અધ્યાય - ૧ - સુવ્રતમુનિ અને પ્રતાપસિંહ રાજાના સમાગમનું નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:02pm

અધ્યાય - ૧ - સુવ્રતમુનિ અને પ્રતાપસિંહ રાજાના સમાગમનું નિરૂપણ

મંગલાચરણ, દિવ્ય મૂર્તિ. દિવ્યમૂર્તિ એજ આ પ્રત્યક્ષ મંગળમૂર્તિ, ગણપતિ વંદના, ગ્રંથ ગૌરવ, વક્તા સુવ્રતમુનિનું જીવન ચરિત્ર, વક્તાશ્રીની સાથે શ્રોતા પ્રતાપસિંહનું મિલન, સુવ્રતમુનિ અને પ્રતાપસિંહ રાજાનો સંવાદ.

 

અધ્યાય - ૧

 

મંગલાચરણ - આ ગ્રંથના પ્રારંભમાં શાસ્ત્રકર્તા સદ્ગુરુ શતાનંદ સ્વામી પોતાના ઇષ્ટદેવ પ્રત્યક્ષ પરમાત્મા શ્રીહરિને નમસ્કાર કરે છે.


જે અક્ષરધામના અધિપતિ, સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ છે, તે આ ધરતી ઉપર ધર્મદેવના ભુવનમાં સાક્ષાત્ પુત્રરૂપે પ્રગટ થયા અને જેમ સૂર્ય બહારના અંધકારનો નાશ કરે તેમ જનોના અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કર્યો છે. એવા નિરતિશય આનંદમૂર્તિ શ્રીકૃષ્ણ પરમાત્મા પ્રત્યક્ષ શ્રીહરિને હું પ્રણામ કરું છું. ૧


દિવ્ય મૂર્તિ :- તે પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામની અંદર દિવ્ય નરાકૃતિરૂપે એટલે કે સદા સાકાર સ્વરૂપે રહેલા છે. માયાના સત્વાદિ ગુણોથી પર, નિર્ગુણ છે. ઇન્દ્રિયોના માયિક વિકારોથી પર નિર્વિકારી છે. તે સત્યસ્વરૂપ ચૈતન્યસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. ૨
 

તે અનંતકોટી બ્રહ્માંડોના આધાર છે, તે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ આદિથી અમાપ હોવાથી અનંત છે, છતાં જીવાત્માઓનું કલ્યાણ કરવા સ્વયં દિવ્ય મનુષ્ય શરીરને ધાર્યું છે. ૩

 

તેમની આજ્ઞાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સમયે સમયે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. ૪

 

જગતની સૃષ્ટિ માટે તેમનામાંથી વાસુદેવ આદિ ચતુર્વ્યૂહ સ્વરૂપો પ્રગટ થાય છે. અને કેશવાદિ ચોવીશ ઇશ્વરો પ્રગટ થાય છે. ૫

 

તે વરાહ આદિ અવતારોને પણ ધારણ કરનારા છે. જેમનામાંથી હજાર મસ્તકધારી નારાયણ નામે વૈરાટપુરુષ પ્રગટ થાય છે. ૬


તેમનું સ્વરૂપ સત્ય, શૌચ આદિ નિત્ય તેમજ અસંખ્ય કલ્યાણકારી દિવ્ય સદ્ગુણોથી સુશોભિત છે. જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય (પરાક્રમ) અને તેજ આ છ ભગો અને અણિમા આદિક અષ્ટ સિધ્ધિઓ તેમની નિત્ય સેવા કરે છે. ૭

 

તેમની આજ્ઞાથી સૂર્ય તપે છે, વાયુ વાય છે, પૃથ્વી પાણીમાં ડૂબી નહીં જતાં સ્થિર રહી છે, અને કાળ ભયભીત બની ચરાચર વિશ્વનું સમયે સમયે ભક્ષણ કરે છે. ૮

 

એ પરમાત્મા શિવ, બ્રહ્મા આદિ દેવોના પણ દેવ છે. વૈરાજપુરુષાદિ ઇશ્વરોના પણ ઇશ્વર છે, કાળના પણ કાળ અને પ્રકૃતિપુરુષ વગેરે કારણરૂપ તત્ત્વોના પણ કારણ પ્રેરક છે. ૯


