અધ્યાય - ૨ - શતાનંદ સ્વામીએ કરેલ બદ્રિપતિ શ્રી નારાયણની આરાધનાનું નિરૂપણ કર્યું

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:04pm

અધ્યાય - ૨ - શતાનંદ સ્વામીએ કરેલ બદ્રિપતિ શ્રી નારાયણની આરાધનાનું નિરૂપણ કર્યું

વક્તાનું મંગલાચરણ, ગુરુવંદના, રાજાના પ્રશ્નો, શતાનંદ સ્વામીનું જીવન વૃતાંત, નારાયણ ભગવાનનું દિવ્ય દર્શન.

 

-: વક્તાનું મંગલાચરણ :-

 

પ્રતાપસિંહ રાજાએ ભગવાન શ્રીહરિનાં ચરિત્રો સંભળાવવાની વિનંતી કરી તેથી અતિશય પ્રસન્ન થયેલા સુવ્રતમુનિ કથાના પ્રારંભમાં ઇષ્ટદેવ શ્રીહરિ અને ગુરુશ્રી શતાનંદમુનિને પ્રથમ હાથ જોડી આંખો મીંચી વંદના કરે છે. સુવ્રતમુનિ કહે છે, મારા ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિને હું કાયા, મન, વાણીથી ભાવપૂર્વક વંદન કરું છું. એ શ્રીહરિ હમેશાં પોતાની મૂર્તિનું અખંડ સ્મરણ કરનાર એકાંતિક ભક્તજનોના અંતરમાં પ્રગટેલા અતિશય રમણીય શ્વેત પ્રકાશને વિષે અતિશય રમણીય પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવનારા છે.૧

 

અને પોતાને શરણે આવેલા જીવાત્માઓનાં કઠોર કર્મોનાં બંધનો અને અંતરમાં પડેલી અવિદ્યારૂપ ત્રિગુણી માયાના આવરણને પોતાની કરૂણા ભરેલી દૃષ્ટિથી ભેદી તેઓને દુર્લભ એવું બ્રહ્મપુરધામને વિષે લઇ જાય છે.૨

 

અને વળી પોતાના ભક્તજનોના નેત્રરૂપી ચકોર પક્ષીને ચંદ્રમાની પેઠે આનંદ ઉપજાવનારા છે. સકલ ઐશ્વર્યોના સ્વામી છે, ભક્તના હૃદયકમળમાં અને બહાર નેત્રો આગળ રમણીય દિવ્ય સ્વરૂપે સદાય શોભી રહ્યા છે. જમણા હાથમાં કોમળ કમળ ધારણ કરનારા, ડાબા હાથે ભક્તજનોને અભયદાન આપનારા, નવીન મેઘ સમાન શ્યામસુંદર શરીરવાળા અને સદાય શ્વેત વસ્ત્રમાં શોભતા એવા મારા ઇષ્ટદેવ શ્રીહરિની હું સ્તુતિ કરું છું.૩


અનંત કોટી બ્રહ્માંડના સ્વામી હોવા છતાં સ્વેચ્છાથી મનુષ્યશરીરને ધારણ કરનારા હે શ્રીહરિ ! તમે અનુપમ એક જ છો. અર્થાત્ તમારી સમાન કે તમારાથી વિશેષ આ જગતમાં બીજું કોઇ નથી. તમે સર્વે જીવ ઇશ્વરોના સ્વામી છો. બ્રહ્માદિ દેવતાઓ પણ તમારાં ચરણ કમળને પૂજે છે, તમે સર્વેના નિયંતા છો. ઇશ્વરોના પણ તમે ઇશ્વર છો. ક્ષર અને અક્ષરથી પણ તમે પર છો. એવા શ્રીહરિ તમે સર્વત્ર જયકારી પ્રવર્તો. એવા આપનાં ચરણ કમળમાં હું દાસ ભાવે વંદન કરું છું. તમે અત્યારે મારી વાણીને નિર્મળ કરો.૪


