છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ, ભાવે કરી ભક્તિ ધરમને ધામ (૫)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 1:11pm
રાગ માલીગાડો
પદ - ૧
છપૈયે પ્રગટ થયા ઘનશ્યામ, ભાવે કરી ભક્તિ ધરમને ધામ. છપૈ.
સંવત્ અઢાર સાડત્રિશો સાલ, ચૈત્ર સુદિ નવમી રૂડો સોમવાર;
દશ ઘડી રાત્રે થયો અવતાર. છપૈયે. ૧
ભવ બ્રહ્મા દેવ આવ્યા તિયાં દોડી, કરે ઘણી વિનંતી બેઊ કર જોડી;
ભલે આવ્યા ઊધ્ધારવા જન ક્રોડી. છપૈયે. ૨
વાજે ઘણાં દેવનાં વાજાં ગગન, કરે સુર પુષ્પની વૃષ્ટિ સઘન;
નાચે અપસરા થઈને મગન. છપૈયે. ૩
નૃત્ય કરી નારદ વિણા બજાવે, સિધ્ધ ચારણ ગાંધર્વ તે ગુણ ગાવે;
દાસ બદ્રિનાથ બલિહારી જાવે. છપૈયે. ૪
પદ - ૨
છપૈયે આનંદ વાધ્યો અપાર,
વાજે ઘણાં વાજાં ધરમને દ્વાર. છપૈયે.
છપૈયાની માનની મંગળ ગાવે, શણગાર સારા શરીરે બનાવે;
ગુણ ગાતી ગાતી ધરમ ઘેર જાવે. છપૈયે. ૧
શ્યામ મુખ જોઈને અતિ સુખ પાવે, માઘે મુલે મોતીડે કરી વધાવે;
વારે વારે વાલાને વારણે જાવે. છપૈયે. ૨
ખમાં ખમાં ઘણું જીવો ઘનશ્યામ, કરો તમે રક્ષા અમારી અકામ;
એમ કહી રમાડે છે આઠું જામ. છપૈયે. ૩
જયજયકાર થયો ત્રિભુવન, છપૈયામાં લીલા કરે છે જીવન;
દાસ બદ્રિનાથ કહે ધન્ય ધન્ય. છપૈયે. ૪
 
પદ - ૩
વાલમજી જીવો ઘણું ઘનશ્યામ,
પ્રેમવતી જોઈ જીવે આઠું જામ. વાલમજી.
માતા પિતા પ્રિત કરીને બોલાવે, વિધવિધ ભોજન ભાવે જમાડે;
બહુ રૂડાં વસ્ત્ર ઘરેણાં પહેરાવે. વાલમજી. ૧
શોભે ઘણી સુંથણલી બુટ્ટાદાર, હિરના ચિર ઝમકે સોનેરી તાર;
અંગરખી અંગમાં ઓપતી અપાર. વાલમજી. ૨
માતાજીએ ટોપી પહેરાવી છે માથ, પોંચી કડાં હેમ જડાવનાં હાથ;
મંદ મંદ મુખે હસે દીનોનાથ. વાલમજી. ૩
કંઠે કંઠી મોતીમાળા હેમહાર, પાયે તોડા ઝાંઝરનો ઝમકાર;
જોઈ બદ્રિનાથ જાયે બલિહાર. વાલમજી. ૪
 
પદ - ૪
પાતળીયો પ્રાણ થકી સૌને પ્યારો.
બાલમળી ખેલાવે ધર્મદુલારો. પાતળીયો.
સખા મળી શ્યામને લઈ ગયા વન, અતિ ઘણું ઝાડે કરીને સઘન;
તેમાં એક આંબો છે દૈયો પાવન. પાતળી. ૧
જમ્યા તેનાં ફળ કરીને હુલ્લાસ, સખા સંગે શ્યામ કરે બહુ હાસ;
આવ્યો કાળિદત્ત તેનો કર્યો નાશ. પાતળીયો. ૨
રમ્યા જીયાં આંબલી પિપલી શ્યામ, લાગ્યો ખાંપો સાથળમાં તેહ ઠામ;
પડ્યું તેનું ખાંપાતલાવડી નામ. પાતળીયો. ૩
કૂવો એક ભૂતિયો શોભા અપાર, કર્યો તેને ગંગા ગોમતીની હાર;
બદ્રિનાથ કહે નાય તે પામે પાર. પાતળીયો. ૪
 
પદ - ૫
શામળિયો ખેલ ખેલે સખા સાથ.
છપૈયામાં અનંત ભુવનનો નાથ. શામળિયો.
સખા સંગે નારાયણસર નાય, ડુબકી મારી જલમાંય સંતાય;
પુષ્પ વૃષ્ટિ કરે દેવ હરખાય. શામળિયો. ૧
એક દિન જાંબુડે ગયા ગોપાળ, પોતા સંગે લઈ નાના નાના બાળ;
આવ્યો મલ્લ તેને કર્યો બેહાલ. શામળિયો. ૨
ગાયું ગઊઘાટે ચારવાને જાય, બાલક્રીડા કરી વનફળ ખાય;
સખા સંગે નિત્યે નદીમાંય નાય. શામળિયો. ૩
એવી ઘણી લીલા કરે ઘનશ્યામ, જેહ જન સુંણે તેનાં થાય કામ;
                                                 દાસ બદ્રીનાથ રટે આઠું જામ. શામળિયો. ૪ 
Facebook Comments