બ્રહ્માંડના કારણભૂત ચોવીશ તત્ત્વોના અભિમાની દેવતાઓ, સાવિત્રી આદિ અનંત શક્તિઓ, બ્રહ્મા, રૂદ્ર આદિ અનંત ઇશ્વરો આ પરમાત્માના ચરણની પૂજા કરે છે. ૧૦

 

મૂર્તિમાન ચાર વેદો એમની સ્તુતિ કરે છે. હજાર મુખવાળા શેષજી તેમજ સનકાદિક મુનિઓ એમનાં દિવ્ય ચરિત્રોનું હમેશાં ગાન કરે છે. એ પરમાત્મા ભક્તિરહિત મનુષ્યોનાં મન, વાણીને અગોચર છે (તેઓનાં મન, વાણીથી ભગવાન પકડાતા નથી.) એ સર્વજીવોના અંતર્યામી આત્મા પરમાત્મા છે. એ ક્ષર અક્ષરથી પણ પર છે. ૧૧

 

એ જ સાક્ષાત્ ભગવાન અત્યારે આ ભૂમંડલ ઉપર ''સ્વામિનારાયણ'' એવા નામથી પ્રસિદ્ધ છે. અને સર્વ મનુષ્યોના નયનગોચર વર્તે છે. તે ભગવાન શ્રીહરિ આ ગ્રંથ રચનામાં આવનાર વિઘ્નો થકી મારું રક્ષણ કરો. ૧૨


દિવ્યમૂર્તિ એજ આ પ્રત્યક્ષ મંગળમૂર્તિ :- સદાય આનંદના મહાસાગર તથા સંતોને આનંદ આપનારા, પૂર્ણિમાના ચંદ્રમાની સરખા મંદમંદ હાસ્યથી શોભતા સુંદર મુખકમળવાળા , વિકસેલા, કમળની પાંખડી સમાન સુંદર નેત્રોવાળા, અપાર કરુણાના સાગર, શરણે આવેલા જીવોને અતિ સુખ આપનારા એવા મહા કલ્યાણકારી મૂર્તિ શ્રીનારાયણમુનિ નામે પ્રસિદ્ધ શ્રીહરિ આ જગતમાં સર્વોપરીપણે વર્તે છે. ૧૩


અનંત પ્રકારના નિયમોનું નિરંતર અનુષ્ઠાન કરવામાં તત્પર રહેતા બ્રહ્મા, શિવ આદિ દેવતાઓનાં વૃંદો પણ જે બળવાન મનને પોતાના તપોબળથી જીતી શકવા સમર્થ નથી એ મહા બળવાન મનને શ્રીહરિ પોતાના ભક્તો પાસે તત્કાળ વશ કરાવી પોતાની મૂર્તિમાં જોડાવી આપે છે. એવા આ શ્રીહરિ મહાપ્રતાપી છે. એના આ પ્રતાપને નહીં જાણનારા અજ્ઞાની મનુષ્યો જેને પોતાના જેવા જ એક માણસ તરીકે જુવે છે, તે ભગવાન શ્રીહરિ મને આ ગ્રંથ રચવાની પરિપક્વ બુદ્ધિ આપો. ૧૪

 

પ્રભુ, તમે જીવોના અપરાધને ક્ષમા આપનારા છો, ઇન્દ્રિયોનું દમન કરનારા છો, તેમજ "હું તો એક દિન સાધુ છું, પણ ભગવાન ક્યાં છું ?" એવાં મૃદુલ વચનોથી પોતાના નિત્યસિદ્ધ અતર્ક્ય અમાપ ઐશ્વર્યને ઢાંકીને મનુષ્યલીલાનો વિસ્તાર કરતા વર્તો છો, ગુરુરૂપે વર્તી પોતાના આશ્રિત વર્ગનું હિત ચિંતવન કરો છો, સદાય શ્વેત વસ્ત્રધારી છો, તમારી કીર્તિ સમુદ્ર પર્યંત ગવાઇ રહી છે, એવા અને હૃદય કમળમાં નિત્ય ધ્યાન કરવા યોગ્ય મૂર્તિવાળા, ષડ્ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ તમારા ચરણોમાં હું વંદન કરું છું. ૧૫