ગુરુવંદનાઃ- વૈરાગ્યના વેગથી ઇન્દ્રિયોના પંચવિષયોનો ત્યાગ કરી, સર્વના અંતર્યામી પરમાત્મા શ્રીહરિની કૃપાથી સમસ્ત યોગસિદ્ધિને વરેલા અને સાક્ષાત્ ભક્તિ ધર્મના પુત્ર શ્રીહરિના ચરણ કમળની ઉપાસનાના બળે દૃઢ આત્મનિષ્ઠાને પામેલા મિથિલાદેશના વિષ્ણુદત્ત વિપ્રના પુત્ર એવા મારા ગુરુ શતાનંદ સ્વામીને હું બન્ને હાથ જોડી પ્રણામ કરું છું.૫

 

મહર્ષિ વેદવ્યાસના પુત્ર શુકદેવજી સમાન આકૃતિવાળા આપને ભગવાન શ્રીહરિની કૃપાથી ત્રિકાળજ્ઞાન પ્રાપ્ત થયું અને એ જ્ઞાનના પ્રભાવથી તમે શ્રીહરિનાં આશ્ચર્યકારી ચરિત્રોથી સભર આ સત્સંગિજીવન શાસ્ત્રની રચના કરી મારા જેવા શિષ્યોને ભણાવ્યું, એવા મારા ગુરૂ શતાનંદમુનિ મારા ઉપર પ્રસન્ન થાઓ.૬

 

આ પ્રમાણે સુવ્રતમુનિ ઇષ્ટદેવ અને ગુરૂની વંદના કરી રાજા પ્રત્યે કહેવા લાગ્યા.
હે રાજર્ષિ ! તમે ખરેખર મુમુક્ષુ છો, તમે આ અતિ સુંદર પ્રશ્ન કર્યો છે. કારણ કે ભગવદ્કથા સંબંધી પ્રશ્ન મનુષ્યોને સંસારનાં બંધનોથી મુકાવનાર છે.૭

 

જે મનુષ્યોનાં હજારો જન્મનાં પુણ્ય ઉદય થયાં હોય તેને જ આ ભગવદ્કથા શ્રવણ કરવામાં રુચિ ઉત્પન્ન થાય છે.૮

 

ભગવાન શ્રીહરિની કૃપાથી સર્વજ્ઞા બનેલા અને યોગસિદ્ધિને વરેલા કુશાગ્ર બુદ્ધિવાળા બ્રહ્મચારી મારા ગુરુ શતાનંદ સ્વામીએ તે પ્રગટ ભગવાન શ્રીહરિનાં ચરિત્રોનું આ શાસ્ત્ર રચ્યું છે.૯

 

હે નૃપ ! તે આ શાસ્ત્રનો અભ્યાસ મેં તેમની પાસેથી જ કર્યો છે તે આ સર્વોત્કૃષ્ટ સત્સંગિજીવન શાસ્ત્રની સમગ્ર કથા હું તમને સંભળાવીશ.૧૦

 

રાજાના પ્રશ્નોઃ- પ્રતાપસિંહ રાજા કહે છે, હે મુનિ ! એ આપના ગુરુ શતાનંદ મુનિ કોણ હતા ? તેમની જન્મભૂમિ કઇ ? તે કોના પુત્ર હતા ? તેમણે ભગવાન શ્રીહરિને કેવી રીતે રાજી કર્યા ? અને આ સત્સંગિજીવન શાસ્ત્રની રચના તેમણે કયાં રહીને કરી ?.૧૧

 

હે મુનિવર્ય ! આ બધું જાણવાની મને ઇચ્છા છે. માટે તમે મને કહો. હે મહામુનિ ! તમે સર્વજ્ઞા હોવાથી તમારાથી અજાણ્યું કાંઇ નથી.૧૨

 

મેં માયિક પંચવિષયોના ભોગની ઇચ્છાનો ત્યાગ કરી દીધો હોવાથી મારું મન એકાગ્ર બન્યું છે. તેથી હવે મને સમગ્ર સત્સંગિજીવન શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા થઇ છે. માટે મને તમે આ શાસ્ત્રની કથા સંભળાવો.૧૩


આ પ્રમાણે પ્રતાપસિંહ રાજાએ પૂછયું તેથી શ્રીહરિના એકાંતિક સંત સુવ્રતમુનિ પોતે જે જાણ્યું હતું, જોયું હતું અને સાંભળ્યું હતું તે સર્વે શતાનંદમુનિનું વૃત્તાંત અને શ્રીહરિનાં ચરિત્રો અતિ હર્ષથી પ્રતાપસિંહ રાજાને કહેવા લાગ્યા.૧૪


