વરતાલ ૧૨ : મહિમા સહિત નિશ્વયનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:43am

વરતાલ ૧૨ : મહિમા સહિત નિશ્વયનું

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદીતકિયે યુક્ત ઢોલિયો હતો તે ઉપર  વિરાજમાન હતા, અને  શ્વેત ખેસ પહેર્યો હતો ને માંહિલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી, અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને કંઠને વિષે ગુલાબના  પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દ્ષ્‍ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉધાડીને સર્વે હરિભક્તની સભા સામું કરૂણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આજ તો સર્વેને નિશ્વયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો જે અનંત કોટિ સૂર્ય,ચંદ્રમા ને અગ્‍નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રી પુરૂષોત્તમ ભગવાન સદા દિવ્‍ય મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્‍યાણને અર્થે પૃથ્‍વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે, ત્‍યારે તે ભગવાનના સ્‍વરૂપનો જેને સત્‍સમાગમે કરીને દ્રઢ નિશ્વય થાયછે તેનો જીવ બીજના  ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે, અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્‍યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્વય થયા મોર તો જીવ અમાવાસ્‍યાના ચંદ્રમાની પેઠે કળાએ રહિત ખદ્યોત જેવો હોય, પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્વયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્‍મા થાય છે. પછી એને ઈન્‍દ્રિયો અંત:કરણ નિશ્વયમાંથી ડગાવવાને સમર્થ નથી થતાં, અને પરમેશ્વરગમે તેવાં ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ  ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્વય હોય તે ભક્ત નિર્ભય થઈ ચુકયો, અને તે જ ભક્તને જો કયારેક અસત્ દેશ, અસત્ કાળ, અસત્ સંગ ને અસત્ શાસ્‍ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો, પણ પાછો અમાવાસ્‍યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને ઝાઝી નડતી નથી; પણ પરમેશ્વરનાં ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્‍યારે એ જીવ કલ્‍યાણના માર્ગમાંથી તત્‍કાળ પડી જાય છે. જેમ વૃક્ષનાં મૂળ કપાણાં ત્‍યારે તે વૃક્ષ  એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિષે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ  એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહિ, અને જેને નિશ્વયનું અંગ દુર્બળ હોય ને તે સત્‍સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે, શું જાણીએ મારૂં તે કલ્‍યાણ થશે કે નહિ થાય., અને હું જ્યારે મરીશ ત્‍યારે દેવતા થઈશ, કે રાજા થઈશ કે ભૂત થઈશ ?” જેને ભગવાનના સ્‍વરૂપનો પરિપૂર્ણ નિશ્વય ન હોય તેને એવા ઘાટ થાય, અને જેને પરિપૂર્ણ નિશ્વય હોય તે તો એમ સમજે જે મને તો ભગવાન મળ્‍યા તે દિવસથીજ મારૂં કલ્‍યાણ થઈ ચુકયું છે, અને જે મારૂં દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપથકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્વય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબડદાર થઈને રાખજ્યો.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ધન્‍ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા, એ માહાત્‍મ્‍યનું કીર્તન ગાવો.” પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજીમહારાજ બોલ્‍યાજે, “એવી રીતે શ્રીકૃષ્ણભગવાને પણ ભાગવતમાં કહ્યું છે જે:-

“અહો અમી દેવવરામરાર્ચિતં પારામ્‍બુજં તે સુમન:ફલાર્હણમ્ |

નમન્‍ત્‍યુપાદાય શિખાભિરાત્‍મનસ્‍તમોપહત્‍યૈ તરુજન્‍મ યત્‍કૃતમ્ ||”

એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્‍મ હોય તે પણ કૃતાર્થ થાય છે, માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું, અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્વય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો તે એને વચને કરીને કોઇ જીવનો ઉદ્ધાર થવાનો નહિ. જેમ રાજા હોય તે નપુંસક હોય ને  તેનું રાજ્ય જતું હોય, ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્‍ત્રીને પુત્ર થાય નહિ, અને સર્વે મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્‍ત્રીને સંગે રાખે તો પણ સ્‍ત્રીને પુત્ર થાય નહિ. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્વય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદ્ગ્રન્‍થ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્‍યાણ નથી થતું. અને વળી જેમ દુધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય. તેમ માહાત્‍મ્‍ય સહિત જે ભગવાનનો નિશ્વય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા, ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્‍યાણ થતું નથી એમાંથી તો મુળગું ભૂંડું થાય છે. ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૨|| ૨૧૨ ||