૬ શ્રીકૃષ્ણે કરેલો પુતનાનો વધ.

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:21am

અધ્યાય ૬

શ્રીકૃષ્ણે કરેલો પુતનાનો વધ.

વસુદેવનું વચન ખોટું ન હોય એમ માર્ગમાં વિચાર કરતા અને ઉત્પાત થવાની શંકા રાખતા નંદરાય ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા.૧ કંસે મોકલેલી અને બાળકોને મારનારી પૂતના, પુર, ગામડાં અને વ્રજાદિકમાં બાળકોને મારતી મારતી ફરતી હતી. ૨  ભગવદ્ગુણના શ્રવણ મનનાદિક જે છે એ રાક્ષસોને હણનાર છે, ભગવદ્ગુણના શ્રવણ મનનાદિક જયાં ન હોય તે સ્થળમાં રાક્ષસીઓ પોતાનું કામ કરી શકે છે. ૩  આકાશમાં ફરનારી અને યથેષ્ટ રીતે ચાલનારી પૂતના એક દિવસ નંદરાયના વ્રજમાં આવીને માયાથી પોતાના શરીરનો કોઇ ઉત્તમ સ્ત્રી જેવો વેષ બનાવી અંદર પેઠી. ૪  એના ચોટલામાં મલ્લિકાનાં ફૂલ ગૂંથેલાં હતાં. મોટા નિતંબ અને સ્તનના ભારથી કેડ  લચકી જતી હતી. ઉત્તમ વસ્ત્ર પહેર્યાં હતાં, હાલતાં કુંડળની કાંતિને લીધે ઝળકતા કેશોથી મોઢું શોભી રહ્યું હતું.૫  સુંદર મંદ હાસ્યથી યુક્ત અને નેત્રકટાક્ષથી ગોવાળોનાં મન હરાઇ ગયાં હતાં, તેથી કોઇ ગોવાળોએ તેને અટકાવી નહીં, અને હાથમાં કમળ હોવાથી તે ભગવાનનાં દર્શન સારુ દેહ ધરીને આવેલી લક્ષ્મી જેવી લાગતી હતી, તેથી ગોપીઓ પણ ચૂપ થઇ ગઇ. ૬  બાળકોને શોધતી આવતી બાળગ્રહરૂપ પૂતનાએ, યદૃચ્છાથી નંદરાયના ઘરમાં  સ્વાભાવિક મોટા તેજથી ઢંકાયેલ હોવાથી રાખથી ઢંકાયેલા અગ્નિની ઉપમા ધરાવનાર અને દુષ્ટ પ્રાણીઓના  કાળરૂપ એવા તે બાળકને જોયા. ૭  સ્થાવર જંગમોના આત્મારૂપ શ્રીકૃષ્ણ ભગવાન, તેને બાળકોને મારનારી  પૂતના જાણીને નેત્ર મીંચી ગયા, પછી મૂર્ખ માણસ જેમ દોરડી સમજીને સૂતેલા સર્પને લઇ લે, તેમ તે પૂતનાએ પોતાના કાળરૂપ ભગવાનને પોતાના ખોળામાં લીધા. ૮  મ્યાનમાં ઢાંકેલી તલવારની પેઠે ઉપરથી કોમળ અને અંદર બહુ જ તીક્ષ્ણ અને ભૂંડાં કામ કરનારી પૂતનાને ઘરની અંદર આવેલી જોઇ તથા તેને ઉત્તમ સ્ત્રી જાણીને રોહિણી અને યશોદા પણ તેની કાંતિથી મોહ પામી ગયાં હતાં, તેઓ કેવળ ઊભાં રહી જોયા કરતાં હતાં. ૯  તે સ્થળમાં દુષ્ટ પૂતનાએ બાળક શ્રીકૃષ્ણ ભગવાનને ખોળામાં લઇ, તેમના મોઢામાં ભયંકર અને ન પચે એવા ઝેરથી ભરેલું પોતાનું સ્તન દીધું. ક્રોધવાળા ભગવાન એ સ્તનને બે હાથવડે બહુ જ દબાવીને તે પૂતનાના પ્રાણની સાથે પીવા લાગ્યા. ૧૦  સર્વ અંગોમાં પીડાતી પૂતના ‘‘મૂકી દે મૂકી દે’’ એમ બોલવા લાગી, આંખો ફાટી ગઇ, શરીરમાં પસીનો વળી ગયો, વારંવાર હાથ અને પગ પછાડતી રોવા લાગી. ૧૧  અત્યંત ગંભીર વેગવાળા તે પૂતનાના શબ્દથી પર્વત સહિત પૃથ્વી અને ગ્રહો સહિત આકાશ ચલાયમાન થઇ ગયાં. પાતાળ અને દિશાઓમાંથી પડઘા પડ્યા અને વજ્ર પડવાની શંકાથી મનુષ્યો ધરતી ઉપર પડી ગયાં.  ૧૨ આ પ્રમાણે સ્તનમાં વ્યથા થતાં મરણ સમયે પોતાનું પ્રથમનું રૂપ ધરીને એ રાક્ષસી વજ્રથી મરણ પામેલા વૃત્રાસુરની પેઠે વ્રજમાં પડી. મરણ પામેલી એ રાક્ષસીનું મોઢું ફાટી ગયું હતું. કેશ છૂટી ગયા અને પગ તથા હાથ લાંબા થઇ ગયા હતા. ૧૩