ગણપતિ વંદના :-ઇચ્છિત મનોરથોને સફળ કરનારા, પોતાનું સ્મરણ કરનાર જનોના વિઘ્નોના સમુદાયોનો વિનાશ કરવામાં સમર્થ, તેમજ ભગવાન શ્રીકૃષ્ણના અંશાવતાર, સિધ્ધિ અને બુધ્ધિ સ્વરૂપા પત્નીઓએ સહિત ગણપતિ દેવ, આપને હું વંદન કરું છું. આપ આ ગ્રંથ રચનામાં મારા શ્રેયકારી બનો. ૧૬


ગ્રંથ ગૌરવ :-ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિની આજ્ઞાથી હું શતાનંદમુનિ આ સત્સંગિજીવન ગ્રંથની રચના કરું છું. રમણીય આ ગ્રંથ મારા પ્રત્યક્ષ જોયેલાં શ્રીહરિનાં લીલાચરિત્રરસથી સભર છે. શ્રીહરિને માન્ય આઠ સત્શાસ્ત્રના સારરૂપ છે, આ ગ્રંથમાં સમગ્ર વેદોના સારભૂત એકાંતિક ધર્મનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલું છે. જે એકાંતિક ધર્મના અનુષ્ઠાનથી જીવાત્માઓને તાત્કાલિક ભવબંધનમાંથી મુક્તિ મળતાં આત્યંતિક મોક્ષ થાય છે. ૧૭

 

સકલ લોકના ગુરુ અને મુમુક્ષુ જીવોના આત્મબંધુ પ્રત્યક્ષ શ્રીહરિ પોતાની ઇચ્છાથી આલોકમાંથી અંતર્ધાન થયા પછી મનુષ્યોને શીઘ્ર ભવસાગર પાર કરવા માટે આ સત્સંગિજીવન ગ્રંથ જ એક નૌકારૂપ છે. ૧૮

 

પૃથ્વી પર સ્વેચ્છાથી મનુષ્ય શરીર ધારણ કરનારા, અમૃત તેમજ દિવ્યસ્વરૂપ એવા ધર્મપુત્ર શ્રીહરિનાં સમગ્ર લીલાચરિત્રરૂપ રસ પોતાના આશ્રિત સત્સંગીઓને માટે પરમ જીવન છે. અને તેથી જ આ લીલારસનું આ ગ્રંથમાં સારી રીતે વર્ણન કરેલું છે, એટલા માટે હે રસિક ભક્તો ! તમે આ લીલારસનું પરમ આદરથી અવશ્ય પાન કર્યા જ કરો. ૧૯


આ સત્સંગિજીવન શાસ્ત્ર જેમનાં અનંત જન્મનાં પુણ્ય ઉદય થયાં હોય તેનેજ પ્રાપ્ત થાય છે, પણ બીજાને પ્રાપ્ત થતું નથી. અત્યંત પવિત્ર એવું આ ધર્મશાસ્ત્ર છે. શ્રોતા અને વક્તા બન્નેને પવિત્ર કરનારું આ શાસ્ત્ર નિત્ય નિર્દોષ છે. સર્વે અન્ય શાસ્ત્રો કરતાં સર્વોપરી વર્તે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત ભગવદ્ ભક્તિરસથી ભરપૂર છે. આ શાસ્ત્ર સત્પુરુષોએ નિત્ય સેવન કરવા યોગ્ય છે. આ શાસ્ત્ર સંસારી મનુષ્યોના પાપના સમૂહોને બાળી નાખનાર છે. તેમજ કલિયુગના કામ, ક્રોધાદિ દોષોરૂપ મળને ધોઇ નાખનાર છે. આ શાસ્ત્ર બુદ્ધિની જડતારૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન છે. આવા અપાર મહિમાવાળું આ ધર્મશાસ્ત્ર છે. ૨૦

 

આ શાસ્ત્રમાં વર્ણાશ્રમાદિ ધર્મનાં બધાં જ અંગોનો સુંદર નિર્ણય કરવામાં આવ્યો છે. આ શાસ્ત્ર વેદાદિ આઠશાસ્ત્રોના સિદ્ધાંતોની વિરોધાભાસરૂપી ભ્રમણાઓને દૂર કરનાર છે. આ શાસ્ત્ર ઇચ્છિત મનોરથો પૂર્ણ કરનાર હોવાથી સર્વોત્તમ છે. તેમજ સાંભળવા માત્રથી ભગવદ્ ભક્તોનાં મન અને કાનને આનંદ ઉપજાવે છે. ૨૧

