૧૭ દાવાનળનું પાન કરતા ભગવાન.

Submitted by swaminarayanworld on Mon, 16/11/2015 - 5:00pm

અધ્યાય ૧૭

દાવાનળનું પાન કરતા ભગવાન.

પરીક્ષિત રાજા પુછે છે- રમણક દ્વીપ કે જે નાગલોકોનું સ્થાન છે, તેને કાલિય નાગે શા માટે છોડ્યો હતો ? અને તે એકલાએ ગરુડજીનું શું અપ્રિય કર્યું હતું ?  ૧

શુકદેવજી કહે છે- હે રાજા ! પહેલાના સમયમાં માતાના વેરને લીધે ગરુડ હમેશાં ઘણા સર્પો મારી ખાતો. તેથી વાસુકિ વગેરે સર્પો ભયભીત થઇને બ્રહ્માને શરણે ગયા. બ્રહ્માએ ગરુડને બોલાવી પરસ્પર સંધી કરાવીને ઠરાવ્યું, કે સર્પોએ નિયમપૂર્વક ગરુડને બલિદાન આપવું. અમાવાસ્યાના દિવસે એક ઝાડ નીચે સર્પોએ ગરુડનું બલિદાન મૂકી આવવું. તે ખાઇને ગરૂડે બીજા સર્પોને હેરાન કરવા નહિ. આવો ઠરાવ થવાથી દરેક મહિને સર્પો પોતપોતાનું બલિદાન ગરુડજીને આપી જતા હતા. ૨-૩ ઝેર અને બળના મદથી છકેલો કદ્રુનો પુત્ર કાલી ગરુડને નહિ ગણકારીને પોતે તે બલિદાન ખાઇ જવા લાગ્યો. એ વાત સાંભળી મોટા વેગવાળા અને ભગવાનને પ્રિય ગરુડજી કાલીય નાગને મારી નાખવા સારુ દોડ્યા.૪-૫ એ સમયે ગરુડજીની સામે ઝેરરૂપી આયુધવાળો કાલીનાગ પોતાનાં અનેક માથાં ઊંચાં કરીને વેગથી દોડીને ગરુડજીને કરડ્યો.૬  ભગવાનના આસનરૂપ અને પ્રચંડ વેગ તથા ઉગ્ર પરાક્રમવાળા ગરુડજીએ ક્રોધથી તેને પોતાના શરીરથી ઝાટકીને ફેંકી દીધો અને પછી સોના જેવી કાંતિવાળી પોતાની ડાબી પાંખથી પ્રહાર કર્યો.૭  પાંખના પ્રહારથી બહુજ વિહ્વળ થયેલો નાગ, યમુનાજીનો ઊંડો ધરો કે જેમાં ગરુડજી જઇ શકે તેમ ન હતું તેમાં પેસી ગયો.૮  પૂર્વે ભૂખ્યા થયેલા ગરુડજીએ, એ યમુનાજીના ધરામાંથી સૌભરિઋષિએ વાર્યા છતાં બળાત્કારથી પોતાના પ્રિય ભક્ષ્યરૂપ એક મોટા મત્સ્યને ઉપાડ્યો હતો. ૯ માછલાંઓનો અધિપતિ મરી જતાં બીજાં માછલાંઓને દુઃખ પામેલાં જોઇ દયાથી તે ધરામાં રહેનારાઓને સુખી કરવા સારુ સૌભરિઋષિ બોલ્યા હતા કે ‘‘ગરુડ અહીં આવીને માછલાંઓને ખાઇ જાય છે. માટે હવે પછી જો અહીં આવશે તો તેના પ્રાણ જતા રહેશે. આ વાત હું સત્ય કહું છું’’.૧૦-૧૧ આ વાતને કેવળ કાલિય જાણતો હતો, બીજો કોઇ સર્પ જાણતો ન હતો. એ કારણથી ગરુડથી ભય પામેલો કાળીનાગ એ ધરામાં રહ્યો હતો તેને ભગવાને કાઢ્યો.૧૨ ધરામાંથી નીકળેલા, મોટા મણિઓના સમૂહથી વ્યાપ્ત, સુવર્ણથી શણગારેલા અને જેણે દિવ્યમાળા, ચંદન અને વસ્ત્ર ધર્યાં હતાં એવા ભગવાનને આવ્યા જોઇને, પ્રાણ આવતાં ઇંદ્રિયો જેમ ઊઠે તેમ ઊઠેલા અને આનંદથી પૂર્ણ ચિત્તવાળા થયેલા સર્વે ગોવાળો પ્રીતિથી તેમનું આલિંગન કરવા લાગ્યા.૧૩-૧૪ હે રાજા ! યશોદા, રોહિણી, નંદ, ગોપીઓ અને ગોવાળો એ સર્વેને, ભગવાન મળવાથી શરીરનું ભાન આવ્યું અને મનોરથ પૂર્ણ થયા.૧૫  ભગવાનના પ્રભાવને જાણનાર બળભદ્ર ભગવાનનું આલિંગન કરીને હસ્યા. અને વૃક્ષ, ગાયો, સાંઢ તથા વાછરડાંઓ પરમ આનંદ પામ્યાં.૧૬ ગોવાળોના કુલગુરુ બ્રાહ્મણોએ પોતાની સ્ત્રીઓ સહિત આવીને નંદરાયને કહ્યું કે- ‘‘કાલીનાગે ગળેલો તમારો પુત્ર છૂટ્યો એ ઘણું સારું થયું.૧૭ તો હવે તેનો છુટકારો થયો તે કારણથી બ્રાહ્મણોને દાન આપો.’’ હે રાજા ! તે સમયે રાજી થયેલા નંદરાયે ગાયો અને સુવર્ણનાં દાન દીધાં. ૧૮ મહાભાગ્યશાળી અને જેની પ્રજા નાશ પામ્યા જેવી થઇને પાછી મળી, એવાં સતી યશોદાએ પુત્રનું આલિંગન કરી, ખોળામાં બેસાડી, વારંવાર આનંદના આંસુ વરસાવ્યાં.૧૯ હે રાજા ! ભૂખ તરસ અને પરિશ્રમથી દુઃખી થયેલાં વ્રજવાસીઓ અને ગાયો યમુનાજીના કાંઠે જ તે રાત્રી રહી ગયાં.૨૦ એ સમયમાં ગ્રીષ્મ ઋતુને લીધે વનમાંથી ઉત્પન્ન થયેલો દાવાગ્નિ મધરાતે સૂતેલા વ્રજને ચારે કોરથી ઘેરી લઇને બાળવા લાગ્યો.૨૧ તેથી બળવા લાગેલાં અને સંભ્રમ પામેલાં વ્રજવાસીઓ ઊઠીને શ્રીકૃષ્ણને શરણે ગયાં અને બોલ્યાં કે- હે કૃષ્ણ ! હે અપાર પરાક્રમવાળા ! આ અત્યંત ભયંકર અગ્નિ તમારા સેવક એવા અમોને બાળે છે.૨૨-૨૩ હે પ્રભુ ! અમારું કાળાગ્નિથી રક્ષણ કરો. અમો મરણથી ડરતાં નથી પણ આપના નિર્ભય ચરણારવિંદનો ત્યાગ કરી શકતાં નથી, તેથી શરણે આવ્યાં છીએ. ૨૪  જગતના ઇશ્વર અને અનંતશક્તિને ધારણ કરનાર ભગવાન આ પ્રમાણે પોતાના સંબંધીઓની વિહ્વળતા જોઇને તે તીવ્ર અગ્નિને પી ગયા. ૨૫

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ.