પ્રાત થયું પંખી બોલ્યાં, જાગો જીવન મારા; (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 5:27pm

 

રાગ : પ્રભાતી

 

પદ - ૧

પ્રાત થયું પંખી બોલ્યાં, જાગો જીવન મારા;

આળસડું મેલીને ઉઠો, મોહન પ્રાણ થકી પ્યારા. પ્રાત૦ ૧

મહી વલોવા ધેનું દોવા, ઉઠી મહીયારી;

માવ તમારૂં મુખડું જોવા, આવી ઉભી બા’રી. પ્રાત૦ ૨

કોમળ દાતણ તૈયાર કરીને, લાવીને ધરીયું; ટેક.

કંચન કેરી ઝારીમાં જળ, જમુનાનું ભરીયું. પ્રાત૦ ૩

ઝાઝું માખણ જમવા આપું, ઘૃત સાકરને પોળી;

બ્રહ્માનંદના નાથ ઉઠો, જાઉં મુખ ઉપર ઘોળી. પ્રાત૦ ૪

 

પદ - ૨

જાગો જાગો જગજીવન વહાલા, ગુણિયલ ગિરિધારી;

દાસ તમારાં દર્શન કાજે, તલસે નરનારી. જાગો૦ ૧

રાત ગઇ પરભાત થયું, દીસે રવિનું અંજવાળું;

ઉઠોને અલબેલા મુખડું, ભાવેથી ભાળું. જાગો૦ ૨

ગિરિધરજી ગોઠીડા આવ્યા, સૌ થઇને ભેળા;

ઠાવકી મારા નાથ થઇ, ગાયો ચાર્યાની વેળા. જાગો૦ ૩

મહિયારી ઘર કામ મેલીને, આવી ઉભી બારણીયે;

બ્રહ્માનંદના નાથ ઉઠો, જાઉં વાલમ વારણીએ. જાગો૦ ૪

 

પદ - ૩

ઉઠોને અલબેલા પ્રીતમ, મોહન વનમાળી;

માનનીયુનાં મન હરવા, વાઓ વંસી રૂપાળી. ઉઠો૦ ૧

મહીડાં લઇ મહીયારી ચાલી, પોઢેલા જાણી;

લાલજી રોકી દાણ લીયો, મારા ડોલરીયા દાણી. ઉઠો૦ ૨

સૂરજ ઉગ્યે શ્યામળીયા, એવી નિદ્રા કેમ આવી;

કહાનજી તારે કારણે, કાજું દાતણીયું લાવી. ઉઠો૦ ૩

રેણ ગઇ રવિ જ્યોત થઇ, છુટ્યા ગાયોના ગાળા;

બ્રહ્માનંદના નાથ આવ્યા, સર્વે તેડવા ગોવાળા. ઉઠો૦ ૪

 

પદ - ૪

પ્રાણ જીવન શું પોઢી રહ્યા, ઉઠો આળસડું મોડી;

મુખડું જોવા મુનિવર આવ્યા, ઉભા કર જોડી. પ્રાણ૦ ૧

દોણું વલોણું મેલીને સર્વે, આવી વ્રજનારી;

મોરલડી સુણવાની મનમાં, આશા છે ભારી. પ્રાણ૦ ૨

રૂપાળો શીર બાંધો રેંટો, ગૂઢે રંગ ઘેરો;

અજબ સુરંગી આંગલડી, પ્યારા મોહનજી પેરો. પ્રાણ૦ ૩

બાજુ કાજુ બેરખડા ધરો, હેમ કડાં હાથે;

બ્રહ્માનંદ વારી જાય, તારી મૂરતિને માથે. પ્રાણ૦ ૪

Facebook Comments