હે પરીક્ષિત રાજા ! એ પૂતનાનો દેહ પડતાં પડતાં છ ગાઉની અંદરનાં વૃક્ષોનો ભૂકો કરી નાખ્યો, આવું એક મોટું આશ્ચર્ય થયું. ૧૪  એ ભયંકર પૂતનાના મોઢામાં હળના જેવી લાંબી અને ઉગ્ર દાઢો હતી, નાક પર્વતની ગુફા જેવું હતું, સ્તન પર્વતમાંથી પડેલા મોટા પથ્થરા જેવડા હતા, કેશ વીખરાએલા અને રાતા હતા. ૧૫  આંખો અંધારા કૂવા જેવી ઊંડી હતી, નિતંબ નદીના કાંઠા જેવા ભયંકર હતા, હાથ, સાથળ અને પગ જાણે સડક બાંધી હોય એવા હતા, પેટ પાણી વગરના ધરા જેવું હતું. ૧૬  ગોવાળિયા અને ગોપીઓેનાં હૃદય, કાન અને માથાં પ્રથમ જ પૂતનાના શબ્દથી જાણે ફાટી ગયાં હોય તેવાં થઇ ગયાં હતાં એવી પૂતનાના શરીરને જોઇ ત્રાસ પામ્યા. ૧૭  ગોપીઓએ ઘણા સંભ્રમથી તુરત આવીને પૂતનાની છાતી ઉપર નિર્ભય રીતે રમતા બાળક એવા ભગવાનને તેડી લીધા. ૧૮ યશોદા અને રોહિણીની સાથે તે સઘળી ગોપીઓએ તે બાળક ઉપર ગાયનાં પૂંછ ફેરવવા આદિ ક્રિયાઓથી સારી રીતે રક્ષા કરી. ૧૯  બાળકને ગોમૂત્રથી, ગાયની રજથી અને ગાયનાં છાણથી નવરાવી, તેનાં બાર અંગોમાં  ગવાનનાં નામોથી રક્ષા કરી. ૨૦  પછી કાંઇક ધારણા મળતાં ગોપીઓએ આચમન લઇને પોતાના શરીરમાં પ્રથમ અંગન્યાસ તથા કરન્યાસ પૃથક્ પૃથક્ કરીને પછી બાળકના અંગમાં પણ બીજન્યાસ કર્યો. ૨૧  અજ ભગવાન તારા પગની, મણિમાન્ તારા ગોઠણની, યજ્ઞનારાયણ તારા સાથળની, અચ્યુત કટિની, હયગ્રીવ પેટની, કેશવ હૃદયની,  ઇશ તારા વક્ષસ્થળની, ઇન્દ્ર કંઠની, વિષ્ણુ ભુજાઓની, ઉરુક્રમ મુખની અને ઇશ્વર મસ્તકની રક્ષા કરજો. ૨૨  ચક્ર ધરનારા ભગવાન તારી આગળ રહેજો, ગદા ધરનારા ભગવાન તારી પાછળ રહેજો, ધનુષ ધરનારા મધુહ ભગવાન અને ખડ્ગ ધરનારા અજન ભગવાન તારાં બે પડખામાં રહેજો, શંખ ધરનારા ઉરુગાય ભગવાન તારા ચારે ખૂણામાં રહેજો, ઉપેન્દ્ર ભગવાન ઉપર રહેજો, તાર્ક્ષ્ય ભગવાન નીચે રહેજો, હળધર ભગવાન સઘળી કોર રહેજો. ૨૩  ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોની રક્ષા કરજો, નારાયણ પ્રાણની રક્ષા કરજો, શ્વેતદ્વીપપતિ ભગવાન ચિત્તનું રક્ષણ કરજો, યોગેશ્વર ભગવાન મનનું રક્ષણ કરજો. ૨૪ પૃશ્નિગર્ભ ભગવાન તારી બુદ્ધિની અને પર ભગવાન તારા અહંકારની રક્ષા કરજો, રમતાં ગોવિંદ ભગવાન, સૂતાં માધવ ભગવાન, ચાલતાં વૈકુંઠ ભગવાન, બેસતાં લક્ષ્મીના પતિ, અને જમતાં યજ્ઞભોક્તા ભગવાન તારી રક્ષા કરજો, કે જે સર્વ ગ્રહોને ત્રાસ ઉપજાવે એવા છે. ૨૫-૨૬  ડાકણો, રાક્ષસીઓ, કુષ્માંડ, બાળગ્રહ, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસ, વિનાયક, કોટરા, રેવતી,જયેષ્ઠા, પૂતના, માતૃકાદિક, ઉન્માદ, અપસ્માર અને બીજા પણ જેઓ દેહ, પ્રાણ તથા ઇન્દ્રિયોનો દ્રોહ કરનારા છે તેઓ સઘળા નાશ પામજો. સ્વપ્નમાં દેખેલા મોટા ઉત્પાત અને વૃદ્ધ તથા બાળકના ગ્રહો, કે જેઓ વિષ્ણુનું નામ લેવાથી બીએ છે, તેઓ સઘળા તારી પાસેથી જતા રહેજો. ૨૭-૨૯  આ પ્રમાણે સ્નેહથી બંધાએલી ગોપીઓએ જેની રક્ષા કરી, એવા પુત્રને યશોદાએ સ્તનપાન કરાવીને સુવાડ્યા. ૩૦  તેટલામાં મથુરાથી વ્રજમાં આવેલા નંદાદિક ગોવાળિયાઓ પૂતનાના શબને જોઇને બહુ જ વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે વસુદેવ તો અવશ્ય ઋષિ કે યોગેશ્વર જન્મેલ છે. કેમકે, તેમણે જેવું કહ્યું હતું તેવો જ ઉત્પાત જોવામાં આવ્યો. ૩૧-૩૨  પછી તે ગોવાળોએ પૂતનાના શરીરને કુહાડાઓથી કાપી, સઘળા અવયવોને દૂર ફેંકી, બાકીના ભાગને લાકડાંઓમાં નાખીને બાળી નાખ્યો. ૩૩  ભગવાને ઉપભોગ કર્યો હોવાથી જેનાં પાપ તુરત નાશ પામી ગયાં, એવો એ પૂતનાનો દેહ બળતાં તેમાંથી અગરુના જેવો સુગંધી ધુમાડો નીકળ્યો. ૩૪  બાળકોને હણનારી અને રુધિરનું ભક્ષણ કરનારી પૂતના મારી નાખવાની ઇચ્છાથી પણ ભગવાનને ધવરાવીને મુક્તિ પામી ગઇ, તો પછી શ્રદ્ધાથી અને ભક્તિથી શ્રીકૃષ્ણ  ભગવાનને પ્રિય વસ્તુનું અર્પણ કરનારો માણસ મોક્ષ પામે તેમાં તો કહેવું જ શું ? જે ગાયો વત્સાહરણની લીલામાં ભગવાનની માતાઓ થઇ હતી તેઓ પણ મુક્તિ પામી છે. ૩૫-૩૬  ભક્તોના હૃદયમાં રહેનાર અને લોકવંદિત દેવતાઓએ પણ વંદન કરવા યોગ્ય, એવાં ચરણથી જે પૂતનાના અંગને દબાવીને ભગવાને સ્તનપાન કર્યું, તે રાક્ષસી પૂતના પણ તેમની માને લાયક ગતિને પામી ગઇ, ત્યારે ગાયો અને ગોપીઓ કે જેઓના દૂધને ભગવાન પીતા હતા તેઓને સદગતિની પ્રાપ્તિ થાય તેમાં શું કહેવું ? ૩૭-૩૮ પુત્રના સ્નેહને લીધે પાનો આવવાથી બહુ જ ઝરતાં જે માતાઓના દૂધને દેવકીના પુત્ર અને મોક્ષાદિક સર્વ પુરુષાર્થ આપનારા ભગવાને પીધાં, તે માતાઓ કે જેઓ નિરંતર ભગવાનમાં પુત્ર દૃષ્ટિ રાખતી હતી, તે માતાઓને અજ્ઞાનથી થતો સંસારનો ફેરો બીજીવાર થવો ન જ સંભવે. ૩૯-૪૦  જે વ્રજવાસીઓ પૂતનાના આવ્યા પહેલાં ગાયો ચારવા નીકળીગયા હતા, તે વ્રજવાસીઓ શબના ધુમાડાના સુગંધને સુંઘી ‘આ શું અને શાથી થયું ?’ એમ બોલતા વ્રજમાં આવ્યા. ૪૧  તેઓ વ્રજમાં ગોવાળોના કહેવાથી પૂતનાનું આવવું અને તેનું મરણ અને તેથી બાળકનું કુશળ રહેવું, સાંભળીને બહુ જ વિસ્મય પામ્યા. ૪૨  હે રાજા ! ઉદાર બુદ્ધિવાળા નંદરાય, જાણે મરી જઇને પાછા આવેલ હોય એવા પોતાના પુત્રને તેડી, તેનું માથું સુંઘી, પરમ આનંદ પામ્યા. ૪૩  જે માણસ પૂતનાને મોક્ષ આપવારૂપ આ શ્રીકૃષ્ણનાં અદભુત બાળચરિત્રને શ્રદ્ધાથી સાંભળશે તેને ભગવાનમાં પ્રીતિ પ્રાપ્ત થશે. ૪૪

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.