સારસિદ્ધિ કડવું - ૩૧

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:30pm

સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મનચિત્તવૃત્તિજી

હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી ।।૧।।

ઢાળ -

મહામતિ તે સંત ખરા, મૂકે નહિ મહારાજની મૂરતિ ।।

અખંડ રાખે ઉર વિષે, જાણી કમાણી મોટી અતિ ।। ર ।।

ચર્ણ જુવે તો ચર્ણ જોઈ રહે, ચિહ્ન જુવે તો જોઈ રહે ચિહ્ન ।।

નખ જુવે તો નખ જોઈ રહે, રહે ગર્ક મહાજળે જેમ મીન ।। ૩ ।।

ફણા ઘૂંટી પેનીને પેખી, લેખે જંઘા જોઈ તે સંત સુખ ।।

જાનું ઉરુને જોઈ રહે, જોતાં કટિ મટી જાયે દુઃખ ।। ૪ ।।

ઉદર નાભીને નીરખે, પેટ છાતી જુવે પ્રેમે કરી ।।

કંઠ તિલક કપોળ જોઈ, રાખે હરિમૂર્તિ ભાવે ભરી ।। પ ।।

શ્રવણ નયણ નાસિકા જોઈ, ભ્રકુટી ભાલને ભાળી રહે ।।

શીશે કેશ સુંદર વેષ, નખશિખ રૂપ નીહાળી રહે ।। ૬ ।।

એમ અખંડ એક વરતિ, મૂર્તિને મૂકતી નથી ।।

જેમ સરિતા સાગર સન્મુખ, ચાલતાં ચૂકતી નથી ।। ૭ ।।

અંગો અંગ અવલોકયા વિના, અણંુ અજાણ્યું પણ છે નહી ।।

સાંગોપાંગ સર્વે સુંદર, હરિ હૈયામાં ગયા રહી ।। ૮ ।।

તે જ જ્ઞાની તે જ ધ્યાની, જેને અખંડ રહે છે એમ ઉર ।।

જે જનને પ્રભુની મૂરતિ, રે’તી નથી અંતરથી દૂર ।। ૯ ।।

એથી ઉપરાંત અન્ય બીજા, જ્ઞાની તે કેને ગણિયે ।।

નિષ્કુળાનંદ એ ખરા જ્ઞાની, બીજા ભવે ભળ્યા જ્ઞાની ભણિયે ।। ૧૦ ।।કડવું ।।૩૧।।