ગઢડા અંત્ય ૩૭ : દરિદ્રપણામાં પણ ગમતી ચીજો સાંભરે તેનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:57am

ગઢડા અંત્ય ૩૭ : દરિદ્રપણામાં પણ ગમતી ચીજો સાંભરે તેનું

સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૩-ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ચાકળા ઉપર વિરાજમાન હતા. ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્‍યે એમ વાર્તા કરી જે, “જેને ભગવાનના સ્‍વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહિ. ત્‍યાં દૃષ્ટાંત છે – જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેસરી શાહુકાર હોય ને તેને પ્રારબ્‍ધાનુસારે તે અધિકાર છૂટી ગયો હોય ને દરિદ્રપણું આવી ગયું તેણે કરીને ખડધાન્‍ય ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠાં – બોરાં, બાફેલી પીપર્યો ઈત્‍યાદિક જેવું તેવું ખાવા મળે ત્‍યારે તેને ખાય પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્‍યવાળી ચીજો કોઈને ન મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભરી આવે ને મનમાં એમ ઘાટ કરે જે, ‘એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉ છું. એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્‍યારે તે સાંભરી આવે અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્‍યારે પણ તે જ ખાય, ત્‍યારે તેને શું સાંભરે ? તેમ જેણે ભગવાનના સ્‍વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્‍યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભારતો થકો જ સુખ-દુ:ખને પ્રારબ્‍ધાનુસારે ભોગવે, પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્‍યું નથી, ને તેનો અનુભવ થયો નથી, તે શું સંભારે? એ તો પશુ જેવો છે.

હવે તે ભગવાનનું જે સ્‍વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે, ‘ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ, મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે, તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્‍વરૂપમાં કાળનું સામથ્‍ર્યપણું નથી ચાલતું, એવા ભગવાન છે. ને ભગવાનના જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્‍યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ તે પુરૂષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વમાં શ્રેષ્‍ઠ છે ને એમને ઉપાસ્‍ય છે ને સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્‍યમૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે, ને ઘ્‍યેય છે અને એનું જે ઘ્‍યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે, એવું ભગવાનનું સ્‍વરૂપ છે. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિષે રહ્યા થકા જ અન્‍વયપણે અનેક બ્રહ્માંડને વિષે રહ્યા જે સર્વે જીવના સમૂહ, તેમને વિષે તેમના યથા યોગ્‍ય કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને સર્વ જીવના જીવન છે ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે, જેમ કોઈક સિદ્ધિવાળો પુરૂષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગકળાના સામથ્‍યર્ કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્‍નિ જે તે કાષ્‍ઠને વિષે ને પાષાણને વિષે રહ્યો છે તે અગ્‍નિનું સ્‍વરૂપ બીજી રીતનું છે ને કાષ્‍ઠ પાષાણનું સ્‍વરૂપ બીજી રીતનું છે. તેમ ભગવાન સર્વ જીવને વિષે રહ્યા છે, તે ભગવાનનું સ્‍વરૂપ બીજી રીતનું છે. ને તે જીવનું સ્‍વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્યે યુક્ત એવા જે એ ભગવાન, તે જ પોતે જીવોના કલ્‍યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે.’ તે ભગવાનના સ્‍વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભકિત કરી હોય ને તે જ્ઞાન-ભકિતના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય, તો તેની વિસ્‍મૃતિ કયારેય થાય નહિ. અને ગમે તેવું સુખ દુ:ખ પડે તો પણ તેને વિષે તે ભગવાનના સ્‍વરૂપના સુખનો જે અનુભવ તે વીસરી જાય નહિ. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વીસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારુ કરીએ છીએ ? તો આવો સત્‍સંગનો યોગ હમણાં તો છે, પણ કદાચિત્ દેશ, કાળ, પ્રારબ્‍ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્‍યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્‍યાણ થાય અને એને એવો દ્રઢ નિશ્વય હોય તો એને કયારેય એમ ન સમજાય જે, ‘મારું કયારેય અકલ્‍યાણ થશે’. અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે, કોઈક દિવસ બાહેર નીકળી જવાય ત્‍યારે આમ દેહે ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહું સારું થાય, માટે આ વાર્તા કરી છે.” || ઈતિ વચનામૃતમ્ ગઢડા અંત્‍યનું ||૩૭||૨૬૦||