 

આ શાસ્ત્ર સાંભળવા માત્રથી હૃદયમાંથી વિવિધ સંશયો રૂપી શલ્યો બહાર કાઢી નાખે છે. કુબુદ્ધિને હરી લે છે. કામ ક્રોધાદિક અંતઃશત્રુઓના ભયને દૂર કરે છે. તેમજ કવિજનોના આભૂષણરૂપ હોવાથી આ સત્સંગિજીવન શાસ્ત્ર સર્વોપરી વર્તે છે. ૨૨


વક્તા સુવ્રતમુનિનું જીવન ચરિત્રઃ-આ પૃથ્વી પર ભારતદેશને વિષે કુરુક્ષેત્ર નામનું પાવનકારી પ્રસિદ્ધ પવિત્ર તીર્થ આવેલું છે. આ તીર્થ ધર્મની અભિવૃદ્ધિ ઇચ્છતા બુદ્ધિશાળી મહાપુરુષોએ સેવવા યોગ્ય છે. ૨૩

 

આ પવિત્ર તીર્થ ભૂમિમાં સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શાંતિ આદિ સદ્ગુણોથી સુશોભિત, શ્રીહરિના એકાંતિક ભક્ત બ્રહ્મર્ષિ સુવ્રતમુનિ નિવાસ કરીને રહેતા હતા. ૨૪

 

તેમની ભક્તિથી વશ થયેલા ભગવાન સ્વયં તેમણે અર્પણ કરેલા પૂજાના સમગ્ર ઉપચારોને પ્રત્યક્ષ આવીને સ્વીકારતા હતા. ૨૫

 

તે ભગવાન શ્રીહરિની કૃપાથી સુવ્રતમુનિને ત્રણે કાળનું જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું. આ સુવ્રતમુનિને વિશુદ્ધબુદ્ધિવાળા કોઇક જ ભગવાનના ભક્તો ઓળખી શકતા હતા. ૨૬

 

એ સુવ્રતમુનિ આ પૃથ્વી ઉપરથી શ્રીહરિ જ્યારે સ્વેચ્છાએ અંતર્ધાન થયા ત્યારે ગુરુ શતાનંદમુનિ એવા મારી આજ્ઞાથી આ ભૂમિપર રહેલા અજ્ઞાની જનોને પ્રગટ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય દેખાડવા તીર્થોમાં વિચરી રહ્યા હતા. ૨૭

 

ફરતા ફરતા અહિંસા આદિ ધર્મોની સાથે તીર્થવિધિના નિયમોનું યથાર્થ પાલન કરતા સુવ્રતમુનિ કાશી, વૃંદાવન વગેરે તીર્થોમાં ફરીને પૂર્વે સમુદ્ર કિનારે ઓરીસાપ્રાંતમાં આવેલ તીર્થરાજ જગન્નાથપુરીમાં આવ્યા ૨૮ આ તીર્થમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તોને સાક્ષાત્ દર્શન આપે છે. શ્રીહરિના પ્રભાવથી અત્યંત પ્રભાવી બનેલા આ તીર્થસ્થાનની ઉપમા આપી શકાય તેવાં અન્ય કોઇ તીર્થો નથી. ૨૯

 

આ તીર્થભૂમિમાં પ્રતિદિન પાંચ વખત જગન્નાથ ભગવાનની પૂજા અર્ચનાનો મહાન ઉત્સવ ઉજવાય છે. ૩૦

 

પાવનકારી આ તીર્થનાં દર્શનથી સુવ્રતમુનિને અતિશય આનંદ થયો. અને પછી ત્યાંજ ચક્રતીર્થ નામના અતિ પવિત્ર સ્થળમાં નિવાસ કરીને રહ્યા. ૩૧

 

તેઓ સ્વધર્મનું પાલન કરતા અને શ્રીહરિની નવધા ભક્તિમય જીવન જીવતા, નિત્ય પાંચ વખત શ્રીજગન્નાથ ભગવાનનાં દર્શન કરતા હતા. ૩૨

