોપીઓ ગીત ગાતી હતી. ૧૨ જગતના નાથ શ્રીકૃષ્ણ ભગવાન વ્રજમાં પધારતાં એ મહોત્સવમાં વિચિત્ર વાજાં વાગતાં હતાં. ૧૩  રાજી થયેલા અને એક બીજા ઉપર ઘી દૂધ અને જળ રેડતા તથા માખણનું લેપન કરતા ગોવાળિયાઓ એક બીજા ઉપર દહીં નાખવા લાગ્યા. ૧૪  ઉદાર મનના નંદરાયે સૂત, માગધ, બંદિજનો અને બીજા પણ જેઓ વિદ્યોપજીવી હતા તેઓને વસ્ત્ર, અલંકાર, ગાયો અને ધન આપ્યાં. ૧૫  મોટા મનવાળા નંદરાયે વિષ્ણુની આરાધનાને માટે અને પોતાના કલ્યાણ સારુ યથાયોગ્ય રીતે ઘણા ઘણા પદાર્થોથી સૌની પૂજા કરી. ૧૬  નંદરાયે માન આપેલાં મહાભાગ્યશાળી રોહિણી દિવ્ય વસ્ત્ર, માળા અને કંઠના આભૂષણોથી અલંકૃત થઇને એ મહોત્સવમાં ફરતાં હતાં. ૧૭  ભગવાનના જન્મથી આરંભીને નંદજીનો વ્રજ સર્વે સમૃદ્ધિઓથી યુક્ત થયો હતો અને એ વ્રજ ભગવાનના નિવાસથી થયેલા સર્વને પ્રિય લાગવું, એ આદિક અસાધારણ ગુણોથી લક્ષ્મીજીને ક્રીડા કરવાના સ્થળરૂપ થયો હતો. ૧૮  પછી હે પરીક્ષિત રાજા ! ગોકુળની રક્ષા કરવાની ગોવાળિયાઓને ભલામણ આપી, નંદરાય કંસને વાર્ષિક કર દેવા સારુ મથુરામાં ગયા. ૧૯  કંસને આપેલો છે વાર્ષિક કર જેમણે એવા પોતાના પરમમિત્ર નંદરાયને આવેલા જાણીને વસુદેવ નંદજીના ઉતારે ગયા. ૨૦  પ્રાણ આવતાંની સાથે જેમ દેહ ઊભો થાય, તેમ વસુદેવને આવ્યા જાણી તરત ઊભા થઇને પ્રેમથી વિવ્હળ થયેલા નંદરાયે પ્યારા મિત્ર વસુદેવનું આલિંગન કર્યું. ૨૧  પૂજેલા અને સારી રીતે બેઠેલા અને જેનું મન પોતાના પુત્રોમાં લાગી રહ્યું હતું, એવા વસુદેવે આદરભાવથી આરોગ્ય પૂછી આ પ્રમાણે કહ્યું કે હે ભાઇ ! વૃદ્ધ, પ્રજા રહિત અને પ્રજાની આશા પણ છોડી દીધી હતી એવા તમને હમણાં પુત્ર આવ્યો એ ઘણું સારુ થયું. ૨૨-૨૩ વળી એ પણ બહુ આનંદની વાત છે કે આ સંસારરૂપી ચક્રમાં રહેલા તમે આજ ફરીવાર જન્મેલા પુત્ર જેવા જોવામાં આવ્યા, ખરેખર પ્રિયનું દર્શન દુર્લભ છે. ૨૪ પાણીના પ્રવાહથી તણાતાં ખડ અને કાષ્ઠ આદિની સ્થિતિ જેમ એક ઠેકાણે રહેતી નથી, તેમ વિચિત્ર પ્રારબ્ધવાળાં સંબંધીઓનો પ્રિય સહવાસ પણ એક ઠેકાણે રહેતો નથી.  ૨૫  જયાં તમે હમણાં સંબંધીઓથી વીંટાઇને રહ્યા છો, તે મોટું વન પશુઓને હિતકારી, રોગ રહિત અને જળ, ખડ તથા લતાઓની ઘણી સંપત્તિવાળું છે. ૨૬  હે ભાઇ ! જે મારો પુત્ર તેની માની સાથે તમારા વ્રજમાં રહ્યો છે અને તમને જ પિતા કરી માને છે તેને તમોએ સારી પેઠે રાખ્યો છે ને ? ૨૭  પુરુષના ધર્મ, અર્થ અને કામ જો પોતાના સંબંધીઓને ઉપયોગી થાય તો તે સફળ કહેવાય અને જો સંબન્ધીઓ કલેશ પામતાં હોય તો તે ધર્માદિક કશા ઉપયોગના નથી. ૨૮  નંદરાય કહે છે- અહો ! ! ! દેવકીથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા પુત્રો કંસે મારી નાખ્યા  અને એક સૌથી નાની દીકરી રહી હતી તે પણ સ્વર્ગે ગઇ ! ૨૯  માણસોની નિષ્ઠા અવશ્ય ભાગ્ય ઉપર જ છે. તેથી પોતાના સુખ દુઃખનું કારણ ભાગ્ય જ છે. એમ જે સમજે તે કોઇ રીતે મુંઝાય નહીં. ૩૦

વસુદેવ કહે છે- તમે પ્રતિવર્ષ આપવાનો કર રાજાને આપી દીધો અને અમોને પણ મળી ચૂક્યા છો. માટે હવે તમારે અહીં વધારે રહેવું યોગ્ય નથી, કેમકે ગોકુળમાં ઉત્પાત થતા હશે એમ માનું છું. ૩૧  શુકદેવજી કહે છે- આ પ્રમાણે વસુદેવનું વચન સાંભળી નંદાદિક ગોવાળો બળદગાડાં જોડી વસુદેવની આજ્ઞા લઇ ગોકુળમાં ગયા. ૩૨

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પાંચમો અધ્યાય સંપૂર્ણ.