ગઢડા મઘ્ય ૪૪ : દૈવી – આસુરી જીવના લક્ષણ

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:49am

ગઢડા મઘ્ય ૪૪ : દૈવી – આસુરી જીવના લક્ષણ

સંવત્ ૧૮૮૦ ના પોષ સુદી ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને પુછયું જે, ”જ્યારે કોઇક હરિભક્તનો અવગુણ આવે ત્‍યારે મોરે જેટલા તેમાં દોષ સુઝતા હોય એટલા ને એટલા સુઝે કે કાંઇ વધુ સુઝે ?” પછી મુકતાનંદ સ્વામી બોલ્‍યા જે, “અટકળે તો એમ જણાય  છે જે મોરે સુઝતા એટલા ને એટલા સુઝે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ વાતમાં તમારી નજર પડી નહિ. એટલા ને એટલા અવગુણ સુઝતા હોય તો અવગુણ આવ્‍યો એમ કેમ કહેવાય ? માટે એતો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઇને બીજી રીતની જ થઇ જાય છે. તેણે કરીને અવગુણ વધુ સુઝે છે. ત્‍યારે એમ જાણવું જે, ‘બુદ્ધિને વિષે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્‍યું છે.’ અને અમે તો એમ જાણીએ છીએ જે, ‘જેને પૂર્વે મોટા પુરૂષનો સંગ હશે, અથવા ભગવાનનું દર્શન થયું હશે, તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ.’ અને એવાં જેનાં લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ, અને બીજા જે હરિભક્ત હોય તેને વિષે જ કેવળ અવગુણ ભાસે, એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો અને તે આસુરી જીવ સત્‍સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળનેમી, રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહિ. માટે પાકો હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સુઝે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહિ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૪|| ૧૭૭ ||