 

તેઓ નિર્માની અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનારા સાધુપુરુષ હતા. તેમજ પોતાની સમીપે આવતા મુમુક્ષુઓને સ્વધર્મ અને પ્રત્યક્ષ શ્રીહરિકૃષ્ણભક્તિનો ઉપદેશ આપતા હતા.૩૩

 

વક્તાશ્રીની સાથે શ્રોતા પ્રતાપસિંહનું મિલનઃ- તે જગન્નાથપુરીમાં પ્રતાપસિંહ નામે ગુજરાતના ધર્મિષ્ઠ રાજા આવ્યા. પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છાથી તીવ્ર વૈરાગ્યના વેગે ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા હતા. ૩૪

 

તે ધાર્મિક અને ભગવાનના ભક્ત હતા. તેના અંતરમાં પ્રત્યક્ષ કૃષ્ણદર્શનની ઉત્કટ ઇચ્છા વર્તતી હતી. કોઇ પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરાવે તેવા સંતની શોધમાં તેઓ ત્યાંજ પવિત્ર જગન્નાથતીર્થમાં નિવાસ કરીને રહેલા હતા. ૩૫

 

ચક્રતીર્થમાં ફરતાં ફરતાં એક દિવસ તે પ્રતાપસિંહ રાજાએ દર્ભાસન ઉપર બેસી મુમુક્ષુઓને આદરપૂર્વક સાક્ષાત્ શ્રીહરિના મહિમાનો બોધ આપતા સુવ્રતમુનિને જોયા. ૩૬

 

તે મુનિ તપમાં નિષ્ઠાવાળા અને સ્વભાવે શાંત હતા. પોતાના સાધુના ધર્મમાં રહેલા, તેમનું બાહ્ય અને આંત્રિક જીવન અત્યંત પવિત્ર હતું. કોમળચિત્ત અને બ્રહ્મચર્યનું પાલન કરનારા હતા. સુખદુઃખ આદિ દ્વંદ્વોને સહન કરનારા ક્ષમાવાન હતા, સાક્ષાત્ ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં સમાધિની સ્થિતિરૂપ યોગસિદ્ધિને પામેલા હતા. ૩૭

 

તે આત્મા અનાત્માના યથાર્થ વિચારરૂપ વિવેક અને તીવ્ર વૈરાગ્યે યુક્ત હતા. કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. વિષમ દેશકાળમાં પણ પોતાના ધર્મમાં સ્થિરબુદ્ધિવાળા હતા. આત્મસ્વરૂપમાં અડગ નિષ્ઠાવાળા, સ્થિતપ્રજ્ઞા તે સુવ્રતમુનિ ભગવદ્ભક્તોમાં શ્રેષ્ઠ અને ભાગવતધર્મનો બોધ આપવામાં ચતુર હતા.૩૮

 

પ્રતાપસિંહ રાજા આવા સુવ્રતમુનિને સર્વસાધુગુણે સંપન્ન અને પૂર્ણકામ જાણી વિનયપૂર્વક તેમની સમીપે આવી સાષ્ટાંગ પ્રણામ કરી બન્ને હાથ જોડી કહેવા લાગ્યા.૩૯


હે મુનિવર્ય ! હું સાધુગુણે સંપન્ન એવા તમારે શરણે આવ્યો છું. એથી જે સાધન કરવાથી હું આ જન્મ મરણરૂપ સંસૃતિમાંથી મૂકાઇ જાઉં તેવો ઉપાય મને બતાવો.૪૦

 

આ પ્રમાણેનો પ્રતાપસિંહ રાજાનો વિનય પ્રશ્ન સાંભળી મુમુક્ષુ જનોને વહાલા સુવ્રતમુનિ બહુ પ્રસન્ન થયા અને રાજાને આદર આપી કહેવા લાગ્યા.૪૧


સુવ્રતમુનિ અને પ્રતાપસિંહ રાજાનો સંવાદ :- હે ભૂપ ! તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નમાંજ તમારું પોતાનું હિત રહેલું છે. સંસારના બંધનોમાંથી મુક્તિ મેળવવી એજ માનવ જન્મનું પરમ કર્તવ્ય છે.૪૨

 

હે રાજન્ ! જગન્નાથ સ્વરૂપે વિરાજતા આ ભગવાન શ્રીકૃષ્ણની નવધા ભક્તિ કરો. તે ભક્તિ કરવાથી જ તમને ઇચ્છિત આત્યંતિક મુક્તિ પ્રાપ્ત થશે.૪૩


આ પ્રમાણેનાં સુવ્રતમુનિનાં વચનોને રાજા મસ્તક ઉપર ચડાવી તે જ પ્રમાણે વર્તવા લાગ્યા અને તેમનો દરરોજ નિષ્કામભાવે સમાગમ કરવા લાગ્યા.૪૪

 

આ રીતે શ્રીકૃષ્ણ પરમાત્માનું ભજન કરતા પ્રતાપસિંહ રાજાની બુદ્ધિ વિશુદ્ધ થઈ ગઇ અને મુનિની સામે આવી બેઠેલા સાક્ષાત્ શ્રીકૃષ્ણની સેવાપૂજા મુનિ કરે છે એવાં તેમને દર્શન થયાં.૪૫

 

આવા પ્રકારની અનુભૂતિ થવાથી સુવ્રતમુનિને બે હાથ જોડી રાજા કહેવા લાગ્યા કે હે મુનિ ! તમે પ્રગટપણે શ્રીકૃષ્ણ પરમાત્માની સેવા પૂજા કરો છો તેવી મને અનુભૂતિ થાય છે.૪૬

 

તમારાં સામાન્ય મનુષ્યોથી વિલક્ષણ ચિહ્નો જોતાં મને એવી પ્રતીતિ થાય છે કે પ્રત્યક્ષ પરમાત્મા તમારી સાથે બોલે છે. અને તમે અર્પણ કરેલ નૈવેદ્ય પણ આરોગે છે.૪૭

 

હે બ્રહ્મન્ ! તમે પ્રત્યક્ષ પરમાત્માના ઉપાસક છો અને શરણે આવેલા મુમુક્ષુના સંસૃતિબંધનને તોડવા સમર્થ છો. એટલે તમારે શરણે આવેલા મારા ઉપર અનુગ્રહ કરો.જેણે કરીને હું પણ તે કાળમાયા આદિના નિયામક એવા સાક્ષાત્ શ્રીકૃષ્ણ પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન કરી શકું.૪૮

 

આ પ્રમાણેનાં પ્રતાપસિંહ રાજાનાં વચનો સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા સુવ્રતમુનિ રાજાને કહેવા લાગ્યા, હે નૃપ ! મનુષ્યોને પ્રત્યક્ષ પરમાત્મા શ્રીકૃષ્ણનાં દર્શન થવાં અતિ દૂર્લભ છે. ૪૯

 

પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન માટે તો મોટા મોટા ચક્રવર્તી રાજાઓએ પણ રાજ્યનો ત્યાગ કર્યો છે, ઘરબારનો ત્યાગ કર્યો છે. સત્ અસત્નો વિવેક પ્રાપ્ત કરી ઉગ્ર તપશ્ચર્યા પણ કરી છે. ૫૦

 

પ્રત્યક્ષ પરમાત્માની પ્રસન્નતા એજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ સાધનોનું ઉત્તમ ફળ છે. એમ નારદાદિ સંતોએ કહેલું છે. ૫૧

 

તેમ છતાં ભગવાન જ્યારે પોતાની ઇચ્છાથી ભાગવતધર્મનું અને સત્પુરુષોનું રક્ષણ કરવા તેમજ તેમના દ્રોહી અસુરોનો વિનાશ કરવા પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે સર્વે જનોને પ્રત્યક્ષ દર્શન થાય છે. ૫૨

 

મનુષ્યાકૃતિમાં રહેલા એ પ્રત્યક્ષ ભગવાન સર્વેને દેખાતા હોવા છતાં 'આ ભગવાન જ છે.' આવા પ્રકારનું જ્ઞાન તો કોઇ તેના એકાંતિક ભક્તોના સમાગમવાળા વિરલાઓને જ થાય છે, પણ સર્વેને થતું નથી. ૫૩

 