શતાનંદ સ્વામીનું જીવન વૃતાંતઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પૃથ્વી ઉપર મિથિલા નામની પવિત્ર નગરી આવેલી છે. તે નગરીમાં અતિ ધાર્મિક વિષ્ણુદત્ત નામના પવિત્ર શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા.૧૫

 

તેમને ત્યાં શતાનંદ નામના પુત્ર થયા, તે નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનારા હતા, શાસ્ત્રમાં કહેલા સર્વ સદ્ગુણોથી વિખ્યાત હતા અને ગુરુસેવા પરાયણ જીવન જીવનારા હતા.૧૬

 

તે વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં તેમજ પંચરાત્ર શાસ્ત્રમાં પ્રવીણ હતા, પંચ વિષયોમાં વિરક્ત અને દેશકાળની વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના ધર્મમાં અચળ નિષ્ઠાવાળા હતા.૧૭

 

તેમની પાસે શાસ્ત્રરૂપી દૃષ્ટિ હોવાથી સામે આવેલા દેવ કે મનુષ્યને તેનાં લક્ષણોથી જાણી જતા, સત્ અસત્ના વિવેકી એવા તે શાંત, ઉદાર અને મૃદુભાષી હતા.૧૮

 

અહિંસાવૃત્તિવાળા તે અતિ દયાળુ સ્વભાવના હતા. સાચા સંતોનો સમાગમ કરી તેમાંજ આનંદ મેળવતા તે વિપ્ર મનમાં પ્રત્યક્ષ ભગવાનનાં દર્શનની ઇચ્છા રાખી પરોક્ષભાવે ભગવાનનું ભજન કરતા હતા.૧૯

 

સંસારનાં બંધનોમાંથી મુક્ત થવાની ઇચ્છા ધરાવતા મુમુક્ષુ અને નિષ્ઠાવાન ભક્તો જ પ્રત્યક્ષ શ્રીહરિનાં દર્શન કરી શકે છે. આ પ્રમાણેના શાસ્ત્રનાં વચન મુજબ દૃઢ નિશ્ચય કરી પોતે પણ તેવી જ નિષ્ઠાવાળા ભક્ત થયા.૨૦

 

તે શતાનંદ વિપ્ર હમેશાં ભક્તિભાવ પૂર્વક શ્રીમદ્ભાગવત પુરાણનો પાઠ કરતા હતા અને એકાંત સ્થળમાં બેસી એકાગ્રચિત્તથી તેના અર્થનો પણ વિચાર કરતા રહેતા.૨૧

 

એક વખત પંચમ સ્કંધના અર્થનો વિચાર કરતા હતા ત્યારે ભરતખંડમાં ઉપાસના કરવા યોગ્ય એક નરનારાયણ ભગવાન છે, એમ તેમણે જાણ્યું.૨૨

 

એ શ્રીનરનારાયણ ભગવાન બદરિકાશ્રમમાં પ્રત્યક્ષ વિરાજીને જીવોના કલ્યાણ માટે કલ્પ પર્યંત તપશ્ચર્યા કરે છે. અને તે પ્રત્યક્ષ પરમાત્માની નારદ, ઉદ્ધવ આદિ મુક્તો સેવા કરી રહ્યા છે.૨૩


આ પ્રમાણે શ્રીમદ્ભાગવતમાંથી નક્કી કરી પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવા આતુર બનેલા શતાનંદ વિપ્ર પોતાના માનવજન્મને સફળ બનાવવા ઘરનો ત્યાગ કરી દીધો અને તીર્થવાસી જનોની સાથે બદરિકાશ્રમમાં આવ્યા.૨૪

 

ત્યાં સાક્ષાત્ પરમાત્માના ચરણકમળમાંથી પ્રગટેલી અને ભવબંધનોમાંથી જીવને મુક્ત કરનારી પવિત્ર અલકનંદા નામની ગંગાનદી વહે છે. અને તે આશ્રમમાં પાવનકારી નારદકુંડ અને પાપને પ્રજાળનાર તપ્તકુંડ નામનાં તીર્થો આવેલાં છે.૨૫

 

