વાલા ભોજનિયાં બહુ ભાત, જમો ગિરધારી રે,

Submitted by swaminarayanworld on Thu, 19/04/2012 - 12:00am

 

રાગ - સામેરી

વાલા ભોજનિયાં બહુ ભાત, જમો ગિરધારી રે,

તમને જોવા કારણ આજ, આવી વ્રજનારી રે,

સોના કેરો પાટલો રે, સોના કેરો થાળ,

જળ જમુનાનાં નીરની, ઝારી ભરી મૂકી  તતકાળ. જમો૦ ૧

ઘેબર બહુ ઘીમાં કર્યાં રે, લાડુ સાકરના સાર,

સેવ સુંવાળી લાપસી, માંય ઘી ઘુંણીયલ ધાર. જમો૦ ૨

બરફી પડા ને મોતિયા રે, જલેબી જગદીશ,

સુતરફેણી શ્યામળા, કરી દળી ઝીણે અતિ પીશ. જમો૦ ૩

દુધપાક ને પુરીઓ રે, માલપુડા મેસુબ,

કેળાં સાકર રસ રોટલી, આરોગો આજ હરિ ખૂબ. જમો૦ ૪

ભજીયાં વડાં ને રાયતા રે, વાલોળ ને વંતાક,

કંકોડાં કારેલડાં, છમકાર્યાં સલુણાં શાક. જમો૦ ૫

ટડોરાં ને  તુરિયાં રે, ગલકાં પરવળ પરબ્રહ્મ,

તુવેરની  તમ કારણે, વાલા દાળ કરી છે નરમ. જમો૦ ૬

વડી કડી સર્વે શાકમાં રે, વઘાર્યા વાલમ,

આરોગો અલબેલડા, શરમ રાખો  તો મારા સમ. જમો૦ ૭

નૈયા સુરણનું શાક મ રે, કીધું  તમારે કાજ,

ફુલવડી ફળી ગ્વારની રે,  તળી ઘીમાં મ મહારાજ. જમો૦ ૮

ભાજી ભૂધર બહુ ભાતની રે, અથાણાં અપાર,

દુધ ભાતમાંય ધોબલે, નાખું સાકર વારંવાર. જમો૦ ૯

તાૃપ્ત થઈ ચળુ કરો રે, આત્માના આધાર,

પે’રાવું અતિ  પ્રીતશું, ચંપા ચમેલીના હાર. જમો૦ ૧૦

લવિંગ સોપારી ને એલચીરે, કાથો ચુનો ને પાન,

ત્યાગાનંદના વાલમા, મુખવાસ કરો ભગવાન. જમો૦ ૧૧