તરંગઃ - ૮૦ - શ્રીહરિયે ધોળકા ને જેતલપુરના દેવોની પ્રતિષ્ઠા કરી

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:43am

પૂર્વછાયો

વૃત્તપુરીમાં વાલમજી, હવે શું કરેછે કામ । પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવા, વિપ્ર બોલાવ્યા તેઠામ ।।૧।। 

શાસ્ત્ર રીતે મુહૂર્ત જોયું, નક્કી કર્યું નિરધાર । જોઇતી સામગ્રી સર્વે, ને મેળવિયા ઉપચાર ।।૨।। 

મંડપ વેદિ કુંડ કર્યો, વેદ વિધિયે સાર । દેવ બ્રાહ્મણને પૂજીયા, શ્રીહરિયે તેહવાર ।।૩।। 

હર્ષ વડે હવન કર્યો, પ્રસન્ન થયો હુતાશ । શુભ વેળામાં મૂરતિયો, સ્થાપન કરી ઉજાસ ।।૪।।

 

ચોપાઇ

 

હવે બારસને દિને સાર, શુભ મુહૂર્તમાં નિરધાર । મધ્ય મંદિરમાં તતખેવ, સ્થાપ્યા લક્ષ્મીનારાયણ દેવ ।।૫।। 

રણછોડજીને પધરાવ્યા, મહાપ્રભુને મનમાં ભાવ્યા । તેથી ઉત્તર મંદિરમાંય, પ્રતિમાયો પધરાવી ત્યાંય ।।૬।। 

ભક્તિ ધર્મ પોતાનું સ્વરૂપ, તેમાં સ્થાપન કર્યું અનુપ । તથા દક્ષિણ મંદિર જેહ, અતિ સુંદર જગ્યા છે એહ ।।૭।। 

રાધાકૃષ્ણ કર્યા ત્યાં સ્થાપન, થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન । વળી તેમના સમીપમાંય, પોતાની મૂર્તિ સ્થાપીછે ત્યાંય ।।૮।। 

ઘણાં વાજીંત્ર તે સમે વાજે, વિપ્ર વેદઉચ્ચારથી ગાજે । વળી દુંદુભિ દેવ બજાવે, નભમારગે તે ગુણ ગાવે ।।૯।। 

પ્રેમે પૂજા કરીને વિભુયે, આરતી ઉતારી મહાપ્રભુયે । પછી બે ઘડી ત્યાં સ્થિર થયા, મૂર્તિયોના સામું જોઇ રહ્યા ।।૧૦।। 

ત્યારે તેમાંથી થયો પ્રકાશ, અતિ તેજ તેજનો ઉજાસ । તેજે મંદિર ભરાઇ ગયાં, જાણે દિવ્ય તેજોમય થયાં ।।૧૧।। 

તે દેખીને લક્ષાવધિ જન, અતિ આશ્ચર્ય પામ્યા છે મન । પૂર્ણાહુતિ કરાવી છે છેલે, વિપ્રને જમાડ્યા અલબેલે ।।૧૨।। 

વળી આપ્યાં અપાર તે દાન, બ્રાહ્મણોને દેઇ દેઇ માન । સંત ભક્તને ત્યાં રૂડી રીતે, શ્રીહરિયે જમાડ્યા છે પ્રીતે ।।૧૩।। 

વળી પુરના વાસી જે જન, તેમને કરાવ્યાં છે ભોજન । સૌને તૃપ્ત કર્યા ભલે ભાવે, વિક્તિવડે મનોહર માવે ।।૧૪।। 

હવે આવ્યા છે જે હરિજન, તેણે કર્યું પ્રભુનું પૂજન । વસ્ત્ર ઘરેણાં ચંદન સાર, રૂડા પેરાવ્યા પુષ્પના હાર ।।૧૫।। 

પછે વૈરાટપુરના જન, રેવાશંકર આદિ પાવન । તેમણે આવી કર્યું સ્તવન, બોલ્યા નમ્રતાથી તે વચન ।।૧૬।। 

હે કૃપાનાથ શ્યામ સુંદિર, અમારે ત્યાં થયું છે મંદિર । પ્રતિષ્ઠા માટે પધારો આજ, કરો સફળ અમારાં કાજ ।।૧૭।। 

એવાં ભક્તનાં સુણીને વેણ, થયા તૈયાર શ્રીસુખદેણ । સંત હરિજન સાથે છેલો, ધોળકે પધાર્યા અલબેલો ।।૧૮।। 

અધ્વમાં આવે ભક્તનાં ગામ, તેને સુખ દેતા થકા શ્યામ । ધોળકે પોંચ્યા શ્રીઅવિનાશ, મંદિરમાં જઇ કર્યો નિવાસ ।।૧૯।। 

ત્યાંના વાસી સર્વે પ્રેમી દાસ, શ્રીજી સેવામાં રહે છે પાસ । શ્રીહરિયે ધાર્યું મનમાંય, બ્રાહ્મણોને બોલાવ્યા છે ત્યાંય ।।૨૦।। 

શુભ મુહૂર્ત પૂછ્યું તે વાર, ભેગા કરાવ્યા સૌ ઉપચાર । મંડપ વેદિ કુંડ રચાવ્યો, મહોત્સવ મોટો ત્યાં કરાવ્યો ।।૨૧।। 

પંચમીને દિ મધ્ય મંદિર, રાધિકાયે સહિત સુંદિર । રૂડા મોરલીમનોહર દેવ, તેમાં પધરાવ્યા તતખેવ ।।૨૨।। 

તેની દક્ષિણ બાજુમાં સોય, નિજ મૂર્તિ પધરાવી જોય । તેથી દક્ષિણ મંદિરમાંય, પોેતાની શય્યા સ્થાપીછે ત્યાંય ।।૨૩।। 

વામ મંદિરમાં વળી એવ, સ્થાપ્યા નિલકંઠ મહાદેવ । કરી સર્વેની આરતી જોતે, શ્રીહરિવરે સુંદર પોતે ।।૨૪।। 

મહોત્સવ કર્યો છે તે સ્થળે, પૂજા પ્રેમે કરી છે નિર્મળે । તેજ પોતાનું અશરણ શરણ, તે મૂર્તિઓમાં કર્યું ધારણ ।।૨૫।। 

પૂર્ણાહુતિ કરી છે પાવન, બ્રાહ્મણોને કરાવ્યાં ભોજન । દાન દીધાં વિવિધ પ્રકાર, દક્ષિણાઓ આપી છે અપાર ।।૨૬।। 

વ્હાલો પ્રતિષ્ઠા ત્યાં કરી રહ્યા, પછે ચાલવા તૈયાર થયા । સંત હરિજન સાથે છેલો, ગઢપુરે આવ્યા અલબેલો ।।૨૭।। 

ત્યાં રહ્યા થકા અક્ષરાતીત, કરે છે લીલા અપરિમિત । કૃષ્ણ સેવાની રીત તમામ, પ્રવર્તાવે છે ઠામોઠામ ।।૨૮।। 

તે સમે આનંદાનંદ સ્વામી, કહે શ્રીહરિને કરભામી । જેતલપુરે થયું મંદિર, ત્યાં પધારોજી શ્યામ સુંદિર ।।૨૯।। 

પ્રતિષ્ઠા કરો આવી તે ઠાર, ધામધુમથી ધર્મકુમાર । એવું સુણી અખંડ અજીત, થયા તૈયાર સર્વે સહિત ।।૩૦।। 

જેતલપુરે ગયા મોહન, મંદિરમાં ઉતર્યા જીવન । બ્રાહ્મણોને પૂછ્યું તેહવાર, કર્યો મુહૂર્તનો નિરધાર ।।૩૧।। 

અષ્ટમીને દિને અતિ શુદ્ધ, તે વિષે પધરાવ્યા વિબુધ । મધ્ય મંદિરમાં તતખેવ, સ્થાપ્યા રેવતી ને બલદેવ ।।૩૨।। 

જોડે પોતાની મૂર્તિ સારી, તેનું સ્થાપન કર્યું મુરારી । દક્ષિણ બાજુ મંદિર વિષે, રાધાકૃષ્ણ સ્થાપ્યા છે તે વિષે ।।૩૩।। 