અને ત્યાં ઉર્વશીસંગમ નામનું પણ તીર્થ આવેલું છે. ત્યાં પાવનકારી નારસિંહી, નારદી વિગેરે પાંચ શિલાઓ રહેલી છે. તેમજ અન્ય પવિત્ર બીજાં બહુ તીર્થસ્થળો આવેલાં છે.૨૬

 

શતાનંદ વિપ્રે વૈશાખ સુદી ત્રીજ એટલે અક્ષયતૃતીયાના દિવસે એ બદરિકાશ્રમતીર્થમાં આવી અર્ચા સ્વરૂપે વિરાજતા ભગવાન શ્રીનરનારાયણનાં દર્શન કર્યાં.૨૭

 

તેમજ ધર્મશાસ્ત્રને અનુસારે તીર્થને વિષે કરવાનો સમસ્ત વિધિ પૂર્ણ કરીને વર્ણિશ્રેષ્ઠ શતાનંદ વિપ્ર મનને એકાગ્ર કરી તે આશ્રમમાંજ નરનારાયણ ભગવાનની સમીપે નિવાસ કરવા લાગ્યા.૨૮

 

સાથે આવેલા તીર્થવાસીઓ તીર્થયાત્રા કરી ચાલ્યા ગયા પછી હે રાજન્ ! તે શતાનંદ વિપ્રે ભગવાન શ્રીનારાયણઋષિને પ્રસન્ન કરવાનો પ્રારંભ કર્યો.૨૯

 

સદ્બુદ્ધિમાન શતાનંદ વિપ્ર દરરોજ સંધ્યા વંદનાદિ નિત્યવિધિથી પરવારી અર્ચા સ્વરૂપે બિરાજતા ભગવાન શ્રીનારાયણઋષિની આગળ વિધિપૂર્વક શ્રીમદ્ ભાગવતના દશમા સ્કંધનો પાઠ કરવા લાગ્યા.૩૦

 

આ પ્રમાણે આરાધના કરતા દીર્ઘ દૃષ્ટિવાળા, તપમાં ખેદ નહિ પામનારા અને ભોજનમાં માત્ર કંદમૂળ અને ફળનો આહાર કરનારા શતાનંદ વિપ્રને છ માસ વિતી ગયા.૩૧

 

એમ કરતાં કારતક સુદ પ્રબોધની એકાદશી આવી. તે દિવસે હમેશના મુજબ નિરાહારી રહી દશમસ્કંધનો પાઠ કરી ભગવાનનું પૂજન કર્યું. અને રાત્રીએ ભગવદ્ ગુણ સંકીર્તનની સાથે જાગરણ કર્યું.૩૨

 

નારાયણ ભગવાનનું દિવ્ય દર્શન :- જાગરણને અંતે બ્રાહ્મમુહૂર્તમાં દયાનિધિ ભગવાન શ્રીનારાયણે અચાનક પ્રસન્ન થઇ શતાનંદ વિપ્રને પોતાનું અતિ અદ્ભૂત દિવ્ય દર્શન કરાવ્યું, આવા દિવ્ય સ્વરૂપનું દર્શન ભગવાન જેને ઇચ્છે એવા અનન્ય નિષ્ઠાવાળા એકાંતિક ભક્તોને જ થાય છે.૩૩

 

એક સાથે ઉદય પામેલા અનેક સૂર્યના સરખી ઝળહળતી કાંતિવાળા, ઋષિરૂપ નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષને ધારી રહેલા, દ્વિભુજ, કિશોર-અવસ્થામાં રહેલા, તપસ્વી, નવીન મેઘની સમાન શ્યામ સુંદર શરીરવાળા અને શાંત સ્વરૂપ આવા ઇષ્ટદેવ શ્રીનારાયણનાં અચાનક દર્શન કરીને શતાનંદ વિપ્ર અતિશય વિસ્મય પામ્યા.૩૪

 

બદરિપતિ ભગવાન શ્રીનારાયણનાં સાક્ષાત્ દિવ્ય દર્શન થતાંની સાથે જ શતાનંદવિપ્ર તત્કાળ ઊભા થઇ પૃથ્વી પર પડી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. શરીર રોમાંચિત બન્યું અને બે હાથ જોડી ભગવાન શ્રીનરનારાયણની સ્તુતિ કરવા લાગ્યા.૩૫


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ કરેલ બદ્રિપતિ શ્રી નારાયણની આરાધનાનું નિરૂપણ કર્યું એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો. -૨-