ગઢડા અંત્ય ૩૦ : પાંચ વાર્તાના અનુસંધાનનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:52am

ગઢડા અંત્ય ૩૦ : પાંચ વાર્તાના અનુસંધાનનું

સંવત્ ૧૮૮૫ના પોષ શુદિ ૧૫ પુનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્‍યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય જે, એક ચૈતન્‍યના તેજનો રાશિ છે ને તેના અંત્યને વિષે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે, એવો દ્રઢ નિશ્વય હોય અને તે ભગવાનની ઉપાસના ભકિત કરતો હોય તે વાત ગમે. પણ કેવળ ચૈતન્‍ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચવિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્‍યવાન હોય ઈત્‍યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિદર્ંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારૂં મન રાજી થાય છે જે, એને શાબાશ છે જે એ આવી રીતે વર્તે છે.”

અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્‍યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્વય જણાય છે જે, આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે. ને સુખદુ:ખ, રાજીપો કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્‍ય કહ્યો અને બીજું એમ જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે, તે કરવું છે એવું નિરંતર અનુસંધાન રહે છે, અને ત્રીજું એમ જે, અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી ? અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્‍યારે તે તે વિષયની ક્રિયા તે કેમ થાય છે ? ત્‍યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે મુકતાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ? અને આની વાસના ટળી છે ને આની નથી ટળી એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે કયાંય જતું  રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે, મનને ઉદાસી ન કરવું કેમજે ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવદ્ભકિત કરે છે તો એ ઠીક છે. અને ભગવદ્ભકિતને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે મરી તો સર્વેને જવું છે પણ આવી રીતે ભકિત કરવી એ જ જીવ્‍યાનો મોટો લાભ છે, એમ નિરંતર અનુસંધાન રહે છે, એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમ-નારાયણ છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૩૦|| ૨૬૪ ||