ડાબી બાજુનું મંદિર જ્યાંય, સુખશય્યા કરી છે તે માંય । એમ સ્થાપના કરી મુરારી, પછે દેવની આરતી ઉતારી ।।૩૪।। 

વળી પોતાનું તેજ અપાર, મૂર્તિયોમાં મુક્યું તેણીવાર । પૂર્ણાહુતિ કરી છે ત્યાં પ્રીતે, વિપ્રોને જમાડ્યા રૂડી રીતે ।।૩૫।। 

માનપૂર્વક આપ્યાં છે દાન, દક્ષિણાઓ આપી છે નિદાન । એમ જેતલપુર મોઝાર, વ્હાલે વરતાવ્યો જેજેકાર ।।૩૬।। 

જીર્ણગઢથકી તેહવાર, બોલાવ્યા નારાયણજી સુતાર । પ્રતિમાઓ કરાવી તે પાસ, રાધાકૃષ્ણતણી જે હુલાસ ।।૩૭।। 

વળી પોતાની એજ પ્રમાણે, ચિત્રની કરાવી છે તેટાણે । નરનારાયણની તે એવી, કરાવી મૂર્તિયો જોયે તેવી ।।૩૮।। 

ચિત્રકલા દેખીને ઉજાસ, ઘણા રાજી થયા અવિનાશ । નારાયણજીને આપ્યો શિરપાવ, અતિ આનંદથી કરી ભાવ ।।૩૯।। 

ઘણાં વસ્ત્રને ઘરેણાં સાર, વળી રૂપૈયા આપ્યા અપાર । મૂર્તિયો કરાવીછે જેહ, કાગળ પર છપાવી તેહ ।।૪૦।। 

સ્વહસ્તે કરી પ્રમાણ સોય, ભક્તને આપી પૂજવા જોય । શ્રીહરિના બંધુવર્ગ જાણો, છુપૈયાથી આવ્યા છે પ્રમાણો ।।૪૧।। 

રામપ્રતાપ ને ઇચ્છારામ, તેમને રેવું છે આઠામ । જીવતાં સુધી શ્રીહરિસંગે, પોતાને રહેવું છે ત્યાં ઉમંગે ।।૪૨।। 

એમ જાણ્યું પોતે અવિનાશે, બે બંધુને રાખ્યા નિજપાસે । ગોપાળાનંદ અને નંદરામ, એમને આજ્ઞા આપીછે શ્યામ ।।૪૩।। 

તે ગયા છુપૈયાપુરમાંય, શ્રીહરિનું જન્મસ્થાન ત્યાંય । વાલિડો કરી મન વિચાર, રહ્યા છે ગઢપુર મોઝાર ।।૪૪।। 

વસંત પંચમીનો ઉત્સવ, ત્યાં રહી કરવા ધાર્યો ભવ્ય । મહાપ્રભુએ પત્ર લખાવ્યા, સંત હરિજનને તેડાવ્યા ।।૪૫।। 

દેશોદેશથી સેવક સંત, સઘળા આવી મળ્યા મહંત । પછે રંગ ગુલાલ ઉડાડે, નિજ સેવકને ત્યાં રમાડે ।।૪૬।। 

રંગ ઉડાડ્યો છે ઘણીવાર, કીર્તન ગવરાવ્યાં તે ઠાર । પછે ગાતા થકા રંગરેલ, ઘેલે ન્હાવા ગયા અલબેલ ।।૪૭।। 

ખળખળિયામાં કર્યું સ્નાન, ઉતારે પધાર્યા ભગવાન । ત્યારે થયાં ભોજન તૈયાર, સર્વે સાથે જમ્યા તેણીવાર ।।૪૮।। 

એમ કરે ચરિત્ર અજીત, નિજ સેવકનું કરે હિત । સભા કરીછે શ્રીઘનશ્યામે, સંત ભક્ત સહિત તે ઠામે ।।૪૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તકશ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ધોળકા ને જેતલપુરના દેવોની પ્રતિષ્ઠા કરી એ નામે એંશીમો તરંગઃ ।।૮૦।।