ગઢડા પ્રથમ – ૪૦ : સવિકલ્‍પ, નિર્વિકલ્‍પ સમાધિનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:04am

ગઢડા પ્રથમ – ૪૦ : સવિકલ્‍પ, નિર્વિકલ્‍પ સમાધિનું

સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૪ ચોથને દિવસે પ્રાત:કાળે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિષે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ! સવિકલ્‍પ સમાધિ તે કેને કહીએ, ને નિર્વિકલ્‍પ સમાધિ તે કેને કહીએ ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને ભગવાનના સ્‍વરૂપમાં સ્‍થ્‍િાતિ થઇ હોય તેને અસુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉ અથવા નરનારાયણના આશ્રમમાં જઇને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરૂં અથવા શ્વેતદ્વીપમાં જઇને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉ એવી રીતનો જેને વિકલ્‍પ રહેતો હોય તેને સવિકલ્‍પ સમાધિવાળો કહીએ અને જેને એવી રીતનો વિકલ્‍પ ન હોય, ને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્‍ન રહેતો હોય, તેને નિવર્િકલ્‍પ સમાધિવાળો કહીએ.” પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, ” હે મહારાજ ! ભકિતમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્. અર્ચનં વન્દનં દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્’ એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભકિત કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્‍વરૂપને વિષે સદા સાકારપણાની દઢનિષ્‍ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્‍ઠા જાયજ નહિ, અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે, તો પણ ભગવાનના સ્‍વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્‍વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દેજ નહિ, એવી રીતે જેની દઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૦||