તે પરમાત્મા શ્રીકૃષ્ણ તો હાલ આ પૃથ્વી ઉપર ઉત્તર કૌશળ દેશમાં સરવરીયા બ્રાહ્મણ કુળમાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી પ્રગટ થઇને 'હરિ' એવા નામથી સર્વત્ર પ્રસિદ્ધ પામ્યા છે. ૫૪

 

હે રાજન્ ! તે પ્રત્યક્ષ શ્રીહરિનું મને મિલન થયું છે. અને તેણે મારા ઉપર મોટો અનુગ્રહ પણ કર્યો છે. તેથી હું મારી નજર સમક્ષ તેમનાં પ્રત્યક્ષ દર્શન હમેશાં કરું છું. ૫૫

 

મનુષ્યોનું મંગળ કરનાર પ્રત્યક્ષ એ શ્રીહરિ ટુંક સમયમાં જ પોતાના ભક્તજનોની ચિત્તવૃત્તિ પોતાની મૂર્તિમાં ખેંચીને અંતર્ધાન થઇ ગયા છે. ૫૬

 

ત્યાર પછી હું જડભરતની જેમ વિચરણ કરતો કરતો મારા ગુરુદેવ શતાનંદમુનિની આજ્ઞાથી મુમુક્ષુ જનોની આગળ તે ભગવાન શ્રીહરિનાં મહિમાસભર ચરિત્રોનું ગાન કરતો કરતો આ ભૂમિ ઉપર તીર્થાટન કરવાના બહાને વિચરું છું. ૫૭

 

આ પ્રમાણેના સુવ્રતમુનિના વચનો સાંભળી વિશુદ્ધમતિવાળા તે પ્રતાપસિંહ રાજાનું મન અતિશય પ્રસન્ન થયું. બે હાથ જોડી મુનિને નમસ્કાર કરી ફરી કહેવા લાગ્યા. ૫૮

 

પ્રતાપસિંહ રાજા કહે છે, હે બ્રહ્મન્ ! હું અતિશય ભાગ્યશાળી છું, મારો જન્મ આજે સફળ થયો. કારણ કે દેવતાઓન દુર્લભ એવો આપનો સમાગમ મને મળ્યો છે. ૫૯

 

કરૂણારસથી ભરપુર અને પૂર્ણકામ એવા આપના જેવા સંતો મુમુક્ષુ જીવાત્માઓને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ કરાવી આપવારૂપ અનુગ્રહને અર્થે જ આ ભૂમિ ઉપર વિચરણ કરે છે. ૬૦

 

એટલા માટે હે બ્રહ્મન્ ! તે ધર્મ ભક્તિ થકી પ્રગટેલા ભગવાન શ્રીહરિનાં સમગ્ર ચરિત્રો જે તમે જોયાં હોય અને સાંભળ્યાં હોય તે ધ્યાન કરીને મને સંભળાવો. ૬૧

 

એ સમર્થ ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર જે રીતે પ્રગટ થયા અને જે જે લીલા ચરિત્રોનો વિસ્તાર કર્યો તે સમગ્ર ચરિત્રો સાંભળવાની મારા મનમાં તીવ્ર ઇચ્છા થઇ છે, તેમજ તે ચરિત્રો સાંભળવા મારું મન એકાગ્ર બન્યું છે, માટે મને સંભળાવો. ૬૨

 

ભગવાનનાં ચરિત્રો સાંભળવામાં શ્રદ્ધાવાળા પ્રતાપસિંહ રાજાએ પોતાના આત્મકલ્યાણ માટે પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનાં ચરિત્રો સાંભળવા સંબંધી પ્રશ્ન કર્યો, તેથી સુવ્રત મુનિ બહુજ પ્રસન્ન થયા અને પોતાના ગુરુ શતાનંદમુનિ પાસેથી જે રીતે સાંભળ્યાં હતાં તે સમગ્ર ચરિત્રો પ્રસન્ન મને પ્રતાપસિંહ રાજાને સંભળાવવા લાગ્યા. ૬૩


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં સુવ્રતમુનિ અને પ્રતાપસિંહ રાજાના સમાગમનું નિરૂપણ કર્યું એ નામે પહેલો અધ્યાય પૂર્ણ થયો. -- ૧ --